સમાગમ બાદ વીર્ય સાથે લોહીના ટીપાં એ કોઇ ગંભીર બીમારી તો નથી ને?

Published: 8th January, 2021 08:13 IST | Dr.Ravi Kothari | Mumbai

મને ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર બન્નેની તકલીફ છે, પણ ગોળીઓથી બધું કાબૂમાં છે. શું કરવું એ જણાવશો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૫૮ વર્ષની છે. સંતાનો મોટાં થઈને સ્વતંત્ર થઈ ગયાં છે. હવે અમે હુતોહુતી જ છીએ. કામેચ્છા બહુ પ્રબળ નથી રહી, પરંતુ પંદર-વીસ દિવસે એકાદ વાર સમાગમ થાય છે. થોડાક મહિના પહેલાં પત્ની બહારગામ ગયેલી અને પછી રજાના દિવસોમાં બાળકો આવ્યા હોવાથી ઘર ભરેલું હતું. લગભગ ચારેક મહિના પછી અમે સમાગમ કર્યો ત્યારે ખૂબ ઝડપથી સ્ખલન થઈ ગયું અને એ વખતે વીર્યને બદલે લોહીનાં પાંચ-છ ટીપાં નીકળ્યાં. આ પહેલાં ક્યારેય એવું બન્યું નથી. બે-ત્રણ દિવસ પછી હસ્તમૈથુન કર્યું ત્યારે તો વીર્ય પણ ન નીકળ્યું. ચરમસીમાએ પહોંચ્યા પછીય માંડ સહેજ ચીકણું પ્રવાહી નીકળ્યું. શું આ કોઈ ગંભીર બીમારીનાં લક્ષણો છે? ચાર મહિના પહેલાં જ મેં પ્રોસ્ટેટની તપાસ કરાવી હતી અને બધું જ નૉર્મલ હતું. મને ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર બન્નેની તકલીફ છે, પણ ગોળીઓથી બધું કાબૂમાં છે. શું કરવું એ જણાવશો.

જવાબ : વીર્યની સાથે લોહી પણ નીકળે એને મેડિકલ ભાષામાં હેમેટોસ્પર્મિયા કહે છે. પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર આવેલી કોઈક રક્તવાહિની તૂટે ત્યારે આમ થઈ શકે છે. ઘણી વખત સમાગમમાં અનિયમિતતા રહેતી હોવાને કારણે પણ આવી તકલીફ જોવા મળી છે. મતલબ કે પહેલાં તમે મહિનામાં બે વાર સમાગમ કરતા હો અને પછી અચાનક ચાર મહિનાનો ગૅપ આવી જાય ત્યારે મોટી ઉંમરના પુરુષોમાં આવું જોવા મળ્યું છે. સમાગમના સમયમાં નિયમિતતા રાખશો તો આવી અચાનક ગભરાઈ જવાય એવી સ્થિતિ પેદા થવાની સંભાવના ઘટી જશે.
આ સમસ્યા માટે હાલમાં કોઈ દવા કે ગોળીઓ લેવાની જરૂર નથી, પણ થોડીક પરેજી પાળો. ખાવાપીવામાં તેલ, મરચાં, મરી-મસાલાવાળો ખોરાક ઓછો લેવો. ચા-કૉફીની આદત ઘટાડી દો. વધુમાં વધુ એક જ કપ લો. આલ્કોહોલ કે સ્મોકિંગની આદત હોય તો સદંતર બંધ કરી દો. આ સમસ્યામાં કટિસ્નાન કારગર નીવડે છે. કટિસ્નાન માટે મોટું પ્લાસ્ટિકનું ટબ લઈને એમાં પાણી ભરવું. ત્યારબાદ બન્ને પગ બહાર રહે પણ કમર નીચેનો ભાગ પાણીમાં ડૂબેલો રહે એ રીતે બેસો. સવાર-સાંજ દસ-દસ મિનિટ માટે એમ બેસવાનું રાખો.
હસ્તમૈથુન કે સમાગમથી ડરવાની જરૂર નથી, પણ એમાં નિયમિતતા જાળવવી જરૂરી છે. ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રાખવા સ્વસ્થ જીવનશૈલી કેળવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK