કોરોનાને ખતમ કરવામાં આયુર્વેદ અક્સીર છે કે નહીં?

Published: Mar 11, 2020, 17:45 IST | Sejal Patel | Mumbai

ભારત સરકારના આયુષ ડિપાર્ટમેન્ટે વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ દ્વારા શું થઈ શકે એમ છે એની ગાઇડલાઇન બહાર પાડીને મૂંઝવણને હળવી કરવાની કોશિશ કરી છે ત્યારે આજે જાણીએ આયુર્વેદ એમાં કઈ રીતે અને કેટલું કારગર નીવડી શકે એમ છે...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા થોડાક દિવસથી કોઈને પણ ફોન કરો તો તરત ખાંસી ખાતો અવાજ આવે અને કોરોનાવાઇરસના લક્ષણો શું છે અને આવાં લક્ષણો હોય તો કયા નંબર પર ફોન કરવો એની સૂચના સાંભળવા મળે છે. શહેરના દરેક મુખ્ય ચાર રસ્તા પર કોરોનાથી બચવા માટે હાથ ન મિલાવવા, ખાંસી-છીંક ખાતી વખતે મોં આડો માસ્ક રાખવો જરૂરી છે એવી સૂચનાઓ લખેલા હૉર્ડિંગ્સ જોવા મળે છે. જ્યારે એક મહિના પહેલાં કોરોનાવાઇરસ શું છે અને એ કઈ રીતે ફેલાય છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણેલું ત્યારે ભારતમાં હજી એનો પગપેંસારો નહોતો થયો. જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે કોરોનાવાઇરસના ચેપથી મૃત્યુ પામનારા લોકોનો વૈશ્વિક આંકડો ૪૦૦૦ને પાર કરી ગયો છે અને ભારતમાં પણ ચેપ ધરાવતા લોકોની સંખ્યા ૪૦ને પાર કરી ગઈ છે.

મૉડર્ન મેડિકલ સાયન્સ માટે પણ આ વાઇરસ નવો છે એટલે એની સામે કઈ દવાઓ અક્સીર રહેશે એ બાબતે સંશોધકો દિવસ-રાત એક કરીને મચી પડ્યા છે. એની સાથે જ સૌથી પૌરાણિક ગણાતા વૈકલ્પિક ચિકિત્સાશાસ્ત્રો પણ એમાં શું મદદ કરી શકે એમ છે એની પણ ચર્ચા થઈ રહી છે. આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ, હોમિયોપથી અને નૅચરોપથી એમ છ ઑલ્ટરનેટિવ મેડિસિનને પ્રમોટ કરતા ભારત સરકારના આયુષ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચા દ્વારા કોરોના વાઇરસમાં કેવી સારવાર પ્રમાણભૂત થઈ શકે એમ છે એનો સર્ક્યુલર ભારતના તમામ વૈકલ્પિક સારવાર નિષ્ણાતોને મોકલ્યો છે. એમાં મુખ્યત્વે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી મેડિસિનની માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ-ચાન્સેલર રહી ચૂકેલા વૈદ્ય રાજેશ કોટેચાએ આ સર્ક્યુલરમાં કોરોના વાઇરસને નાથવા માટે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપથીમાં કઈ દવા, કઈ માત્રામાં પ્રમાણભૂત કરવામાં આવી છે એની ગાઇડલાઇન સંશોધક પુરાવાઓની સાથે આપી છે.
આયુષ સાથે સંકળાયેલા અને ચિકનગુનિયા માટેની આયુર્વેદની દવાના સંશોધનમાં મહત્ત્વનો ફાળો આપનારા વૈદ્ય સંજય છાજેડ પાસેથી આજે જાણવાની કોશિશ કરીએ કે કોવિડ-૧૯ના ચેપથી બચવા માટે આયુર્વેદ કેટલું અને કેવું મદદગાર થઈ શકે.

આયુર્વેદમાં ઍન્ટિ-વાઇરલ દવા છે?
જે વાઇરસની ઓળખ હજી ત્રણ-ચાર મહિના પહેલાં જ થઈ શકી છે એનો આયુર્વેદમાં ક્યાંય કોઈ ઉલ્લેખ કે ઉકેલ છે ખરો? આ સવાલનો અત્યંત માર્મિક જવાબ આપતાં વૈદ્ય સંજય છાજેડ કહે છે, ‘જો મને પૂછશો કે આયુર્વેદ પાસે ઍન્ટિ-વાઇરલ મેડિસિન છે? તો હું કહીશ ના. પણ શું આ વાઇરલ ચેપથી છુટકારો અપાવી શકે એવી દવા આયુર્વેદમાં છે? તો એનો જવાબ છે સ્પષ્ટ હા. મતલબ કે આયુર્વેદ પાસે વાઇરસને ખતમ કરવાનું હથિયાર નથી, પરંતુ એવો ઉકેલ જરૂર છે કે એ વાઇરસને કારણે શરીરને થયેલી અસર અને લક્ષણો દૂર થઈ શકે. જરાક વિગતે સમજાવું. સૌથી પહેલાં તો આયુર્વેદ શાસ્ત્ર ત્રિદોષ પર આધારિત છે. જ્યારે એની ઉત્પત્તિ થઈ ત્યારે બૅક્ટેરિયા કે વાઇરસની કોઈ વાત અસ્તિત્વ નહોતી ધરાવતી. એમ છતાં આયુર્વેદમાં ભૂતાભિષંગજ દોષનો ઉલ્લેખ છે જ. ભૂતાભિષંગજ એટલે જે નજરે નથી જોઈ શકાતું, જેને ઇન્દ્રિય દ્વારા જોઈ, જાણી, સમજી કે અનુભવી શકાતા નથી એવા એલિમેન્ટ દ્વારા પેદા થતી બીમારીઓ. ૫૦૦૦ વર્ષ પહેલાં માઇક્રોસ્કોપ નહોતા એટલે બૅક્ટેરિયા કે વાઇરસ જેવું નામ નહોતું, પણ એમ છતાં એના આવા નજરે ન જોઈ શકાય એવા દોષોના અસ્તિત્વની ચર્ચા એ વખતે પણ થયેલી. કોરોનાની વાત કરીએ તો એનો કોઈ ઉલ્લેખ આયુર્વેદમાં ક્યાંય નહીં બતાવી શકાય. જોકે એમ તો ચાર મહિના પહેલાં મૉડર્ન મેડિસિન પણ એનાથી સાવ અનભિજ્ઞ હતું તો ૫૦૦૦ વર્ષ પહેલાં આવો વાઇરસ પેદા થશે એવી ભાખી શકાય એ વાતમાં કોઈ વજૂદ નથી જ.’

આયુર્વેદનું દૂરંદેશીપણું
વિવિધ પ્રકારનાં વાઇરસ અને બૅક્ટેરિયાઓના ચેપને ભૂતાભિષંગજ દોષમાં સમાવવામાં આવ્યા છે અને આવા ઉપદ્રવ્યો મોટા ભાગે સંધિકાળમાં જ પેદા થતા હોય છે એમ સમજાવતાં વૈદ્ય સંજય છાજેડ કહે છે, ‘હાલમાં જે ચેપ ફેલાયો છે એને આયુર્વેદ વાસંતિક જ્વર, કફજ-પિત્તજ જ્વર કે ભૂતસંગત જ્વર કહે છે. આ બે ઋતુઓના સંધિકાળમાં ફેલાય છે. બની શકે કે દરેક સંધિકાળમાં એકના એક જ પ્રકારના એલિમેન્ટ્સ ન હોય, પરંતુ આ કાળમાં શરીર પર ત્રાટકીને એને નબળું પાડનારા વિષાણુની સામે શરીરને પ્રબળ કરવાના માધ્યમો તો સિમિલર જ રહેવાના. દરેક ચોરની ચોરી કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિઓ જુદી રહેવાની. સમય-કાળ બદલાતાં એમાં પરિવર્તન પણ આવવાનું. એ ચોરને રોકવા માટે તમારે ઘરને તાળું મારવાની જરૂર હોય છે. આયુર્વેદમાં એ વાઇરસથી શરીરને બચાવવા માટેનાં તાળાં અક્સીર છે એટલે વાઇરસના રૂપ-સ્વરૂપો ભલે બદલાતાં રહે, ઔષધીય દ્રવ્યો, આહારવિહાર અને આયુર્વેદની સ્વસ્થવૃત્તના નિયમોનું પાલન કરવામાં આવે તો આ વિષાણુઓ
બેઅસર થઈ જાય. આયુર્વેદ પાસે વાઇરસને મારવાનું સાધન નથી, પરંતુ વાઇરસ સામે શરીરને સશક્ત બનાવીને એને કારણે પેદા થયેલાં લક્ષણોને દૂર કરવાનું કામ સરળતાથી કરી શકે એવાં દ્રવ્યો છે.’

કઈ રીતે બચાવ સંભવ?
આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પડેલી માર્ગદર્શિકામાં પ્રિવેન્શન અને પ્રોફિલેક્ટિક દવાઓ તરીકે સંશમની વટીને ગણવામાં આવી છે. ૫૦૦ મિલીગ્રામની એક ગોળી દિવસમાં બે વાર ગરમ પાણી સાથે લેવાનું કહેવામાં આવ્યું છે. જોકે માત્ર આ જ દવા અક્સીર છે એવું નથી એમ માનતાં વૈદ્ય સંજય છાજેડ કહે છે, ‘આ સંશમનીવટી બને છે ગળોથી. ગળોના અર્કનો ઘન તૈયાર થાય એમાંથી આ દવા બને છે. એ ઉપરાંત સુદર્શન ઘનવટી, કુટકી ઘન, મુસ્તા પર્પટી યોગ, મહાસુદર્શન ચૂર્ણ, મહાસુદર્શન કાઢો, પરિપાઠાદી કાઢો એમ ઘણી દવાઓ છે જે વાસંતિક જ્વરનાં લક્ષણોને દૂર કરે છે. અલ્ટિમેટલી જોશો તો તમારે કોરોનાને મારવાનો નથી, પરંતુ તમારા શરીરને એટલું સ્ટ્રૉન્ગ કરવાનું છે જેથી કોરોનાની અસર તમારા શરીર પરથી દૂર થઈ જાય. આ ઉપરાંત બીજી પણ એક અક્સીર દવા છે જે આયુષ-૬૪ તરીકે ઓળખાય છે જે ખરેખર ઍન્ટિ-મલેરિયલ ડ્રગ છે. મલેરિયલ પૅરેસાઇટ્સ પર એ ખૂબ જ અક્સીર છે. પરિપાઠાદિ કાઢો કે જેનો બહુ મોટા પાયે પ્રયોગ અમે સાર્સ અને ચિકનગુનિયા જેવા ચેપને નાથવા માટે કરેલો. બીજી એક સિદ્ધ ઔષધ છે એનું નામ છે નિલાવેમ્બુ કુડિનીર. એનું ૬૦ મિલીગ્રામના ડિકૉક્શનનું સૅશે આવે છે એ ચીકનગુનિયામાં પણ બહુ અક્સીર છે. આયુર્વેદ એ બહારના દોષોને મારવામાં નહીં, પણ શરીરને એવું સ્ટ્રૉન્ગ બનાવવા મથે છે કે જેથી આવા એક કોરોના નહીં, આવનારા ૪૦૦-૫૦૦ વાઇરસોની ફોજની સામે પણ શરીરને આંતરિક મજબૂતી બક્ષે.’

પ્રિવેન્શનનો મતલબ શું?
જ્યારે પણ નિવારક દવાઓની વાત કરવામાં આવે ત્યારે ઘણા લોકો એવું માની લે છે કે ઉપર જણાવેલી દવાઓના દસ-પંદર દિવસના ડોઝ લઈ લીધા એટલે તમે એનાથી ઇમ્યુન થઈ જશે. આ ખોટી માન્યતા છે એમ સમજાવતાં વૈદ્ય સંજય છાજેડ કહે છે, ‘આયુર્વેદમાં જે કોઈ પણ નિવારક ઔષધીઓ કે રોગપ્રતિકારક શક્તિ વધારનારી દવાઓની વાત થાય છે એ સ્લો-ઍક્ટિંગ હોય છે. એટલે સંશમનીવટીના દસ દિવસના ડોઝ લઈને તમે વુહાનમાં જશો તોય તમને કશું નહીં થાય એવા ભ્રમમાં ન રહેવાય. આયુર્વેદમાં ગળો, આમળા, અશ્વગંધા, શતાવરી જેવાં દ્રવ્યો ઇમ્યુનિટી સુધારનારાં કહ્યાં છે, પણ આ દ્રવ્યોનું એક દિવસ કે એક અઠવાડિયું સેવન કરવાથી ઇમ્યુનિટી વધી જતી નથી. એની સાથે યોગ્ય આહારવિહાર, દિનચર્યા અને વૈયક્તિક સ્વચ્છતાની જાળવણી બહુ જ મહત્ત્વની છે.’


વાઇરસ સામે અક્સીર શું?
ગાયનું ઘી, દૂધ, દહીં, મધ અને સાકરમાંથી બનેલું પંચામૃત ભૂતાભિષંગજ ઇમ્યુનિટી વધારે છે. એ ઉપરાંત ગાયનું દૂધ, દહીં, ઘી, -ગોબરનો રસ અને ગૌમૂત્ર એમ પંચગવ્યનું સેવન ઇન્ફેક્શન મટાડે છે.
-ગરમ પાણી પીઓ, ગળા-નાકને ગરમ રાખો, બાષ્પ લો, નમક-હળદરના પાણીથી કોગળા કરો એ બહુ જ મહત્ત્વની આદતો છે.
-દિવસમાં દસથી વીસ વાર હાથ ધુઓ. કોરોનાવાઇરસ હવામાંથી નથી ફેલાતો, પરંતુ એ ચેપી વ્યક્તિના ડ્રોપલેટ્સ કોઈ સર્ફેસ પર પડ્યા હોય એના માધ્યમથી ફેલાય છે. એટલે બને ત્યાં સુધી જાહેર જગ્યાઓએ જ્યાં-ત્યાં અડવાનું ટાળો. સાથે જ હાથને વારંવાર પોતાના મોં-નાક પર ફેરવવાનું પણ ટાળો.
-હોમ-હવન બહુ જ જરૂરી છે. આયુર્વેદમાં ઋતુઓના સંધિકાળ દરમ્યાન હોમ-હવન અને ખાસ કરીને કપૂર દ્વારા અગ્નિ પ્રગટાવવાનું કહ્યું છે જે વાતાવરણમાંના વિષાણુઓનો નાશ કરે છે. ગૂગળ, રાળ, ઉદ, અગરુ, નીમપત્ર જેવી ચીજોથી ધૂપ કરવો.
-સમયસર ખાવું, તાજું ખાવું, ગરમ ખાવું આ નિયમ તમને દરેક બીમારીથી દૂર રાખશે.

વૈદ્ય સંજય છાજેડ, 'આયુર્વેદમાં એ વાઇરસથી શરીરને બચાવવા માટેનાં તાળાં અક્સીર છે એટલે વાઇરસના રૂપ-સ્વરૂપો ભલે બદલાતાં રહે, આયુર્વેદની સ્વસ્થવૃત્તના નિયમોનું પાલન કરવામાં આવે તો આ વિષાણુઓ બેઅસર થઈ જાય. આયુર્વેદ પાસે વાઇરસને મારવાનું સાધન નથી, પરંતુ વાઇરસ સામે શરીરને સશક્ત બનાવીને એને કારણે પેદા થયેલાં લક્ષણોને દૂર કરવાનું કામ સરળતાથી કરી શકે એવાં દ્રવ્યો છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK