કચ્છની બાગાયતી ખેતીમાં ડ્રૅગન ફ્રૂટનો પ્રવેશ

Published: 12th January, 2021 12:18 IST | Mavji Maheshwari | Kutch

કચ્છનું મુખ્ય ફળ ખારેક પણ હવામાનની અનિયમિતતા અને ખારાં પાણીનું જોખમ વેઠી રહ્યું છે

કચ્છમાં આમ તો કેળાંથી માંડીને મોટા ભાગનાં ભારતીય ફળની ખેતી થાય છે. તમામ ભારતીય ફળોને આખાય કચ્છનું પાણી અને હવામાન માફક આવતાં નથી. ઉપરાંત કચ્છમાં વરસાદની અનિયમિતતા છે, એટલે ચોમાસું રોકડિયા પાકો જોખમી બની ગયા છે. વિષમ હવામાન અને ક્ષારવાળી જમીનમાં ઓછાં પાણીમાં અમુક જાતનાં ફળ રોકાણ કરતાં ઓછું ઉત્પાદન આપે છે. કચ્છનું મુખ્ય ફળ ખારેક પણ હવામાનની અનિયમિતતા અને ખારાં પાણીનું જોખમ વેઠી રહ્યું છે. એવા સમયમાં કચ્છના પ્રયોગશીલ ખેડૂતો ચીની નામ ધરાવતા, મન મોહી લેતા ડ્રૅગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે. શરૂઆતમાં પ્રયોગ તરીકે અમુક ખેડૂતોએ કરેલી ડ્રૅગન ફ્રૂટની ખેતી ચમત્કારિક રીતે સફળ ગયેલી જોઈ હવે અન્ય ખેડૂતો પણ આ આકર્ષક ફળની ખેતી કરવા માંડ્યા છે. હવે આખાય કચ્છમાં ગુલાબી રંગનું ડ્રૅગન ફ્રૂટ દેખાવા માંડ્યું છે.

કચ્છનો મુખ્ય વ્યવસાય આજે પણ ખેતી છે, પરંતુ કચ્છની પરંપરાગત ખેતી અને આજની ખેતી વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. એક સમયે કચ્છમાં સેંકડો હેક્ટર જમીન પર ખેતી થતી હતી, પરંતુ પરંપરાગત પાકોને ન તો સમયસર વરસાદ મળતો હતો કે ન તો આધુનિક ઓજારો હતાં. આજની ખેતીને આધુનિક વિજ્ઞાનનો સ્પર્શ મળ્યો છે. ખેડૂતોને માર્ગદર્શન મળે છે સાથે-સાથે તેમને સરકાર તરફથી આર્થિક મદદ પણ મળે છે. એ સમયે ખેડૂતો માટે પરંપરાગત પાકના  વિક્લ્પો નહોતા, ન તો પોતાનું ઉત્પાદન વેચવા માટે બજાર હતી. હવે માર્ગ અને વાહનવ્યવહારની સગવડને કારણે ખેડૂતો પોતાનું ખેતઉત્પાદન શહેરોની માર્કેટ સુધી જાતે જઈને વેચી શકે છે. કચ્છની જમીન વિવિધ પ્રકારની છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ પણ અમુક વિસ્તારમાં વધારે છે. હવામાં ભેજનું પ્રમાણ સરેરાશ કરતાં ઓછું રહે છે. આ બધા કારણસર કચ્છના ખેડૂતને એવા પાકોની જરૂર હતી જે વિષમ હવામાન અને ઓછા વરસાદ વચ્ચે પણ ટકી જાય અને ખેડૂત ખોટમાં જાય નહીં. કચ્છની જમીન આમ તો ધાન્ય પાકો માટે અનુકૂળ છે, પરંતુ અનિયમિત વરસાદને કારણે ધાન્ય પાકો તથા તેલિબિયાં ખેડૂતને પૂરું વળતર અપાવી શકતાં નથી. ૧૯૯૦ પછી કચ્છના પૂર્વ ભાગમાં ખારેક, દાડમ, કેશર કેરી, બોર, લાલ જામફળ જેવાં ફળાઉ પાકો લેવાનું ચલણ શરૂ થયું. ધાન્ય અને તેલિબિયાંના પાકોના પ્રમાણમાં ફળાઉ ખેતી મજૂરીના હિસાબે સસ્તી પડે છે. પૂર્વ કચ્છમાં હજારો એકરમાં દાડમ અને ખારેકનું ઉત્પાદન થવા માંડ્યું. તેમ છતાં, એ ફળોને પાણી અને માવજતની વિશેષ જરૂર રહે છે. સમયાંતરે દવા પણ છાંટવી પડે છે. પરિણામે એ પાક રોકાણના પ્રમાણમાં નફો આપતા નથી. એવા સમયે કચ્છમાં ડ્રૅગન ફ્રૂટ નામના વિદેશી ફળની પ્રયોગાત્મક ખેતીની શરૂઆત થઈ. જોકે કચ્છના સામાન્ય માણસે જે ફળ વિશે સાંભળ્યું પણ નહોતું એવું ડ્રૅગન ફ્રૂટ આજે કચ્છની વાડીઓમાં જથ્થાબંધ પાકવા માંડ્યું છે. દેખાવમાં થોરની જ એક પ્રજાતિ લાગતા આ ફળને કચ્છનું હવામાન માફક આવી જતાં દાડમ, કેરી જેવા અન્ય ફળાઉ પાકના પ્રમાણમાં ડ્રૅગન ફ્રૂટ વધુ કમાઈ કરાવી આપે છે. આ ફળનો દેખાવ અને આકાર પણ આકર્ષક હોવાથી પ્રથમ નજરે જ ધ્યાન ખેંચે છે. અર્ધ ખીલેલા ફૂલ જેવા આકરાના ડ્રૅગન ફ્રૂટનો આકરો ગુલાબી અને સોનેરી પીળો રંગ અન્ય ફળોમાં એને નોખું પાડી દે છે. ઉપરાંત એનો સ્વાદ નવો હોવાથી લોકોમાં એ પ્રિય બનવા લાગ્યું છે. તબીબી જગત તરફથી આ ફળના ગુણો બહાર આવ્યા પછી લોકોની આ ફળ તરફની શ્રદ્ધા પણ વધી ગઈ છે. એના કારણે લોકો આ ફળ ખાવામાં રસ લેવા લાગ્યા છે. 

ડ્રૅગન ફ્રૂટની ત્રણ જાત થાય છે. એક, લાલ રંગની છાલ જેનો અંદરનો ગર્ભ સફેદ રંગનો હોય છે. બીજા, લાલ રંગની છાલ અને લાલ ગર્ભવાળા અને ત્રીજા પીળી છાલ અને સફેદ ગર્ભવાળા. કચ્છમાં લાલ રંગની છાલવાળા ડ્રૅગન ફ્રૂટનું વાવેતર થાય છે. આ ફળમાં લગભગ ૮૦ ટકા ભાગ એનો ગર્ભ હોય છે, જે ખવાય છે. કેટલાક તબીબોનું કહેવું છે કે આ ફળ ડાયાબિટિઝ અટકાવે છે. ઉપરાંત વધારાની ચરબી થતી રોકે છે. ઉપરાંત શરીરમાં ઉત્પન્ન થતાં ઝેરી દ્રવ્યોને બહાર કાઢવામાં મદદ કરે છે. ડ્રૅગન ફ્રૂટ વિટામિન સી, ફાઇબર, ફોસ્ફરસ અને કૅલ્શિયમથી ભરપૂર હોય છે. આ ફળ છાલ ઉતારીને સીધું ખવાય છે. ભારતીય પ્રજા માટે એ જરા અજાણ્યું છે, છતાં એનો સ્વાદ અને ઉપયોગીતાને કારણે એ જલદી અન્ય ફળોની હારમાં સ્થાન લઈ રહ્યું છે. આ ફળનો ગર્ભ રસ, જામ, સીરપ, જેલી, આઇસક્રીમ કેન્ડી તેમ જ પેસ્ટ્રીઝ જેવાં ઉત્પાદનો માટે પણ વાપરી શકાય છે. એનો સૌથી અગત્યનો ઉપયોગ એની આકર્ષક છાલ છે, જે કુદરતી રંગ બનાવવા માટે વપરાય છે. ડ્રૅગન ફ્રૂટની વાવણી શેરડીની ખેતીને મળતી આવે છે. એનાં બીજ વાવવાને બદલે એની ડાળીઓના કટકાની રોપણી કરવામાં આવે છે. એને સરેરાશ ૫૦૦થી ૧૦૦૦ મિલીલિટર વરસાદ અથવા એટલા સિંચાઈનાં પાણીની જરૂર પડે છે. આ ફળનાં મૂળમાં પાણી ભરાઈ રહે તો સડવાની ભીતિ પણ રહે છે. એની રોપણીના સમયે ગરમ અને ભેજવાળું હવામાન એની વૃદ્ધિ માટે વધુ અનુકૂળ આવે છે. એટલે કચ્છમાં જેઠથી શ્રાવણ માસ વચ્ચે એની રોપણી કરવામાં આવે છે. રોપેલા કટકામાંથી મૂળ ફૂટતાં એક મહિનો ઉપરાંતનો સમય લાગે છે. બે છોડ વચ્ચે ત્રણથી ચાર મીટરનું અંતર આદર્શ કહેવાય છે. ડ્રૅગન ફ્રૂટ આમ નથી છોડ, નથી ક્ષુપ કે નથી વૃક્ષ. વળી એ વેલ પણ નથી. એટલે આ ફળની મુખ્ય શાખાને ટેકો આપવા અથવા પવનથી એને પડી જતો અટકાવવા કેટલાક ખેડૂતો એને નળાકાર સિમેન્ટના પાઇપમાં વાવે છે અથવા સિમેન્ટની થાંભલીના ટેકે વાવે છે. આ ફળની ખેતી કરતાં પહેલાં એની ખાસિયતો વૈજ્ઞાનિક ઢબે જાણી લેવી જરૂરી છે. ડ્રૅગન ફ્રૂટ વાવ્યા પછી ફૂલ આવે એ પહેલાં પાણી દેવાનું બંધ કરી જમીનની ઉપલી સપાટી સૂકી રાખવી પડે છે. રોપણીના સાતથી નવ મહિના બાદ એનાં પર ફળ બેસે છે. કાચા ફળની છાલ ચમકતા લીલા રંગની હોય છે. ધીરે-ધીરે એ લાલ, પીળી અથવા ગુલાબી રંગ ધારણ કરે છે. એનું ઉત્પાદન શરૂઆતનાં બે વર્ષ ઓછું હોય છે, પરંતુ ત્રીજા વર્ષથી સારું ઉત્પાદન આપે છે. ડ્રૅગન ફ્રૂટનો શરૂઆતનો ખર્ચ એકર દીઠ છથી સાત લાખ રૂપિયા જેટલો થાય છે. જો જમીન કસદાર હોય અને પાણી નિયમિત મળે તો આ પાક ખેડૂતને ન્યાલ કરી દે છે. કચ્છમાં લખપત તાલુકાને બાદ કરતાં આખાય કચ્છમાં જુદાં-જુદાં ઠેકાણે ખેડૂતોએ ડ્રૅગન ફ્રૂટની ખેતી શરૂ કરી છે. કચ્છમાં થતાં ડ્રૅગન ફ્રૂટ ગુણવતાની દૃષ્ટિએ જરાય ઊતરતાં નથી. ખેડૂતો હવે સ્થાનિક બજાર ઉપરાંત કચ્છ બહાર પણ મોકલતા થયા છે. કચ્છના લોકો ગુલાબી રંગના ડ્રૅગન ફ્રૂટની ખરીદીમાં રસ લેવા માંડ્યા છે.

ગયા જુલાઈ માસમાં વડા પ્રધાન મોદીએ પોતાના આગવા રેડિયો પ્રવચન ‘મન કી બાત’માં કચ્છના ખેડૂતોએ કરેલી ડ્રૅગન ફ્રૂટની ખેતીનાં વખાણ કર્યાં હતાં. એ પછી અન્ય રાજ્યો અને વિદેશના લોકો પણ કચ્છમાં પાકતાં ડ્રૅગન ફ્રૂટ વિશે માહિતી મેળવવા લાગ્યા. વડા પ્રધાને લીધેલી નોંધ બાદ કચ્છના જાગૃત ખેડૂતોએ ડ્ર‍ૅગન ફ્રૂટ વિશે એક પુસ્તિકા બહાર પાડી અને આ ફળને ‘કમળમ ફ્રૂટ’ એવું નામકરણ કરવાની દરખાસ્ત પણ કરી છે. આ ફળનો રંગ અને આકાર કમળના ફૂલને મળતો આવે છે. ખેડૂતોની આ દરખાસ્તને કચ્છના સંસદસભ્ય દ્વારા પણ અનુમોદન આપવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકામાં કચ્છની ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પાક નિષ્ફળ જવાનો ભય અને ઊંડાં જતાં પાણીની સમસ્યા વચ્ચે વિવિધ શાકભાજી, ધાન્યો તેમ જ હવે વિદેશી ફળના ઉત્પાદનમાં પણ કચ્છ મોખરે રહે તો નવાઈ નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK