Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઊંબાડિયું ખાવા તો કાર લઈને હાઇવે પર જવું પડે

ઊંબાડિયું ખાવા તો કાર લઈને હાઇવે પર જવું પડે

23 January, 2020 04:01 PM IST | Mumbai
Divyasha Doshi

ઊંબાડિયું ખાવા તો કાર લઈને હાઇવે પર જવું પડે

ઊંબાડિયું

ઊંબાડિયું


મુંબઈથી સુરત અથવા વલસાડથી ધરમપુર જતા રોડના કિનારે અનેક નાની ટપરીઓ પર ખેતરના તાજાં લીલાં શાકને માટલામાં ભરીને બનાવેલું ગરમાગરમ ઊંબાડિયું મળી જશે. ઇનડાયરેક્ટ આગમાં શેકાયેલા શાક પર ઉપર મહુવાનું તેલ રેડીને અને શીતળ શેરડીના રસ સાથે માણવાની મજા જ કંઈ ઑર છે

શિયાળો આવે એટલે મુંબઈગરાઓ ખાસ ગાડી કરીને સુરત તરફ ફરવા નીકળે. ઊંબાડિયું અને ઊંધિયું તેમ જ પોંક, પોંકનાં ભજિયાં ન ખાધાં તેનો શિયાળો ફોગટ ગયો એમ કહી શકાય. દક્ષિણ ગુજરાતમાં સુરતનું ઊંધિયું એટલું ફેમસ છે કે શિયાળો આવતાં ગુજરાત અને મિની ગુજરાત જ્યાં વસે છે એ મુંબઈમાં ઠેર ઠેર સ્વાદિષ્ટ સુરતી ઊંધિયું મળશે એવાં બોર્ડ લાગી જાય. કેટલાંક મહિલા મંડળો ઊંધિયું બનાવવાની સ્પર્ધા પણ રાખે. હેલ્ધી ઊંધિયું પણ હવે લોકો બનાવે છે, પણ ઊંધિયું ખાવાની મજા જ એ છે કે એ તેલમાં તરબતર હોય અને એમાં કતારગામની પાપડી નાખી હોય. સુરતી પાપડી અને કતારગામની પાપડીમાં ફરક છે. કતારગામની પાપડી સુંવાળી, નાનકડી અને જોતાં જ એના પ્રેમમાં પડી જવાય એવી હોય. સુરતી ઊંધિયું કતારગામની પાપડી, લીલી તુવેર, મૂઠિયાં, રીંગણ, કેળાં, રતાળુ, લીલું લસણ, લીલું કોપરું અને કોથમીર તેમ જ ભારોભાર તેલ વગર ન ખાધું તો એ ઊંધિયું નહીં. ઊંધિયું તમે ઘરે બનાવી શકો, પણ ઊંબાડિયું ખાવા તો વલસાડ જવું પડે. એ માહોલ અને હવા, પાણી સિવાય એનો સ્વાદ ઘરમાં આવી જ શકે નહીં. વળી એને પૅક કરીને ઘરે લઈ જવાય પણ એમાં એ સ્વાદ તો નહીં જ આવે. તાજું તરતનું માટલામાંથી કાઢીને ખાઓ અને ઘરે લઈ જઈને ખાઓ તો સ્વાદમાં આસમાન-જમીનનો ફરક પડે છે. એટલે પાર્સલ ન મગાવશો અને લઈ ન જશો એવી સલાહ છે, પણ પછી તમારી મરજી.



વલસાડથી ધરમપુર અને સુરત જતા દરેક રસ્તા પર ઠેર-ઠેર ‘ઊંબાડિયું મળશે’ એમ સફેદ કાપડ પર લાલ અક્ષરે લખાયેલા શબ્દો તમને જોવા મળશે. હવે તો બોર્ડ પણ લગાવાય છે.


તમે બાય રોડ જો દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરો તો તમને દર કિલોમીટરે રસ્તાની ધારે આ કપડાં બાંધેલી નાની છાપરીઓની બહાર ‘સ્વાદિષ્ટ ઊંબાડિયું મળશે’ એવું દેખાશે.

ubadiyu


 આ ઉબડિયું એટલે ઊંધિયું નહીં પણ ઊંધિયાની શોધ આના પરથી જ થઈ હશે. આ ઉબડિયું ફક્ત શિયાળામાં દિવાળીના દિવસોથી જ્યારે પાપડી (સુરતી નાની પાપડી જેવી પણ સાઇઝમાં જરાક જુદી)ની સીઝન આવે ત્યારે થાય. આ ઉબડિયુંનો સ્વાદ ઇટાલિયન વાનગી જેવો લાગશે. ખરેખર જો ઉબડિયું ઇટાલિયનને ખવડાવવામાં આવે તો તેને ચોક્કસ જ ભાવે. આવો સ્વાદ લાગવાનું કારણ છે કલારનાં પાન. ત્યાંના આદિવાસીઓ પાપડી તેમના જ ખેતરના શેઢે ઊગેલી (આ પાપડી સુરતી પાપડી કરતાં જરા મોટી અને જાડી હોય), તુવેર, શક્કરિયાં, કંદ, બટાટા, ક્યારેક કોઈક રીંગણાં નાખે. જો તાજું ખાવાનું હોય તો રીંગણાં નાખેલું બનાવીને ખવાય. આ બધાં શાકને ધોઈને આખાં જ રાખવામાં આવે. લીલું લસણ, કોથમીર, આદું-મરચાં અને મીઠું નાખી મસાલો બનાવીને શાકમાં ભેળવી દેવાય. પછી એક માટીના માટલામાં કલારનાં પાનને પાથરે અથવા તો એનાથી માટલાનું મોઢું બંધ કરે. આ કલારનાં પાન એ વિસ્તારમાં સહજતાથી ઊગી નીકળતાં હોય છે. પછી એને ખાડામાં ઊંધું મૂકીને ચારે બાજુથી તાપ આપીને શેકવા મુકાય. કલાક-બે કલાકે એને કાઢી માટલામાંથી શાક ડિશમાં લઈને એના પર આછું તેલ રેડાય. અને બસ, એને ગરમાગરમ ખાઓ. મોઢામાં મૂકતાં જ હર્બનો સ્વાદ, લસણ, આદું-મરચાં અને બાફેલું તાજું શાક... અદ્ભુત આસ્વાદ આવે.

કલારનાં પાનની ટિપિકલ સ્ટ્રૉન્ગ તીખી જેવી સુગંધ હોય છે. એમાં બફાતાં એ સુગંધનો સ્વાદ શાકમાં ભળી જાય છે. હવે ત્યાં પણ સાથે લીલી ચટણી આપવાનો રિવાજ શરૂ થયો છે. લીલું લસણ, કોથમીર, આદું અને મરચાં, લીંબુ નાખીને બનાવેલી ચટણી ઊંબાડિયામાં સ્વાદ પૂરે. તીખી પણ હોય એટલે તીખું ખાઈ શકો તો જ ખાવી. ઊંબાડિયામાં તળેલું કશું જ ન હોય અને મસાલા પણ તાજા હોય જે શિયાળામાં તમને ગરમાટો આપી જાય છે. આમ તો આ ઊંબાડિયામાં લોકો શિંગતેલ જ નાખે છે, પણ જો ખૂબ ઇન્ટીરિયરમાં જાઓ કે ઓળખાણ હોય અને ક્યાંકથી મહુડાનું તેલ મળે તો આ આખીય વાનગી કૉન્ટિનેન્ટલ સ્વાદવાળી બની જાય. મહુડાના તેલની પોતાની ગંધ હોય છે. ઑલિવ ઑઇલ કેવું હોય છે એમ મહુડાની પોતાની લાક્ષણિકતાઓ હોય છે. આ મહુડાનું તેલ આદિવાસીઓ સીઝનમાં કાઢીને વાપરતા હોય છે. પણ અફસોસ, તમને અહીં કશે પણ મહુડાનું તેલ નહીં મળે. કેટલીક જગ્યાએ તમને ઊંબાડિયા સાથે શેરડીનો રસ પણ મળી શકશે. શેરડી શિયાળામાં જ થાય એટલે તાજી ખેતરમાં થયેલી શેરડી એમાં ભારોભાર લીંબુ, આદું અને મસાલો નાખેલા શેરડીના રસના બે ગ્લાસ તો આરામથી ગટગટાવી જવાય. મુંબઈમાં મળતા શેરડીના રસ સાથે એની સરખામણી ન થઈ શકે. સાથે ઊંબાડિયું ખાઓ... ખાવાના શોખીન માટે આદિવાસી ઊંબાડિયું ખાવું જરૂરી બની જાય છે. હવે શિયાળો આવે છે ત્યારે શહેરી ઊંધિયાની વાતો થશે, પણ આ ઊંબાડિયું અમે ધરમપુર રોડ પર ખાધું. સ્વાદિષ્ટ એવું લાગ્યું કે આંગળી ચીંધ્યા વગર ન રહી શકાયું, કારણ કે રસ્તા પર ઊભા રહીને ખાવું એ પણ સાવ કશું જ ન જણાતું હોય એવી ટેમ્પરરી છાપરી પર કાર ઊભી રાખવાની આદત ન હોયને! પણ કંઈક નવું ચાખવા રસ્તા પર ખાતાં અચકાવું નહીં. અને હા, ધરમપુર રોડ પર તો જૈન એટલે કે લસણ વિનાનું ઊંબાડિયું બનાવનારા પણ મળી શકશે. જોકે જૈનો માફ કરે, પણ ઊંધિયું અને ઊંબાડિયું તો લસણ વિના ઊણાં જ ઊતરે.

ઊંબાડિયુંનો અર્થ શું?

સાર્થ જોડણીકોશમાં ઉબડિયું શબ્દ ઊંધિયું માટે છે. પણ ઊંબાડિયું બોલાતું હોય છે. અને એનો અર્થ થાય છે ખોરિયા કરવાં, નકામું લાકડું કે સળી હાથમાં લઈ લગાડવી કે તોફાન કરવું, નકામું ધૂળ કરવું. ઊંબાડિયાં કરવાના અર્થમાં આ વાક્યપ્રયોગ થતો હોય છે. રસ્તા પર આવતાં આ લલચામણાં પોસ્ટરોની જોડણીઓ સાચી હોય એ જરૂરી નથી.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 04:01 PM IST | Mumbai | Divyasha Doshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK