તાજાં અથાણાં ખાશો તો પેટ થઈ જશે ખુશ

Published: 12th January, 2021 16:49 IST | Varsha Chitaliya | Mumbai

શિયાળાની ઋતુમાં ભરપૂર પ્રમાણમાં મળતાં આદુ, લીલી હળદર, ગાજર, મૂળા અને લીલું લસણ જેવી શાકભાજીમાંથી બનાવેલાં અથાણાં ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે

ગુંદા-કેરીના અથાણાં તો ગુજરાતીઓ ખૂબ ખાય છે, પણ આપણે હવે વળવાનું છે હેલ્ધી, ટેસ્ટી અને ફ્રેશ પિકલ પર. કેમ કે શિયાળાની ઋતુમાં ભરપૂર પ્રમાણમાં મળતાં આદુ, લીલી હળદર, ગાજર, મૂળા અને લીલું લસણ જેવી શાકભાજીમાંથી બનાવેલાં અથાણાં ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે

છપ્પન જાતનાં પકવાનથી સજાવેલી થાળીમાં જો ચમચી અથાણું ન મૂક્યું હોય તો કંઈક ખૂટતું હોય એવું લાગે. ભારતીય ભોજનમાં અથાણાંને આવું વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગૃહિણીઓ બારેમાસ ચાલે એટલું અથાણું બનાવી લે છે. કેરી-ગુંદા કે કેરડા નાખીને બનાવેલાં તેલમાં ડૂબાડૂબ તીખાં અને ગળ્યાં અથાણાં જીભનો સ્વાદ વધારે છે પરંતુ પૌષ્ટિકતાની દૃષ્ટિએ વિન્ટર પિકલની તોલે ન આવે. ગુજરાતીઓને જીભનો ચટાકો જોઈએ એટલે બારેમાસનાં તીખાં-ખાટાં અથાણાંને સાઇડ પર ભલે ન મૂકો, પરંતુ શિયાળાની મોસમ દરમિયાન બરણીને અભરાઈ પર તો મૂકી જ શકીએ. આ વર્ષે બજારમાં સસ્તા અને મોટા પ્રમાણમાં શાકભાજી આવી છે ત્યારે ફૂલગુલાબી ઋતુમાં તબિયત ટકાટક કરી દે એવાં તાજાં અને સ્વાદિષ્ટ અથાણાંની વાત કરીએ.

તાજું અથાણું કેમ?

બારેમાસનાં અથાણાંની એક વિશિષ્ટતા છે, એને ટોટલી અનહેલ્ધીની કૅટેગરીમાં ન મૂકી શકાય. કેરી-ગુંદા, લીંબુ સાથે રાઇના કુરિયા, મેથી, મરચું શરીર માટે ગુણકારી છે પરંતુ આ સીઝનમાં તાજું અથાણું ખાવાના અઢળક ફાયદા છે એવી સમજણ આપતાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ કહે છે, ‘બાર મહિનાનાં અથાણાંમાં તેલનું પ્રમાણ વધુ હોય છે જ્યારે તાજાં અથાણાંમાં તેલની જરૂર પડતી નથી. આરોગ્યની દૃષ્ટિએ આ બહુ મોટો ફાયદો છે. બીજો ફાયદો એ કે ઉનાળામાં બનતાં અથાણાંમાં લિમિટેડ ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે જ્યારે અત્યારે તમારી પાસે ઘણાબધા ઑપ્શન્સ છે. જુદી-જુદી શાકભાજીને વિવિધ પ્રકારે ખાવાથી તમામ પોષક તત્ત્વો મળી રહે છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે. શિયાળાની ઋતુમાં બજારમાં ભરપૂર પ્રમાણમાં મળતી શાકભાજીમાંથી બનાવેલાં અથાણાંનો ભોજનની થાળીમાં સમાવેશ કરવો જોઈએ. જોકે બન્ને પ્રકારનાં અથાણાં પ્રોબાયોટિક છે. ફર્મેન્ટેશન માટે મીઠું વધુ જ નાખવું પડે છે.’

અથાણું શબ્દ કાનમાં પડે એટલે મોઢામાં પાણી આવી જાય. ગુજરાતીઓના ઘર જેટલી અથાણાંની વેરાઇટી ક્યાંય જોવા ન મળે. આપણે ત્યાં અથાણાં વગરનું ભોજન અધુરું ગણાય છે. એજલેસ મેડિકા હેલ્થ મૅનેજમેન્ટ સેન્ટર સાથે સંકળાયેલાં નેચરોપૅથ સરલા વોરા કહે છે, ‘રાઈ-મેથીના કુરિયા, તેલ, મીઠું, હિંગ નાખી બનાવવામાં આવતાં તીખાં, ગળ્યાં અને ખાટાં અથાણાંની આગવી વિશિષ્ટતા છે પરંતુ શિયાળો એવી ઋતુ છે જ્યારે તમે લીલી શાકભાજી ખાવાની મજા માણી શકો છો. પ્રાકૃતિક જીવનશૈલી કન્સેપ્ટ પ્રમાણે કાચું એટલે સોનું. શાકભાજીને રાંધવાથી એની ન્યુટ્રિશનલ વૅલ્યુ સંપૂર્ણપણે ખતમ નથી થતી, પરંતુ ઓછી થઈ જાય છે. તેથી ગાજર, મૂળા, આદુ, લીલી હળદર, કોબી, કાકડી જેવી કેટલીક શાકભાજીને અથાણાંના રૂપમાં ખાવાથી આરોગ્ય સારું રહે છે.’

હેલ્થ બેનિફિટ્સ

ઍન્ટિઑક્સિડન્ટનો ગુણ ધરાવતી શાકભાજીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલું જ નહીં, પ્રદૂષણથી લડવાની તાકાત મળે છે. કેટલીક શાકભાજીનો શાકમાં બહોળો ઉપયોગ થતો નથી તેથી એના ગુણધર્મોનો ફાયદો લેવા અથાણાંના રૂપમાં લેવું જોઈએ એવી ભલામણ કરતાં શિલ્પા કહે છે, ‘ગાજર, જુદા-જુદા રંગનાં મરચાં, લીલી હળદર, આદુ એવાં શાક છે જે એક ચમચી ખાવાથી પણ અનેકગણો ફાયદો આપે. ગાજરમાંથી વિટામિન ‘એ’ મળે છે. હળદરમાં કૅન્સર ફાઇટિંગ પ્રૉપર્ટી છે. લસણમાં રહેલું ક્લોરોફિલ નામનું તત્ત્વ પિગમેન્ટેશનમાં લાભદાયી છે. પર્પલ કોબીમાંથી આપણે શાક નથી બનાવતાં પણ એમાં ગાજર ઉમેરીને અથાણું બનાવી શકાય. ગાજર-મટરનું અથાણું પણ હેલ્ધી છે. આ સીઝનમાં મળતા લીલા વટાણા સૉફ્ટ હોય છે. રાઇના કુરિયા, લીલું લસણ, લેમન ડ્રૉપ અને ઑલિવ ઑઇલ ઍડ કરી તાજાં અથાણાંને વધુ હેલ્ધી બનાવી શકાય. ગાજરનું તાજું અથાણું બનાવતી વખતે લીલું લસણ અને ઑલિવ અથવા રાઈનું તેલ ઍડ કરવું. લીલા લસણમાં કુદરતી રીતે મીઠાનું પ્રમાણ હોય છે. આ પ્રોબાયોટિક વેજિટેબલ હોવાથી ફર્મેન્ટેશન માટે વધુ મીઠું નાખવાની જરૂર રહેતી નથી. ઑઇલ નાખવાથી પચાવવામાં સરળતા રહે છે તેમ જ એની ન્યુટ્રિશનલ વૅલ્યુ વધી જાય છે. રાઈના તેલથી શરીરમાં ગરમાટો આવે છે. આ સીઝનમાં મૂળા-ગાજરનું મિક્સ અથાણું પણ ટ્રાય કરવું જોઈએ. ગાજર-મૂળાનું કૉમ્બિનેશન દેખાવમાં અટ્રૅક્ટિવ લાગે છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. શિયાળામાં તમામ પ્રકારની શાકભાજીના વધુમાં વધુ ફાયદા લેવા અથાણું બેસ્ટ ઑપ્શન છે.’

અથાણાંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તાજાં અથાણાંમાં આથો આવવાથી બનતા બૅક્ટેરિયા પાચનતંત્ર માટે ઉપયોગી છે. સરલા વોરા કહે છે, ‘ગુડ બૅક્ટેરિયાથી લેક્ટોબિસિલી ઝડપથી વધે છે જેના કારણે ભારે ખોરાક સહેલાઈથી પચી જાય છે. પાચનતંત્ર મજબૂત થાય એટલે રોગપ્રતિકારક શક્તિ વધે. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં આવતી લીલી હળદર અને આદુને સર્વશ્રેષ્ઠ અથાણાંની શ્રેણીમાં મૂકી શકો. આદુથી ભૂખ ઊઘડે છે. ભૂખ ન લાગતી હોય કે ખાવાનું મન ન થતું હોય એવા દરદીની થાળીમાં અથાણું પીરસવાથી જમવામાં રુચિ વધે છે. આદુમાં ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિફંગલ, ઍન્ટિઇન્ફ્લમૅટરીનો ગુણ રહેલો છે. એનાથી શરીરમાં શરદી-ખાંસી અને વાઇરલ ઇન્ફેક્શનની જલદી અસર થતી નથી. આદુ ઉપરાંત હળદરનું નિયમિત સેવન કરવાથી ૧૪ પ્રકારની બીમારીથી બચી શકાય છે. લીલી હળદર ખાવાથી ત્વચામાં નિખાર આવે છે. ગાજર અને મૂળા ખાવાથી લોહી શુદ્ધ થતાં સ્કિન સારી થાય છે. આ એવાં અથાણાં છે જે રોટલી, ભાખરી કે પરાઠાં સાથે પણ ખાઈ શકો છો.’ 

સરલા વોરાએ સૂચવેલું આદુ-હળદરનું અથાણું

સામગ્રી : ૨૦૦ ગ્રામ લીલી હળદર, ૧૦૦ ગ્રામ આદુ, બે લીંબુનો રસ, ૧૦ લીલાં મરચાં, ૪ ચમચી વરિયાળી, બે ચમચી મેથીના દાણા, ૧ ચમચી કાળાં મરી, ચપટી હિંગ, મીઠું

રીત : આદુ-હળદરને ધોઈ, કોરા કરી છાલ ઉતારીને લાંબી કાતરી કરી લો. વરિયાળી, મેથી દાણા અને મરીને પાંચ મિનિટ ધીમા તાપે શેકી લો. ઠંડું પડે એટલે આદુ-હળદરની કાતરી સાથે મિક્સ કરો. એમાં આખાં અથવા સમારેલાં મરચાં, લીંબુનો રસ, હિંગ અને મીઠું નાખી બરણીમાં ભરી દો. બે દિવસ બાદ ખાવાના ઉપયોગમાં લેવું. આ અથાણું ગુણકારી તો છે જ, વધુ દિવસ સુધી બગડતું પણ નથી.

શિલ્પા મિત્તલે સૂચવેલું ક્રન્ચી કૅરટ પિકલ

સામગ્રી : અડધો કિલો ગાજર, ૧૦થી ૧૨ લીલાં મરચાં, ૧ મધ્યમ સાઇઝની ઝૂડી લીલું લસણ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી સરસવનું તેલ, ૧ ચમચી ઑલિવ ઑઇલ, મીઠું

રીત : વચ્ચેનો ભાગ કાઢી ગાજરને લાંબા-લાંબા કાપી લો. મરચાં અને લસણને બારીક સમારો. ત્રણેય શાકને બાઉલમાં મિક્સ કરો. એમાં લીંબુનો રસ, તેલ અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો. ખાતી વખતે કચર-કચર અવાજ આવે એવું આ અથાણું દેશી-વિદેશી રસોઈ સાથે મૅચ થઈ જશે. પંદરેક દિવસ સુધી ફ્રિજમાં સારું રહે છે.

અથાણાંનો અતિરેક ટાળો

તાજી શાકભાજીમાંથી બનાવેલાં અથાણાંના અપાર ગુણો સાંભળીને એને પેટ ભરીને ખાવા ન માંડતા. અથાણાંને અથાણું સમજીને જ ખાવું જોઈએ. આપણી આખા દિવસની મીઠાની જરૂરિયાત એક ચમચી જેટલી છે તોય વધુ જ ખાઈએ છીએ. ફર્મેન્ટેડ આઇટમમાં સૉલ્ટનું પ્રમાણ વધુ હોવાથી બ્લડ-પ્રેશરના દરદીએ અથાણું ખાવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. તાજાં અથાણાં ફાયદાકારક છે પણ લીંબુનો વપરાશ વધુ થતો હોવાથી સાંધાનો દુખાવો રહેતો હોય એવા દરદીએ ન ખાવું. તમારા ઘરમાં રેડી ટુ કુક ટાઇપના પૅકેજ્ડ ફૂડનો વપરાશ વધુ હોય તો જમવામાં એક ચમચીથી વધુ અથાણું ન ખાવું. જોકે બેસ્ટ એ છે કે બહારના પૅકેજ્ડ ફૂડ કે જેમાં ઑલરેડી સૉલ્ટ વધુ હોય છે એને અવૉઇડ કરી ઘરનું બનાવેલું અથાણું ખાઓ. જો ત્રણ-ચાર જાતનાં તાજાં અથાણાં બનાવ્યાં હોય તો એક વખતે એક જ ખાવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK