આ અરેન્જમેન્ટને લાંબા કન્ટેનરમાં સાઇડ ટેબલ પર પણ સજાવી શકાય છે. આ કૅન્ડલ્સને ઘરની અંદર સેન્ટરપીસ તરીકે અને આઉટડોર સેટિંગમાં સ્વિમિંગ-પૂલ કે માટીના મોટા વાસણમાં ભરેલી રાખવાથી સારી લાગશે. જોઈએ કેટલીક ટ્રિક્સ અને ટિપ્સ.
શું જોઈશે?
- બજારમાં મળતી જુદા-જુદા શેપની ફ્લોટિંગ કૅન્ડલ્સ
- કન્ટેનર
- પાણી
- ફૂડ-કલર
- ફૂલ
સૌથી પહેલાં જગ્યા પ્રમાણે સૂટેબલ હોય એવું કાચનું કે તાંબા-પિત્તળનું કન્ટેનર પસંદ કરો. એક સેન્ટરપીસ ક્યારેય ૧૨ ઇંચથી વધારે ઊંચું ન હોવું જોઈએ, કારણ કે જો હાઇટ વધારે હશે તો વ્યુ બ્લૉક કરશે. એક મોટો કાચનો સર્વિંગ બાઉલ યોગ્ય રહેશે, પણ એનો વ્યાસ પણ ટેબલને આખો કવર ન કરે એટલો હોય એનું ધ્યાન રાખવું. સાઇડ ટેબલ હોય તો લાંબા ગ્લાસ પણ રાખી શકાય.
તમારા ઘરની થીમ અને કલર અનુસાર ફ્લોટિંગ કૅન્ડલ પસંદ કરો. ફ્લોટિંગ કૅન્ડલમાં ફૂલોના શેપની કૅન્ડલ મળે છે જે ખૂબ સુંદર લુક આપે છે. થોડા છીછરા કન્ટેનરમાં આવી જુદા-જુદા શેપની કૅન્ડલ્સ અને થોડાં રિયલ ફ્લાવર્સ રાખી શકાય, પણ જો ઊંચા કન્ટેનરમાં કૅન્ડલ્સ રાખવી હોય તો ધ્યાન રાખો કે જેટલી તરતી કૅન્ડલ્સ સુંદર હોય એટલું ગ્લાસના બૉટમમાં પણ સુંદર ડેકોરેશન અરેન્જ કરવું પડશે.
કન્ટેનરને પાણીથી એક યોગ્ય લેવલ સુધી ભરો. ક્લિયર કાચના બનેલા નાની હાઇટના બાઉલ જ્યારે અડધે સુધી ભરવામાં આવે છે ત્યારે ખૂબ સુંદર લુક આપે છે. જો તાંબા-પિત્તળના કે માટીના બાઉલ હોય તો એને કિનારીથી એક ઇંચ નીચે સુધી ભરો, જેથી કૅન્ડલ જોઈ શકાય. ઊંચા ગ્લાસમાં પણ કિનારીથી એક ઇંચનો ભાગ ખાલી રાખવો. થોડો ડ્રામેટિક લુક આપવા માટે કાચના ત્રણ લાંબા ગ્લાસને જુદા-જુદા ત્રણ લેવલ સુધી ભરો.
એને થોડો વધારે ક્રીએટિવ ટચ આપવા માટે પાણીમાં થોડો ફૂડ-કલર ઉમેરો જેથી પાણી રંગીન બને. પાણીને ખૂબ ડાર્ક ન બનાવવું. ફક્ત એક જ ડ્રૉપ કલર પણ પૂરતો છે, જેથી પાણી ભલે રંગીન હોય પણ એની ટ્રાન્સપરન્સી જળવાઈ રહે. આવા રંગીન પાણીમાં સિલ્વર અને ગોલ્ડન કલરની કૅન્ડલ્સ સારો લુક આપે છે.
જો અરોમા થેરપીના ફૅન હો તો અરોમૅટિક કૅન્ડલ પણ બજારમાં મળે છે. આવી કૅન્ડલ જેમ સળગશે એમ ઘરમાં સુગંધ ફેલાવશે. આમ આ અરોમૅટિક કૅન્ડલ્સ સુંદરતા અને સુગંધ બન્નેનું કૉમ્બિનેશન છે.
જો ફક્ત ટ્રેડિશનલ ડેકોર ન કરવું હોય તો ફૂલોની જગ્યાએ લીંબુ કે સંતરાં-મોસંબી જેવાં ફળોની ગોળ સ્લાઇસ કાપીને પાણીમાં ફ્લોટ કરી શકાય. આ ઉપરાંત ગુલાબની પાંખડીઓ કે એકાદ કમળ સારું લાગશે. જો કન્ટેનર ઊંચું હોય તો તળિયામાં નાના શંખ કે મોતી અને બીડ્સ પણ નાખી શકાય. એ જોવામાં વધુ અટ્રેક્ટિવ લાગશે. અહીં ધ્યાન ફક્ત એટલું રાખવાનું છે કે કન્ટેનર ઓવરક્રાઉડેડ ન થાય. કૅન્ડલ્સ જેટલી ફરી શકશે એટલો જ લુક સારો આવશે. જો વધુપડતા પ્રમાણમાં ફૂલો નાખીને કન્ટેનર ભરી દેશો તો ફ્લોટિંગ કૅન્ડલનો કૉન્સેપ્ટ રહેશે જ નહીં.
મોટી કૅન્ડલ્સને ઘરની બહાર પૂલમાં કે માટીના મોટા છીછરા કન્ટેનરમાં ફ્લોટ કરી શકાય. મોટી સાઇઝની કૅન્ડલ લાંબો સમય સુધી ચાલશે જેથી એને અધવચ્ચે તહેવારની મજા બગાડીને રિપ્લેસ પણ નહીં કરવી પડે.
દીવાનું સબ્સ્ટિટ્યૂટ
જેલી વૅક્સ કૅન્ડલ્સ : આ પણ કૅન્ડલનો જ એક પ્રકાર છે જે ઘરે પણ બનાવી શકાય છે તેમ જ બજારમાં રેડીમેડ પણ મળે છે. જેલી વૅક્સ બજારમાં મળે છે. આ જેલી વૅક્સને ઓગાળીને એમાં રંગ મિક્સ કરી શકાય તેમ જ જરી પણ નાખી શકાય. જેલી કૅન્ડલ્સને કાચના પારદર્શક નાના-નાના ગ્લાસિસ કે બાઉલ્સમાં બનાવવી. પારદર્શક કાચમાં જેલી કૅન્ડલ્સ ખૂબ આકર્ષક લાગશે. આ કૅન્ડલ્સ દીવાના સબ્સ્ટિટ્યૂટ તરીકે ખૂબ સારી રહેશે. દીવામાં તેલ પૂરતા રહેવાની ઝંઝટમાંથી મુક્ત થવા માટે આ કૅન્ડલ્સ સરસ ઑપ્શન છે.