"મહિલાઓને ખરાબ ડ્રાઇવર કહેવામાં આવે છે એ મને પસંદ નથી"

Published: 6th November, 2012 07:52 IST

ઍક્ટ્રેસ ઈશા ગુપ્તા જણાવે છે તેની ગાડીઓ પાછળની દીવાનગી વિશેએક સુંદર કારની સુંદરતાને હંમેશાં સ્ત્રીની ખૂબસૂરતી સાથે સરખાવવામાં આવે છે અને માટે જ પુરુષો કારના ખાસ દીવાના હોય છે, પરંતુ અહીં તો ઈશા ગુપ્તા પોતાને કારની દીવાની માની રહી છે. ‘જન્નત ૨’ અને ‘રાઝ ૩’માં દેખાયેલી ઈશા ગુપ્તાનું કહેવું એમ પણ છે કે તેનો પહેલો પ્રેમ જો કંઈ હોય તો એ કાર જ છે. તેણે પોતાના આવા જ કાર-નામા શૅર કર્યા ‘મિડ-ડે’ સાથે.

દીવાનગી

હું ગાડીઓ પાછળ દીવાની છું. એ કેટલી સુંદર હોય છે! એક વાર મારે કારને લગતી એક ઇવેન્ટમાં જવાનું હતુ અને ત્યારે મેં મારા સ્ટાઇલિસ્ટોને કહી દીધું હતું કે તમે મને ગમે એટલાં સારાં કપડાં પહેરાવો કે બેસ્ટ મેક-અપ કરો પણ આ સુંદર ગાડીઓની ખૂબસૂરતી સામે હું નર્વસ થઈ જ જવાની છું. મારી ફેવરિટ કાર ઍસ્ટન માર્ટિન વી૮ વિન્ટેજ એસ કૂપે  છે. આ એક સુંદર બ્લૅક રંગની કાર છે. આ ગાડી મને હજી સુધી ભારતમાં જોવા નથી મળી, પણ મારી ખૂબ ઇચ્છા છે કે હું એક અહીં લાવી શકું.

ટ્રાફિક પ્રૉબ્લેમ

હું ખૂબ સારી રીતે ગાડી ડ્રાઇવ કરી શકું છું, પણ મુંબઈના રોડ પર મેં આજ સુધી ફક્ત બે જ વાર ડ્રાઇવ કર્યું છે, કારણ કે મારા હિસાબે મુંબઈમાં ટ્રાફિકના કોઈ નિયમો જ નથી. રાહ કોણ જુએ? આવું વિચારીને કોઈ-કોઈના માટે થોભતું નથી. હું દિલ્હીની છું અને દિલ્હીમાં રોડ ખૂબ મોટા છે. જોકે મારું કહેવું એમ નથી કે દિલ્હીનો ટ્રાફિક સારો છે પણ રોડ મોટા હોવાને લીધે ડ્રાઇવિંગ આસાન બને છે જ્યારે મુંબઈમાં ઑટોરિક્ષા અને બાઇકસવારો અચાનક આવીને એ રીતે કટ મારે છે કે તમે ડરી જાઓ.

સ્ત્રીઓ અને ડ્રાઇવિંગ


સ્ત્રીઓને ખરાબ ડ્રાઇવર કહેવામાં આવે છે એ મને પસંદ નથી. મેં એવા કેટલાય પુરુષો જોયા છે જે રફ ડ્રાઇવિંગ કરે છે અને એમાં તેમનો મેલ ઈગો પણ નડે છે. સ્ત્રીઓ બેસ્ટ ડ્રાઇવર છે, કારણ કે તેઓ ડ્રાઇવિંગ કરતી વખતે પુરુષો કરતાં વધુ પ્રમાણમાં સાવધાની રાખે છે. આપણા દેશમાં પુરુષો ડ્રાઇવ કરે ત્યારે ફોન પર પણ વાત કરે છે, જે ખોટું છે.

લૉન્ગ ડ્રાઇવ

એક સારી ગાડીમાં જાતે ડ્રાઇવ કરીને લૉન્ગ ડ્રાઇવ પર જવું ખૂબ રોમૅન્ટિક છે અને જો મને આવો મોકો મળે તો હું સાથે કોઈને નહીં લઈ જાઉં અને એ સમય હું મારી પ્યારી ગાડી સાથે વિતાવીશ, પણ મને નથી લાગતું કે હું મુંબઈમાં આવી લૉન્ગ ડ્રાઇવ માટે જઈ શકીશ, કારણ કે કામ માટે ટ્રાવેલ કરવું પડે ત્યાં જ હું ખૂબ થાકી જાઉં છું. દિલ્હીમાં પણ લાંબી ડ્રાઇવ માણી શકાય એવી નથી હોતી. મને હૈદરાબાદના રોડ ગમે છે અને બૅન્ગલોર તેમ જ ચેન્નઈના રોડ પણ સારા છે.

સેફ્ટી પહેલાં

હું ડ્રાઇવ કરું ત્યારે સેફ્ટી સૌથી પહેલું પ્રાધાન્ય હોય છે. હું ધ્યાન રાખું છું કે હું અને મારી બાજુમાં જે વ્યક્તિ બેઠી હોય તે સીટ-બેલ્ટ પહેરે.

ગાડીમાં સીટ-બેલ્ટ અને મિરર લગાવવામાં આવ્યા છે એની પાછળ કારણ છે. ઘણી વાર ડ્રાઇવરો સામેના મિરરમાં જોયા વગર જ ગાડી થોભાવી દે છે અને પછી ઠોકાઈ જાય તો પાછળની ગાડીવાળા પર ગુસ્સે થાય છે. મને કાર-રિપેરિંગ વિશે એટલું જ્ઞાન નથી, પણ ભારતમાં એ ચાલી જાય છે, કારણ કે અહીં મેકૅનિક ક્યાંય પણ આસાનીથી મળી જાય છે, પરંતુ અબ્રૉડમાં એવું નથી. ત્યાં રસ્તામાં મેકૅનિક આસાનીથી મળતા નથી અને માટે જ તમને કાર રિપેર કરતાં આવડે એ જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK