ડાયાબિટીઝ થયા પછી કેટલાં વર્ષમાં સેક્સલાઇફ ખલાસ થઈ જાય?

Published: 24th December, 2018 21:01 IST | Dr. Ravi Kothari

જ્યારથી ડાયાબિટીઝ માટેની દવા લઉં છું ત્યારથી ઉત્તેજના ઘટી ગઈ છે અને શીઘ્રસ્ખલન વધી ગયું હોય એવું લાગે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૪૫ વર્ષ છે. જાતીય જીવનમાં ખાસ તકલીફ નથી, પરંતુ પહેલાં કરતાં વહેલું સ્ખલન થઈ જાય છે. થોડાક સમયથી મારું વજન ઘટી રહ્યું હતું. થાક અને તરસ ખૂબ લાગતી હતી એને કારણે ફૅમિલી-ડૉક્ટરને બતાવેલું અને એમાં બ્લડ-શુગર વધેલું આવ્યું. શુગર કન્ટ્રોલમાં રાખવા માટે ડૉક્ટરે દવા ચાલુ કરાવી છે. તેમનું કહેવું છે કે માત્ર એક્સરસાઇઝ અને ડાયટથી ફરક નહીં પડે, શરૂઆતમાં તો દવા લેવી જ પડશે. જ્યારથી ડાયાબિટીઝ માટેની દવા લઉં છું ત્યારથી ઉત્તેજના ઘટી ગઈ છે અને શીઘ્રસ્ખલન વધી ગયું હોય એવું લાગે છે. શું ડાયાબિટીઝની દવાની આડઅસરને કારણે આવો પ્રૉબ્લેમ થયો હશે? મારા ઘણા મિત્રોને ડાયાબિટીઝ પછી ઉત્તેજનામાં તકલીફ આવી ગઈ છે. મને પણ લાંબા ગાળે વધુ આડઅસર ન થાય એ માટે શું કરવું? ડાયાબિટીઝ થયા પછી કેટલાં વર્ષમાં સેક્સલાઇફ ખલાસ થઈ જાય?

જવાબ : એક વાત સૌએ સમજવા જેવી છે કે ડાયાબિટીઝની દવાની આડઅસરને કારણે સેક્સલાઇફમાં પ્રૉબ્લેમ નથી થતો, પણ લોહીમાં શુગર બેફામ વધવાને કારણે તકલીફ થઈ શકે છે. જો ડાયાબિટીઝની યોગ્ય સારવાર કરીને બ્લડ-શુગર કાબૂમાં ન કરી લેવામાં આવે તો એનાથી સેક્સલાઇફમાં તકલીફ ઊભી થઈ શકે છે. તમે આડઅસરની બીકે દવા ન લેતા હો તો એ જોખમી સાબિત થશે. માટે દવાઓ નિયમિત લેવાનું રાખજો. ડાયાબિટીઝને કારણે બ્લડ-પ્રેશરની સમસ્યા પણ આવે છે જેને કારણે લાંબા ગાળે રક્તભ્રમણમાં ઓટ આવવાથી ઉત્થાનમાં તકલીફ થઈ શકે છે.

બીજું, ડાયાબિટીઝ થયા પછી અમુક-તમુક ચોક્કસ વર્ષે સેક્સલાઇફ ખતમ થઈ જાય એવું નથી હોતું. ઘણા લોકોને ડાયાબિટીઝ વિના પણ ઉત્થાનમાં તકલીફ આવે છે તો જે લોકો ડાયાબિટીઝ કાબૂમાં રાખે છે તેમનું જાતીય જીવન સારું રહે છે. તમે બ્લડ-શુગર લેવલ કન્ટ્રોલમાં રાખીને તમારી રક્તવાહિનીઓને સ્વસ્થ રાખો એ હેલ્ધી સેક્સલાઇફ માટે જરૂરી છે.

ભલે ડાયાબિટીઝ માટે દવાઓ લેવાની હોય, ખાવા-પીવામાં કાળજી અને એક્સરસાઇઝમાં નિયમિતતા જરૂરી છે. ફાઇબરવાળાં શાકભાજી અને આખાં ધાન્યો વધુ લો. પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ કે આર્ટિફિશ્યલ કલર્સ વગેરેનું સેવન સદંતર બંધ કરો. એ બધા ઉપરાંત રોજ દિવસમાં ૪૫ મિનિટ હળવી કસરતો અને યોગાસન કરો. રોજ જમ્યા પછી ઓછામાં ઓછું પંદર મિનિટ હળવું વૉક લો. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK