Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૩૫ની ઉંમર વટાવ્યા બાદ ફીલ-ગુડ વિથ કલરફુલ

૩૫ની ઉંમર વટાવ્યા બાદ ફીલ-ગુડ વિથ કલરફુલ

01 September, 2020 11:11 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

૩૫ની ઉંમર વટાવ્યા બાદ ફીલ-ગુડ વિથ કલરફુલ

૩૫ની ઉંમર વટાવ્યા બાદ ફીલ-ગુડ વિથ કલરફુલ

૩૫ની ઉંમર વટાવ્યા બાદ ફીલ-ગુડ વિથ કલરફુલ


ફૅશન જગતમાં અત્યારે પેસ્ટલ કલર્સ ટ્રેન્ડમાં છે છતાં મિડલ એજની મોટા ભાગની મહિલાઓ આજે પણ ફૅમિલી-ફંક્શન અને ફેસ્ટિવલમાં રેડ, યલો, ગ્રીન, મરૂન જેવા ટ્રેડિશનલ કલર્સનાં વસ્ત્રો પહેરવાનું વધુ પસંદ કરે છે. પરંપરાગત રંગો પ્રત્યે મહિલાઓના લગાવ પાછળ કઈ સાઇકોલૉજી કામ કરે છે તેમ જ તેમની ઓવરઑલ ઇમેજમાં કલર્સના રોલ વિશે એક્સપર્ટ સાથે વાત કરીએ

ભારતમાં વારતહેવારે અને શુભ પ્રસંગોમાં મહિલાઓ રેડ, ગ્રીન, પર્પલ, મરૂન જેવા ડાર્ક કલર્સ પહેરવાનું વધુ પસંદ કરે છે. મોટા ભાગની મહિલાઓને આવા ભડકીલા રંગો આકર્ષે છે અને તેમને ખાસ્સી કૉમ્પ્લીમેન્ટ્સ પણ મળતી હોય છે. જોકે, યંગ જનરેશન વળી જુદા જ ટ્રેન્ડને ફૉલો કરતી જોવા મળે છે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે ૩૫થી ૫૦ની એજ-ગ્રુપની મહિલાઓએ રેડ કલરનો
ડ્રેસ પહેર્યો હોય, જ્યારે તેમની યંગ દીકરીઓ ગ્રે, બ્લુ કે બ્લૅક જેવા મોનોક્રૉમ કલરનાં વસ્ત્રો પહેરે છે. આવાં દૃશ્યો સામાન્ય છે ત્યારે સહેજે પ્રશ્ન થાય કે શું વધતી ઉંમરમાં ડાર્ક કલર શોભે છે? આ સવાલનો જવાબ મેળવવા એક્સપર્ટ સાથે વાત કરીએ...
સ્ટિરિયોટાઇપ થિન્કિંગ
યસ, આજે પણ ૩૫થી ૫૦ની એજ-ગ્રુપમાં ટ્રેડિશનલ કલર્સ વધુ ચાલે છે. ઇન્ડિયન કલ્ચર ઘણું જુદું છે. ગુજરાતી, મારવાડી, પંજાબી, બંગાળીઓમાં ડાર્ક કલરનો ક્રૅઝ હંમેશાંથી જોવા મળે છે. કલરની પસંદગીમાં લગ્નપ્રસંગ, ધાર્મિક પરંપરાઓ અને વાસ્તુશાસ્ત્રનો બહુ મોટો રોલ હોવાથી આ ઉંમરની મહિલાઓ નવા કલર્સ ટ્રાય કરતા અચકાય છે, એવો મત વ્યક્ત કરતાં અંધેરીનાં ઇમેજ કન્સલ્ટન્ટ મોના શેઠ કહે છે, ‘દરેક મહિલાને આકર્ષક અને સુંદર દેખાવું ગમતું હોય છે. તારા પર રેડ કલર બહુ મસ્ત લાગે છે. યેલો સાડીમાં તારું રૂપ ઓર ખીલી ઊઠે છે. આવી કમેન્ટ્સ મળી હોય પછી મગજમાં બેસી જાય છે કે મારા પર આ જ કલર સૂટ કરે છે. આ એજ-ગ્રુપની મહિલાઓએ શરૂઆતથી જ રેડ, યેલો, ગ્રીન, ઑરેન્જ જેવા ટ્રેડિશનલ કલરના ડ્રેસિસ પહેર્યાં હોવાથી અન્ય રંગોને કઈ રીતે હાઇલાઇટ કરી શકાય એ બાબત પૂરતી જાણકારી હોતી નથી. જોકે, તેમની
યંગ-એજમાં આવા કલર્સ ટ્રેન્ડમાં નહોતા એથી તેમના મગજમાં બેસી ગયું છે કે પિસ્તા, ગ્રે, પિન્ક, પીચ જેવા પેસ્ટલ કલર આપણને ન શોભે. આવા ડલ કલર પહેરવાથી ઉંમર વધુ દેખાય અને પ્રસંગની રોનક ઓછી થઈ જાય. આ પ્રકારની સ્ટિરિયોટાઇપ થિન્કિંગના કારણે તેઓ મર્યાદિત રંગોમાં જ રમે છે.’
કલર્સની ચૉઇસમાં મહિલાઓની માનસિકતા ભાગ ભજવી જાય છે એ વાત સાથે સહમત થતાં કાંદિવલીનાં ગ્રુમિંગ કોચ પાયલ સુરેખા કહે છે, ‘આપણા દેશમાં આજે પણ ૭૦ ટકા મહિલાઓ હોમમેકર છે. તેમને ફૅશન વર્લ્ડમાં શું ચાલે છે એનો આઇડિયા નથી. માસ ક્રાઉડ માટે નવા પ્રયોગોને ડાયજેસ્ટ કરવું અઘરું છે, એથી તેમનો ઝુકાવ લાઉડ કલર્સ તરફ વધુ રહે છે. પરંપરાગત રંગોમાં તમે આકર્ષણનું કેન્દ્ર બનીને રહો છો. લૅમન યેલો, ગ્રીન, રેડ આ બધા કલર્સમાં યંગ દેખાઓ છો એના કરતાં ભીડમાં જુદા તરી આવો છો એ લૉજિક કામ કરે છે. આ જ કારણસર મિડલ એજ-ગ્રુપની મહિલાઓ લેટેસ્ટ ટ્રેન્ડને ફૉલો કરતાં પહેલાં ૧૦૦ વાર વિચારે છે.’
લેટેસ્ટ કલર ટ્રેન્ડ
મિડલ એજ-ગ્રુપની મહિલાઓને ટ્રેડિશન કલર્સ ગમે છે તો બીજી તરફ યંગ જનરેશનને પેસ્ટલ કલર્સ વેલકમિંગ લાગે છે. તેમને નવું ટ્રાય કરવું અને ઓપન અપ થવું પસંદ છે. ગ્રે, પીચ, બ્લૅક, બ્લુ જેવા કલર્સ યંગ જનરેશનની ફર્સ્ટ ચૉઇસ બન્યા છે. આ સંદર્ભે વાત કરતાં મોના કહે છે, ‘યંગ જનરેશનને ઓપન અપ થવું ગમે છે.
વીસ-પચીસ વર્ષની ઉંમરમાં બ્યુટીને ઍન્હાન્સ કરવાના અનેક આઇડિયાઝ હોય છે એથી તેઓ નવા એક્સપરિમેન્ટ કર્યા કરે છે. જોકે આજની એજ્યુકેટેડ અને વર્કિંગ વિમેનમાં પેસ્ટલ કલર્સ પૉપ્યુલર બન્યા છે. વર્તમાન સમયમાં અનેક મહિલાઓ આઉટ ઑફ ધ બૉક્સ વિચારતી થઈ છે. પિસ્તા, ગ્રીન અને પીચ કલર્સમાં પણ તમે આકર્ષક દેખાઈ શકો છો એવી સમજણ ધીમે-ધીમે ડેવલપ થઈ રહી છે. એક સમયે ગ્રે અને પીચ મૅચ્યોર્ડ લોકોનો કલર કહેવાતો હતો. ફૅશન-ડિઝાઇનરો અને ઇમેજ-કન્સલ્ટન્ટની હેલ્પથી એમાં વૅલ્યુ એડિશન ઍડ કરવામાં આવતાં આજે આ કલર દરેક એજની મહિલાઓમાં લોકપ્રિય બન્યો છે. હવે ઘણી મહિલાઓ લગ્નપ્રસંગોમાં બ્રાઇડ કલર્સનાં વસ્ત્રો પહેરતી થઈ છે. કૉર્પોરેટ વર્લ્ડમાં આવા કલર ડિસન્ટ લુક આપે છે. પેસ્ટલ કલર્સની એન્ટ્રી થતાં ટ્રેડિશનલ કલર્સ આઉટડેટેડ નથી થયા, પરંતુ રેડ અને ગ્રીન કલરનું સ્થાન હવે ગોલ્ડન, કૉપર, મજંટા અને પપર્લ કલરે લઈ લીધું છે. વાસ્તવમાં કલર્સની ચૉઇસ સ્કીન ટૉન સાથે મૅચ થવી જોઈએ. તમારી ત્વચા સાથે મેળ ખાતા રંગનાં વસ્ત્રો પહેરશો તો આકર્ષક લાગશો. ડે ટૂ ડે લાઇફમાં તમારે જનરલ નૉલેજને અપ્લાય કરવાનો છે.’
હૅપીવાલી ફીલિંગ
તૈયાર થયા બાદ તમે અરીસામાં જુઓ અને દિલ ખુશ થઈ જાય એ કલર તમારી માટે શ્રેષ્ઠ પસંદગી છે. પાયલ કહે છે, ‘નવી પરણીને આવેલી વહુ જરીવાળાં ભપકાદાર વસ્ત્રોમાં સુંદર લાગે એવી જ રીતે ૪૦ની વયે તમે હેન્ડલૂમની સાદી સાડી, રેડ બાંધણી કે યેલો લહેરિયામાં પણ જાજરમાન દેખાઈ શકો છો. સામાન્ય રીતે ઉંમરની સાથે રંગોની પસંદગી બદલાય છે. તો અનેક મહિલાઓને ફુદીના જેવો ગ્રીન, કોરલ અને લૅમન યેલો કલર લાઇફટાઇમ ગમતો હોય છે. ફેંગસૂઈ અનુસાર યેલો સનસાઇનનો કલર છે. વૈજ્ઞાનિક તથ્યોના આધારે રંગ તમારા વર્તન અને મૂડને અસર કરે છે. ઘણી મહિલાઓને રેડ કે યેલો સાડી અથવા ડાર્ક કલરના ડ્રેસમાં હૅપીવાલી ફીલિંગ આવતી હોય તો એ કલર તેની માટે બેસ્ટ છે. ડે ટૂ ડે લાઇફમાં પણ નવતર પ્રયોગો કરતા રહેવાથી મૂડ સારો રહે છે. તમે કાયમ જે રંગનાં વસ્ત્રો પહેરતાં હો એમાં એક દિવસ અચાનક જુદો રંગ પહેરી જુઓ. રોજ કરતાં અલગ દેખાવાથી ઘરના સભ્યો જ કૉમ્પ્લીમેન્ટ્સ આપશે. આ રીતે તમારો કૉન્ફિડન્સ ડેવલપ થશે. હૅપિનેસ માટે કલરફુલ વસ્ત્રો ટ્રાય કરતાં રહેવું જોઈએ. ઘણી વાર કોઈ એક કલર તમારા આખા દિવસના મૂડને બદલી નાખે છે. પોતાની ખુશી માટે મહિલાઓએ કલર્સની લિમિટેશન્સમાંથી બહાર નીકળવું જોઈએ. જોકે, ઑડિયન્સની વચ્ચે જવાનું હોય ત્યારે બૉડી-શેપ, પોશ્ચર, હાઇટ, સ્કીન ટૉન અને એજ પ્રમાણે ક્યા રંગો શોભશે એ બાબત એક્સપર્ટ સાથે ચર્ચા કરી લેવાથી ફૅશનેબલ લાગશો અને બેસ્ટ કૉમ્પ્લીમેન્ટ્સ મળશે.’
ફેબ્રિકનો રોલ
ટ્રેડિશનલ કલર્સ આંખોને જોવા ગમે છે. રેડ કલર તરત નજરમાં આવી જાય છે, પરંતુ પ્રસંગ, સ્થળ અને ઑડિયન્સને ધ્યાનમાં રાખીને પહેરવું જોઈએ એવી ભલામણ કરતાં મોના કહે છે, ‘ડાર્ક કલર તમારી ઇમેજને પોટ્રેટ કરે છે, જે પૉઝિટિવ અથવા નેગેટિવ હોઈ શકે. નજરમાં આવવાની હોંશમાં તમારી છબી ખરાબ ન થવી જોઈએ. ટ્રેડિશનલ કલરમાં ફેબ્રિક કામ કરી જાય છે. કૉટન, જ્યૂટ અને સિલ્ક આ ત્રણેય ફેબ્રિકમાં રેડ કલર જુદો પડે છે. લાલ રંગ ક્યા ફેબ્રિકમાં પહેરવાથી સુંદર લાગશે એની ચીવટ રાખવી. રેડ જેવો જ કલર છે મજૅન્ટા અને પર્પલ. આ કલર પણ મધ્યમ ઉંમરની મહિલાઓ ખૂબ પહેરે છે. થોડા સમય પહેલાં એક ફંક્શનમાં ૪૫ની આસપાસની ઉંમરની મહિલા ડાર્ક પર્પલ કલરના ડ્રેસમાં ખૂબ આકર્ષક લાગતી હતી. આ ફંક્શનમાં ઘણી મહિલાઓએ આ કલર પહેર્યો હતો તેમ છતાં કૉમ્પ્લીમેન્ટ્સ તેને જ મળી એનું કારણ છે ફેબ્રિક. સિલ્ક મટીરિયલમાં ડાર્ક કલર્સ શોભે છે. મર્યાદિત રંગોમાં જ રમવાનું હોય ત્યારે મટીરિયલ પર ખાસ ધ્યાન આપવું.’
કલર્સ ઓવરઑલ પર્સનાલિટીને હાઇલાઇટ્સ કરે છે, સાથે તમારા મૂડ પર પણ ખાસ્સી અસર થાય છે. દરેક એજની મહિલાઓએ નવી સ્ટાઇલ અને ફૅશન સેટ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખી ફેવરિટ કલર્સને એન્જૉય કરવા જોઈએ.



કલરની પસંદગીમાં લગ્નપ્રસંગ અને પરંપરાઓનો રોલ હોવાથી મિડલ એજની મહિલાઓ નવા કલર્સ ટ્રાય કરતા અચકાય છે. શરૂઆતથી જ રેડ, યેલો, ગ્રીન જેવા ટ્રેડિશનલ કલરના ડ્રેસિસ પહેર્યાં હોવાથી તેમના મગજમાં બેસી ગયું છે કે પિસ્તા, ગ્રે, પિન્ક, પીચ જેવા ડલ કલરમાં ઉંમર વધુ દેખાય. જ્યારે યંગ જનરેશનને ઓપન અપ થવું ગમે છે. બ્યુટીને ઍન્હાસ કરવાના તેમની પાસે આઇડિયાઝ છે. જોકે ફૅશન-ડિઝાઇનરો અને ઇમેજ-કન્સલ્ટન્ટની હેલ્પથી વૅલ્યુ એડિશન ઍડ કરવામાં આવતાં હવે પેસ્ટલ કલરને દરેક એજની મહિલાઓ સ્વીકારતી થઈ છે.
- મોના શેઠ, ઇમેજ-કન્સલ્ટન્ટ


તૈયાર થયા બાદ અરીસામાં જુઓ અને દિલ ખુશ થઈ જાય એ કલર તમારી માટે શ્રેષ્ઠ છે. નવી પરણીને આવેલી વહુ જરીવાળાં વસ્ત્રોમાં સુંદર લાગે, એવી જ રીતે ૪૦ની વયે હેન્ડલૂમની સાડી, રેડ બાંધણી કે યેલો લહેરિયામાં પણ જાજરમાન દેખાઈ શકો છો. કલર્સ તમારા મૂડને અસર કરે છે એથી ડે ટૂ ડે લાઇફમાં હૅપિનેસ અને કૉન્ફિડન્સ ડેવલપ કરવા માટે નવા કલર્સ ટ્રાય કરતા રહેવું જોઈએ. ઑડિયન્સની વચ્ચે જવાનું હોય ત્યારે બૉડી-શેપ, સ્કીન ટૉન અને એજ પ્રમાણે કલર્સની પસંદગી કરવી.
- પાયલ સુરેખા, ગ્રુમિંગ કોચ


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2020 11:11 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK