Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પાછલી વયે ઊંઘ તો ઓછી થઈ જ જાય...

પાછલી વયે ઊંઘ તો ઓછી થઈ જ જાય...

22 January, 2020 02:57 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

પાછલી વયે ઊંઘ તો ઓછી થઈ જ જાય...

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


શું તમે પણ આવું જ માનો છો? જોકે હકીકત એ છે કે વૃદ્ધાવસ્થામાં પણ પૂરતી અને ક્વૉલિટી સ્લીપ જરૂરી છે અને એમ ન થાય તો અનેક સમસ્યાઓ દસ્તક દઈ શકે છે. 

૬૦-૬૫ની વય વટે એટલે તમે ઊંઘ ઘટી જાય છે. તમે જોયું હોય તો ઘરમાં દાદા-દાદીઓ સૌથી વહેલા ઊઠી જતા હોય છે. કંઈ જ કામ ન હોવા છતાં વહેલી સવારે પથારીમાંથી બેઠા થઈ જ ગયા હોય. જ્યારે આપણને એમ થાય કે ભલા માણસ રિટાયર છો અને કંઈ ઉપાધિઓ નથી તો તમે આરામથી ઊંઘોને સાત વાગ્યા સુધી, પણ ના, વડીલોની ઊંઘ ચાર-પાંચ વાગે ઊડી જ જાય છે. વળી, વડીલોનું કહેવું હોય છે કે પાછલી વયે તો ઊંઘ કૂતરા જેવી જ હોય. બહુ મહેનત કરો તોય લાંબી ઊંઘ ન આવે.



શું આ સ્થિતિ સારી છે? ૭૦-૮૦ વર્ષની વય પછી તો વડીલો પથારીમાં પણ જાગતા પડ્યા રહેતા હોય છે. શું આ નૉર્મલ છે? શું પાછલી વયે ઊંઘ નૅચરલી જ ઓછી થઈ જાય છે? એનાથી સ્વાસ્થ્ય પર કોઈ માઠી અસર થાય ખરી? આ વિશે સત્ય શું છે એ જાણવા અમે સ્લીપના એક્સપર્ટ સાથે વાત કરી. કૅમ્પ્સ કૉર્નર પાસે પ્રૅક્ટિસ કરતા સોમ્નોલૉજિસ્ટ ડૉ. અનુરાધા શાહ વડીલોની ઊંઘ બાબતે જનરલ વાત સમજાવતાં કહે છે, ‘યસ, એ વાત સાચી છે કે અમુક ઉંમર પછી ઊંઘની પૅટર્નમાં બદલાવ આવે છે. એવું જોવા મળ્યું છે કે જેમ-જેમ ઉંમર વધતી જાય એમ-એમ ઊંઘમાં ડિસ્ટર્બન્સ વધી જાય છે. એવું નથી કે તેમની જરૂરિયાત
ઘટી જાય છે, પરંતુ તેમની ઊંઘવાની પૅટર્ન બદલાઈ જાય છે. ઊંઘના કલાકો ઘટી જાય. ક્યારેક સમય કરતાં વહેલી ઊંઘ આવે અને વચ્ચે વારંવાર જાગી જવાય. જેટલા કલાક સૂતા હો એ દરમ્યાન નીંદરની ક્વૉલિટી બરાબર ન હોય. ડીપ સ્લીપ ન મળી હોવાથી ઊઠ્યા પછી ફ્રેશનેસ ન લાગે. આ નૉર્મલ છે એવું સ્વીકારી ન લેવું જોઈએ. પૂરતી ઊંઘ શરીર-મનની સ્વસ્થતા માટે બહુ જ મહત્વની છે.’


હૉર્મોનલ અસંતુલન

આપણે સૌ જાણીએ છીએ કે નીંદરનો સમય એવો હોય છે જ્યારે શરીરની કેટલીક વ્યવસ્થાઓને પણ આરામ મળે છે તો કેટલીક વ્યવસ્થાઓ ડીટૉક્સિફાઇંગ પ્રોસેસ કરી રહી હોય છે. ઊંઘમાં વારાફરતી બધી જ સિસ્ટમ ચોક્કસ સમયગાળા માટે શટડાઉન થાય છે અને જો પૂરતો સમય ડીપ સ્લીપ ન મળી હોય તો એની અસર દરેક સિસ્ટમ પર પડે છે. ઊંઘ ઓછી અને અપૂરતી થાય તો એનાથી કેવી-કેવી તકલીફો થઈ શકે છે એનાં ભયસ્થાનો વિશે ડૉ. અનુરાધા કહે છે, ‘સ્લીપના ચાર ફેઝ હોય છે. પહેલા બે સ્ટેજ નૉર્મલ સ્લીપના હોય. ત્રીજો તબક્કો REM સ્લીપનો હોય અને એ પછી ડ્રીમ સ્લીપનો. વૃદ્ધોમાં જેમ-જેમ ઉંમર થતી જાય
એમ-એમ આ સ્લીપ પૅટર્ન સાવ જ ખોરવાઈ જાય છે. પૅટર્ન જેવું રહેતું જ નથી. એને કારણે બૉડીમાં ખૂબ હૉર્મોનલ બદલાવો થાય. ઊંઘ ડીપ નહીં પણ લાઇટ એટલે કે સહેજ ખખડાટ થતાંમાં જાગી જવાય એવી હોય છે. ડ્રીમનું સ્ટેજ પણ ખૂબ ઘટી જાય છે. આ બધું એટલું કૉમ્પ્લેક્સ અને લાંબા સમયથી ચાલી આવતી અવસ્થાના પરિણામ સ્વરૂપ હોય છે કે લોકો એને સહજ સ્વીકારી લે છે. એને કારણે મેમરી-લૉસ, બૅલૅન્સ જાળવવામાં તકલીફ, ડિપ્રેશન અને પડવા-આખડવાનું પ્રમાણ વધી જતું જોવા મળે છે. જોકે ૭૦ વર્ષની વય પછી તમે ઊંઘની સમસ્યા સૉલ્વ કરવા માટે જાગો એના કરતાં ૫૦-૫૫ વર્ષની વયે જ તમારે આ બાબતે
સભાન થઈ જવું જોઈએ.’


વૃદ્ધાવસ્થામાં કેવી તકલીફો?

ખલેલભરી, અધૂરી, અધકચરી ઊંઘની માઠી અસરો જેટલી યંગ એજમાં થાય છે એટલી જ આડઅસરો વૃદ્ધાવસ્થામાં પણ થાય છે. પાછલી વયે શાને કારણે ઊંઘમાં ખલેલ પહોંચવી શરૂ થાય છે એનાં કારણો વિશે વાત કરતાં ડૉ. અનુરાધા કહે છે, ‘પહેલું અને ખૂબ કૉમન કારણ હોય છે સ્લીપ ઍપ્નીઆ. બાળકો, યુવાનો અને મિડલ-એજની જેમ વડીલોમાં પણ એની એટલી જ સમસ્યા હોય છે. રાધર, આ સમસ્યા લાંબા સમયથી ચાલી આવતી હોય તો એની આડઅસર પાછલી વયે જોવા મળે છે. હવે તો અભ્યાસે પણ સાબિત કર્યું છે કે સ્લીપ ઍપ્નીઆને ડાયરેક્ટ સંબંધ કાર્ડિયોવૅસ્ક્યુલર હેલ્થ સાથે છે. નસકોરાં બોલવાં અને ઊંઘમાં અચાનક એકાદ શ્વાસ લેવાનું ચુકાઈ જવાને કારણે ઝબકીને જાગી જવાતું હોય તો ચેતવું જોઈએ. એને કારણે બ્લડપ્રેશર, હાર્ટ અટૅક, સ્ટ્રો, હાર્ટ ફેલ્યર, હાર્ટની રિધમમાં પ્રૉબ્લેમ અને ડાયાબિટીઝ જેવી ઇન્ટર રિલેટેડ સમસ્યાઓના ભોગ બનાય છે. આ બધા રોગો જોખમી છે. એની સારવાર કરતાં પ્રિવેન્શન કરવું જ બહેતર છે. સ્લીપ ઍપ્નીઆ જો કારણ ન હોય તો અનિદ્રાની સમસ્યા હોઈ શકે. અલબત્ત, એનાં કારણો અનેક છે એટલે એનું ચોક્કસ નિદાન થાય તો જ એની સારવાર સંભવ છે. ત્રીજું, વડીલોમાં ઘણી વાર રેસ્ટલેસ લિમ્બ મૂવમેન્ટની તકલીફ હોય છે. આ તકલીફમાં અચાનક થોડાક સમય માટે પગ કે હાથમાં કંપન થવા લાગતું હોય છે. રાતના સમયે રેસ્ટલેસ લેગ સિન્ડ્રૉમની તકલીફ હોય તેઓ બરાબર ઊંઘી નથી શકતાં. અન્ય કેટલાક કેસમાં REM બિહેવિયરલ ડિસઑર્ડર
હોય છે. ડીપ સ્લીપ અને ડ્રીમ સ્લીપમાં ગરબડ થવા લાગે છે જેને કારણે તેમની બિહેવિયર પર એની અસર પડે છે.’

પ્રિવેન્શન ઇઝ બેટર

ઊંઘ એ સ્વાસ્થ્યની જાળવણીનો બહુ મહત્વનો હિસ્સો છે એટલે ઊંઘને લગતી સમસ્યાનું પહેલાં કારણ શોધવું જરૂરી છે અને એ પછી એની સારવાર પણ. અપૂરતી નીંદરને કારણે થતી સમસ્યા ડીજરેટિવ હોય છે એટલે પ્રિવેન્શન માટે મથવું જોઈએ એમ સમજાવતાં ડૉ. અનુરાધા કહે છે, ‘ઓલ્ડ એજમાં તમે ૭૦-૮૦ વર્ષે ઊંઘ સુધારવા નીકળો એવું ન થવું જોઈએ. ૬૦ વર્ષની વયથી જ જીવનશૈલી એવી કરવી જોઈએ જેથી મગજ સતત સક્રિય રહે અને ઊંઘની સમસ્યાઓ આપમેળે ઘટે. જો મગજને સતર્ક રાખવામાં આવે તો પાછલી વયે ડિમેન્શિયા, ઑલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ, મેમરી-લૉસ જેવી એજ-રિલેટેડ સમસ્યાઓ ડીલે થઈ
શકે છે.’

ઉંમરની સાથે ઊંઘમાં ડિસ્ટર્બન્સ પણ વધી જાય છે. એવું નથી કે નીંદરની જરૂરિયાત ઘટી જાય છે, પરંતુ ઊંઘવાની પૅટર્ન બદલાઈ જાય છે. ઊંઘના કલાકો ઘટી જાય. ક્યારેક સમય કરતાં વહેલી ઊંઘ આવે અને વચ્ચે વારંવાર જાગી જવાય. જેટલા કલાક સૂતા હો એ દરમ્યાન નીંદરની ક્વૉલિટી બરાબર ન હોય. આ નૉર્મલ છે એવું સ્વીકારી ન લેવું જોઈએ. પૂરતી ઊંઘ શરીર-મનની સ્વસ્થતા માટે બહુ જ મહત્ત્વની છે

- ડૉ. અનુરાધા શાહ, સોમ્નોલૉજિસ્ટ

ઓલ્ડ એજમાં હેલ્ધી રહેવા શું કરવું?

- ૬૦ની વયે તમે કામકાજમાંથી નિવૃત્ત ભલે થાઓ, પણ તમારે પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કદી ન થવું. ભલે તમે આઠ કલાકના કામનો સ્ટ્રેસ ન ઉઠાવો, પણ દિવસ દરમ્યાન પાંચથી છ કલાક ક્રીએટિવ પ્રવૃત્તિમાં ગાળો.

- કંઈ કામ નથી એટલે બપોરે ઊંઘી જવું એ સૌથી ખોટી આદત છે. બપોરે ૨૦ મિનિટથી વધુ લાંબી નૅપ ન લેવી. બપોરની ઝપકી જેટલી લાંબી લેશો એટલી રાતની ઊંઘ પર અસર થશે.

- ઓલ્ડ એજમાં સાંજના સમયે સુસ્તી વધુ અનુભવાતી હોય છે. એ સમયને હરવા-ફરવામાં ગાળવો.

- મગજને થાક લાગશે તો ઊંઘ પણ સરસ આવશે. એ માટે મગજને નવું શીખવાડો. કંઈક નવું શીખો. પેઇન્ટિંગ, ડ્રૉઇંગ, મ્યુઝિક શીખવું, ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું, નવી ગેમ શીખવી, ક્રૉસવર્ડ ભરો એમ મગજને સુસ્ત ન થવા દો.

- પંચાવન-સાઠના હો ત્યારે જ બૅકવર્ડ વૉકિંગ કરવાનું શીખો. મગજને જેની આદત નથી એવું કરાવો. ભલે થોડાં જ ડગલાં ચાલો, પણ એનાથી મગજને કસરત મળશે. જો તમે જમણોડી હોવ તો ડાબા હાથે લખતાં-ચિત્ર દોરતાં શીખો અને ડાબોડી હો તો જમણા હાથે નવા કામ કરતાં શીખો. આ ચીજો ફન વિથ ફિટનેસ આપનારી છે.

ઊંઘ પૂરી ન થાય તો....

યાદશક્તિ ક્ષ‌ીણ થવા લાગે, નવું કશું યાદ ન રહે, જૂનું યાદ કરવામાં તકલીફ પડે

ઊંઘની સીધી અસર ન્યુરોન્સની હેલ્થ પર પડે છે એટલે ડીજનરેટિવ રોગો થઈ શકે અને એમાં કૉગ્નિટિવ ડિસફંક્શન એટલે કે શરીર અને મગજ વચ્ચેનું કમ્યુનિકેશન ખોરવાય.

લાંબા ગાળે ઑલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ જેવી સમસ્યાઓ આકાર લે.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 02:57 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK