માત્ર ત્વચા જ નહીં, વાળ માટે પણ બેસ્ટ છે આ ચારકોલ. અલબત્ત, તમે એને કઈ રીતે વાપરો છો એ મહત્ત્વનું છે. છેલ્લા થોડાક સમયથી ઍક્ટિવેટેડ ચારકોલ એટલે કે કોલસાના પાઉડરનો બ્યુટી પ્રોડક્ટ્સમાં છૂટથી ઉપયોગ થવા લાગ્યો છે. રેડીમેડ મોંઘીદાટ પ્રોડક્ટ્સને બદલે એના પાઉડરની સાથે હર્બલ ચીજોનો ઉપયોગ કરીને બેસ્ટ ગુણકારી બ્યુટી ટ્રીટમેન્ટ ઘરે જ થઈ શકે છે. ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી.
ચારકોલ એટલે કે એક પ્રકારનો કોલસો. જેનો વર્ષોથી બળતણ તરીકે ઉપયોગ થતો હતો એ જ કોલસો. જો યાદ હોય તો વડીલો દંતમંજન તરીકે પણ એનો ઉપયોગ કરતા. એક સમયે જેની દેશી ઇલાજમાં ગણતરી કરવામાં આવતી હતી એ ચારકોલ પાઉડરને બ્યુટી સૅલોંમાં સૌંદર્ય નિખારનાર આધુનિક પ્રસાધનોમાં સ્થાન મળ્યું છે.
છેલ્લા એકાદ વર્ષમાં ઍક્ટિવેટેડ ચારકોલ પાઉડરના હેર અને ફેસમાસ્ક બ્યુટી સૅલોંમાં વપરાય છે અને એના ફાયદા અને ઉપયોગની રીતના વિવિધ વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. બજારમાં ચહેરા પરથી કાળાશ દૂર કરનાર ચારકોલના ઍન્ટિ-ટૅન ફેસવૉશ પણ આવી રહ્યા છે. પહેલી વાર સાંભળીને કદાચ માનવામાં ન આવે અને મનમાં પ્રશ્ન પણ થાય કે આ સામાન્ય દેખાતો કોલસો શું વાસ્તવમાં સૌંદર્ય નિખારવા સમર્થ હશે! આના જવાબરૂપે તો માત્ર એટલું જ કહી શકાય કે આવું વિચારીને કચવાતે મને પણ જો કોઈ એક વાર ચારકોલ પાઉડરનો અથવા એના હેરપૅક અને ફેસમાસ્કનો ઉપયોગ કરે છે તેઓ બીજી વાર આગ્રહ સાથે એ જ વાપરવાનું પસંદ કરે છે અને તેથી જ બ્યુટી સૅલોંમાં ચારકોલ માસ્ક પ્રચલિત થવા લાગ્યા છે.
ચારકોલ અને ઍક્ટિવેટેડ ચારકોલમાં ફરક
ચારકોલમાં શોષવાની શક્તિ મૂળમાં વધારે પ્રમાણમાં રહેલી છે, પણ એમાંય ઍક્ટિવેટેડ ચારકોલમાં આનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. સૌથી પહેલાં તો અહીં એક વાત જાણવી જરૂરી છે કે ઍક્ટિવેટેડ ચારકોલ એટલે શું જે ફેસમાસ્ક અને ઔષધી તરીકે વપરાય છે. સાથે જ એક પ્રશ્ન થવો સહજ છે કે ચારકોલ અને ઍક્ટિવેટેડ ચારકોલમાં શું તફાવત છે. સામાન્ય અને સારી ગુણવત્તાના કોલસા લાકડામાંથી બને છે. આ કોલસા એટલે કાર્બન, જેને ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં લાકડામાં રહેલા પાણી, મિથેઇન હાઇડ્રોજન અને ટાર જેવાં સંયોજનો બળી જાય છે અને પછી જે બને છે એ કોલસો હોય છે, જ્યારે સૌંદર્ય માટે વપરાતા ઍક્ટિવેટેડ ચારકોલને સામાન્ય ચારકોલ કરતાં ઊંચું તાપમાન આપીને બનાવવામાં આવે છે, જેનાથી એમાં નાનાં-નાનાં છિદ્રો પડે છે અને એની શોષણશક્તિ ખૂબ વધી જાય છે. આને જ કારણે ઍક્ટિવેટેડ ચારકોલનો ઉપયોગ દવા અને સૌંદર્ય પ્રસાધન તરીકે થાય છે.
ખીલ માટે ઉત્તમ
ત્વચાના સૌંદર્યમાં ઇન્ટરનૅશનલ બ્યુટી થેરપી અસોસિએશન CIDESCO દ્વારા સર્ટિફાઇડ બ્યુટિશ્યન અનેરી સેજપાલ ચારકોલ વિશે કહે છે, ‘બ્યુટી સૅલોંમાં છેલ્લાં એકાદ વર્ષથી ઍક્ટિવેટેડ ચારકોલ માસ્ક ખૂબ પ્રચલિત થઇ રહ્યું છે. બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં વપરાતો ઍક્ટિવેટેડ ચારકોલ ખાડાવાળો હોય છે. આ ચારકોલમાંથી બનાવેલાં પીલ ઑફ માસ્કથી ત્વચા પર રહેલી અશુદ્ધિઓ અને વધુપડતા તેલ જેવા પદાર્થ સહેલાઈથી નીકળી જાય છે. આ ચારકોલ માસ્ક તૈલી ત્વચા અને જેમના ચહેરા પર ખીલ (ઍક્ને) ખૂબ નીકળતા હોય તેમના માટે ઉત્તમ સાબિત થાય છે. આનું મુખ્ય કારણ એ જ છે કે ઍક્ટિવેટેડ ચારકોલમાં તૈલી ત્વચામાંથી તેલ શોષવાની શક્તિ અને ત્વચાનાં ખુલ્લાં થઈ ગયેલાં છિદ્રોમાં અંદર સુધી જઈ એને સાફ કરવાની ક્ષમતા છે. આ માસ્કથી બ્લૅક હેડ્સ અને વાઇટ હેડ્સ નીકળી જાય છે. આનો સૌથી મોટો ફાયદો છે કે ઍક્ટિવેટેડ ચારકોલ ત્વચાની અંદર ઊતરી તેને ઍક્ને મટાડી શકે છે અને નિયમિત ઉપયોગ કરવાથી ખીલને કારણે ક્રૉનિક ડાઘ રહી ગયા હોય તો એ પણ ઝાંખા થઈ જાય છે.’
પીલ-ઑફ કરતાં ચારકોલ માસ્ક બેટર
જ્યારે પણ ઉતાવળે ત્વચાને ચમકીલી કરવાની હોય ત્યારે મોટા ભાગે આપણે પીલ-ઑફ માસ્ક લઈ આવીએ છીએ. એનાથી ઇન્સ્ટન્ટ અસર મળતી હોય છે. જોકે પીલ-ઑફ માસ્કની આડઅસર થઈ શકે છે એ વિશે અનેરી સેજપાલ કહે છે, ‘પીલ-ઑફ માસ્કમાં પૅકને ચહેરા પર લગાડીને સુકાય ત્યારે ખેંચીને કાઢતા હોઈએ છીએ. અચાનક પ્રસંગમાં જવાનું થાય ત્યારે ફેશ્યલ કરાવવાનું ટાળી બજારમાં ઉપલબ્ધ પીલ-ઑફ માસ્કથી કામ ચલાવી લે છે. એનાથી બ્લૅક હેડ્સ, વાઇટ હેડ્સ નીકળી જાય છે અને ચહેરો અમુક મિનિટમાં જ તેજસ્વી અને ચોખ્ખો દેખાવા લાગે છે, પણ આ ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે બ્લૅક હેડ્સ, વાઇટ હેડ્સ સાથે ચહેરા પરનું તેલ, ચહેરાની ત્વચાનું ઉપરી આવરણ અને એના વાળ પણ નીકળી જાય છે. જો વારંવાર કોઈ પણ રીતના પીલ-ઑફ માસ્કનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરાની ત્વચાને હાનિ પહોંચી શકે છે. આવું કરવા કરતાં ઘરે જ ચારકોલ માસ્ક બનાવીને ત્વચાને સાફ અને ચમકીલી રાખી શકાય છે. આનો વધારે લાભ ખીલ અથવા ઍક્ને થવાની સમસ્યાવાળી મહિલાઓને થશે.’
ચારકોલ માસ્ક માટે સામગ્રી
૧ ટેબલસ્પૂન મુલતાની માટી (શુષ્ક ત્વચા માટે) અથવા કેઓલીન પાઉડર (ઍક્ને અથવા તૈલી ત્વચા ધરાવનાર માટે)
૧ ટેબલસ્પૂન ઍક્ટિવેટેડ ચારકોલ પાઉડર (બજારમાં ઉપલબ્ધ છે)
બે ટેબલસ્પૂન ઍપલ સાઇડર વિનેગર
૧ ટીપું ટી ટ્રી ઑઇલ (ઍક્ને માટે) અથવા લૅવેન્ડર ઑઇલ (શુષ્ક ત્વચા માટે)
બનાવવાની રીત
બધી જ સામગ્રી ભેળવી એને ચહેરા પર લગાડી વીસ મિનિટ રાખવું અને સુકાય પછી પાણીથી ચહેરો ધોઈ લેવો.
વાળ માટે પણ ચારકોલ પાઉડરથી વાળમાં થતા લાભ
સ્કિન ઉપરાંત હેર માટે પણ ચારકોલ બહુ ફાયદાકારક છે. જોકે એ વિશે બહુ ઓછા લોકો જાણે છે. બાર વર્ષનો અનુભવ ધરાવતાં કાંદિવલીનાં બ્યુટિશ્યન સુચિતા પંચાલ ચારકોલના વાળ પર કેમ લાભ થાય છે એ જણાવતાં કહે છે, ‘આપણે એક વાત ભૂલી જતા હોઈએ છીએ કે વાળની અંદર પણ ત્વચા રહેલી છે અને એ જ્યારે સાફ થાય છે ત્યારે જ નવા વાળ ઊગે છે. ઍક્ટિવેટેડ ચારકોલથી બનાવેલો પૅક વાળમાં લગાડવાથી વાળમાં ચીટકેલો મેલ, વધુપડતું તેલ સહેલાઈથી નીકળી જાય છે. ચારકોલ પાઉડરનો પૅક વાળમાં લગાડ્યા પછી વાળ એકદમ સુંવાળા, હળવા અને સ્વસ્થ થઈ જાય છે. તાળવામાં લાગેલી અશુદ્ધિઓ નીકળવાથી નવા વાળનું ઊગવું સ્વાભાવિક છે, જેનાથી સમયાંતરે વાળ જાડા થાય છે. વાળ માટે ઘરે લગાડી શકાય એવો પૅક સરળતાથી તૈયાર કરી શકાય છે.’
હેરપૅક માટે સામગ્રી
બે ચમચી દહીં
બે ચમચી ઍક્ટિવેટેડ ચારકોલ પાઉડર
બે ચમચી આમળા પાઉડર
બે ચમચી ઍલોવેરા જેલ અથવા ઍલોવેરા પાઉડર
બે ચમચી નારિયેળ તેલ અથવા ઑલિવ ઑઇલ
બનાવવાની રીત
દહીંમાં ઉપરના બધા પાઉડર ભેળવી એક ગાઢી પેસ્ટ તૈયાર કરવી. જો જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું જેથી વાળમાં સહેલાઈથી લગાડી શકાય. આ હેરપૅકને ૪૫ મિનિટ સુધી વાળમાં રાખી વાળ સાદા પાણીથી ધોઈ લેવા અને બીજા દિવસે શૅમ્પૂથી ધોવા.
આ હેરપૅકનો અઠવાડિયે બે વાર ઉપયોગ કરવાથી વાળની લંબાઈ અને વૉલ્યુમ બન્ને સારા થાય છે એટલું જ નહીં, વાળ સુંવાળા અને ચમકીલા થાય છે.
ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટ કરવી હોય તો પેટ્રોલિયમ જેલી કાફી હૈ
29th December, 2020 15:55 ISTહાલના સમયમાં શું તમે કોઈ અજ્ઞાત ભયથી પીડાઈ રહ્યા છો?
11th December, 2020 17:16 ISTહવે જ્યારે માસ્ક રોજિંદા જીવનનો ભાગ થઈ ગયો છે ત્યારે ધ્યાન રાખો કે માસ્ક મુસીબત ન બને
9th October, 2020 13:17 ISTઇન્સ્ટન્ટ નિખાર માટેનો નવો ટ્રેન્ડ ફેશ્યલ બૉમ્બ
29th September, 2020 15:55 IST