નવરાત્રિમાં શરીર સ્ફૂર્તિલું રાખવા કઈ કાળજી લેશો?

Published: 16th October, 2012 05:58 IST

ગરબા રમ્યા પછી ખાવા-પીવામાં સહેજ પણ બેદરકારી દાખવવામાં આવે તો તબિયત અને નોરતાં બન્નેની મજા પર પાણી ફરી શકે છે એટલે રાસ રમતી વખતે સ્ટૅમિના જળવાઈ રહે એવા સિમ્પલ ડાયટ-પ્લાન વિશે ખાસ જાણી લોનવરાત્રિની નવ રાત માતાજીના ગરબા ગવાય છે. શરૂઆતના દિવસોમાં તો વાંધો નથી આવતો, પણ પછી ધીમે-ધીમે શરીર પર થાક વર્તાવા લાગે છે. ઉત્સાહને કારણે રોજ દાંડિયા રમવામાં વાંધો નથી આવતો, પણ ઉજાગરા અને થાકની માઠી અસર શરીર પર પડે છે. નવરાત્રિમાં તરોતાજા રહેવા માટે શરીર સ્ફૂર્તિલું અને સુંદર રહે એ માટે ખાસ કાળજી લેવી જોઈએ.

ગરબા અને કૅલરી

જો કોઈ વ્યક્તિ બે કલાક નૉન-સ્ટૉપ ગરબા રમે તો તેની ૮૦૦ કૅલરી ખર્ચાય છે. જોકે આજકાલ દોઢ કલાકથી વધુ ગરબા ચાલતા જ નથી એટલે આશરે ૬૦૦ કૅલરી ખર્ચાય છે એમ સમજી શકાય. હળવાં સ્ટેપ્સ લઈને કટકે-કટકે રમતી વ્યક્તિઓ માંડ ૪૦૦ કૅલરી ખર્ચે છે. આ એક ટંકમાં લેવાતી કૅલરી છે. આટલી કૅલરી સરભર કરવા માટે ડાયેટિશ્યન ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘તમે રાતે વધુ એક્સરસાઇઝ કરો છો એટલે દિવસે વધુ ખાવાની જરૂર નથી. દિવસ દરમ્યાન નૉર્મલી તમે જે ડાયટ લો છો એ જ જાળવી રાખો. તમે જો દિવસે પણ વધારે ખાશો અને રાતે પણ ભારે ભોજન કરશો તો એનાથી ડબલ કૅલરી પેટમાં જશે.’

દિવસે નહીં, રાતે ખાઓ

ગરબા રમ્યા પછી ખૂબ ભૂખ લાગે છે એ વિશે ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘રાતે ગરબા રમ્યા પછી તમને ભૂખ લાગે જ છે. એ સમયે મોટા ભાગે લોકો બહાર હોય છે એટલે જે આવે એ જન્ક-ફૂડ પેટમાં પધરાવે છે. ધારો કે રાતે દાંડિયા રમ્યા પછી કંઈ જ ખાધા-પીધા વિના સૂઈ જશો તો સવારે ઊઠીને લો-શુગર થવાની શક્યતા છે. એને કારણે બીજા દિવસની સવાર થાકવાળી અને સુસ્તીવાળી રહે છે. રાતે ઘરે આવીને ફ્રૂટ્સ અથવા દૂધ અને કૉર્નફ્લેક્સ લેવાં.’

ડાયટ-ટિપ્સ

રમવા જતાં પહેલાં : ગરબા રમવા માટે પૂરતી એનર્જી મળી રહે એ માટે સાંજે જમીને જવું જરૂરી છે. ભૂખ્યા પેટે રમશો તો એનર્જી ખલાસ થઈ જશે અને વધુપડતું ખાશો તો હાંફી જશો ને રમી નહીં શકો. તૈયાર થતાં પહેલાં પરાંઠાં-શાક, ખીચડી-શાક, થેપલાં-મૂઠિયાં, પાંઉભાજી જેવી ઓછા ઑઇલવાળી ચીજો જમી શકાય. પચવામાં ભારે, ઑઇલવાળી, મેંદાની ચીજો ન લો.

ગરબા દરમ્યાન : રમવા નીકળતાં પહેલાં એકસાથે ખૂબબધું પાણી ન પીઓ. થોડુંક-થોડુંક પાણી પીતા રહો. રમવા જતાં પહેલાં અડધોથી એક કલાક અગાઉ જમી લો. રમવા જતી વખતે એકાદ ગ્લાસ લીંબુપાણી, છાશ કે  ફ્રેશ સોડા જેવું કંઈક પી લો. રમવાનું પતાવ્યા પછી તરત જ પાણી ગટગટાવો નહીં.

ગરબા રમ્યા પછી : સૂપ અને ફ્રૂટ્સ લઈ શકાય. મિક્સ વેજિટેબલ્સવાળું ફલાફલ લેમન જૂસ સાથે લઈ શકાય. બ્રાઉન બ્રેડની બનેલી વેજ ગ્રિલ સૅન્ડવિચ લઈ શકાય. પાંઉભાજીને બદલે હોલ વીટ બ્રેડ અને ભાજી લઈ શકાય. ઇડલી, સૅન્ડવિચ, ઢોસા કે ઉત્તપ્પા જેવી ચીજો ઓછા ઑઇલવાળી હોય છે એટલે એ લઈ શકાય.

મૉનિંગ બ્રેકફાસ્ટ : મોડી રાતે જમવાને કારણે પાચનતંત્રની સાઇકલ ખોરવાઈ જાય છે. સવારે ઊઠવામાં મોડું થઈ જાય છે. નવરાત્રિના નવ દિવસ બ્રેકફાસ્ટ લેવાનું ટાળવું નહીં, પરંતુ થોડોક હળવો કહેવાય એવો બ્રેકફાસ્ટ લેવો. ઑઇલી ચીજો સંપૂર્ણપણે અવૉઇડ કરવી. ખાખરા-મગ, પૌંઆ તેમ જ કૉર્નફ્લેક્સ અને ઓટ જેવી ચીજો દૂધની સાથે લઈ શકાય.

ત્વચાની સુંદરતા

રાતના ઉજાગરાને કારણે ચમકવિહોણી થઈ ગયેલી ત્વચાને ઇન્સ્ટન્ટ ગ્લો આપવો હોય તો વિટામિન ઈની ક્રીમો કરતાં વિટામિન ઈ સપ્લિમેન્ટ્સ માટેની ટૅબ્લેટ્સ વધુ ફાયદો કરે છે. એક ચમચી મિલ્કપાઉડરમાં મધ, ચપટી હળદર અને વિટામિન ઈની એક ટૅબ્લેટ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવીને રાખવું. દસેક મિનિટ રાખીને પછી ધોઈ લેવાથી ત્વચા તરત જ ચમકીલી લાગે છે. જોકે આ ચમક પર્મનન્ટ નથી રહેતી.

બે-ચાર દિવસમાં ફરી થાક અને ઉજાગરાને કારણે ચમક ઊડી જઈ શકે છે.

વિટામિન ઈની કૅપ્સ્યુલને બદલે બદામનું ઑઇલ, ઑલિવ ઑઇલ કે ટમેટાંનો ગર પણ વાપરી શકાય છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK