શિયાળામાં વારંવાર ચહેરો ધોવાનું ટાળો

Published: 5th November, 2012 06:24 IST

હવે ઠંડીની શરૂઆત થઈ જ ગઈ છે ત્યારે ડ્રાય સ્કિનથી છુટકારો મેળવવાની ટિપ્સ જાણી લો


અર્પણા ચોટલિયા


વાતાવરણ ભલે ખુશનુમા લાગતું હોય, પણ એની અસર જ્યારે સ્કિન પર થવા લાગે છે ત્યારે એ નથી ગમતું. વર્ષનો આ સમય એવો છે કે જેમાં ઑઇલી સ્કિન પણ સુકાતી અને ખેંચાતી હોય એવું લાગે છે. આવામાં ત્વચાને જો પૂરતી મૉઇસ્ચરાઇઝ કરવામાં ન આવે તો એમાં ક્રૅક્સ પડી શકે છે તેમ જ એ નિસ્તેજ લાગી શકે છે. જાણી લો ઠંડીમાં સ્કિન-કૅર માટે જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કે. ઈ. મુકાદમ શું સલાહ આપે છે.

સ્પેશ્યલિસ્ટની મદદ

ટીવી પર જાહેરાતો જોઈને કે લોકલ દુકાનદારનું કહ્યું માનીને પોતાની ત્વચા માટે ક્રીમની પસંદગી ન કરો. એક સારા સ્કિન સ્પેશ્યલિસ્ટ કે ડર્મેટોલૉજિસ્ટ જ તમને તમારી સ્કિન માટે સમજીને અને સાચી સલાહ આપી શકે છે. તમારી ત્વચાને તપાસીને તેઓ સ્કિનકૅર રેજિમ સમજાવશે જે ફૉલો કરવું. જોકે એનો અર્થ એમ નથી થતો કે તમારે મોંઘી પ્રોડક્ટ્સ જ વાપરવી. કેટલીક પ્રોડક્ટ્સ એના પૅકેજિંગ અને બ્રૅન્ડનેમને લીધે મોંઘી બની જતી હોય છે. ડૉક્ટર તમને એવી ચીજો સજેસ્ટ કરશે જે મેડિકલી ટેસ્ટેડ તેમ જ વધુ અસરકારક હશે.

મૉઇસ્ચરાઇઝ વધુ કરો

આ સીઝનમાં ત્વચા ઝડપથી સુકાઈ જાય છે અને માટે જ ઠંડીમાં નૉર્મલ દિવસોમાં લગાવતા હો એનાથી વધુ પ્રમાણમાં મૉઇસ્ચરાઇઝર લગાવવું. એ ઉપરાંત એવું મૉઇસ્ચરાઇઝર લગાવો જે ઑઇલ-બેઝ્ડ હોય. એ વૉટર-બેઝ્ડ હશે તો એની અસર લાંબો સમય સુધી નહીં રહે. ક્રીમમાં રહેલું તેલ તમારી ત્વચા પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવી દે છે. અહીં તમે નાઇટ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો, કારણ કે એમાં તેલનું પ્રમાણ વધુ હોય છે. આ વિશે ડૉ. મુકાદમ કહે છે, ‘ઠંડીમાં નૉર્મલ ત્વચા ડ્રાય બની જાય છે અને ડ્રાય સ્કિન વધુ ડ્રાય થઈ જાય છે, જેના માટે સ્ટ્રૉન્ગ મૉઇસ્ચરાઇઝર વાપરવું જરૂરી છે. અહીં જો તમારી સ્કિન ઇર્જિક હોય તો પરફ્યુમ અને ફ્લેવર કે રંગવાળા મૉઇસ્ચરાઇઝર લગાવવાનું ટાળો, કારણ કે એનાથી ઇર્જી વધશે.’

સનસ્ક્રીન લગાવો

સન પ્રોટેક્શન ક્રીમ ફક્ત ઉનાળા માટે જ નથી. તડકો બધી જ સીઝનમાં લાગે છે અને એ તમારી સ્કિનને ડૅમેજ કરી શકે છે. બ્રૉડ-સ્પેક્ટ્રમ લખેલું હોય એવું સનસ્ક્રીન હાથ અને ચહેરા પર લગાવો. સનસ્ક્રીન બહાર જવાની ત્રીસ મિનિટ પહેલાં લગાવી લેવું.

હાથ પર પણ ધ્યાન આપો


હાથ પરની ચામડી ખૂબ જ પાતળી હોય છે અને હાથમાં ઑઇલ પ્રોડ્યુસ કરનારી ગ્રંથિઓ પણ ઓછી હોવાથી એ ડ્રાય થઈ જાય છે, ખાસ કરીને ઠંડીની સીઝનમાં. એને લીધે હાથ પર ખંજવાળ આવવી, ત્વચામાં ક્રૅક પડવી જેવી તકલીફો થઈ શકે છે એટલે હાથ પર મૉઇસ્ચરાઇઝિંગ લોશન લગાવવું જરૂરી બને છે. ચહેરાનું ધ્યાન રાખો ત્યારે હાથને ઇગ્નૉર ન કરવા જોઈએ. ડૉ. મુકાદમ કહે છે, ‘હાથ અને પગ પણ એક્સ્પોઝ્ડ થાય છે એટલે બની શકે તો આ સીઝનમાં ત્વચા ઓછામાં ઓછી એક્સ્પોઝ થાય એનું ધ્યાન રાખવું. હાથ અને ચહેરાને કૉટનના કપડાથી કવર પણ કરી શકાય, જેથી એના પર વાતાવરણની ડાયરેક્ટ અસર ન થાય.’

પાણીનો સંપર્ક ટાળો

ઠંડીની સીઝનમાં પાણીના સંપર્કમાં જેટલા વધુ આવશો એટલી ત્વચા વધુ ડ્રાય થશે. માટે વારંવાર ચહેરો ધોવાનું ટાળો. દિવસમાં બે વાર ચહેરાને ક્લેન્ઝિંગ કરવું પણ વારંવાર ચહેરા પર પાણીની છાલક મારવી નહીં. એનાથી તમારી ત્વચા પરનું તેલ ધોવાઈ જશે અને એ ડ્રાય બની જશે. આ વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કે. ઈ. મુકાદમ કહે છે, ‘ત્વચાને બને એટલી પાણીથી દૂર રાખો, કારણ કે આ સીઝનમાં ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને ત્વચા પરથી પાણીનું બાષ્પીભવન થાય છે. એને લીધે સ્કિન ડ્રાય બને છે. હવે જો અહીં પાણી વધુ લગાવશો તો વધુ બાષ્પીભવન થશે અને સ્કિન ફરી ડ્રાય થઈ જશે.’

ફૂટ-કૅર

આ સીઝનમાં ક્રૅક્ડ હીલની સમસ્યા વણસે છે. મિન્ટ ફ્લેવરનું ફૂટલોશન બાકીની સીઝનમાં તો ચાલી જશે, પરંતુ ઠંડીમાં પગનાં તળિયાં પર થોડા સ્ટ્રૉન્ગ ક્રીમની જરૂર પડશે. એ માટે પેટ્રોલિયમ જેલી કે ગ્લિસરીન લગાવી શકાય. સુકાઈ ગયેલી ત્વચા પરથી મૃત કોષોને દૂર કરવા માટે એક્સફોલિએટ કરો.

બ્યુટી-ટ્રીટમેન્ટથી દૂર

જો તમારા ચહેરાની ત્વચા વધુ ડ્રાય થઈ ગઈ હોય તો પિલ, માસ્ક, આલ્કોહોલ-બેઝ્ડ ટોનર કે એસ્ટ્રિન્જન્ટનો ઉપયોગ થતો હોય એવી હાર્શ બ્યુટી-ટ્રીટમેન્ટ્સથી દૂર રહેવું. એ ઉપરાંત હાઇડ્રેટ કરતાં કોઈ પણ પ્રોડક્ટ ન વાપરવી, કારણ કે આ સીઝનમાં સ્કિનને પાણીની જરૂર છે જ નહીં.


હૉટ નહીં વૉર્મ


ખૂબ ઠંડી લાગે તોય વધુપડતા ગરમ પાણીથી સ્નાન ન કરવું. એનાથી સ્કિનનું પ્રોટેક્ટિવ લેયર તૂટી જાય છે અને એ ડૅમેજ થાય છે. આ રીતે ત્વચાનું નૅચરલ ઑઇલ લેવલ ખોરવાઈ શકે છે. એટલે ઠંડીમાં પણ ગરમને બદલે હૂંફાળું પાણી વાપરવું જોઈએ. એ ઉપરાંત લાંબા સમય સુધી શાવર નીચે નાહવાનું અને બાથટબમાં બેસવાનું પણ આ સીઝનમાં ટાળવું. ડૉ. મુકાદમ કહે છે, ‘આ સીઝનમાં સાબુનો વપરાશ બને ત્યાં સુધી ટાળવો. ગ્લિસરીનવાળા સાબુ વાપરી શકાય, પરંતુ એ પણ ઓછા પ્રમાણમાં. જો ત્વચા વધુ પ્રમાણમાં ડ્રાય હોય તો એકાંતરે નાહવું. ફક્ત પ્રાઇવેટ અંગો ક્લીન કરવાં તેમ જ ચહેરા પર સાબુનો ઉપયોગ ન જ કરવો.’


લિપ-કૅર


ઠંડીમાં હોઠ ખૂબ સુકાઈ જાય છે. એ માટે ડૉ. મુકાદમ સલાહ આપે છે, ‘મોટા ભાગની છોકરીઓમાં હોઠ પર સતત જીભ ફેરવતા રહેવાની આદત હોય છે જે ન કરવું જોઈએ. હોઠ સુકાઈ જાય એટલે એના પર જીભ ફેરવીને એને ફરી ભીના કરવામાં આવે છે અને એ વધુ ડ્રાય બની જાય છે, એમાં ક્રૅક્સ પડે છે. ઠંડીમાં હોઠ પર લિપબામનો ઉપયોગ કરવો જેથી એ સુકાય નહીં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK