Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ પાંચ પદ્ધતિથી ડાયેટિંગ ન જ થાય

આ પાંચ પદ્ધતિથી ડાયેટિંગ ન જ થાય

13 December, 2011 08:43 AM IST |

આ પાંચ પદ્ધતિથી ડાયેટિંગ ન જ થાય

આ પાંચ પદ્ધતિથી ડાયેટિંગ ન જ થાય




(સેજલ પટેલ)





આજકાલ ‘મહિનામાં ૧૦ કિલો વજન ઉતારવું હોય તો મળો અથવા ફોન કરો’નાં પોસ્ટર્સ જાહેર સ્થળોએ ઠેર-ઠેર વાંચવા મળે છે. જ્યારથી સ્લિમ ઍન્ડ ટ્રિમ દેખાવાની ફૅશન શરૂ થઈ છે ત્યારથી લોકો ઝટપટ વજન ઉતારી દે છે, પણ પછી શરીર નખાઈ જાય છે. કહેવાનો મતલબ કે જો સાચી રીતે વજન ઉતારવામાં ન આવે તો એનાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. કદાચ વધુ વજનને કારણે ન થાય એટલી તકલીફો ખોટી રીતે વજન ઉતારવાથી થઈ શકે છે. વજન ઘટાડવાની ખોટી રીતો :

રીત ૧ : ડાયેટિંગ એટલે ભૂખ્યા રહેવું



આ ખૂબ જ જુનવાણી સ્ટાઇલ છે. ઘણા લોકો એમ માને છે કે ડાયટ કન્ટ્રોલ કરવો એટલે શરીરની જરૂરિયાત કરતાં ખૂબ ઓછું ખાવું. એમ કરવાથી પાચનશક્તિ મંદ પડતી જાય છે. આપણી બૉડીની બધી જ સિસ્ટમ્સને કાર્યરત રાખવા માટે જરૂરી ઊર્જા ક્યાંકથી તો મેળવવી જ પડે છે. જરૂરી ઊર્જા મેળવવા માટે શરીરના મસલ્સ ઓગળે છે. પૂરતું કૅલ્શિયમ ન મળતાં હાડકાંમાંથી કૅલ્શિયમ ઓછું થાય છે અને એ નબળાં પડે છે. ભૂખ્યા રહીને વજન ઘટાડવાથી ચામડી લબડી પડે છે. વાળ, નખ અને સ્કિન સૂકાં અને બેજાન થઈ જાય છે.

રીત ૨ : વન ફૂડ ડાયટ

આજકાલ કોઈ પણ એક ચીજ ખાઈને વજન ઉતારવાની ફૅશન પણ સારીએવી વિકસી છે. બનાના ડાયટ, ઍપલ ડાયટ, કૅરટ ડાયટ જેવા વન ફૂડ જનરલ ડાયટમાં વ્યક્તિ દિવસો સુધી માત્ર એક જ ચીજ ખાઈને જીવે છે. તમે જે એક ચીજ પસંદ કરી છે એનાથી શરીરને સંતુલિત ન્યુટ્રિશન નથી મળતું. શરીરને ચલાવવા માટે બે-પાંચ ચીજની જરૂર નથી હોતી. વિટામિન્સ અને મિનરલ્સ યોગ્ય માત્રામાં ન મળતાં હૉમોર્ન્સ અને એન્ઝાઇમ્સનું લેવલ ખોરવાય છે અને શરીરની કાર્યક્ષમતા ઘટે છે. ઓછી કૅલરી ધરાવતી ચીજોમાં શરીરને ટકાવી રાખવા માટે જરૂરી પ્રોટીન, કાબોર્હાઇડ્રેટ અને ફૅટનું યોગ્ય કૉમ્બિનેશન નથી હોતું. ડાયેટિશ્યનોના લેટેસ્ટ રિસર્ચ અનુસાર વિવિધ રંગોવાળી, વિવિધ વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર, કાબોર્હાઇડ્રેટ અને પ્રોટીન ધરાવતી ચીજો સપ્રમાણ ખાવી જરૂરી છે.

રીત ૩ : હાઈ પ્રોટીન ડાયટ

જ્યારથી સંતુલિત આહાર ન મળવાને કારણે મસલ્સ અને હાડકાં ગળે છે એવી જાગૃતિ આવી છે ત્યારથી ડાયેટિંગ કરનારા લોકો માત્ર પ્રોટીન ડાયટને વધુ મહત્વ આપવા માંડ્યા છે. ડાયેટિંગ દરમ્યાન શરીરને પ્રોટીન મળતું રહે તો જ મસલ્સ જળવાઈ રહે છે. જોકે પ્રોટીન ડાયટ થિયરી વધુ ચલણમાં આવી છે. એના પણ અનેક ગેરફાયદા છે. મોટા ભાગે ઑન્લી પ્રોટીન ડાયટ દરમ્યાન શરીરમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન એકઠું થાય છે. શરીર બધું જ પ્રોટીન પચાવી નથી શકતું. પ્રોટીનને પચાવીને નકામાં અમીનો ઍસિડ શરીરની બહાર ફેંકાઈ જાય એ માટે કિડનીએ વધુ કામ કરવું પડે છે. જો શરીરમાં પ્રોટીનનો અતિરેક થઈ જાય તો એને કારણે ગાઉટ અને સાંધાના દુખાવાની શરૂઆત થાય છે. લાંબો સમય આ ડાયટ પર રહેવાથી કિડની ડૅમેજ થઈ શકે છે.

રીત ૪ : સ્લિમિંગ ટૅબ્લેટ્સ

ઓછી કૅલરીવાળો ખોરાક લેવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે એટલે કેટલાક લોકો ભૂખ્યા રહેવાની સાથે શરીરમાં એનર્જી જળવાઈ રહે એવી ગોળીઓ લે છે. ભૂખ ન લાગે અથવા તો ઓછી ભૂખ લાગે એવી સ્લિમિંગ ટૅબ્લેટ્સ લઈને ભૂખ પર નિયંત્રણ જાળવવાની કોશિશ કરે છે. આ બન્ને પ્રકારની ગોળીઓથી નૅચરલી જ ભૂખ ઘટી જતાં ફૂડ ઇન્ટેક ઘટી જાય છે. મલ્ટિ-વિટામિન્સની ગોળીઓથી શરીરની વિટામિન્સની અછત પૂરી થઈ શકે છે, પરંતુ હાથે કરીને ઊભી કરવામાં આવેલી મહિના-બે મહિનાની અછતને કારણે બ્રેઇનને પૂરતું ન્યુટ્રિશન નથી મળતું. આ રીતે વજન ઉતારવાથી લાંબા ગાળે મગજ ધીમું પડવા માંડે છે.

રીત ૫ : ઑન્લી એક્સરસાઇઝ

ઘણા લોકો જીભ પર કન્ટ્રોલ નથી રાખી શકતા એટલે ખાવામાં કન્ટ્રોલ નથી કરતા, પણ પછી ખાધેલું પચાવવા માટે દિવસમાં બેથી અઢી કલાક સતત એક્સરસાઇઝ કર્યા કરે છે. આ રીત ખૂબ થકવી નાખનારી છે. જો નિયમિત અને હેવી કસરત કરતા હો, પણ સાથે ખાવામાં જન્ક-ફૂડ, પ્રિઝર્વેટિવ્સવાળું, તળેલું વધુ લેતા હો તો એનાથી વજન નહીં ઊતરે. દસ ગુલાબજાંબુ પેટમાં પધરાવી દેવા અને પછી એનાથી વજન ન વધે એ માટે કલાક પસીનો પડે એટલી એક્સરસાઇઝ કરવા માંડવી એ ઠીક નથી. વધુપડતી એક્સરસાઇઝ સાંધા અને સ્નાયુઓની હેલ્થ બગાડી નાખે છે.

વજન ઘટાડ્યા પછીની સમસ્યાઓ

આડેધડ ડાયેટિંગ કરવાને કારણે આજકાલ ખૂબ નાની ઉંમરે ઑસ્ટિયોપોરોસિસ થવા લાગ્યો છે. ખૂબ પાતળી યુવતીઓને પ્રેગ્નન્સી દરમ્યાન બ્લડપ્રેશર અને અન્ય તકલીફો રહે છે. ડાયેટિંગમાં જેવું ઢીલું મુકાય એટલે તરત જ વજન બેહદ વધી જાય છે. વારંવાર વજનમાં મોટા વધારા-ઘટાડાને કારણે શરીર હાર્મની ગુમાવી બેસે છે. એને કારણે શરીર બેડોળ બનવા માંડે છે. પુરુષો ઍપલ શેપના (હાથ-પગ નૉર્મલ પણ ફાંદ વધી જાય) અને સ્ત્રીઓ પેર શેપની (કમર નૉર્મલ, પરંતુ થાપા અને ગાલ ફૂલી જાય) થઈ જાય છે.

ભૂખ્યા રહેવાને કારણે કુપોષણ થવાથી વિટામિન્સની ઊણપ પેદા થાય છે જે રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે અને શરીરનો સ્ટૅમિના ઘટાડે છે. Whatsapp-channel Whatsapp-channel

13 December, 2011 08:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK