Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાડી પહેરીને તમે જિમમાં જાઓ?

સાડી પહેરીને તમે જિમમાં જાઓ?

04 March, 2020 05:27 PM IST | Mumbai
Darshini Vashi

સાડી પહેરીને તમે જિમમાં જાઓ?

સાડી પહેરીને તમે જિમમાં જાઓ?


આજની મહિલાઓ શારીરિક દેખાવને લઈને ખૂબ જ સચેત બની ગઈ છે; જેને લીધે જિમ, યોગક્લાસ અને ચાલવા માટે ગાર્ડનમાં મહિલાઓની વસ્તી વધતી ગઈ છે તો સાથે કસરત માટેનાં સ્પેશ્યલ કપડાં, જૂતાં અને અન્ય ઍક્સસેસરીઝ પહેરવાની ફૅશન પણ વધતી ગઈ છે. એમાં પણ થોડી બૉડી વધારે હોય, પગ દુખતા હોય, યોગ કે કસરત કરતાં આવડતા ન હોય કે પછી કપડાં કમ્ફર્ટેબલ ન લાગે એટલે પાંચ-દસ મિનિટમાં બેસી જતા હોય છે. જોકે આજે મળીએ કેટલીક એવી વરિષ્ઠ સાડીપ્રેમી મહિલાઓને જેઓ કોઈ પણ પ્રકારનાં શરમ અને સંકોચ વિના પોતાના પરંપરાગત પોષાકમાં જ કસરત કરે છે.

૮૪ વર્ષના આ બહેન તેમના યોગક્લાસમાં એવા એકલા સદસ્ય છે જે માત્ર સાડીમાં સજ્જ હોય



મુલુંડમાં રહેતાં ૮૪ વર્ષનાં મધુ દીક્ષિત છેલ્લાં ૨૫ વર્ષથી સાડી પહેરીને નજીકમાં આવેલા મંદિરમાં ચાલતા યોગ ક્લાસમાં જાય છે. તેઓ કહે છે, ‘મારી સાથે યોગ કરવા આવતા અન્ય લોકોમાં હું સૌથી મોટી ઉંમરની છું અને સાડી પહેરું છું. મારી સાથે ૨૫ વર્ષથી લઈને ૬૫ વર્ષની ઉંમર સુધીના લોકો યોગ શીખવા આવે છે. યોગ ક્લાસમાં આવતા બીજા વિદ્યાર્થીઓએ ક્યારેય પણ મારી ઉંમર અને પોશાકને લઈને મજાક ઉડાવી નથી અને ભવિષ્યમાં પણ કોઈ આ બાબતને લઈને મજાક કરે કે હાંસી ઉડાવે તો પણ મને કોઈ સંકોચ થશે નહીં. આ ઉંમરે હું સાડી પહેરીને જાઉં છું તો ઘરના લોકો ચિંતા કરે છે અને કહે છે કે હવે ડ્રેસ પહેરો, આજકાલ તો બધા જ પહેરે છે. તેમનું માન રાખવા ક્યારેક પહેરી લઉં છું. પરંતુ મને સાડી સિવાય ફાવતું જ નથી. ૨૫ વર્ષથી જે યોગ કરું છું એને લીધે આજે હું રોજ ત્રણ કિલોમીટર સુધી પણ ચાલી શકું છું. દિવસના બે વખત ચાર માળ ઊતરીને નીચે પણ જાઉં છું. ઘરમાં બધાં કામ કરી શકું છું. મારાં આજ સુધીમાં હાર્ટનાં બે વખત ઑપરેશન થઈ ચૂક્યાં છે તેમ છતાં મને યોગ કે એક્સરસાઇઝ કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. મારી એજ જોઈને ક્લાસમાં ઘણી વખત બિચારાની જેમ મને જોવામાં આવે છે મને થોડી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ ઑફર કરે છે, પરંતુ હું એ માટે ઘસીને ના પાડી દઉં છું.’


સાડી પહેરીને સૂર્યનમસ્કાર કરવામાં કોઈ તકલીફ નથી પડતી આ બહેનને

પોઇસરમાં રહેતાં ૭૮ વર્ષનાં સુમિત્રા વશી સાડી પહેરીને છેલ્લાં વીસ વર્ષથી નિયમિતપણે યોગ કરે છે. તેઓ કહે છે, ‘સાડી પહેરીને યોગ કે કસરત ન થાય એવું કંઈ જ નથી. હું મારો દાખલો આપું તો સાડી પહેરીને ભુજંગાસન, સલભાસન, પવનમુક્તાસન, નટરાજાસન, મકરાસન કરું છું. અહીં સુધી કે સૂર્યનમસ્કાર પણ કરું છું. યોગમાં મને રસ હોવાથી મેં એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. બૅન્ગલોર, દિલ્હી, હૃષીકેશ એમ વિવિધ જગ્યાએ જઈને ઍડવાન્સમાં યોગાભ્યાસ કર્યો જ્યાં હું શીખવા ગઈ ત્યાં પણ સાડીમાં જ શિક્ષા લીધી હતી. લગભગ બધાં જ આસનો હું કરી ચૂકી છુ. યોગ ઉપરાંત હું રોજ સવારે સાડી પહેરીને જ વૉક કરવા જાઉં છું. રોજ બે કિલોમીટર તો ઓછામાં ઓછું હું વૉક કરું જ છું.’


જો પુરુષ ધોતીમાં યોગ કરી શકે તો મહિલાઓ સાડીમાં કેમ નહીં? : સરોજ ઠાકર

સાડી એવો પોશાક છે જે મહિલાઓ માટે સૌથી કમ્ફર્ટેબલ છે. બસ, ફક્ત એને હૅન્ડલ કરતાં આવડવી જોઈએ એમ કાંદિવલીમાં રહેતાં અને અડુકિયા સ્કૂલમાં યોગ ટીચર તરીકે કામ કરતાં ૬૩ વર્ષના સરોજ ઠાકર કહે છે, ‘હું છેલ્લાં ૨૫ કરતાં પણ વધુ વર્ષથી યોગ કરું છું અને શીખવાડું છું. ભાઈંદરમાં આવેલા કૃપાલુ યોગ આશ્રમમાં મેં યોગશિક્ષા પ્રાપ્ત કરી હતી. ત્યારે અમારા જે ગુરુ હતા તે હંમેશાં ઝભ્ભો અને લુંગી જ પહેરતા હતા. તેઓ અમને કહેતા હતા કે જુઓ, હું લુંગીમાં યોગ શીખવાડું છું, તમામ આસન શીખવાડું છું તો પછી તમે સાડીમાં કેમ નહીં કરી શકો? ખાલી એને જાળવતાં શીખી લેવું, પછી કોઈ પણ મુશ્કેલી આવશે નહીં. જો લુંગી ન ખસે તો સાડી કેવી રીતે ખસી શકે? બસ, પછી તો હું સાડી સાથે યોગ કરતાં શીખી. પહેલાંના સમયમાં આપણા ૠષિમુનિઓ પણ લુંગી કે ધોતી પહેરીને જ યોગ કરતા હતા. હું આજે સ્કૂલમાં ૭૦ લોકોને યોગ શીખવાડું છું જેમાં તમામ વયનાં મહિલા અને પુરુષો છે તેમ છતાં હું તમામ આસન શીખવાડું છું. બે પગ વચ્ચે સાડીને જો બરાબર રીતે ફિટ કરી દઈએ તો પછી તમને કોઈ વાંધો નહીં આવે.’

સાડી પહેરીને સાઇક્લિંગનીજબરી મજા આવે છે આ બહેનને

મલાડમાં રહેતાં ૬૨ વર્ષનાં મીના ગાલાએ છેલ્લાં સાત વર્ષથી રોજ સવારે સાડીમાં વૉકિંગ, યોગ અને ઓપન જિમમાં એક્સરસાઇઝ કરવાનો નિયમ જાળવી રાખ્યો છે. તેઓ કહે છે, ‘હું રોજ સવારે પાંચ વાગ્યે ઊઠી જાઉં છું. ઘરનાં અમુક કામ પતાવીને રેડી થઈને સવારે પોણાસાત વાગ્યે નજીકમાં આવેલા ગાર્ડનમાં સાડીમાં વૉક લેવા નીકળી જાઉં છું. વૉકની સાથે-સાથે થોડો યોગાભ્યાસ અને ગાર્ડનમાં મૂકવામાં આવેલા ઓપન જિમ ઇક્વિપમેન્ટ પર એક્સરસાઇઝ પણ કરું છું. આજ સુધી ક્યારેય પણ સાડી સિવાયનાં બીજાં કોઈ વસ્ત્રો એક્સરસાઇઝ કરવા માટે પહેર્યાં નથી, કેમ કે મને સાડીમાં એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય છે. બીજું એ કે સાડીમાં એક્સરસાઇઝ કરતી વખતે ઘણાંને શરમ આવતી હોય છે? અરે એમાં શરમ શું રાખવી જોઈએ? તમને ફક્ત તમારા પર કૉન્ફિડન્સ હોવો જોઈએ. હું તો સાડીમાં સાઇક્લિંગ પણ કરું છું. કસરતને લીધે આજે હું એકદમ ફિટ છું અને આખો દિવસ ફ્રેશનેસ પણ અનુભવું છું.’

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 05:27 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK