સવાલ: મારી ઉંમર ૨૪ વર્ષ છે. સગાઈ થયાંને બે વરસ થયાં છે અને હમણાંથી અમે ફિઝિકલી પણ આગળ વધીએ છીએ. જોકે તે મોટાભાગે કૉન્ડોમનો ઉપયોગ કરે છે, પણ બે મહિના પહેલાં અચાનક જ મળવાનું થયું અને કૉન્ડોમ હાથવગું નહોતું. સેક્સ પછી મને ખૂબ જ ટેન્શન રહેતું હતું. એટલે બીજા દિવસે મારો ફિયાન્સે દવાની દુકાનેથી ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લઈ આવેલો અને એ જ દિવસે મેં એ ગોળી લઈ લીધી હતી. અમને એમ કે હવે બધું બરાબર થઈ જશે, પણ એ પછી મહિના પર બીજો મહિનો થવા આવશે, પણ પિરિયડ્સ નથી આવ્યા. હોમ પ્રેગ્નન્સી કિટમાં ટેસ્ટ નૅગેટિવ આવે છે. હવે તો ખૂબ જ ટેન્શન વધી રહ્યું છે. અમારે શું કરવું? મારાં પિરિયડ્સ ક્યારેક અઠવાડિયું કે વધુમાં વધુ દસેક દિવસ ડીલે થયાં છે, પણ આટલુંબધું ક્યારેય નથી થયું.
જવાબ: ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ સમાગમ પછી ૭૨ કલાકમાં લેવામાં આવે તો જ અસરકારક છે. જેટલી જલદી લેવામાં આવે એટલું વધુ સારું. લગ્ન વિના પ્રેગ્નન્સીની ચિંતાને કારણે ટેન્શન વધે એ સ્વાભાવિક છે, પણ જો બે મહિના પછી પણ યુરિન પ્રેગ્નન્સી કિટમાં રિપૉર્ટ નેગૅટિવ હોય તો પ્રેગ્નન્સીના ચાન્સ નહીંવત છે.
તમને અવારનવાર પિરિયડ્સમાં મોડું થતું હોય તો તમારે પ્રેગ્નન્સીની નહીં, પણ તમારા હૉર્મોન્સની ચિંતા કરવાની જરૂર છે. તમે FSH, LH, Prolactin, TSH નામના હૉર્મોન્સની ટેસ્ટ કરાવો. બની શકે કે આજકાલ ખૂબ કૉમન એવી પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમની તકલીફ તમને હોય અથવા તો થાઇરૉઇડ ગ્રંથિના હૉર્મોન્સમાં અસંતુલન હોય.
જો આવી તકલીફ હશે અને તમે એને અવગણશો તો આગળજતાં પ્રેગ્નન્સીમાં તકલીફ થઈ શકે છે. માટે ફિયાન્સેને લઈને ગાયનેકોલૉજિસ્ટને મળો અને ઉપરોક્ત ટેસ્ટ કરાવીને પિરિયડ્સ નિયમિત કરવાની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દો. બીજી એક બહુ મહત્ત્વની વાત અહીં યાદ રાખવા જેવી છે એ છે મૉર્નિંગ આફ્ટર પિલના સમજદારીપૂર્વકના વપરાશ વિશે. એને ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ કહેવાય છે એનો મતલબ એ કે જ્યારે ઇમર્જન્સી હોય ત્યારે, ત્યારે અને ત્યારે જ આ ગોળી લેવી. હાથે કરીને ઇમર્જન્સી ઊભી ન કરવી. બને ત્યાં સુધી કૉન્ટ્રાસેપ્શન માટે કૉન્ડોમ અને ઓરલ ગોળીઓનો સપોર્ટ લેવો હિતાવહ છે.