આ લેખ વાંચ્યા પછી તમે સોએ સો ટકા બે વખત બ્રશ કરવાનું શરૂ કરી દેશો

Published: Sep 11, 2019, 09:04 IST | ફૅમિલી રૂમ - રુચિતા શાહ

મોંની સંભાળ ન રખાય તો એનાં કેવાં-કેવાં પરિણામ આવી શકે, ખબર છે? છેલ્લા કેટલાક અરસામાં થયેલાં જાતજાતનાં સર્વેક્ષણો કહે છે કે મોઢાનું હાઇજીન ન જળવાય તો મોંની દુર્ગંધ અને પેઢાના રોગ ઉપરાંત કૅન્સર, ડાયાબિટીઝ, હૃદયરોગ જેવી અનેક ગંભીર સમસ્યા થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

અબુધાબીની હેલ્થ મિનિસ્ટ્રીએ તાજેતરમાં પોતાના નાગરિકોને બહેતર સારવાર મળે એ માટે ખાસ ઑરલ હૅલ્થ પૉલિસી બનાવી. મિનિસ્ટ્રીએ કરેલા હૅલ્થ સર્વેમાં તેમના ધ્યાનમાં આવ્યું કે ૧૮ વર્ષથી ઉપરના લગભગ ૮૫ હજાર કરતાં વધુ લોકો કોઈ ને કોઈ પ્રકારની મોંની સમસ્યા ધરાવતા હતા. હવે, બીજી એક ખબર પર નજર કરો. જર્નલ ઑફ ધ અમેરિકન ગેરિયાટ્રિક્સ સોસાયટીમાં પબ્લિશ થયેલો છેલ્લો અભ્યાસ કહે છે કે ઑરલ હૅલ્થન‌ો વ્યક્તિની સાઇકોલોજિકલ કંડિશન સાથે પણ ઘનિષ્ઠ નાતો છે. એટલે કે નબળી ઑરલ હૅલ્થથી યાદશક્તિ ઘટવી, ડિપ્રેશન, એંગ્ઝાયટી ડિસઓર્ડર જેવી સમસ્યા ઉદ્ભવવાની સંભાવના વધી જાય છે. ત્રીજો એક અભ્યાસ કહે છે કે ખરાબ ઑરલ હૅલ્થ લીવર કૅન્સર સહિત પેટને લગતા વિવિધ કૅન્સરનું કારણ બની શકે છે. છેલ્લા થોડાક અરસામાં દાંત, પેઢા, જીભની તંદુરસ્તી અને સ્વચ્છતા પર ભાર મુકનારા લોકોની સંખ્યા મોટી જ થઈ રહી છે. આપણે ત્યાં કેટલીક ટૂથેપેસ્ટની બ્રૅન્ડે હૅલ્થ એજન્સી સાથે કરેલો છેલ્લો સર્વે કહે છે કે ભારતમાં દર દસમાંથી આઠ બાળકોને ઑરલ હૅલ્થ પ્રોબ્લેમ છે. પુખ્ત વયના લોકોની હાલત તો એનાથીયે બદ્દતર છે. દર દસમાંથી નવને દાંત કે મોંને લગતા કોઈ ને કોઈ પ્રોબ્લેમ છે. દાંતની સલામતી અને ઑરલ હાઈજીનને આપણે ખૂબ જ ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા રહ્યા છીએ. દાંતનો દુખાવો હોય અને એ પણ જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સહન કરી લેવાતો હોય છે અને ન છૂટકે જ દાંતના ડૉક્ટરની મુલાકાત લેવાતી હોય છે. ઑરલ હાઈજીન જ્યારે ઓવરઓલ હૅલ્થ માટે મહત્ત્વપૂર્ણ બાબત બનતું જાય છે ત્યારે શું કામ અને કેવી રીતે તેની કાળજી કરવી જોઈએ એ વિશે વાત કરીએ.

દાંતની મહત્તા

પહેલાના જમાનામાં બળદ વગેરે પશુની ખરીદી કરવા માટે જતા ત્યારે સૌથી પહેલાં બળદના દાંત ચેક કરવામાં આવતા. જો તેના દાંત બરાબર હોય તો જ તે તંદુરસ્ત હશે, એવું અનુમાન લગાવાતું. આ દાખલા સાથે વાતની શરૂઆત કરતાં ઓર્થોડેન્ટિસ્ટ ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘પશુઓ માટે દાંતનું આટલું મહત્ત્વ હતું પણ આપણે પોતે તંદુરસ્તીનો અભિન્ન હિસ્સો ગણાતા દાંત તરફ ભયંકર દુર્લક્ષ્ય સેવ્યું છે અને સેવી રહ્યા છીએ. ઑરલ કેવિટીને જો સ્વચ્છ ન રખાય તો એ બૅક્ટેરિયાનું ઘર બની જાય છે, જે મોં વાટે પેટમાં જઈને તબિયતને હાનિ પહોંચાડે છે. બીજું, આપણા મોંમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નસ આવેલી છે, જેનું નામ છે વેગસ નર્વ. જ્યારે આપણે બરાબર ચાવી-ચાવીને ખાઈએ છીએ ત્યારે તાળવામાંથી પસાર થતી આ નર્વ્સ સ્ટીમ્યુલેટ થાય છે અને આંતરડાં અને પેટમાં સિગ્નલ પહોંચાડે છે, જે પાચનમાં મદદ કરે છે. અત્યારે આપણી જીવનશૈલીને લઈને ચાવવાનું યા તો થતું જ નથી અથવા તો એ તરફ આપણું કોઈ ધ્યાન જ હોતું.’
ઇન્ડિકેટર પણ છે.

આપણા પેઢા એ આપણી ઓવરઓલ તંદુરસ્તીનું શ્રેષ્ઠ ઇન્ડિકેટર પણ છે. ડૉ. રાજેશ કહે છે, ‘ઑરલ હાઈજીન ન હોય તો રોગ લાવે એમ રોગ આવ્યા હોય તોપણ તમારા પેઢા, જીભ પર એના સિમ્પટમ્પ્સ દેખાતા હોય છે. જેમ કે ડાયાબિટીઝ હોય એના પેઢા નબળા થઈ ગયા હોય, હૃદયની બીમારી કે કૅન્સર હોય એમને પણ પેઢામાંથી લોહી વહેવાની સમસ્યા હોઈ શકે. પેટની બીમારી તો તરત જ દાંત અને જીભ પર સફેદ પરત અને મોંની દુર્ગંધ રૂપે દર્શન દઈ જ દે છે. વિટામિન સીની કમી હોય તો પેઢામાં દુખાવો થાય, અમુક બીમારીમાં પેઢા સૂઝી જાય. ઉંમર સાથે પણ દાંતનું જો ધ્યાન રાખવામાં આવ્યું હોય તો તેને વાંધો નથી આવતો પરંતુ દાંતનો યોગ્ય ઉપયોગ થતો રહેવો જરૂરી છે. ચાવી-ચાવીને ખાઓ. આપણે ત્યાં ખોરાકને પીવો જોઈએ અને પાણીને ચાવી ચાવીને ખાવું - એવું અમસ્તુ જ નથી કહેવાયું. આ નિયમ વધતી ઉંમર સાથે તો ખાસ પળાવો જ જોઈએ. ખોરાક લિક્વિડ જેવો થઈ જાય એટલી વાર ચવાવો જોઈએ જેથી મોઢામાંથી જ તમામ પાચકરસથી મિશ્રિત થઈ જાય અને પાચન ઝડપી બને.’

દૂધિયા દાંતની ચિંતા કરો

આજની જનરેશનમાં દાંતની સમસ્યાઓ આજ જેટલી ક્યારેય નથી જોવા મળી. એનું કારણ આપતાં ડૉ. રાજેશ કહે છે, ‘આજનાં મા-બાપ સંતાનોને ઑરલ હાઈજીનની ટ્રેનિંગ જ નથી આપતાં. કારણ કે તેમને પોતાને જ નથી ખબર. સવારે ઉઠાડીને બ્રશ કરાવી દે છે પરંતુ બ્રશ કેમ કરાય, એ ખબર નથી હોતી. સૌથી મોટી સમસ્યા તો છે તેમની દૂધિયા દાંત તો પડી જ જવાના ને, એની ચિંતા શું કામ કરવાની, એવી ભૂલભરેલી માન્યતાની! અરે, એ દાંતનો પણ યોગ્ય ઉપયોગ કરતા નહીં શીખવ્યું હોય તો પર્મનન્ટ દાંતની કેર તમારું સંતાન કેવી રીતે કરશે? એની સંભાળ નહીં રાખવાને કારણે પર્મનન્ટ દાંત પણ વાંકાચૂંકા જ આવે છે.’

જીવનભરનો સાથ જોઈએ છે?

આખા દિવસમાં તમે દાંતનો ઉપયોગ કેટલી વાર કરો છો? ધારો કે તમને તંબાકુ અથવા એવું કોઈ વ્યસન ન હોય તો લગભગ ચારથી પાંચ વાર ચાવવા માટે તમારે દાંતનો ઉપયોગ કરવાનો આવે છે. ડૉ. રાજેશ કહે છે, ‘ચોવીસ કલાકમાંથી માંડ એક કલાક તમે દાંતનો ઉપયોગ કરતાં હોવ છો. જો તમે દાંતની બરાબર સંભાળ રાખી હોય તો અંત સમય સુધી એ એવા ને એવા રહી શકે એમ છે. એ માટે સૌથી પહેલાં દાંત શું કામ નબળા પડે છે, એના તરફ ધ્યાન આપવું જોઈએ. એક તો મોંની સ્વચ્છતા ન જળવાતી હોય તો પેઢામાં ઇન્ફેક્શનની સંભાવના વધી જાય. બીજું, એસિડ રિફલ્સ થતું હોય, એસિડિટીને કારણે વારંવાર એસિડ મોંમાં આવવાનું બનતું હોય તો પણ દાંતના ઇનેમલને ડેમેજ કરે છે. કેટલીક દવાઓ દાંતના પેઢાઓને નબળા પાડવાનું કામ કરે છે. ઘણી વાર તો ટૂથબ્રશ લોકો પંચવર્ષીય યોજનાની જેમ વર્ષો સુધી બદલતા નથી, જે દાંતની હેલ્થને ખરાબ કરે છે. તમારા ટૂથ બ્રશના બ્રસલ્સ વાંકા થયા એટલે સમજી જવાનું કે તે બદલવાનો સમય આવી ગયો છે.’

આ પણ વાંચો: તો તમે સાક્ષર છો એમ?

પહેલાંના જમાનામાં લોકોના દાંત શું કામ મજબૂત હતા?

આજ જેટલી દાંતની સમસ્યા પહેલાં નહોતી. લોકો મોટી વયે પણ દાંતનો સોપારી તોડવા જેટલો ઉપયોગ કરી શકતા હતાં. એનું કારણ આપતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘પહેલાંના જમાનામાં લોકોની રહેણી-કરણી અને ખાણી-પીણીની આદતો સારી હતી. પહેલાં લોકો સોપારી અને અખરોટ તોડવા માટે દાંતનો ઉપયોગ કરતા. આજે લોકો દાંતથી શેરડી પણ નથી ખાતા. એ સમયે કેક, બ્રેડ, ચૉકલેટ, સોફ્ટ ડ્રિન્ક અને આઇસક્રિમનો આહાર નહોતો. શુગર અને સોલ્ટ પ્રમાણસર હતું. કુદરતી જીવન વધુ જીવાતું. જમવાનો સમય ફિક્સ હતો. શાક-રોટલી-દાળ-ભાતનો પ્રમાણસર અને પાષકયુક્ત આહાર લેવામાં આવતો હતો. આજે એ બધું જ બદલાયું છે એટલે દાંતની દરકાર કરવાની વધુ જરૂરિયાત ઊભી થઈ છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK