ઈસ્ટ યુરોપનું પૅરિસ એટલે પ્રાગ

Published: 23rd December, 2018 21:10 IST | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

અદ્ભુત બાંધકામ, ભવ્ય કિલ્લાઓ, સુપર્બ સ્થાપત્યો, ગોથિક શૈલીનાં ચર્ચો, સુંદર મહેલો, ઊંચા મિનારાવાળાં મકાનો તેમ જ આર્ટના ખજાનાનું શહેર એટલે પ્રાગ

ઓલ્ડ ટાઉન સ્ક્વેર :  પ્રાગનું શિરોમણિ એવું આ ઓલ્ડ ટાઉન સ્ક્વેર એની બાંહોમાં પ્રાગના ઐતિહાસિક વારસાને સાચવીને બેઠું છે.
ઓલ્ડ ટાઉન સ્ક્વેર : પ્રાગનું શિરોમણિ એવું આ ઓલ્ડ ટાઉન સ્ક્વેર એની બાંહોમાં પ્રાગના ઐતિહાસિક વારસાને સાચવીને બેઠું છે.

વિશ્વમાં ઘણાં દેશો અને શહેરો છે જે એની વિશેષ વિશેષતાને લીધે જગપ્રસિદ્ધ છે. પરંતુ ઝેક રિપબ્લિકનું કૅપિટલ પ્રાગ શહેર એક કરતાં વધુ વિશેષતાને લીધે ટૂરિસ્ટોનું માનીતું ડેસ્ટિનેશન બની રહ્યું છે. નથી અહીં કોઈ રમણીય બીચ કે પછી નથી કોઈ રંગીન નાઇટલાઇફ કે નથી કોઈ સુંદર પહાડો અને ખીણ એ છતાં પ્રાગની સરખામણી પૅરિસની સાથે કરવામાં આવી રહી છે. તો એવું તે શું છે પ્રાગ શહેરના પટારામાં કે જેને લીધે એને અઢળક ઉપમા અને બિરુદ મYયાં છે અને જેને લીધે આજે ટૂરિસ્ટોનું મનપસંદ સ્થળ તરીકે ઊભરી રહ્યું છે? પ્રાગની પ્રસિદ્ધિનું સૌથી મુખ્ય કારણ અહીંની ઇમારતોના ઊંચા મિનારા તો છે જ સાથે અસંખ્ય સ્ટૅચ્યુ અને દુર્લભ કહી શકાય એવી આર્ટથી છલોછલ થતું શહેર એના પ્રશંસકોની યાદીમાં વધારો કરી રહ્યું છે.

પ્રાગ વિશેની માહિતીમાં વધુ ઉમેરો કરીએ તો આ સુંદર ઐતિહાસિક શહેર ઈસ્ટ યુરોપિયન દેશોનું સૌથી બેસ્ટ શહેર ગણાય છે. ઊંચા મિનારા અને ગોથિક પદ્ધતિનું બાંધકામ પ્રાગને અન્ય યુરોપિયન શહેરોથી અલગ પાડે છે. ઐતિહાસિક યાદીના મિરર બનીને ઊભા રહેલા સ્ટૅચ્યુઓ, ઇમારતો, રસ્તા, બ્રિજ, આર્ટ વગેરે-વગેરે ટૂરિસ્ટોના હૃદયમાં ઘર કરી જાય છે. વાલ્ય નદી પર વસેલા આ શહેરનાં અનેક સ્થળો યુનેસ્કોની હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે. એવું કહેવાય છે કે લંડન, પૅરિસ, ઇસ્તનબુલ અને રોમ બાદ પ્રાગ શહેર યુરોપનું પાંચમું સૌથી વધુ ટૂરિસ્ટ આકર્ષનારું શહેર છે. અહીંની જનસંખ્યા માંડ ૧૨ લાખની આસપાસ છે, પરંતુ એની સરખામણીમાં અહીં આવનાર ટૂરિસ્ટોની સંખ્યા અનેકગણી વધુ છે. એક આંકડા પ્રમાણે અહીં દર વર્ષે ૮૫ લાખ ટૂરિસ્ટો આવે છે. એવું નથી કે પ્રાગ ફક્ત જૂના સમયનો વારસો સાચવીને બેઠો છે પ્રાગનો કેટલોક હિસ્સો ભલે ઐતિહાસિક ખજાનો સંભાળીને બેસેલો છે ત્યારે કેટલોક હિસ્સો મૉડર્ન અને આધુનિક પ્રાગનાં દર્શન પણ કરાવે છે. પ્રાગમાં ફરવાનો પ્લાન કરો ત્યારે ઓલ્ડ ટાઉન સ્ક્વેર, ચાર્લ્સ બ્રિજ, ઍસ્ટ્રોનૉમિકલ ક્લૉક, પ્રાગ કૅસલ, નૅશનલ ગૅલરી તથા કઠપૂતળીના શોને સ્કિપ કરવા જેવો નથી.

 

ચાર્લ્સ બ્રિજ : આ બ્રિજનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. ભવ્ય અને હેરિટેજ બ્રિજ પર ઉતારવામાં આવેલી કારીગરી ખરેખર અદ્ભુત છે.

ચાર્લ્સ બ્રિજ : આ બ્રિજનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે. ભવ્ય અને હેરિટેજ બ્રિજ પર ઉતારવામાં આવેલી કારીગરી ખરેખર અદ્ભુત છે.

 

ઓલ્ડ ટાઉન સ્ક્વેર

પ્રાગની અનેક ઐતિહાસિક ઘટનાઓની સાક્ષી પૂરવાનું સ્થળ એટલે ઓલ્ડ ટાઉન સ્ક્વેર. અહીં આવેલાં પ્રખ્યાત સ્થળો જેવા કે ઓલ્ડ ટાઉનહૉલ ટાવર, ઍસ્ટ્રોનૉમિકલ ક્લૉક ટાવર, ટીન ચર્ચ ઍન્ડ સેન્ટ, નિકોલસ ચર્ચના લીધે ઓલ્ડ ટાઉન સ્ક્વેર પ્રાગનું જ નહીં, પરંતુ યુરોપનું સવર્શ્રેંષ્ઠ ઐતિહાસિક સ્થળોમાંનું એક સ્થળ છે.  આ ઇમારતો વિભિન્ન ખાસિયતો તો ધરાવે જ છે સાથે એની ગોથિકથી લઈને બારોક્યુની વિવિધ સ્થાપત્ય શૈલીની ઊંચી અને ભવ્ય ઇમારત અને એનું બાંધકામ દસમી અને બારમી સદીમાં ડોકિયું કરાવે છે. આ સિવાય અહીં અનેક સુંદર અને આકર્ષક હેરિટેજ ઇમારતો છે જે તમામને અલગ-અલગ નામ આપવામાં આવેલાં છે. અગાઉના સમયમાં ઇમારતોને નંબર આપવામાં આવતા નહીં જેથી એને નામથી ઉચ્ચારવામાં આવતી અને ઇમારતોનાં નામ પણ એની પરનાં ચિહ્નો અથવા તો એની કોઈ વિશેષતાને આધારે આપવામાં આવતાં હતાં. ધ હાઉસ ઍટ ધ સ્ટોન ક્લૉકની બાજુમાં ગોલટ્સ કિંસ્કી મહેલ આવેલો છે જે અત્યંત સુંદર મહેલ છે. આ મહેલ ભૂતપૂર્વ સામ્યવાદી નેતા ક્લેમેન્ટ ગોટવાલ્ડે અહીંથી આપેલા ભાષણના લીધે વિખ્યાત બન્યો છે. ઓલ્ડ ટાઉનહૉલ અહીંની સૌથી પ્રચલિત ઇમારતોમાંની એક છે. ૧૪મી સદીમાં બનેલી આ ઇમારત ગોથિક શૈલીથી બનાવેલી છે. સેન્ટ નિકોલસ ચર્ચને અહીંનું સૌથી સુંદર ચર્ચ કહેવાય છે, જેનું કારણ છે ચર્ચની અંદર કરવામાં આવેલી ડિઝાઇન જે ખરેખર મંત્રમુગ્ધ કરનારી છે. આમ તો પ્રાગની ઇમારતો એનાં શિખરોને લીધે પ્રચલિત જ છે, પરંતુ અહીં આવેલું ટીન ચર્ચ એક કરતાં વધુ શિખરોને લીધે જાણીતું છે. ઍક્ચ્યુઅલી, આ ચર્ચનું બાંધકામ ૧૪મી સદીમાં શરૂ કરાયું હતું, પરંતુ એને પૂર્ણ થતાં અનેક વર્ષો લાગ્યાં હતાં અને ૧૫મી સદીમાં એનું કામ પૂર્ણ થયું હતું. ચર્ચની આગળ ટીન સ્કૂલ આવેલી છે. ટીન ચર્ચથી થોડા આગળ વધીએ એટલે ‘ધ હાઉસ ઍટ ધ સ્ટોન ક્લૉક’ આવે છે, જે એની ગોથિક શૈલીમાં બનાવેલી સુંદર બારીઓના લીધે લોકપ્રિય છે. ભારતની જેમ અહીં પણ અનેક નેતા અને સમાજસુધારકના નામે અનેક સ્મારકો બનાવવામાં આવેલાં છે. આવું જ એક સ્મારક છે ‘જેન હસ સ્મારક’, જે જેન હસ નામક સમાજસુધારક હતા તેમના નામે બનાવવામાં આવ્યું છે. આવાં તો અહીં અઢળક સ્થાપત્યો અને સ્મારક છે જેના વિશે અહીં લખવાનું પણ અશક્ય બને છે.

 

PERISH


ચાર્લ્સ બ્રિજ

પ્રાગનું વધુ એક આકર્ષણ એટલે ચાર્લ્સ બ્રિજ, જેને આઉટડોર મ્યુઝિયમ પણ કહી શકાય છે. વૉલ્ટાવા નદી પર બાંધવામાં આવેલા આ પુલનું નિર્માણ ૧૧મી સદીમાં કરવામાં આવ્યું હતું. બાદમાં અનેક કુદરતી આફતોના લીધે આ બ્રિજને નુકસાન પહોંચતું ગયું હતું અને પુલ ફરી બંધાતો ગયો હતો. વર્તમાન જે પુલ છે એ પુલ પંદરમી સદીના ચાર્લ્સ ચોથાએ બાંધ્યો હતો. એવું કહેવામાં આવે છે કે આ પુલને બાંધતાં ૧૦૦ કરતાં વધુ વર્ષ વીતી ગયાં હતાં. ૫૧૫ મીટર લાંબા અને ૯.૫ મીટર પહોળા બ્રિજને ટેકો આપવા માટે ૧૬ થાંભલા બાંધવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ બ્રિજ સ્ટોન બ્રિજ તરીકે ઓળખાતો હતો ત્યાર બાદ એનું નામ ચાર્લ્સ બ્રિજ રાખવામાં આવ્યું. ચાર્લ્સ બ્રિજની બહાર બન્ને બાજુએ બે ટાવર ઊભા કરવામાં આવેલા છે. બરૉક પદ્ધતિથી બનાવવામાં આવેલા આ બન્ને ટાવર પરનાં નકશીકામ અને કોતરણી અદ્ભુત છે. શિલ્પકારોએ તેમની કલાને સંપૂર્ણપણે આ બ્રિજની ઉપર ઉતારી દીધી હોય એવું અહીંનું દૃશ્ય જોઈને લાગે છે. આ સિવાય બ્રિજની આસપાસ મૂકવામાં આવેલા અહીંના ઇતિહાસના ૩૦ મહાનુભાવોનાં સ્ટૅચ્યુ આ સ્થળની ગરિમામાં વધારો કરે છે. આ બ્રિજનાં આકર્ષણોની વાત હજી આટલે પૂરી નથી થઈ. બ્રિજ પર જાણે કોઈ જગ્યા શિલ્પકામ માટે બાકી રાખવી ન હોય એ રીતે અહીં થોડા-થોડા અંતરે અલગ કલાકારીનાં શિલ્પો મૂકવામાં આવેલાં છે. આ શિલ્પો હેરિટેજ હોવાથી એને મ્યુઝિયમમાં મૂકી દેવામાં આવ્યાં છે અને એના સ્થાને એના જેવાં દેખાતાં સ્ટૅચ્યુને મૂકી દેવામાં આવ્યાં છે. બ્રિજની બીજી તરફ જીઝસ ક્રાઇસ્ટ સહિત ત્રણ સ્ટૅચ્યુ બનાવેલાં છે. આ બ્રિજને જોવા માટે અહીં ટૂરિસ્ટોનો ભારે ધસારો રહે છે, એથી આ પુલ માત્ર રાહદારીઓ માટે જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે.ઍસ્ટ્રોનૉમિકલ ક્લૉક

પ્રાગમાં ૧૪મી સદીમાં બનેલી ઍસ્ટ્રોનૉમિકલ ક્લૉક સમયની ટેક્નૉલૉજીનું બેસ્ટ ઉદાહરણ છે. આ ક્લૉક રાશિભ્રમણ, સૂર્ય અને ચન્દ્રની સ્થિતિ તેમ જ અનેક ખગોળીય માહિતી દર્શાવે છે. આ વિશાળ ઘડિયાળ સુંદર અને કલાત્મક છે. ક્લૉકની આસપાસ દેવી-દેવતાની મૂર્તિ બનાવેલી છે. અનેક ફીટની દૂરીથી પણ દેખાઈ દેતા આ ક્લૉકના બ્લુ ડાયલમાં સૂર્ય, ચંદ્ર અને રાશિઓનાં પ્રતીકો તથા રોમન આંકડા સોનેરી રંગનાં છે. ૨૪ કલાકનો સમય બતાવતી આ ઘડિયાળમાં ૧૮૭૦ની સાલમાં કૅલેન્ડરનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. આજની તારીખે પણ આ ક્લૉક સાચો ટાઇમ બતાવે છે. દર કલાકે આ ક્લૉકમાંથી સંગીતની સાથે વિવિધ સ્ટૅચ્યુ બહાર આવે છે.


પ્રાગ કૅસલ

પ્રાગ શહેરની કલાત્મકતાનો વધુ એક નજારો છે પ્રાગ કૅસલ. નવમી સદીમાં બંધાયેલો કૅસલ કૉમ્પ્લેક્સ એની અંદર આવેલા મહેલો, અનેક ચર્ચ અને મકાનોના લીધે પ્રખ્યાત છે. પ્રાગ કૅસલના મુખ્ય પ્રવેશદ્વારને જાયન્ટ્સ ગેટ કહેવામાં આવે છે. મુખ્ય દ્વારની બાજુમાં ઊભા કરવામાં આવેલા બે મોટા પથ્થરના થાંભલાની ઉપર મૂકવામાં આવેલા વિશાળ કદના સ્ટૅચ્યુના લીધે ગેટનું નામ જાયન્ટ્સ ગેટ એવું પડી ગયું હતું. કૅસલની બહાર ૨૪ કલાક ચોકી પહેરો ભરેલો રહે છે. ટેકરી પર આવેલા કૅસલ પરથી નીચે પ્રાગમાં આવેલાં મકાનો જોઈ શકાય છે. કૅસલના હેરિટેજ કહી શકાય એવાં થાંભલા અને દીવાલોને નુકસાન નહીં પહોંચે એ માટે ઠેર-ઠેર રેલિંગ કરવામાં આવી છે. હકીકતમાં આ રેલિંગ એવી કલાત્મક રીતે બનાવવામાં આવી છે કે ટૂરિસ્ટોને એક નજરે તો રેલિંગ આ કિલ્લાની સજાવટનો એક ભાગ જ લાગે છે. રેલિંગ પર પશુપક્ષીઓથી માંડીને વિવિધ પ્રકારની પ્રતિકૃતિ અને આકૃતિ બનાવવામાં આવી છે જે તમામ લોખંડમાંથી બનાવવામાં આવી છે. કૅસલની અંદર જેમ-જેમ જતાં જઈએ તેમ-તેમ એના અલૌકિક સૌંદર્યથી વધુ ને વધુ પરિચિત થવાનો ચાન્સ મળે છે. અહીં આવેલાં મકાનો વિયાનાઇઝ સ્ટાઇલમાં બંધાયેલાં છે જે રાજકીય વતુર્ળોચના માટે જ ઉપયોગમાં લેવાય છે. આ સિવાય કિલ્લાની અંદર માઇન્સ ગેટ, ચૅપલ ઑફ ધ હોલી ક્રૉસ, કૅથીડ્રલ ઑફ સેન્ટ વિટ્સ ચર્ચ વગેરે જોવા જેવાં છે. આ ચર્ચનું પ્રવેશદ્વાર બ્રૉન્ઝથી બનેલું છે. ૨૭,૦૦૦ કાચના ટુકડામાંથી બનાવેલી વિન્ડો, પ્રવેશદ્વાર પર ચિતરવામાં આવેલો કૅથીડ્રલનો ઇતિહાસ, રાજવીઓની કબરો, ક્રાઉન રૂમમાં મુકાયેલી અલભ્ય જ્વેલરી આ ચર્ચને ટોચના કૅથીડ્રલમાં મૂકે છે. કૅસલની અંદર જે ‘ધ રૉયલ પૅલેસ’ અને ‘ગોલ્ડન લેન’ સ્થિત છે એ પણ ખૂબ જ દમદાર કહી શકાય એવાં વૈભવી છે.


 

નૅશનલ ગૅલરી

સેંકડો વર્ષ પૂર્વેના સમયથી લઈને બરૉક સમય સુધીની યુરોપિયન આર્ટને માણવી હોય તો પ્રાગમાં આવેલી ‘નૅશનલ ગૅલરી ઇન પ્રાગ’ સૌથી બેસ્ટ ઑપ્શન છે. આ નૅશનલ ગૅલરી ૧૫મી સદીમાં ઇટાલિયન આર્કિટેક્ટ દ્વારા રેનિશા શૈલીમાં બાંધવામાં આવી હતી જેને બાદમાં રિનોવેટ પણ કરવામાં આવી છે. ૧૪મી સદીથી લઈને ૧૮મી સદી સુધીનાં અલભ્ય કહી શકાય એવાં પેઇન્ટિંગને અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવેલાં છે. આશરે બસો વર્ષ પૂર્વે સ્થાપના કરવામાં આવેલી સોસાયટી ઑફ પૅટ્રિઓટિક ફ્રેન્ડ્સ ઑફ ધ આટ્ર્સની સ્થાપના કરવામાં આવી હતી. તેમના સભ્યોએ તેમની બેસ્ટ કલાકારી કહી શકાય એવાં પેઇન્ટિંગ આ ગૅલરીને સોંપ્યાં હતાં. ત્યારથી લઈને આજ સુધી આવા પ્રકારનાં સવર્શ્રેીષ્ઠ કહી શકાય એવાં ચિત્રોનો ભંડાર વધતો જ ગયો છે. મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રીક અને રોમન કળાના સંગ્રહને ખુલ્લો મૂકવામાં આવેલો છે. મ્યુઝિયમના ફર્સ્ટ ફ્લોર પર ૧૪મીથી ૧૬મી સદીના સમયનું બહોળું કલેક્શન છે ત્યારે સેકન્ડ ફ્લોર પર ૧૬મીથી ૧૮મી સદીના ઇટાલિયન, સ્પૅનિશ, ડચ અને ફ્રેન્ચ ખ્યાતનામ આર્ટિસ્ટોએ દોરેલાં ચિત્રોને અહીં મૂકવામાં આવ્યાં છે. પ્રખ્યાત કહી શકાય એવાં પેઇન્ટિંગની યાદીમાં અહીં ‘બુકે ઑફ ફ્લાવર્સ’, ‘ઇલેનોરા ડી ટોલેડા’ વગેરેનો સમાવેશ થાય છે. અહીં નાની સાઇઝનાં પેઇન્ટિંગથી લઈને એક આખેઆખી દીવાલ રોકી લે એ કદ સુધીનાં ચિત્રો પણ છે. નૅશનલ ગૅલરી ઇન પ્રાગ ઉપરાંત અહીં નૅશનલ મ્યુઝિયમ, જ્યુઇશ મ્યુઝિયમ, ફ્રાન્ઝ કાફ્કા મ્યુઝિયમ, ઝેક મ્યુઝિયમ વગેરે સહિત દસ મ્યુઝિયમ છે.

ક્યારે અને કેવી રીતે જશો?

એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઑક્ટોબરનો સમયગાળો અહીં ફરવા માટે બેસ્ટ છે. આ સિવાય ક્રિસમસમાં અહીં ધસારો વધી જાય છે. એથી આ સિવાયના સમયમાં અહીં આવવું પૉકેટ ફ્રેન્ડ્લી રહેવાની સાથે પીસફુલ પણ રહેશે. તેમ જ હોટેલના દરોમાં પણ અડધા જેટલો ઘટાડો થઈ ગયો હોય છે. મુંબઈથી પ્રાગ જતી ઘણી ફ્લાઇટ છે, પરંતુ નૉનસ્ટૉપ ફ્લાઇટ કોઈ નથી. મુંબઈથી પ્રાગ જતાં ફ્લાઇટમાં ૧૨થી ૨૫ કલાકનો સમય લાગે છે. તેમ જ ટિકિટના ભાવ વિવિધ ઍરલાઇન્સના હિસાબે અંદાજે ૨૧,૦૦૦થી લઈને  ૫૬,૦૦૦ સુધી જાય છે.

જાણી-અજાણી વાતો

- ઓલ્ડ ટાઉન સ્ટ્રીટ પર આવેલા એક મકાનની છત પર એક માણસ માત્ર લાકડાની પાઇપના સહારે હવામાં લટકી રહ્યો છે અને જાણે હમણાં નીચે કૂદકો મારી દેશે એવી ઍક્શન સાથેનું પૂતળું બનાવવામાં આવેલું છે જે અહીંથી પસાર થનાર સૌકોઈનું ધ્યાન ખેંચે છે. આ પૂતળું મૅન હૅન્ગિંગ આઉટના નામથી ઓળખાય છે.

- અહીં બીઓ ઓકો નામનું થિયેટર છે જ્યાં બેસવાની વ્યવસ્થા બીચ થીમ પર એવી રીતે કરવામાં આવેલી છે જાણે આપણે થિયેટરમાં નહીં, પરંતુ કોઈ બીચ પર બેસીને ફિલ્મની મજા માણી રહ્યા હોય.  

-  માલા સ્ટ્રાના ખાતે એક ચર્ચ આવેલું છે જેની અંદર બાળ જીઝસની મૂર્તિ મૂકવામાં આવેલી છે. અહીં જીઝસ ક્રાઇસ્ટની પૂજા બાળ સ્વરૂપે કરવામાં આવે છે. આ ચર્ચ ક્યારે બાંધવામાં આવ્યું હતું એના વિશે કોઈને પાકી ખબર નથી.

- પ્રાગના લોકો પપેટ એટલે કે કઠપૂતળીના પ્રેમી છે. અગાઉના સમયમાં અહીંના શ્રીમંત લોકોનો મુખ્ય શોખ પપેટ-શો જોવાનો હતો જેના માટે તેઓ ખાસ કાર્યક્રમોનું આયોજન પણ કરતા હતા. આજે પણ અહીં થિયેટરમાં પપેટ-શોનું આયોજન કરવામાં આવે છે. અહીંની કઠપૂતળી વિશ્વવિખ્યાત છે. પ્રાગમાં ઘણી દુકાનો છે જ્યાં ખાસ પ્રકારનાં પપેટ મળે છે. અહીં આવતાં ટૂરિસ્ટો અચૂક આવી દુકાનોની મુલાકાત લે જ છે.

- અહીં આવેલી વૉલ્ટાવા નદીમાં ફરવા માટે ક્રૂઝની સવલત પણ છે. આ ક્રૂઝમાં બેસીને પ્રાગના ઐતિહાસિક સૌંદર્યને માણવા મળશે.

- વૉલ્ટાવા નદીની બાજુમાં પેટરિન હિલ છે જેનાં ૨૯૯ પગથિયાં છે. હિલની ટોચ પરથી આખા પ્રાગને જોઈ શકાય છે. અહીં એફિલ ટાવરના જેવો, પરંતુ કદમાં નાનો એવો ટાવર છે. આ સિવાય મોટું ગાર્ડન અને લાકડાનું ચર્ચ પણ અહીં આવેલાં છે.

- પ્રાગમાં બિઅર પાણીની જેમ રેલાય છે. ત્યાં સુધી કે ઘણા લોકો તેમની વાનગીમાં પણ બિઅરનો સમાવેશ કરે છે. મેકઅપના શોખીનો માટે અહીં બિઅર મેકઅપ પણ મળે છે.

- ગાર્નેટને અહીં બહુમૂલ્યવાન પથ્થર ગણવામાં આવે છે. આ પથ્થરમાંથી જ્વેલરી બનાવવામાં આવે છે. લાલ કલરના કાચવાળા પારદર્શક પથ્થર અહીં મોટા ભાગના દાગીનામાં જડેલા હોય છે.

- અહીંનો બોહેમિયન ક્રિસ્ટલ ગ્લાસ ઘણો પ્રખ્યાત છે. હાથથી બનાવેલો આ ગ્લાસ મજબૂત અને ટકાઉ હોય છે.

- પ્રાગમાં આવીને લોકો અહીંની ચા પીવાનું જ ભૂલી જાય છે. અહીં વિવિધ વરાઇટીની ચાનું મબલખ ઉત્પાદન થાય છે.

- અહીંની સ્પા વેફર્સ ટ્રાય કરવા જેવી છે, જે એક પ્રકારની કુકીઝ હોય છે અને એના પર વિવિધ પ્રકારની લેયર હોય છે.

- અહીંથી લાકડાનાં રમકડાં લેવાં જેવાં છે. અલગ-અલગ જાતનાં અને જૂના સમયનાં લાગતાં એવાં રમકડાં યુનિક છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ....

- પ્રાગમાં આવવા પૂર્વે આ શહેરની પૂરી વિગતો મેળવી લેવી. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તેમ જ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે પ્રાગ સિટી કાર્ડ મેળવી લેવું જેથી પ્રાગમાં ફરવાનું સસ્તું પડી શકે છે.

- વ્યક્તિદીઠ દૈનિક ખર્ચ ૮૦ યુરોની આસપાસ થાય છે.

- અહીં માત્ર રસ્તા પર બેસીને વેચતા લોકો જ ભાવતાલ કરે છે. આ સિવાય અન્ય કોઈ પણ સ્થળે બાર્ગેનિંગ થતું નથી.

- અહીં ATM સરળતાથી ઉપલબ્ધ થઈ રહે છે.

- વીઝા અને માસ્ટર કાર્ડ તમામ ઠેકાણે ચાલી જાય છે, પરંતુ નાનાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

- વધુ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માગતા હો તો ત્રણથી ચાર મહિના પૂર્વે ફ્લાઇટની ટિકિટ બુક કરી લેવી જોઈએ. તેમ જ હોટેલ બુકિંગ પણ એક મહિના પૂર્વે કરવામાં આવે તો સારોએવો લાભ મળી શકે છે

 

 

- મોટા ભાગની હોટેલોમાં શુક્રવારે અને શનિવારે કોઈ ને કોઈ ઇવેન્ટ હોય છે, જેનો લાભ લેવા આ દિવસોમાં બુકિંગ કરાવી શકાય છે.

- અહીં આવવા પૂર્વે પ્રાગનો એક મૅપ હાથવગો રાખવો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK