તહેવારોમાં ઝટપટ કરો મેક-અપ

Published: 12th October, 2012 06:09 IST

રાતના સેલિબ્રેશન પછી સવારે ડલ લુકને તરોતાજા બનાવવા માટેની ટિપ્સ જાણી લો 
ફેસ્ટિવ સીઝનમાં દેખાવ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ દિવસોમાં તૈયાર થવા માટે સમય ઓછો હોય છે અને નાઇટ સેલિબ્રેશન ખાસ હોય છે જેને લીધે આંખો નીચેનાં કાળાં કૂંડાળાં, પફીનેસ જેવી તકલીફો સામાન્ય છે. આ તકલીફોનો ઉપચાર પણ મેક-અપથી જ કરી શકાય. જોઈએ કઈ રીતે તહેવારોના સેલિબ્રેશન માટે ઝટપટ મેક-અપ કરી લુક સુધારી શકાય.

આંખો

થાક સૌથી વધુ આંખોથી દેખાય છે એટલે રાતના પૂરતી ઊંઘ લેવી જરૂરી છે જેથી આંખો નીચેના પફી બૅગથી છુટકારો મેળવી શકાય. આંખોને હાઇલાઇટ કરવાથી એ ફ્રેશ લાગશે. ડાર્ક સર્કલને ઢાંકવા માટે કન્સિલરનો ઉપયોગ પણ કરી શકાય. દિવસના સમયે કાજલ અને બ્રૉન્ઝ અથવા પિન્ક આઇશૅડો વાપરો.

ફાઉન્ડેશનને આંખોની ઉપરની તરફ લગાવો. એના પર આઇ-મેક પ્રાઇમર પણ લગાવી શકાય જે એક બેઝ બનશે. બેઝ પર મેક-અપ લગાવવાથી એ લાંબો સમય સુધી ટકી રહેશે. ચળકતા આઇ-શૅડો માટે ફ્લૅટ બ્રશ વાપરો જેથી એ પાંપણો પર લાગી ન જાય. વ્યવસ્થિત રીતે બ્લેન્ડ કરવાથી આઇ-શૅડો લાંબા સમય સુધી રહેશે. આઇ-શૅડો  લગાવતાં પહેલાં બ્રશને થોડું ભીનું પણ કરી શકાય જેનાથી એ ડાર્ક લાગશે. છેલ્લે આઇલાઇનર લગાવવું, જેથી આંખોને એક આકાર મળી શકે. હવે તો સિમ્પલ લાઇનરની જેમ જ કૅટ સ્ટાઇલ અને વિન્ગ્ડ લાઇનર પણ લોકપ્રિય બન્યું છે. છેલ્લે થોડું હાઇલાઇટર લગાવીને આંખોને ફિનિશિંગ આપવું.

ચહેરો

રુઝથી ચહેરો હાઇલાઇટ થાય છે; પરંતુ એ હંમેશાં લાઇટ શેડનું હોવું જોઈએ, નહીં તો મેક-અપ ખૂબ હેવી લાગશે. અત્યારે બને એટલો નૅચરલ લાગતો મેક-અપ કરવાનો ટ્રેન્ડ છે માટે જો કંઈ પણ ડાર્ક હશે તો એ વધુપડતું લાગશે. હાઇલાઇટરને ફાઉન્ડેશન સાથે મિક્સ કરી બ્રશની મદદથી એ આખા ચહેરા પર લગાવવું જેનાથી નૅચરલ લુક મળશે. લિપસ્ટિક બને ત્યાં સુધી લાઇટ લગાવો. લાઇટ પિન્ક અને પિચ શેડ્સ હાલમાં ટ્રેન્ડમાં છે. જો કોઈ ઇવેન્ટમાં હાજરી આપવાની હોય તો થોડું બ્લશર લગાવી શકાય.

વાળ

તહેવારોમાં થતા ફિઝિકલ સ્ટ્રેસને કારણે વાળને પણ અસર ચોક્કસ થાય છે. આ સિવાય ડ્રેસમાં ફસાઈ જવાથી કે જ્વેલરીમાં અટકાઈ જવાથી વાળ તૂટે છે એટલે શૅમ્પૂ કરતાં પહેલાં હંમેશાં તેલ લગાવવું જોઈએ.

કયો ડ્રેસ પહેરવાના છો એ ધ્યાનમાં રાખીને કર્લી કે સ્ટ્રેટ લુક નક્કી કરો. ટ્રેડિશનલ ડ્રેસ સાથે પરંપરાગત ચોટલો સારો લાગશે. આ સિવાય નવી સ્ટાઇલનો ફિટ ટેઇલ ચોટલો પણ સુંદર લાગે છે. જો સાડી પહેરવાના હો તો બન વાળી શકાય જેમાં ફ્રેશ સફેદ ફૂલોનું ડેકોરેશન પર્ફેક્ટ લાગશે. વાળ ટૂંકા હોય તો બ્લોડ્રાયથી ઝટપટ નવો લુક મેળવી શકાય.

થાક ઉતારવાની ઈઝી હોમ રેમિડી

પાઇનૅપલ જૂસમાં થોડી હળદર મેળવી એની પેસ્ટ બનાવી એને આંખોની નીચે લગાવો. દસ મિનિટ રાખીને એને ધોઈ નાખો. આંખો ફ્રેશ લાગશે.

સોડાવૉટરથી ચહેરો ધોવાથી સ્કિન વધુ રીફ્રેશ લાગશે.

જો આંખો નીચે કાળાં કૂંડાળાં હોય તો મૉઇસ્ચરાઇઝરનો પૂરતો ઉપયોગ કરવો, કારણ કે મૉઇસ્ચરાઇઝથી ફક્ત સ્કિન સૉફ્ટ જ નથી બનતી બલ્કે આંખો નીચેની ડાર્કનેસ પણ દૂર થાય છે.

ઓછા સમયમાં જ ફુલ મેક-અપવાળો લુક જોઈતો હોય તો ટિન્ટેડ મૉઇસ્ચરાઇઝર લગાવો. આનાથી સ્કિન સૉફ્ટ લાગવાની સાથે થોડી રંગછટા મળશે. વધુપડતું ફાઉન્ડેશન લગાવવાનું ટાળવું, કારણ કે એનાથી સ્કિન સૂકી લાગશે. ટિન્ટેડ મૉઇસ્ચરાઇઝ ગ્લો આપશે.

ઝટપટ કામ પતાવવું હોય ત્યારે સ્મોકી લુક કે ડાર્ક ગ્રીન આઇશૅડો ટ્રાય કરવાનો સમય નહીં હોય એટલે બને એટલો નૅચરલ શેડ વાપરો અને બ્લૅકને બદલે ડાર્ક બ્રાઉન લાઇનર લગાવો. બ્રાઉન બ્લૅક કરતાં સૉફ્ટ લાગશે અને આંખો હાર્શ નહીં દેખાય. નૅચરલ લુક માટે ફક્ત મસ્કારાથી પણ કામ ચાલી જશે.

ગાલને થોડા હાઇલાઇટ કરવાથી પણ લુક સારો લાગશે. શરીર થાકેલું હોય તોય હાઇલાઇટ કરેલા ગુલાબી ગાલ ઊઠીને આંખે વળગશે.

લિપલાઇનર અને લિપસ્ટિક લગાવવાનો સમય ન હોય ત્યારે લિપગ્લૉસ બેસ્ટ છે. હંમેશાં એક લિપગ્લૉસ સાથે રાખવો. ગમે ત્યારે એ લગાવીને હોઠને ડિફાઇન કરી શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK