Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ગાયનું દૂધ પીવાથી બાળકોની હાઇટ વધે?

ગાયનું દૂધ પીવાથી બાળકોની હાઇટ વધે?

03 July, 2017 06:35 AM IST |

ગાયનું દૂધ પીવાથી બાળકોની હાઇટ વધે?

ગાયનું દૂધ પીવાથી બાળકોની હાઇટ વધે?



drinking milk


સેજલ પટેલ


બાળક જન્મે એ પછી સૌથી પહેલાં છ મહિના સુધી તેને માત્ર માનું દૂધ આપવામાં આવે છે. માનું દૂધ બાળકના શારીરિક-માનસિક વિકાસ માટે બહુ જ મહત્વનું છે. અલબત્ત, અમુક મહિના પછી જ્યારે તેને વધુ પોષણની જરૂર પડે અને માનું દૂધ પીધા પછી પણ તે ભૂખ્યું રહેતું હોય ત્યારે તેને બહારનું દૂધ આપવામાં આવે છે. ફૉમ્યુર્લા મિલ્કનો જમાનો તો હવે આવ્યો, પરંતુ વર્ષોથી બાળકને ગાયનું દૂધ પિવડાવવાની પ્રથા છે. આ પ્રથા કંઈ એમ જ નથી પડી. એમાં પણ આયુર્વેદની ઊંડી સમજ સમાયેલી છે. વિદેશોમાં પણ હવે લોકો ફૉમ્યુર્લા મિલ્કના સ્થાને ગાયનું દૂધ બાળકોને પિવડાવવાનું શરૂ કરી રહ્યા છે.

તાજેતરમાં કૅનેડાના રિસર્ચરોએ પ્રયોગ કરીને નાનાં બાળકોને ગાયનું દૂધ પિવડાવવાનો વધુ એક ફાયદો તારવ્યો છે અને એ છે હાઇટ. ટૉરોન્ટોના રિસર્ચરોએ નોંધ્યું હતું કે જે બાળકો ગાયનું દૂધ પીએ છે તેમની હાઇટ અન્ય કોઈ પણ પ્રકારનું દૂધ પીનારાઓ કરતાં થોડીક વધુ હોય છે. અભ્યાસમાં ફૉમ્યુર્લા મિલ્ક ઉપરાંત સોયમિલ્ક, રાઇસ મિલ્ક, કોકોનટ મિલ્ક અને આમન્ડ મિલ્કનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તમામ બાળકો કયું દૂધ પીવાની આદત ધરાવે છે એ નોંધીને તેમને ત્રણ વર્ષની વય સુધી મૉનિટર કરવામાં આવ્યા હતા. રોજ એક કપ ગાય સિવાયનું દૂધ પીનારા બાળકોની હાઇટ ઍવરેજ હાઇટ કરતાં ૦.૪ સેન્ટિમીટર જેટલી ઓછી હતી. ત્રણ વર્ષની વયે ગાયનું દૂધ પીનારાં બાળકો અને ગાય સિવાયનું દૂધ પીનારાં બાળકોની હાઇટ વચ્ચેનો ડિફરન્સ લગભગ ૧.૫ સેન્ટિમીટર જેટલો હતો. અલબત્ત, આવું કેમ થાય છે એનું ચોક્કસ કારણ હજી સંશોધકો સમજી નથી શક્યા. એક શક્યતા તરીકે તેમનું માનવું છે કે ગાયના દૂધમાં ખાસ પ્રોટીન્સ અને ઇન્સ્યુલિન જેવા ગ્રોથ ફૅક્ટર્સ કુદરતી રીતે જ હાજર હોવાથી બાળકોના વિકાસમાં એનો ફરક પડતો હશે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનના નિષ્ણાતોનું પણ કહેવું છે કે નવજાત શિશુ માટે દૂધ સ્ટેપલ ડાયટ છે. દુધાળાં પ્રાણીઓનું ન હોય એવી વનસ્પતિજન્ય ચીજોમાંથી મેળવેલા દૂધમાં શરીરના વિકાસ માટે જરૂરી સંતુલિત પોષકતત્વો નથી હોતાં.

વનસ્પતિજન્ય દૂધ સંતુલિત પોષક નથી

અભ્યાસમાં તારવાયેલી બાબતને વધુ સારી રીતે સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘ઉપરોક્ત અભ્યાસમાં વનસ્પતિજન્ય દૂધ વર્સસ પ્રાણીજન્ય દૂધની વાત કરવામાં આવી છે. વિદેશોમાં મોટા ભાગે ગાયનું દૂધ જ વધુ ચલણી છે. જોકે નિતનવા વિકસતા ટ્રેન્ડને કારણે કેટલાક લોકો બાળકોને પણ વીગન બનાવવાના પ્રયોગો કરે છે અને બને ત્યાં સુધી વનસ્પતિજન્ય દૂધ આપે છે. આવું દૂધ પ્રાણીજન્ય દૂધની ખોટ પૂરી કરી શકતું નથી. એમાં સંતુલિત માત્રામાં પ્રોટીન્સ, કૅલ્શિયમ, વિટામિન D અને અન્ય જરૂરી મિનરલ્સ નથી હોતાં. જ્યારે બાળકનું મગજ-શરીર વિકાસના તબક્કામાં હોય ત્યારે પોષણક્ષમ ગાયનું દૂધ જરૂરી બની જાય છે. ભારતની વાત થોડીક જુદી છે. હજી આપણે ત્યાં વનસ્પતિજન્ય દૂધ બાળકોને પિવડાવવાનો ટ્રેન્ડ એટલો વિકસ્યો નથી. આપણે પ્રાણીજન્ય દૂધ જ પીએ છીએ. જોકે એમાં તકલીફ એ છે કે આપણે મોટા ભાગે ભેંસનું જાડું રગડા જેવું દૂધ પીવા ટેવાયેલા છીએ. આપણે ત્યાં દૂધ લેવા જઈએ ત્યારે ખાસ ગાયનું દૂધ જોઈએ છે એવી ચોખવટ કરવી પડે છે. બાકી દૂધ એટલે ભેંસનું જ એવી સહજ માન્યતા છે. હા, હજી નવજાત શિશુઓને આપણે ગાયનું દૂધ આપીએ છીએ, પરંતુ સહેજ મોટા થયા પછી આપણે ભેંસનું દૂધ જ પીએ છીએ; જે ઓવરઑલ સ્વાસ્થ્ય માટે હિતકર નથી. હું માનું છું કે બાલ્યાવસ્થામાં શરીરનો વિકાસ થતો હોય ત્યારે જ શરીરને દૂધની જરૂર હોય છે, એ પછીથી નહીં.’

ભેંસ કરતાં ગાયનું દૂધ સારું


આપણે ત્યાં હજી હવે ગાય અને ભેંસના દૂધને જુદું તારવવાની શરૂઆત થઈ છે. ગાયને આપણે મા કહીએ છીએ અને એ કામધેનુ કહેવાય છે. આ કામધેનુ શબ્દ દેશી ગાય માટે વપરાય છે. દેશી ગાય એટલે બોસ ઇન્ડિકસ પ્રજાતિની ખૂંધવાળી ગાય. આપણે ગાયના દૂધના જે પણ ફાયદાની વાત કરીશું એ આ દેશી ખૂંધવાળી ગાયના છે.

ભારતીય સંસ્કૃતિમાં ગાય અને ગાયના દૂધને અત્યંત પવિત્ર દરજ્જો મળ્યો છે એ છતાં ભેંસનું દૂધ આપણે ત્યાં વધુ વેચાય છે અને વધુ પ્રમાણમાં ઉત્પાદન પણ થાય છે. એનું કારણ એ છે કે એ વધુ પ્રૉફિટેબલ છે. જાડું અને વધુ ફૅટ કન્ટેન્ટ ધરાવતું હોવાથી એમાંથી ઘી વધુ બને છે. જાડું દૂધ હોવાથી ઓછું વપરાય છે. જોકે આ તુલના જ્યારે સ્વાસ્થ્યનો મામલો આવે ત્યારે ઊલટાઈ જાય છે. ગાય-ભેંસના દૂધના ગુણોમાં રહેલા ભેદ વિશે વાત કરતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘જેવી જેની પ્રકૃતિ એવો એનો ગુણ. તમે જોશો તો ભેંસ હંમેશાં પોદરાની જેમ પડીપાથરી રહેતી હોય છે. એને ફિઝિકલ ઍક્ટિવિટી ઓછી ગમે છે. એ આળસ કરીને પાણીમાં તરતી રહે છે. એ જ કારણોસર એના દૂધમાં ફૅટ પણ વધુ હોય છે. ભેંસનું દૂધ પીધા પછી સ્વાભાવિકપણે સુસ્તી વધે છે. એટલે જ ભેંસનું દૂધ કફ અને ચરબીરૂપી કૉલેસ્ટરોલનો વધારો કરે છે. ભેંસના બચ્ચાને ડોબું કહે છે એટલે કે એની બુદ્ધિશક્તિ એટલી સતેજ નથી હોતી. આવી ભેંસનું દૂધ પીવાથી મગજ પણ સુસ્ત રહે છે. એની સરખામણીએ ગાયને આપણે ગૌમાતાનો દરજ્જો આપ્યો છે. ગાય હરતી-ફરતી ચરે છે. ભેંસના દૂધની સરખામણીએ ગાયનું દૂધ પચવામાં હલકું છે. એનું કારણ એ છે કે ગાય ખોરાક વાગોળે છે. એ જાતજાતની વનસ્પતિઓ એકસામટી ખાઈ લીધા પછી નિરાંતના સમયે પાછી મોમાં લાવીને ખોરાકને વાગોળે છે. એને કારણે એ જે ખાય છે એ બધી જ ચીજોનો ગુણ એના દૂધમાં ઊતરે છે. ખોરાક વાગોળવાને કારણે દૂધમાં જે પોષકતત્વો ઊતરે છે એ પણ સુપાચ્ય બને છે.’

શું ખરેખર દૂધથી હાઇટ વધે?

કૅનેડાના રિસર્ચરોના તારણ મુજબ ગાયનું દૂધ પીવાથી હાઇટ સારી થાય છે એ વાતમાં કેટલે અંશે દમ છે એ વિશે વાત કરતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘સૌથી પહેલી વાત એ કે વનસ્પતિજન્ય દૂધ કરતાં પ્રાણીજન્ય દૂધ પોષકતત્વોની દૃષ્ટિએ વધુ સારું છે. બીજું, પ્રાણીજન્ય દૂધ પણ દેશી ગાયનું દૂધ જ હોય એ જરૂરી છે. ભેંસનું દૂધ શરીરમાં ચરબી વધારે છે, જ્યારે ગાયનું દૂધ પાચનશક્તિ સુધારીને શરીરને અંદરથી ખડતલ બનાવે છે. એનાથી માત્ર હાઇટ જ વધે છે એવું કહેવું યોગ્ય નથી. ગાયનું દૂધ ઓવરઑલ રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરને ઓજમય બનાવે છે.’

આ વાતને વધુ સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આયુર્વેદનો સિદ્ધાન્ત કહે છે કે તમે શું અને કેટલું ખાઓ છો એના કરતાં તમે એને કેવી રીતે પચાવો છો એ વધુ મહત્વનું છે. તમારી પાચનશક્તિ સારી હોય તો તમે સ્વસ્થ રહી શકો. આ પાચકક્ષમતા વધારવામાં ગાયનું દૂધ અને એમાંથી બનતી તમામ ચીજો જેવી કે દહીં, છાશ, ઘી, માખણ બધું જ ઉત્તમ છે. આપણા શરીરમાં ૧૩ પ્રકારના અગ્નિ હોય છે, એમાંથી જઠરાગ્નિ એટલે કે ખોરાકનું પાચન કરવા માટે જરૂરી પાચકાગ્નિ સૌથી મહત્વનો છે. ગાયનું દૂધ અને ઘી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે એને કારણે એ બહુ સરળતાથી પચી જાય છે એટલું જ નહીં, એની સાથે ખાધેલી ચીજોનું પાચન પણ સારું કરે છે. ગાયનું દૂધ પચવામાં હલકું છે અને એમાંથી ધાતુ અને ઉપધાતુનું નર્મિાણ થવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય છે. એનાથી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર ધાતુ એમ સાતેય ધાતુઓ અને ઉપધાતુઓનું નર્મિાણ સારી રીતે થાય છે. જો જન્મ પછી બાળક ખાતું થાય ત્યારથી જ તેને ગાયનું દૂધ પીવડાવવામાં આવે તો તેના મૂળભૂત કોષો એવા DNA સ્વસ્થ રહે છે. બાળક જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારથી જ ગાયના દૂધનું સેવન મા દ્વારા કરવામાં આવે તો એના જેવું ઉત્તમ બીજું કંઈ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2017 06:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK