શું અજાણ્યા પુરૂષનું વીર્ય ડૉનેટ કરવાથી બાળકમાં પણ એના લક્ષણ જોવા મળે

Published: Feb 04, 2020, 15:28 IST | Dr. Ravi Kothari | Mumbai

શું દોસ્તને મદદ કરવા જતાં આમાં કોઈ કૉમ્પ્લિકેશન્સ આવી શકે ખરાં?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મને કોઈ સમસ્યા નથી, પણ ફ્રેન્ડ માટે થઈને સલાહ જોઈએ છે. લગ્નને પાંચ વરસ થયાં છે અને બે સંતાનો છે. મારી ઉંમર ૩૪ વર્ષ છે અને મારાથી એક વર્ષ મોટો ફ્રેન્ડ છેલ્લાં પાંચ વરસથી બાળક માટે મથે છે, પણ સફળતા નથી મળી. તેના ડૉક્ટરનું કહેવું છે કે કોઈ ડોનરના શુક્રાણુથી જ તેને બાળક થશે. ડોનર માટે ડૉક્ટરે કહેલું કે તમારા જેવા જ દેખાતા, તમારા જેવું જ ફૅમિલી બૅકગ્રાઉન્ડ ધરાવતા કોઈ પુરુષનું વીર્ય લેવામાં આવશે તો બાળકમાં પણ એવાં જ લક્ષણો જોવા મળશે. તેમનું કહેવું છે કે ડોનર અજાણ્યો જ લેવામાં આવશે, પણ મારો ફ્રેન્ડ કહે છે કે ત્રીજી કઈ વ્યક્તિના શુક્રાણુ હશે એ બાબતે અંધારામાં રહેવા કરતાં મારે તેના માટે વીર્યદાન કરવું. આ બાબતે હું એકલો નિર્ણય લઉં એના કરતાં મારી વાઇફને પૂછ્યું તો તેની આ બાબતે સ્પષ્ટ ના જ છે. શું દોસ્તને મદદ કરવા જતાં આમાં કોઈ કૉમ્પ્લિકેશન્સ આવી શકે ખરાં?

જવાબ : મોટા ભાગે વીર્યદાન અજાણ્યા લોકોને કરવામાં આવે છે. જાણીતા અને રિલેટિવ્સમાં પણ અંદરોઅંદર વીર્યદાન દ્વારા સંતાનપ્રાપ્તિ કરી શકાય, પરંતુ એમાં સંબંધોના ગણિત બાબતે સ્પષ્ટતા હોવી જરૂર છે. તમારી વાઇફની ચિંતા સાવ જ નકામી નથી. વીર્યદાનથી થયેલું બાળક પણ તેની જ નજર સામે હોય તો પિતા તરીકે આગળ જતાં કંઈ પણ થઈ શકે છે. અત્યારે તમને લાગતું હોય કે તમારા મિત્ર સાથે તો એક ભાઈ કરતાં પણ વધુ સારું બને છે, પણ ભવિષ્યનું તમે કે હું કોઈ કંઈ ન કહી શકીએ.

ભવિષ્યમાં લાગણીઓની કે કાયદાઓની કોઈ ગૂંચ ન પડે એ માટે કોઈ પણ ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ હંમેશાં વીર્ય દેનાર અને લેનારને એકબીજાથી અજાણ જ રાખવાનું પસંદ કરે છે. તમારા મિત્રને જેવા ક્રાઇટેરિયાવાળી વ્યક્તિનું વીર્ય જોઈએ છે એવું વીર્યબૅન્કમાંથી મળવામાં પણ કોઈ વાંધો નહીં આવે. બીજું, જ્યારે તમે એકબીજાને જાણો છો ત્યારે આ નિર્ણય માત્ર તમારો એકલાનો નહીં; પણ મિત્ર, મિત્રની પત્ની, તમે અને તમારી પત્ની એમ ચારેય જણે સમજણ અને સહમતીથી લેવો જોઈએ. ચારમાંથી એકની પણ અસહમતી હોય તો તમારે વીર્યદાન ન કરવું જોઈએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK