Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > બેવફા બૉયફ્રેન્ડને તો મેં છોડી દીધો, પણ હજી તેની વાતો ભૂલાતી નથી

બેવફા બૉયફ્રેન્ડને તો મેં છોડી દીધો, પણ હજી તેની વાતો ભૂલાતી નથી

22 November, 2019 04:10 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

બેવફા બૉયફ્રેન્ડને તો મેં છોડી દીધો, પણ હજી તેની વાતો ભૂલાતી નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ : થોડા સમય પહેલાં જ મારું બ્રેકઅપ થયું છે. મારી આ ત્રીજી રિલેશનશિપ હતી, પણ અત્યાર સુધીની સૌથી લાંબી હતી. અમે ચાર વર્ષ સુધી સાથે હતાં. આ દરમ્યાન અમે ઘણા ઉતાર-ચડાવમાંથી પસાર થયેલાં. અમે બન્ને નોકરીએ લાગીએ એ પહેલાંનો સમય ઘણો કપરો હતો અને છતાં અમે એકબીજાનું પીઠબળ બનીને ટકી ગયાં. હા, છેલ્લા થોડા સમયથી અમારી વચ્ચે બધું ઠીકઠાક નહોતું ચાલી રહ્યું. હું જેકંઈ કરું એ તેને ખોટું જ લાગતું. તે મને કહેતો કે હું સ્વાર્થી છું. હું તેના કરતાં બીજા કોઈનેય સહેજ પણ મહત્ત્વ આપું તો તેને લાગતું કે હું તેને નીચાજોણું કરાવું છું. તેણે મને એક સમયે બેવફા કહીનેય ઘણી ગાળો આપી હતી. તેને લાગતું કે હું ટૂ-ટાઇમર છું. ઇન ફૅક્ટ એવું કશું જ નહોતું. કરીઅરના એવા તબક્કામાં હું હતી કે મારે બીજે ધ્યાન વધુ આપવું પડતું હતું. પરિવારમાંથી હજી અમારા સંબંધને સંમતિ મળી નહોતી એટલે એની ચિંતા પણ હતી. આખરે ખૂબ ઝઘડા પછી હું એટલી કંટાળી કે મેં જ તેને છૂટા પડવાનું કહી દીધું. બસ, એ પછી તેણે મને મારા ફ્રેન્ડ-સર્કલમાં પણ બહુ જ ખરાબ ચીતરવાનું ચાલુ કરી દીધું. હું તેને વફાદાર નહોતી અને તેનો માત્ર ઓળખાણ થકી કામ કઢાવવા માટે જ ઉપયોગ કરતી હતી એવી-એવી વાતો ફેલાવી. મને અત્યારે બ્રેકઅપનું દુખ તો છે જ, પણ મારી જે છબિ બનાવી છે એ પણ બહુ હર્ટ કરે છે. સાચે જ મને મારા પોતાના માટે શંકા થઈ રહી છે. હું કોઈ દોસ્તો સાથે પણ હળીમળી શકતી નથી. પેરન્ટ્સ છોકરાઓ બતાવી રહ્યા છે એમાં પણ આગળ વધતાં મને ડર લાગે છે. 

જવાબ : એક તો બ્રેકઅપ અને એમાં પાછું બેફામ આરોપનામું. પીડાદાયક સ્થિતિ તો ખરી, પણ જરા વિચારો કે જો તમે આ જ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં હોત અને પછી આવા આરોપનામાનો સામનો કરવાનો આવત તો શું થાત? કદાચ તમને લાગતું હશે કે તમે ચારે તરફથી ઘેરાઈ ગયાં છો, પણ મને તો લાગે છે કે તમે ખરા અર્થમાં મુક્ત થઈ ગયાં છો.



જીવનમાં અંગત રીતે મારો સિદ્ધાંત રહ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્વાર્થી, બેમોંઢાળી, બેવફા કે એવું કોઈ પણ લેબલ આપે ત્યારે તરત રીઍક્ટ ન કરવું. શાંત થઈને જાત સામે અરીસો મૂકવો. જે ઍક્ટથી સામેવાળી વ્યક્તિને તમે સ્વાર્થી લાગો છો એ ઍક્ટ પાછળ શું મારી કોઈ સ્વાર્થી ગણતરી હતી ખરી એવું જાતને પૂછવું. સામેવાળો જે આરોપ તમારા પર મૂકે છે એમાંનું થોડુંઘણું પણ આપણી અંદર જોવા મળે તો એને સુધરાવાની કોશિશ કરવી, પણ જો ન દેખાય તો નચિંત થઈ જવું અને ભૂલી જવું. જીવનસાથી જેવા અંગત સંબંધમાં આવી ગેરસમજ બને ત્યારે તમારે તમે સ્વાર્થી નહોતા એ સમજાવવાની પ્રેમથી પહેલ કરવી પડે. એક-બે-ત્રણ વાર સમજાવ્યા પછી પણ જો તે પોતાના મંતવ્યને પકડી રાખે તો તમે જે કર્યું એ વાજબી જ છે. જે વ્યક્તિ તમે જેવા નથી એવું લેબલ ચિપકાવવાની કોશિશ કરતી હોય તેને જીવનમાં વધુ મહત્ત્વ આપવું જ નહીં.


સમસ્યા ત્યારે પેદા થાય છે જ્યારે કોઈ આપણને ચાર વાર કંઈક કહે છે અને આપણે આપણી જ જાત પર શંકા કરવા લાગીએ છીએ. લોકો તમને સંત કહે કે સ્વાર્થી, તમે જેવાં છો એવાં જ રહેવાનાં છો. બીજું, તમારા વિશે સારું બોલાય કે ખરાબ, એ તમારા માટે વધુ મહત્ત્વનું હોય છે. બીજા લોકો એને બહુ ઝાઝું યાદ નથી રાખતા એટલે બૉયફ્રેન્ડને જેમ છોડ્યો છે એમ તેની વાતોને પણ પાછળ છોડી દો.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 04:10 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK