સવાઈ ગુજરાતી ફાધર વૉલેસે વિદાય લીધી છે ત્યારે ઇશ્વરને એટલી જ પ્રાર્થના

Published: 10th November, 2020 15:27 IST | Deepak Mehta | Mumbai

મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો

ફાધર વૉલેસ
ફાધર વૉલેસ

જેને સવાઈ ગુજરાતીનું બિરુદ આપી શકાય એવા બે મહાનુભાવો વીસમી સદીમાં આપણને મળ્યા: એક, કાકાસાહેબ કાલેલકર અને બીજા ફાધર વૉલેસ. બન્નેએ કવિતા, નવલકથા, નાટક જેવાં સર્જનાત્મક સ્વરૂપોમાં કશું જ નથી લખ્યું. અને છતાં બન્ને મોટા ગજાના લેખક, પણ માત્ર લેખક નહીં. બન્ને અઠંગ કર્મઠ. કાકાસાહેબને ગાંધીવિચારની ઓથ. પણ એમાં બંધાઈ ન રહ્યા. ફાધર વૉલેસને ખ્રિસ્તી ધર્મભાવનાની આણ, પણ તેઓ એની આણમાં રહીને પણ એની સીમાની બહાર વિસ્તરતા રહ્યા. અને છતાં બન્નેએ પોતાનાં મૂળ સાબૂત રાખ્યાં.

આખું નામ કાર્લોસ ગૉન્ઝાલેઝ વૉલેસ. ૧૯૨૫ના નવેમ્બરની ચોથી તારીખે સ્પેન દેશના લોગરોના શહેરમાં જન્મ. એટલે થોડા દિવસ પહેલાં જ ૯૫મો જન્મદિવસ ગયો અને ૮ નવેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાતના બે વાગ્યે સ્વદેશમાં જ અવસાન થયું. પિતા જાણીતા એન્જિનિયર. દસ વરસની ઉંમરે પિતા ગુમાવ્યા. એ પછી છ મહિનામાં સ્પેનમાં આંતરવિગ્રહ ફાટી નીકળતાં માતા અને ભાઈની સાથે હિજરત કરી એક ચર્ચમાં આશરો લીધો અને એની સ્કૂલમાં ભણ્યા. ૧૫ વરસની ઉંમરે સર્વન્ટ્સ ઑફ જિઝસ સોસાયટીમાં જોડાઈ જેસુઈટ નોવટેટ એટલે કે ખ્રિસ્તી ધર્મના સેવક બન્યા. પૂર્વના કોઈ દેશમાં જઈને કામ કરવાની ઇચ્છા ધાર્મિક વડાઓ સમક્ષ રજૂ કરી. એટલે તેમને ૨૪ વરસની ઉંમરે ભારત મોકલવામાં આવ્યા. એ વખતે એ સંસ્થા અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી હતી. એટલે તેમને અમદાવાદ મોકલવાનું નક્કી થયું. અને ફાધરે ૧૯૬૦ ના મે મહિનાની પહેલી તારીખે પહેલી વાર અમદાવાદમાં પગ મૂક્યો. એ દિવસે જ નવા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને એ દિવસે જ ફાધર

વૉલેસના જીવનના એક નવા પ્રકરણની પણ શરૂઆત થઈ.

ક્યાં સ્પેનનું માદરે વતન અને ક્યાં અમદાવાદ! ગુજરાતી રહેણીકરણી, ખાનપાન, રીતરિવાજોથી સાવ અપરિચિત. ૨૪ વરસનો એ નવયુવાન પહેલાં તો વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટીમાં ચાર વરસ રહી ગુજરાતી શીખ્યો. પછી ફાધરખ્રિસ્તી ધર્મના શિક્ષણ માટે ચાર વરસ પુણે રહ્યા ત્યારે રોજના બે કલાક ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. રોજ લખે અને લખીને કચરાની ટોપલીમાં જાતે જ પધરાવી દે! આ બધું ભણવાનું પૂરું થતાં ૧૯૫૮ના એપ્રિલની ૨૪ તારીખે સત્તાવાર રીતે ‘ધર્મગુરુ’ (પ્રિસ્ટ) બન્યા. ૧૯૬૦માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિત ભણાવવાનું શરૂ કર્યું તેની સાથોસાથ ગુજરાતના લોકો, જીવન, સંસ્કૃતિ વગેરેને ઓળખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મુશ્કેલીઓ તો આવી. નવી શરૂ થયેલી કૉલેજ, અને તે પણ એક ખ્રિસ્તી સંપ્રદાયે શરૂ કરેલી. એ વખતે ઘણા લોકો ખ્રિસ્તી ધર્મ-સંસ્થાઓ અને તેના પાદરીઓ સામે શંકાભરી નજરે જોતા. પણ પોતાની સાચકલાઈ અને નિષ્ઠાથી ફાધર વૉલેસ અવરોધોને ઓળંગતા ગયા. વિદેશી ભાષાના ઉચ્ચારોની છાંટવાળું ગુજરાતી બોલતા થયા એટલું જ નહીં, ગુજરાતીમાં નાના-નાના લેખો લખવા લાગ્યા. એવા લેખોનું પહેલું પુસ્તક તૈયાર થયું એને નામ આપ્યું ‘સદાચાર.’ એક પ્રકાશક પાસે હસ્તપ્રત લઈને ગયા, પણ નામ જોઈને જ તેમણે મોઢું મચકોડ્યું : ‘સદાચાર’ જેવા શુષ્ક, સીધાસાદા નામવાળું પુસ્તક કોઈ ખરીદે શા માટે? અને તેમણે ફાધરની નજર સામે હસ્તપ્રત જમીન પર ફેંકી દીધી અને કહ્યું : ‘આવું પુસ્તક કોઈ વાંચે જ શા માટે? અને એ પણ પાછું એક ખ્રિસ્તી પાદરીએ લખેલું!’ એટલે વતનથી માતા પાસે પૈસા મગાવી પોતાને ખર્ચે ૧૯૬૦માં એ પુસ્તક છપાવ્યું. વેચ્યા કરતાં વહેંચ્યું વધુ. પણ લોકોને, ખાસ કરીને યુવાનોને, પુસ્તક ગમી ગયું. પછી તો ત્રણ ભાષામાં એની કુલ વીસ આવૃત્તિ પ્રગટ થઈ. ત્રણે ભાષામાં મૂળ નામ જ કાયમ રાખેલું, ‘સદાચાર.’

પછી અમદાવાદથી પ્રગટ થતા ‘કુમાર’ માસિકમાં લેખો લખવાનું શરૂ કર્યું. વરસને અંતે આ લેખો માટે ‘કુમાર ચંદ્રક’ એનાયત થયો. પછી અમદાવાદના એક અખબારની રવિવારની પૂર્તિમાં ‘નવી પેઢીને’ નામની કૉલમ લખવાનું શરૂ કર્યું અને ફાધરની વાતો ઘર ઘરના લોકો – ખાસ કરીને યુવાનો – સુધી પહોંચી. હવે પ્રકાશકો ફાધર વૉલેસનાં પુસ્તકો છાપવા પડાપડી કરવા લાગ્યા. પણ ફાધરે એમાંથી એક જ પ્રકાશકને પસંદ કર્યા અને છેલ્લી ઘડી સુધી ગુજરાતી પુસ્તકોના પ્રકાશન માટે તેઓ એ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયને જ વળગી રહ્યા. તેમનાં ગુજરાતી પુસ્તકોની સંખ્યા ૭૦ કરતાં વધુ થવા જાય છે. ગુજરાત સરકારનાં ઇનામો ઉપરાંત ૧૯૭૮માં ફાધર વૉલેસને રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો.

કૉલેજમાં ગુજરાતીમાં ગણિત ભણાવતા હતા, ગુજરાતી છાપામાં કૉલમ લખતા હતા, ગુજરાતી પુસ્તકો ધૂમ વેચાતાં હતાં. છતાં ફાધરને લાગ્યું કે પોતે ગુજરાતી લોકો સાથે હજી સમરસ થયા નથી. કૉલેજની ખ્રિસ્તી પાદરી-અધ્યાપકો માટેની હૉસ્ટેલમાં રહેતા હતા ત્યાં ઘણે અંશે પશ્ચિમી વાતાવરણ, રહેણીકરણી, ખાનપાનની સગવડ હતી. એમાં ગુજરાતીપણું ઓછું. એટલે તેમણે ૧૯૭૩માં હૉસ્ટેલ છોડીને અમદાવાદની પોળોમાં ‘વિહાર-યાત્રા’ શરૂ કરી. એક બગલથેલામાં બે જોડ કપડાં અને બીજી થોડીક અંગત જરૂરિયાતની વસ્તુઓ ભરીને સાઇકલ પર નીકળી પડે. કોઈ સાવ અજાણ્યા ઘરનું બારણું ખખડાવે. ‘થોડા દિવસ તમારે ત્યાં રહેવા દેશો?’ હા, સાંભળવા મળે તો ત્યાં જ અઠે દ્વારકા, અઠવાડિયા માટે. પોતાનાં બધાં કામ તો જાતે કરે જ પણ ઘરનાં કામોમાં પણ મદદ કરે. કુટુંબનાં સૌ નાનાં-મોટાં સાથે ઘરનાની જેમ જ વર્તે. રડતા બાળકને હીંચકા પણ નાખે, પણ માગ્યા વિના સલાહ ન જ આપે. આમ હૉસ્ટેલની પ્રમાણમાં

સુખ-સગવડવાળી જિંદગી છોડી અને અમદાવાદના મધ્યમ વર્ગના લોકો વચ્ચે જઈને વસ્યા અને તેમના થઈને રહ્યા. હવે માત્ર ગુજરાતી ભાષા જ નહીં, ગુજરાતી

રહેણીકરણી, ખાનપાન કુટુંબજીવનને પણ પોતીકાં કર્યાં. પૂરાં દસ વરસ તેમણે આ રીતે લોકો સાથે રહીને ગાળ્યાં. એ અનુભવોનાં પણ ત્રણ પુસ્તક લખ્યાં. વખત જતાં પ્રકાશકોની માગણીથી ફાધર વૉલેસે અંગ્રેજી અને સ્પૅનિશ ભાષામાં પણ પુસ્તકો લખ્યાં, જેને પણ મોટો વાચક વર્ગ મળ્યો.

પણ કહ્યું છેને કે જનની અને જન્મભૂમિ તો સ્વર્ગ કરતાં પણ અદકેરી! વતનમાં માતા વૃદ્ધ થયાં હતાં. ઘડપણની આધિ, વ્યાધિ, ઉપાધિઓથી ઘેરાવા લાગ્યાં હતાં. ૯૦ વરસની ઉંમરે માતાએ ફાધર વૉલેસને લખ્યું કે દીકરા, હવે ઘડપણમાં મને તારી જરૂર છે તો ઘરડી માતાની લાકડી થવા પાછો આવી જા. અને પોતાની સંસ્થાના અધિકારીઓની મંજૂરી લઈને ફાધર વૉલેસે પ્રિય થઈ પડેલું ગુજરાત છોડ્યું, સ્પેનના મૅડ્રિડ શહેરમાં રહેતાં મા પાસે પહોંચી ગયા અને ૧૦૧ વરસની ઉંમરે માતાનું અવસાન થયું ત્યાં સુધી તેમને હૂંફ આપી, કાળજી રાખી, સેવા કરી. માતાના અવસાન પછી કેટલીક વાર ગુજરાત આવ્યા ખરા, પણ થોડા-થોડા વખતની મુલાકાતે. લખતા પણ રહ્યા. પણ ધીમે-ધીમે ગુજરાતીને બદલે અંગ્રેજીમાં અને માતૃભાષા સ્પૅનિશમાં વધુ લખતા થયા.

સવાઈ ગુજરાતી ફાધર વૉલેસે પોતાનું એક અંગ્રેજી પુસ્તક ‘નાઇન નાઇટ્સ ઇન ઇન્ડિયા’ કાકાસાહેબ કાલેલકરને અર્પણ કર્યું છે. એક વખત આ બન્ને મહાનુભાવો કવિ ઉમાશંકર જોશીના અમદાવાદના ઘરે અકસ્માત મળ્યા. ત્યારે કાકાસાહેબે ફાધર વૉલેસને કહ્યું કે લોકો મને અને તમને, બન્નેને‘સવાઈ ગુજરાતી’ તરીકે ઓળખે છે; પણ તમે મારા કરતાં ચડિયાતા છો. મારી માતૃભાષા તો મરાઠી, ગુજરાતીની ભગિની ભાષા, જ્યારે તમે તો સ્પેનના. તમારી ભાષાને ગુજરાતી ભાષા સાથે કશો સંબંધ નહીં અને છતાં તમે ગુજરાતી ભાષાને આત્મસાત કરી અને એનું ગૌરવ વધાર્યું.

એક વખત ફાધર વૉલેસે લખ્યું હતું : ‘લાંબું જીવવાનો મને મોહ નથી. મરવું તો ગમતું નથી, કારણ કે જીવનમાં મને મઝા આવે છે. પણ ઊપડવાની આજ્ઞા આવે ત્યારે ફરિયાદ નહીં કરું. પૂરું જીવન જીવ્યો. સાચો આનંદ માણ્યો. હવે આગળ બીજો કોઈ ઉત્કૃષ્ટ અને ઊંચી જાતનો આનંદ માણવા તૈયાર. ચાલો, આગળ જઈએ.’

આજે જ્યારે ફાધર વૉલેસ બીજો ઉત્કૃષ્ટ અને ઊંચી જાતનો આનંદ માણવા રવાના થયા છે ત્યારે એટલી જ પ્રાર્થના કરીએ : ‘મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK