ક્યારે જરૂરી છે તાવની દવા?

Published: 28th November, 2012 06:07 IST

તાજેતરનું એક રિસર્ચ કહે છે કે ફીવર તો બાળકનો ફ્રેન્ડ ગણાય. શરીર જ્યારે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે પ્રતિકાર કરી લડત આપે છે ત્યારે એનું તાપમાન વધે છે, જેને આપણે તાવ કહીએ છીએ. એ બીમારી નથી પરંતુ શરીરે આપેલી પ્રતિક્રિયાનું જ લક્ષણ છેજિગીષા જૈન

શરદી ઉધરસ થયાં હોય તો ઘણા લોકો એને લાઇટલી લેતા હોય છે કે શરદી-ઉધરસ તો થાય, એમાં દવા લેવાની શી જરૂર? પરંતુ જેવું શરીર થોડું ગરમ લાગે કે તેઓ સિરિયસ થઈ જાય છે. ઓહો! તાવ આવે છે... હવે તો દવા લેવી જ પડશે. તાવ આપણા માટે મોટી બીમારીસમો અને ગભરાટનો વિષય છે. નાના બાળકનું પણ કપાળ અને હાથ-પગનાં તળિયાં થોડાં ગરમ હોય તો મા-બાપ માટે એ ચિંતાનો વિષય બની જતો હોય છે. એ તાવને ઉતારવા માટે મા-બાપ તત્પર બની જતાં હોય છે, પરંતુ ‘પીડિયાટ્રિક્સ’ નામના જર્નલમાં છપાયેલા એક તાજા રિપોર્ટ મુજબ બાળકને આવતો તાવ એક ફિઝિયોલૉજિકલ મેકૅનિઝમ છે, જે ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ છે. તેમ જ વધુમાં અનુસાર તાવ ઉતારવાની પ્રોસેસ સાજા થવામાં નડતરરૂપ થઈ શકે છે.

વધુમાં રિસર્ચરો મુજબ તાવ દ્વારા બીમારી વણસી જાય અથવા તો કોઈ ન્યુરોલૉજિકલ કૉમ્પ્લિકેશન આવી શકે એ વાતને સાબિત કરતા એકેય પુરાવાઓ તેમને રિસર્ચ દરમ્યાન મળ્યાં નથી. આમ રિપાર્ટ જણાવે છે કે તાવ આવે ત્યારે બૉડી ટેમ્પરેચર નૉર્મલ કરવા કરતાં બાળકને સંપૂર્ણ રીતે આરામ મળે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું મૂળભૂત લક્ષ્ય હોવું જોઈએ. વળી, તાવને કારણે આવતી વધુ પડતી ઊંઘ પણ રિકવરીમાં ઘણી જ મદદગાર સાબિત થાય છે.

શારીરિક પ્રક્રિયા

તાવ આવવા પાછળનું જવાબદાર કારણને સાદી ભાષામાં સમજાવતાં પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘જ્યારે બહારના વાતાવરણમાંથી કોઈ પણ પ્રકારના કીટાણુ એટલે કે વાઇરસ કે બૅક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણું શરીર એનો વિરોધ કરે છે. રક્તમાં રહેલા શ્વેતકણો આપણા શરીરના બૉડીગાર્ડ્સ છે, જે આ બહારથી આવતા વાઇરસ કે બૅક્ટેરિયા સામે લડે છે. આમ, આ લડત દરમ્યાન શરીરનું તાપમાન નૉર્મલ લેવલ કરતાં થોડું ઊંચું જાય છે. આમ આ આખી પ્રોસેસ ઇમ્યુન-સિસ્ટમનો એક ભાગ છે. એટલે કે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે શરીર જ્યારે પ્રતિકાર કરી લડત આપે છે ત્યારે શરીરનું તાપમાન વધે છે, જેને આપણે તાવ કહીએ છીએ.’

ગભરાવું નહીં


ઇન્ફેક્શન સામે લડત આપવાને કારણે જન્મતો તાવ શું શરીર માટે લાભદાયક છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘તાવને સારો કે ખરાબ ગણવાનો પ્રશ્ન નથી, કારણ કે એ શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. વળી, એ કોઈ બીમારી નથી, પરંતુ એક લક્ષણ છે. જોકે તાવમાં લોકો ગભરાઈ વધારે જાય છે. વ્યક્તિના શરીરનું આદર્શ તાપમાન ૯૮.૬જ્ માનવામાં આવે છે. આ તાપમાન વધીને ૧૦૦જ્ સુધી જાય ત્યાં સુધી ચિંતાનું કોઈ કારણ હોતું નથી. આમ, જ્યારે પણ લાગે કે શરીર ગરમ છે અથવા તાવ જેવું લાગે છે ત્યારે સીધી દવા ન લેતાં થરમૉમિટર વાપરવું. તાપમાન જો ૧૦૦જ્થી ઓછું હોય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી, પરંતુ એ સમયે ખાસ કરીને બાળકને પૂરતું કમ્ફર્ટ આપવાની જરૂર હોય છે. એ જોવું ખાસ જરૂરી છે કે બાળક ખોટું હેરાન ન થાય.’

૧૦૦થી નીચું તાપમાન

૧૦૦જ્થી નીચેના તાપમાનમાં તાવની દવા લેવી જરૂરી છે કે નહીં એ વિશે સમજાવતાં ડૉ પંકજ કહે છે, ‘૧૦૦જ્થી નીચે તાપમાન હોય ત્યારે શરીરને મોટા ભાગે દવાની જરૂર હોતી જ નથી. ખાસ કરીને પુખ્ત વયના લોકોને તો નથી જ પડતી. જ્યાં સુધી બાળકનો સવાલ છે, જો બાળક કશું ખાતું ન હોય કે તેને ઊલટી થતી હોય અથવા કોઈ સંજોગોમાં મા-બાપને લાગે કે તે તકલીફમાં છે અને સતત રડતું હોય તો તેને ડૉક્ટર પાસે લઈ જવું જરૂરી છે, પરંતુ જો બાળક રમતું હોય અને બરાબર જમી શકતું હોય તો તેને દવાની બિલકુલ જરૂર હોતી નથી.’

જ્યારે નવજાત શિશુમાં તાવ વિશે જાણકારી આપતાં તેઓ કહે છે, ‘ત્રણ માસના બાળકમાં ઇમ્યુનિટી ડેવલપ નથી થઈ હોતી. આમ જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે તેનું શરીર ઠંડું પડી જાય છે. નવજાત બાળકનું શરીર જરા પણ ગરમ કે ઠંડું થાય તો તરત જ ડૉક્ટરને બતાવવું જરૂરી છે.’

ટ્રીટમેન્ટ ક્યારે જરૂરી?

જો શરીરનું તાપામન ૧૦૦જ્થી વધુ થઈ જાય તો વ્યક્તિને દવાની જરૂર પડે છે એ વાત સમજાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘એ વાત સાચી કે શરીર રોગનો પ્રતિકાર કરે છે એટલે શરીરનું તાપમાન વધે એ એક નૉર્મલ પ્રોસેસ છે, પરંતુ શરીરને વધુ તાપમાન સહન કરવાની આદત હોતી નથી. આથી જ્યારે ૧૦૦જ્થી વધુ તાપમાન જાય ત્યારે શરીર રેસ્ટલેસ થઈ જાય, ખુબ થાક લાગે, ભૂખ ઓછી થઈ જાય, ઊલટી થાય, ખાવાનું ભાવે નહીં, કળતર થાય વગેરે... નાના બાળકનું શરીર જો વધારે તાપમાન સહી ન શકે તો તેમને તાણ-આંચકી આવવાનો ડર પણ રહે છે. આમ ૧૦૦જ્થી વધુ તાપમાન હોય તો દવા લેવી જરૂરી બને છે.’

કુદરતી રીતે રિકવર થવા દેવું

થોડું શરીર ગરમ લાગે ત્યારે લોકો ઘરનાં બારી-બારણાં બંધ કરી ધાબળાં ઓઢીને સૂઈ જતા હોય છે. જો બાળકને તાવ આવે તો ગરમ કપડાંથી એના આખા શરીરને ઢાંકી દેતા હોય છે. આ પદ્ધતિઓને નકારતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘જો તાવ સાથે ધ્રુજારી આવતી હોય અને ઠંડી લાગતી હોય તો જ આ બધા ઉપાય બરાબર છે, બાકી નહીં. જનરલી તાવ આવે ત્યારે આપણે ઠંડા પાણીનાં પોતાં મૂકીએ છીએ. એટલા માટે કે શરીરને ઠંડક મળે. તાવ આવે ત્યારે શરીરને કુદરતી રીતે ઠંડું કરવાના પ્રયત્નો આવકારદાયક છે. આમ તાવ આવ ત્યારે ખુલ્લી હવામાં ફરવું જોઈએ. સુતરાઉ અને ખુલ્લાં કપડાં પહેરવાં વધુ વાજબી રહેશે. આ ઉપરાંત તાવમાં કોઈ પણ પ્રકારના ફૂડ રિસ્ટ્રિક્શનની જરૂર હોતી નથી. ઘરનો બનેલો કોઈ પણ પ્રકારનો તાજો ખોરાક ખાઈ શકાય છે.’

પૅરાસિટામૉલ હાનિકારક નથી

રિસર્ચ મુજબ શરીરનું ટેમ્પરેચર ઓછું કરવા માટે અપાતી દવાઓ શરીરને સાજા થવાની પ્રોસેસ માટે નડતરરૂપ છે એ બાબાતે ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આપણે ત્યાં ૧૦૦જ્થી ઉપર તાવ આવે ત્યારે મોટા ભાગના ડૉક્ટર ‘પૅરાસિટામૉલ’ દરદીને દવા તરીકે આપતા હોય છે, જે બૉડીના ટેમ્પરેચરને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. આ દવાની શરીરની ઇમ્યુન-સિસ્ટમ પર કોઈ અસર થતી નથી. આમ એ સુરક્ષિત દવા છે. એનાથી ઊલટું જો બાળકની વાત કરીએ તો જ્યારે ટેમ્પરેચર કન્ટ્રોલમાં આવે ત્યારે બાળક વ્યવસ્થિત ખોરાક લઈ શકે છે. ખોરાક તેની ઇમ્યુન-સિસ્ટમને વધુ પ્રબળ બનાવે છે, જેથી તે ઇન્ફેક્શન સામે લડી શકે.’

વળી, રિસર્ચ મુજબ તાવમાં આવતી ઊંઘને કારણે જો બાળક સૂઈ રહે તો રિકવરી ફાસ્ટ થાય એ બાબતે તેઓ કહે છે, ‘બાળકનું સૂઈ રહેવું ઘણી જ સારી બાબત છે. આમ તેને આરામ મળી રહે છે, પરંતુ દવાનો સમય થાય ત્યારે તેને ઉઠાડવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે ઘણી વખત તાવ વધી જાય અને ઊંઘમાં જ બાળકને આંચકી આવી શકવાના કિસ્સા પણ બનતા હોય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK