બોલે તો ડરને કા નહીં યોગ કરને કા

Published: May 21, 2020, 22:45 IST | Ruchita Shah | Mumbai

અમેરિકન લેખક, ફિલોસૉફર અને કવિ એમર્સને કહ્યું છે કે જેણે ડરને જીતી લીધો તેણે દુનિયા જીતી લીધી

યોગની કેટલીક પ્રૅક્ટિસ કરવાથી કોરોના તો શું ખલી કે બાહુબલી પણ તમારી સામે આવીને બાથ ભીડશે તો તમે હિંમતભેર તેમનો સામનો કરી શકશો.
યોગની કેટલીક પ્રૅક્ટિસ કરવાથી કોરોના તો શું ખલી કે બાહુબલી પણ તમારી સામે આવીને બાથ ભીડશે તો તમે હિંમતભેર તેમનો સામનો કરી શકશો.

તમે મગજમાં જે ભરશો એવા એ તમને બનાવશે. કોરોના વાઇરસથી ડરીને બીકણ બિલાડી તો આપણે નથી બનવું, રાઇટ? બરાબર, માહોલ છે થોડોક અવળચંડો; ભવિષ્ય અનિશ્ચિત છે તો આપણે એને હિંમતભેર પાર પાડીશુંને? પણ કંઈ ડરી જવાથી કે એનાં રોદણાં રડવાથી એનો નિકાલ આવવાનો છે? ના. તો ચાલો પહેલાં અંદરથી સ્ટ્રૉન્ગ બનવાની ટ્રેઇનિંગ શરૂ કરીએ યોગ દ્વારા

અમેરિકન લેખક, ફિલોસૉફર અને કવિ એમર્સને કહ્યું છે કે જેણે ડરને જીતી લીધો તેણે દુનિયા જીતી લીધી. અથર્વ વેદમાં એક શ્લોક છે કે જેમ 
ધરતી-આકાશ ક્યારેય ભયગ્રસ્ત નથી થતા અને તેમનો નાશ નથી થતો એમ તમે પણ ભયમુક્ત રહો. ભયથી અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગો ઉત્પન્ન થાય છે. ડર તમારાં સપનાઓને ચકનાચૂર કરી શકે છે. ઘણી વાર આપણે 
જાણતાં-અજાણતાં ડરને પોષતા હોઈએ છીએ. અત્યારના સમયમાં ડરનો દબદબો વધી રહ્યો છે. સતત ત્યારે ડરને કેવી રીતે કાબૂમાં રાખવો, ડરથી કેવી રીતે ડર ન રાખવો એની ટ્રેઇનિંગ યોગ દ્વારા મળી શકે છે. યોગ કઈ રીતે ડરના માહોલમાં તમને સાક્ષીભાવ કેળવવામાં હેલ્પ કરી શકે છે, યોગની કઈ ક્રિયાઓ ભયગ્રસ્ત અને તનાવગ્રસ્ત મનને મુક્તિ આપી શકે છે એ દિશામાં થોડીક મનનશીલ અને થોડીક ઍક્ટિવિટી સાથે જોડાયેલી વાતો શરૂ કરીએ.
મન ફોકસ
યોગ એ માનસશાસ્ત્ર છે. યોગસૂત્રના પ્રેરક મહર્ષિ પતંજલિ ધ ગ્રેટ સાઇકોલૉજિસ્ટ હતા એવું યોગના ઘણા વિદ્વાનો કહી ચૂક્યા છે. યોગ વિદ્યા નિકેતન સંસ્થા સાથે છેલ્લાં ૩૧ વર્ષથી સંકળાયેલા વિનોદ જોશી અહીં કહે છે, ‘ડરનું ફિઝિકલ અસ્તિત્વ છે જ નહીં. ડર તમારા માઇન્ડની પ્રોડક્ટ છે. ઘણા લોકો ડરને માઇન્ડનો નૅચરલ રિસ્પૉન્સ માને છે, પરંતુ મારી દૃષ્ટિએ આપણે સતત એ જ રિસ્પૉન્સ આપીને એને નૅચરલ બનાવી દીધો છે. ડરવું અને અલર્ટ થવું એ જુદી બાબત છે. જ્યારે કોઈક સંકટનો સમય હોય ત્યારે અલર્ટ થઈને એમાંથી બહાર નીકળવાની પ્રોસેસ થવી જોઈએ એના બદલે એનાથી ગભરાઈને મનને અશાંત કરવાની ટ્રેઇનિંગ અજાણતાં જ આપણે આપણી જાતને આપી દીધી છે. ડરને મનમાંથી કાઢવા માટે યોગ જેટલું ઉપયોગી બીજું કંઈ જ ન હોઈ શકે, કારણ કે યોગનું મુખ્ય ધ્યેય જ તમારા મનને કાબૂમાં લેવાનું અથવા મનને ખોટી દિશામાંથી હટાવવાનું છે. યોગનાં આઠ અંગોમાં જે પણ વાતો કરી છે એનું ધ્યેય તો તમારું મગજ જ છે. આસનો પણ માઇન્ડને સ્થિર કરવા માટે છે, પ્રાણાયામ તો ટોટલી માઇન્ડ કન્ટ્રોલ પર અવલંબિત છે. એ સિવાય ધ્યાન, યમ, નિયમ એ બધું જ તમારા માઇન્ડ સાથે સંકળાયેલું છે. હેલ્ધી માઇન્ડ હોય તો હેલ્ધી બૉડી પણ થઈ જશે. મન કે જીતે જીત, મન કે હારે હાર. એટલે જ તો અત્યારના સમયે જ્યારે તમે બહારના સંજોગોને બદલી નથી શકવાના ત્યારે તમારે જે બદલવા પર ફોકસ કરવું જોઈએ એ છે તમારું 
માઇન્ડ, તમારા વિચારો અને તમારા દૃષ્ટિકોણો.’
આદત બદલવાની છે
અમને ખબર છે કે અત્યારે તમે સૉલિડ ફ્રસ્ટ્રેટેડ હોઈ શકો. ઘરની ચાર દીવાલોમાં રહીને ત્રાસ્યા છો તો બીજી બાજુ કદાચ મનમાં હવે શું કરવું એનો ભય પણ છે. કોઈકને કોરોના થઈ જશે તો શું કરવું એ ભય સતાવે છે તો કોઈકને વળી આવી હાલતમાં પેટ કેમ ભરીશું એની ચિંતા સતાવતી હશે. ઘણાને તો શું થઈ રહ્યું છે એ જ નહીં સમજાતું હોય. યુ નો વૉટ, આ આપણી વર્ષોની આદતનું પરિણામ છે. બેશક, સંજોગો નવા છે, પણ સંજોગો માટેનો આપણો રિસ્પૉન્સ જૂનો છે. વિનોદભાઈ કહે છે, ‘આપણી અપેક્ષાથી કંઈ પણ વિપરીત થાય તો બૂમાબૂમ કરી બેસવી આપણા સ્વભાવમાં છે કે નહીં એ ચેક કરવું જોઈએ. જેમ કે તમે ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા છો અને કોઈ પણ કારણસર ફ્લાઇટ લેટ પડી ગઈ તો શું કરશો? ત્રણ કલાક તમે મોડા પડવાના છો અને અનિવાર્ય કારણસર આ નિર્ણય ફ્લાઇટ ઑથોરિટીએ લેવો પડ્યો છે. કેવી રીતે અહીં રિસ્પૉન્સ આપશો? બીજો પ્રશ્ન, જે રિસ્પૉન્સ તમે આપવાના છો એવો જ રિસ્પૉન્સ ફ્લાઇટમાં તમારી સાથે બેસેલા બીજા બસો લોકો પણ આપશે કે બધાનો પ્રતિભાવ જુદો-જુદો હશે? બેશક, જુદો-જુદો હશે. બે-ચાર જણ ઝઘડવા જશે, થોડાક લોકો સ્વીકારી લેશે અને બેઠા રહેશે અને થોડાક લોકો હવે આ સંજોગોમાં બાકીના પોતાના પ્લાનિંગમાં ફેરફાર કરવાના વિચારો ‍કરશે. મૉરલ ઑફ ધ સ્ટોરી, એક જ સંજોગોમાં પ્રતિભાવ જુદા હોઈ શકે છે. એ પ્રતિભાવ તમે અત્યાર સુધી તમારા મગજને કેવી ટ્રેઇનિંગ આપી છે એના પર નિર્ભર કરશે. તો હવે સમય છે મનને ધીરજ કેળવવાની, ગમે તે સંજોગોમાં શાંત રાખવાની અને જ્યાં પોતાનો કન્ટ્રોલ નથી ત્યાં વિચલિત થયા વિના પરિસ્થિતિનો ડર્યા વિના સ્વીકાર કરવાની ટ્રેઇનિંગ આપવાનો. યોગની સમજણપૂર્વક થતી પ્રૅક્ટિસ આ બધા માટે તમને સજ્જ કરે છે. તમે સહેજ સ્લો ડાઉન થઈ જાઓ છો ત્યારે કુરદતી રીતે તમારામાં આ બધી સમજણ આવતી જાય છે. તમે જ્યારે અવેર થઈ જાઓ ત્યારે નૅચરલી તમારો રિસ્પૉન્સ સેન્સિબલ થઈ જાય છે. તમે આવેશમાં, ભયમાં કે મૂંઝવણમાં નિર્ણયો નથી લેતા.’

તો શું કરશો બોલો?

પ્રાણધારણા
સાદી ભાષામાં શ્વાસ-પ્રશ્વાસ પર ફોકસ. એમાં વધુ એક ડગલું આગળ વધીને શ્વાસ લેતી વખતે નાસિકા પાસે હથેળી રાખીને શ્વાસ લેતી વખતે અનુભવાતી શીતળતા અને શ્વાસ છોડતી વખતે અનુભવાતી સહેજ વૉર્મ ઍરને મહેસૂસ કરો. આમાં જેમ-જેમ માસ્ટરી આવતી જાય એટલે હથેળી વિના શ્વાસ લેતાં અને છોડતી વખતે નાસિકાની દીવાલ પર આ કૂલનેસ અને વૉર્મનેસનો અનુભવ કરો. તમારા શ્વાસોચ્છ્વાસમાં જતી હવા અને બહાર આવતી હવાના સ્પર્શનો અનુભવ તમારે કરવાનો છે. ધીમા શ્વાસ લઈને મગજને સંપૂર્ણ એ દિશામાં કેન્દ્રિત કરશોને તો માઇન્ડ શાંત થતું જશે. બની શકે વચ્ચે વિચારો આવે તો આવવા દેવાના. ગભરાવાનું નહીં, ફરી પાછું ફોકસ શ્વાસ અને શ્વાસ વખતે થતા હવાના સ્પર્શ પર લઈ જવાનું. સહજ રીતે વિવેકબુદ્ધિ કેળવાતી જશે. કોઈ બહારના જ્ઞાનની તમને જરૂર નહીં રહે, રોજની દસ-પંદર મિનિટ આ પ્રક્રિયા કરવાથી તમારામાં રહેલું શાણપણ અને સમજણ બહાર આવતું જશે. આ કરવા માટે તમારી કરોડરજ્જુ સીધી હોય એ રીતે બેસવું, બાકી તમને અનુકૂળ હોય એવા કોઈ પણ આસન કે ખુરશી પર બેસીને પણ પ્રાણધારણા કરો તો ચાલે.
આસનો
યોગમાં કેટલાંક આસનો એવાં છે જે તમારામાં કરે જ એટલે કે સાહસ જન્માવવા માટે અને તમારામાં સ્ટેબિલિટી લાવવા માટે જ ડિઝાઇન થયા છે. જેમ કે વીરભદ્રાસન, લગભગ ચાર પ્રકારથી થતું આ આસન વીરતાનો ભાવ તમારામાં લાવે છે. એ સિવાય કરોડરજ્જુને પાછળની તરફ ખેંચાણ આપે એવાં બૅકવર્ડ બેન્ડિંગને લગતાં આસનો જેમ કે ઉષ્ટ્રાસન, ચક્રાસન, ધનુરાસન, સૂર્યનમસ્કાર કરી શકાય. સ્ટેબિલિટી માટે વૃક્ષાસન બેસ્ટ આસન છે. એ જ રીતે તાડાસન કરી શકાય. વજ્રાસન જે તમને વજ્ર જેવા મજબૂત બનાવવાનું કામ કરે છે એ પણ આસનો કરી શકાય. મોટે ભાગે દરેક આસન જો અવેરનેસ સાથે થાય તો એ લાભ કરશે. બેશક, તમારી ફિઝિકલ કન્ડિશનને અનુરૂપ આસન કરશો તો એ હિતકારી સાબિત થશે. 
પ્રાણાયામ
કપાલભાતિ અને ભસ્ત્રિકા તમારી અનુકૂળતા મુજબ કર્યા પછી ઉજ્જઈ અને અનુલોમ-વિલોમ અથવા નાડીશુદ્ધિ પ્રાણાયામ અવશ્ય દસ મિનિટ કરવાના જ. આ પ્રાણાયામ કેવી રીતે કરાય એની ચર્ચા આપણે ભૂતકાળમાં કરી ચૂક્યા છીએ એટલે એનું રિપિટેશન નહીં કરતાં આ પ્રાણાયામ અત્યારના સંજોગોમાં શું કામ લાભ કરશે એ સમજી લઈએ. ઉજ્જઈનો અર્થ જ છે કે એ તમને જીત અપાવે, તમારા મનને જીતવા માટે શ્વાસોચ્છ્વાસ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એમાં ઉજ્જયી અત્યારના સંજોગોમાં પહેલા નંબરે તમે રાખી શકો, કારણ કે એ તમારા થ્રોટ મસલ્સને ઉત્તેજિત કરે છે, તમારા શરીરની અંતઃસ્રાવી ગ્રંથિઓને પ્રભાવિત કરે છે. નાડીશુદ્ધિ પ્રાણાયામ કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ વિનાના સરળ અને ખૂબ લાભ કરનારા પ્રાણાયામ છે. તમારા મનમાં, શરીરમાં અને તમારા ઇમોશનલ સ્ટેટમાં સંતુલન લાવવા માટે નાડીશુદ્ધિ પ્રાણાયામ બહુ જ ઉપયોગી છે.
ઓમકાર ચૅન્ટિંગ
ટીવી પર આખો દિવસ એ જ ન્યુઝ જુઓ, આ પ્રકારની લોકો સાથે વાત કરો તો પણ એ જ ચર્ચા હોય કે આવનારા સમયમાં શું થશે ને કેવું થશે વગેરે-વગેરે. હવે વિચારો કે આપણે જો મગજમાં સતત ડરની જ વાતો ફીડ કર્યા કરીએ તો ડર ક્યાંથી દૂર થવાનો? એટલે એક નિયમ બનાવો. રોજ રાતે સૂતાં પહેલાં તમારે ૨૧ અથવા ૫૧ વાર ઓમકાર અથવા તમારા કોઈ પણ ફેવરિટ મંત્રને તમે સાંભળી શકો એ રીતે સહેજ રાગમાં બોલવાનો અને મનમાં અનુભવ કરવાનો કે ઓમકાર કે અન્ય મંત્રના નાદને કારણે તમારા મનમાં જે પણ ભયનાં વાદળો બન્યાં હતાં અથવા પહેલાંના ડરના વિચારો હતા એ આ ધ્વનિમાં સમાપ્ત થઈ ગયા. એનો નાશ થઈ ગયો. મંત્રમાં એ તાકાત છે જેના વિશે આપણે ફરી ક્યારેક વિગતવાર વાત કરીશું, પરંતુ અત્યારે આ દિવસોમાં રોજ સૂતાં પહેલાં સહેજ સંભળાય એવા અવાજથી સૂર સાથે મંત્રનું ચૅન્ટિંગ કરીને જ સૂવાનો નિયમ બનાવી લો.

વીરભદ્રાસન- આ આસન કરવાથી તમારામાં વીરતાનો, નીડરતાનો ગુણ વિકસશે. યોગની કેટલીક પ્રૅક્ટિસ કરવાથી કોરોના તો શું ખલી કે બાહુબલી પણ તમારી સામે આવીને બાથ ભીડશે તો તમે હિંમતભેર તેમનો સામનો કરી શકશો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK