Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજે પણ સૌરાષ્ટ્રમાં રમાય છે યુદ્ધભૂમિમાં શૌર્યરસમાંથી રચાયેલો તલવાર રાસ

આજે પણ સૌરાષ્ટ્રમાં રમાય છે યુદ્ધભૂમિમાં શૌર્યરસમાંથી રચાયેલો તલવાર રાસ

20 October, 2020 04:53 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આજે પણ સૌરાષ્ટ્રમાં રમાય છે યુદ્ધભૂમિમાં શૌર્યરસમાંથી રચાયેલો તલવાર રાસ

સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં પુરુષો આજે પણ તલવાર રાસ રમે છે જે મણિયારો રાસ, ઢાલ રાસ કે શૌર્ય રાસ તરીકે પણ ઓળખાય છે.

સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં પુરુષો આજે પણ તલવાર રાસ રમે છે જે મણિયારો રાસ, ઢાલ રાસ કે શૌર્ય રાસ તરીકે પણ ઓળખાય છે.


પહેલાંના વખતમાં ધર્મ, વતન અને ગાયોના રક્ષણ માટે યુદ્ધ થતાં હતાં. એમાં વિજય મળતાં ઉત્સાહમાં આવીને યોદ્ધાઓ સામસામે તલવાર અને ઢાલથી નૃત્ય કરતા હતા. એ સમયથી મેર અને ક્ષત્રિય સમાજમાં તલવાર રાસની પ્રથા ચાલી આવે છે જે આજે પણ નવરાત્રિ દરમ્યાન રમાય છે.

નૅશનલ અવૉર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’માં ૭૦ના દાયકામાં કચ્છના નાનકડા ગામની એ વાર્તામાં માત્ર પુરુષો જ રાસ કરતા. અહીં એ સમાજની વાત હતી જ્યાં માત્ર પુરુષોને જ ગરબા-રાસ કરવાની છૂટ હતી. આ પુરુષો દરેક સારા પ્રસંગે તલવાર રાસ કરતા. ઇન ફૅક્ટ, પુરુષોમાં તલવાર રાસ રમાવાનું આજેય ચાલુ છે. સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં પુરુષો આજે પણ તલવાર રાસ રમે છે જે મણિયારો રાસ, ઢાલ રાસ કે શૌર્ય રાસ તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને મેર સમાજ–ક્ષત્રિય રાજપૂત સમાજ પરંપરાગત રીતે નવરાત્રિમાં એક દિવસ માટે તલવાર રાસ રમે છે.જો કે આ તલવાર રાસ કે મણિયારો રાસે ગુજરાતના સીમાડા વટાવીને દેશ અને વિદેશમાં ખ્યાતિ મેળવી છે.
યુદ્ધભૂમિમાં શૌર્ય રસમાંથી સરજાયો છે તલવાર રાસ જે નવરાત્રિમાં ઘણી જગ્યાએ પરંપરા બન્યો છે. તલવાર રાસ કેવી રીતે પરંપરા કે પ્રથા બન્યો એની માંડીને વાત કરતાં જેમને ગુજરાતના લોકકલાકાર તરીકે અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે એ સૌરાષ્ટ્રના પોરબંદર, છાયામાં રહેતા ૭૧ વર્ષના રાણાભાઈ આલાભાઈ સીડા ‘મિડ ડે’ને કહે છે કે ‘મેર સમાજ – ક્ષત્રિય રાજપૂત સમાજે વર્ષો અગાઉ ધર્મ માટે, વતન માટે, ગાયના રક્ષણ માટે યુદ્ધો કર્યાં હતાં. આ યુદ્ધમાં વિજય મેળવે ત્યારે તમામ યોદ્ધાઓ આનંદમાં આવી જતા. જીત મેળવ્યા પછી ઉત્સાહમાં આવી જઈને તલવાર સાથે યુદ્ધના મેદાનમાં જ નૃત્ય કરતા. એમાંથી આ તલવાર રાસ નૃત્ય ઊભું થયું. યુદ્ધના મેદાનમાં નૃત્ય કરે તેને તલવાર રાસ કે મણિયારો રાસ કહે છે. આ ઉપરાંત એને ઢાલ રાસ કે શૌર્ય રાસ તેમ જ મેરનો મણિયારો પણ કહે છે. આ વારસાગત છે. શૌર્ય રસમાંથી આ રાસ ઉત્પન્ન થયો છે અને તલવાર એ માતાજીની શક્તિનું પ્રતીક છે.’
તલવાર રાસ કે મણિયારો રાસમાં કેવા ગરબા ગવાય છે અને રિધમ વિશે વાત કરતાં લોકકલાકાર રાણાભાઈ સીડા કહે છે કે ‘પાંચ કે સાડાપાંચ માત્રામાં આ રાસ રમાય. મણિયારો રાસ ત્રણ તાલીનો છે. ચલતીમાં એન્ટ્રી થાય છે પછી વિલંબિત તાલમાં રાસ રમાય છે અને પાછળથી પાછી ચલતીમાં રાસ રમાય છે. આ રાસમાં મુખ્યત્વે શૌર્ય ગીતો વધારે હોય છે. ક્યારેક પ્રેમ અને વિરહનાં ગીતો પણ હોય છે. આ ઉપરાંત માતાજીના ગરબા–ગરબી ગવાય છે જેમ કે ‘મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે.... ’ તેમ જ ‘આજે રાંદલ પધાર્યાં મારા આંગણે, મારા ઓરડામાં આનંદ થાય મોરી મા... ’ સહિતના ગરબા પર તલવાર રાસ નૃત્ય કરીએ છીએ. આ રાસ માત્ર પુરુષો જ રમે છે.’
હવે તો જમાનો મૉડર્ન થઈ ગયો છે અને દાંડિયાથી રાસ રમાવા લાગ્યા છે, પણ હજીયે સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે તલવાર રાસ રમાય છે. રાણાભાઈના કહેવા મુજબ આજે પણ નવરાત્રિમાં એક દિવસ નક્કી કરીને ટ્રેડિશનલ ડ્રેસમાં મણિયારો રાસ સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં રમાય છે. તલવાર-ઢાલ લઈને રાસ રમવામાં નિપુણ કલાકારો આજે પણ સૌરાષ્ટ્રમાં છે, પણ હવે એનું પ્રમાણ ઘટી રહ્યું છે.
આ રાસ અતિશય એનર્જેટિક હોય છે. છેલ્લાં ૫૩ વર્ષથી મેર રાસ મંડળ ચલાવતા તેમ જ ૧૫ જેટલા દેશોમાં તલવાર રાસના કાર્યક્રમ કરી ચૂકેલા રાણાભાઈ સીડા, ગામની વચ્ચે કે સ્ટેજ પર તલવાર રાસ રમતી વખતે મહાનુભાવોનાં કેવાં મીઠાં સંભારણાં રહ્યાં એની જૂની યાદોને તાજી કરતાં કહે છે, ‘૧૯૬૭માં એ સમયનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પોરબંદર આવ્યાં હતાં. એ સમયના મુખ્ય પ્રધાન હિતેન્દ્ર દેસાઈ પણ સાથે હતા. અમે તેમની સમક્ષ તલવાર રાસનો કાર્યક્રમ રજૂ કર્યો હતો ત્યારે ઇન્દિરા ગાંધીએ મને કહ્યું હતું કે ‘અબ તક ઐસા નૃત્ય નહીં દેખા.’
આ ઉપરાંત હાલના વડા પ્રધાન અને એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વાઇબ્રન્ટ ગુજરાત સહિતના કાર્યક્રમોમાં રાસના પોગ્રામ કર્યા છે.



dance


સ્ત્રી પણ શક્તિનું રૂપ
આમ તો નવરાત્રિ દરમ્યાન પુરુષો જ તલવાર રાસ રમે છે, પણ સ્ત્રીઓ પણ હવે તલવાર ઉપાડીને શૌર્ય બતાવવા લાગી છે. ગયા વર્ષે જામનગર પાસેના ધ્રોલ ગામ પાસે આવેલા ભૂચર મોરીના રણમેદાનમાં ૨૦૦૦ રજપૂતાણીઓએ એકસાથે તલવાર રાસ રમીને વર્લ્ડ રેકૉર્ડ સરજ્યો હતો.

 


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2020 04:53 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK