બોર્નવિટા કોલ્ડ કૉફી ટ્રાય કરવી છે?

Published: Sep 16, 2020, 18:28 IST | Rashmin Shah | Mumbai

ફિલ્મ છેલ્લો દિવસથી પોતાની ઍક્ટિંગ કરીઅર શરૂ કરનારી જાનકી બોડીવાલાએ અત્યાર સુધીમાં ‘ઓ તારી’, ‘તંબૂરો’, ‘બઉ ના વિચાર’, ‘છુટી જશે છક્કા’, ‘તારી માટે વન્સમોર’, ‘દોડ પકડ’ જેવી અનેક ફિલ્મો આપી છે. જાનકીનો ફૂડમંત્રા સિમ્પલ છે.

જાનકી બોડીવાલા
જાનકી બોડીવાલા

ફિલ્મ છેલ્લો દિવસથી પોતાની ઍક્ટિંગ કરીઅર શરૂ કરનારી જાનકી બોડીવાલાએ અત્યાર સુધીમાં ‘ઓ તારી’, ‘તંબૂરો’, ‘બઉ ના વિચાર’, ‘છુટી જશે છક્કા’, ‘તારી માટે વન્સમોર’, ‘દોડ પકડ’ જેવી અનેક ફિલ્મો આપી છે. જાનકીનો ફૂડમંત્રા સિમ્પલ છે. ભાવે એ ચાલે. જાનકી અહીં મિડ-ડેના રશ્મિન શાહ સાથે પોતાની ફેવરિટ ડિશથી માંડીને કુકિંગ વિશે વાત કરે છે. જાનકી કહે છે, ‘બેઝિક ફૂડ બનાવતાં સૌકોઈને આવડવું જોઈએ. મને બધું નથી આવડતું, પણ અમુક વરાઇટીમાં મારી એવી માસ્ટરી છે કે માસ્ટર શેફ પણ ટૂંકો પડે’

ફૂડની બાબતમાં મારો બહુ સિમ્પલ મંત્ર છે. ફૂડ ટેસ્ટી હોવું જોઈએ. બસ, આટલું સિમ્પલ. બાકી આ જોઈએ અને પેલું ન જોઈએ એવું કશું મારામાં આવતું નથી. ક્યાંય પણ ફૂડ ચાલે અને કોઈ પણ ફૂડ ભાવે. શરત પેલી એક જ, ફૂડ ટેસ્ટી હોવું જોઈએ. શૂટ ચાલતું હોય અને શૂટિંગ અમદાવાદમાં હોય ત્યારે મારું ટિફિન ઘરેથી જ આવે. મને મમ્મીના હાથનું ફૂડ વધારે ભાવે છે. બધાની જેમ મને પણ એવું જ લાગે છે કે મારાં મમ્મી કાશ્મીરાબહેન જેવું ફૂડ બીજું કોઈ બનાવી નથી શકતું. ટિફિનની વાત કરું તો એમાં કોઈ નિયમ નથી હોતો. આપણાં રેગ્યુલર રોટલી, દાળ, ભાત અને શાક હોય. સાથે છાશ હોય અને સૅલડ હોય. જો અમદાવાદમાં ન હોઉં અને શૂટ બીજે ક્યાંય ચાલતું હોય તો સેટ પર આવે એ બધું ફૂડ હું ટ્રાય કરું અને બીજી સિટીમાં જવા મળે ત્યારે ત્યાંનું લોકલ ફૂડ પણ ટ્રાય કરું.
લોકલ ફૂડમાં મેં એવી અલગ-અલગ જગ્યાઓ શોધી છે કે તમે જેની કલ્પના પણ ન કરો. સુરતમાં વરાછા રોડ પર એક રેસ્ટોરાંમાં આલૂ પરાઠાંનાં બસો વેરિએશન છે. આપણે એવું જ માનતા હોઈએ કે આલૂ પરાઠાં એટલે આલૂ પરાઠાં, એમાં આટલી વરાઇટી બની જ કેવી રીતે શકે? પણ એ રેસ્ટોરાંમાં બને છે અને લોકો એ ખાય પણ છે. બરોડામાં નવા બસ- સ્ટૉપ પાસે એક સૅન્ડવિચ પાર્લર છે ત્યાં સોથી વધારે જાતની સૅન્ડવિચ મળે છે. આણંદની એક ગુજરાતી રેસ્ટોરાંમાં પાંચ જાતની પૂરણપોળી મળે છે. મુંબઈમાં એક વાર રાતે મને એક વડાપાંઉ પાર્લર મળી ગયું હતું. ત્યાં વીસ જાતનાં વડાપાંઉ મળતાં હતાં. ટાઉનમાં તો એક વડાપાંઉવાળો એવો છે જે સબવેની સૅન્ડવિચની જેમ પોતાના વડાપાંઉમાં આઠથી દસ જાતના સૉસ નાખે છે. મુંબઈનું જ કહું તમને, મુંબઈ આવવાનું બને ત્યારે હું પેલા રસ્તા પર મળતા ખીચિયા પાપડ અચૂક ખાઉં. ખીચિયા પાપડ પર બટર લગાવ્યું હોય અને મસાલા પાપડની જેમ એના પર સૅલડ પાથરી ઉપરથી ચીઝ નાખે. બહુ મસ્ત લાગે એ ખીચિયા પાપડ. મુંબઈ જેવા ખીચિયા પાપડ મેં ઘરે પણ બનાવ્યા છે તો ઇનોવેશનના ભાગરૂપે મેં મારી જાતે પણ મસાલા પાપડ બનાવ્યા છે.

food
મસાલા પાપડ હું બે ટાઇપના બનાવું છું. એક તો અડદના પાપડના. એમાં અડદના પાપડ શેકીને એનો ચૂરો કરી નાખવાનો અને એ પછી એ ચૂરામાં ભાજી, કોથમીરના ઝીણા ટુકડા નાખવાના અને પછી એમાં સહેજ અમસ્તું તેલ અને એની ઉપર લાલ મરચું પાઉડર છાંટીને બધું મિક્સ કરી લેવાનું. આ પાપડનો ટેસ્ટ એકદમ યુનિક લાગે છે. બીજા પ્રકારના પાપડમાં તમારે ખીચિયા પાપડ લેવાના અને એમાં પણ આ જ રીતે બધું ઉમેરવાનું. જો બહુ ભૂખ ન લાગી હોય તો હું ઘણી વાર આ રીતે મસાલા પાપડ બનાવીને ખાઈ લઉં. આની સાથે દહીં હોય તો બહુ મજા આવે. દહીં માટે પણ તમને એક વાત કહું. દહીં સાથે મને જીરા કેરીનું આપણું જે અથાણું હોય છે એ બહુ ભાવે. જીરા કેરીમાંથી થોડો મસાલો લઈને દહીંમાં મિક્સ કરી દીધો હોય તો ખાવાનો ટેસ્ટ બદલાઈ જાય.
નાની હતી ત્યારે મારા ગાલ બહુ ચબી હતા અને હું પણ ગોળમટોળ હતી. બહારનું બહુ ખાતી નહીં તો પણ. એ સમયે તો વેઇટનો કશો વિચાર આવતો નહીં, પણ મોટી થતી ગઈ એમ-એમ સમજાવાનું શરૂ થયું અને મેં મારી ફૂડ પૅટર્ન ચેન્જ કરીને વેઇટ પર કન્ટ્રોલ કર્યો. ફૂડ પૅટર્નના કન્ટ્રોલમાં સૌથી મોટો ચેન્જ જો કોઈ કર્યો હોય તો એ છે સૂર્યાસ્ત પછી શક્ય હોય ત્યાં સુધી ફૂડ નહીં લેવાનું.
લૉકડાઉન વખતે મને બહારનું ખાવાનું બહુ મન થતું હતું. બહુ ઇચ્છા થતી કે પાણીપૂરી ખાવા જાઉં, પણ બહાર નીકળવાની મનાઈ હતી એટલે ક્યાંય ગઈ નહીં. આજે ગુજરાતમાં તો લૉકડાઉન મૅક્સિમમ અંશે ખૂલી ગયું છે પણ એમ છતાં હજી બહાર જઈને ખાવાનું મન નથી થતું. મમ્મીએ મને આ પિરિયડમાં ઘણી વાર પાણીપૂરી બનાવી આપી છે પણ ખબર નહીં, પાણીપૂરી તો બહારની જ ખાવાની મજા આવે. તમે ગમે એટલું કરી લો, ગમે એવી રેસિપી લઈ આવો પણ બહાર પેલી ખૂમચા પરની પાણીપૂરીની મજા જુદી જ હોય અને એ જ ખાવી જોઈએ. કોવિડનો ડર નીકળી જશે એ પછી હું બહાર પાણીપૂરી ખાવાનું શરૂ કરી દઈશ.
ફૂડ મેકિંગની વાત કરું તો મને બેઝિક સિવાય કશું આવડતું નથી. ચા-કૉફી, બ્રેડ ટોસ્ટ, મૅગી જેવી વરાઇટી હું બનાવી શકું. આ ઉપરાંત મને જાતજાતના સ્મૂધી બનાવતાં આવડે અને એ મને બનાવવા પણ ગમે. કોલ્ડ કૉફી મારા જેવી કોઈની તમે નહીં પીધી હોય એવું હું કહું તો પણ કશું ખોટું નહીં કહેવાય. અલગ-અલગ શેક પણ બનાવવા ગમે અને મને આવડે પણ ખરા. કૉફીની વાત કહું તો મારા હાથની બોર્નવિટા કોલ્ડ કૉફી તમે ક્યાંય ચાખી નહીં હોય. જો તમારે એવી કૉફી બનાવવી હોય તો તમારે કૉફી બનાવી લઈને એમાં બોર્નવિટા ઉમેરવાનું અને ઉપર ચૉકલેટ સૉસ નાખવાનો. જો તમારી પાસે ચૉકલેટ્સ હોય તો એના પણ ઝીણા પીસ તમે નાખી શકો. આ કોલ્ડ કૉફીનો ટેસ્ટ એકદમ જુદો થઈ જાય છે.
એ સાવ સાચું કે મેં ક્યારેય કિચનની બાબતમાં ઇન્ટરેસ્ટ નથી લીધો, જેને લીધે ક્યારેક કફોડી હાલત પણ થાય. એકાદ વર્ષ પહેલાંની તમને એક વાત કહું. મારે એક શો શૂટ કરવાનો હતો. શોની થીમ એવી હતી કે ઘર પર જ શૂટ કરવાનું, આખો દિવસ ટીમ તમારી સાથે રહે અને તમારું ડેઇલી રૂટીન એ રેકૉર્ડ કરે. આ ડેઇલી રૂટીનમાં મારી સાથે જ ટીમ લંચ લે અને મારે એ લંચ બનાવવાનું. બહુ સરસ રીતે બધું પસાર થયું પણ કુકિંગની વાત આવી ત્યાં મારું ટેન્શન શરૂ થઈ ગયું. હું સબ્ઝીમાં ખોયા કાજુ બનાવવાની હતી. મમ્મીને ખબર કે કિચનમાં મને બીક લાગે. મારો ડર દૂર કરવા મમ્મીએ મારે જે રેસિપી બનાવવાની હતી એની બધી પ્રેપરેશન કરી રાખી હતી. ત્યાં સુધી કે મારે નિમક નાખવાનું હોય તો નિમકની ક્વૉન્ટિટી પણ તેણે બાઉલમાં સેટ કરીને રાખી હતી. મારે માત્ર બધું સમયસર મિક્સ કરતાં જવાનું હતું અને એ પણ મને મમ્મીએ શીખવી રાખ્યું હતું.
મેં બનાવવાની શરૂઆત કરી. ખબર નહીં મેં શું ભૂલ કરી પણ શાક બરાબર બન્યું નહીં. ખોયા કાજુ વાઇટ કલરનું બને પણ મેં શું ગોટાળો કર્યો કે મારું ખોયા કાજુ યલો કલરની ગ્રેવીવાળું બન્યું. તમે માનશો નહીં પણ એ ટીમમાંથી કે પછી મારી ફૅમિલીમાંથી કોઈએ શાક ટેસ્ટ જ કર્યું નથી. બધું શૂટ કર્યું પણ બની ગયા પછી બધાએ કહી દીધું કે આપણે બીજું કશુંક ખાઈ લઈએ, આ નથી ખાવું. અંદરથી મને ડર લાગતો હતો, શરમ આવતી હતી તો મારી જ રેસિપી પર મને હસવું પણ બહુ આવતું હતું.


આ લૉકડાઉનમાં હું બધું શીખવા માગતી હતી પણ કશું શીખી નથી શકી. હા, મમ્મીએ મને એક બેસ્ટ રેસિપી શીખવાડી દીધી છે. ચણાના લોટના પૂડલા. બહુ સરળ અને ઝડપથી આવડી જાય એવી રેસિપી છે. ચણાનો લોટ લેવાનો, પાણીમાં મિક્સ કરવાનો અને પછી જરૂર મુજબ એમાં મરચું, મીઠું, જીરું લેવાના અને એ મિક્સ્ચર તૈયાર થઈ જાય એટલે એમાં ભાવતાં વેજિટેબલ્સ નાખી તવા પર ફ્રાય કરી લેવાના. હું મારા પૂડલામાં બેલ પેપર વધારે નાખું અને તૈયાર થઈ ગયેલા પૂડલા પર થોડો ચાટ મસાલો પણ છાંટું. આ પૂડલા સાથે હું ચટણીને બદલે સાલ્સા સૉસ લઉં છું. મમ્મીના હાથના પૂડલા હું પાંચથી છ આરામથી ખાઈ જાઉં અને એવું જ મારા હાથના પૂડલાનું છે. એ પણ હું આસાનીથી પાંચ-છ ખાઈ જાઉં. પૂડલા બનાવવામાં મેં કોઈ ભૂલ કરી નથી.

જો બહુ ભૂખ ન લાગી હોય તો હું ઘણી વાર મસાલા પાપડ બનાવીને ખાઈ લઉં. એની સાથે દહીં હોય તો બહુ મજા આવે. દહીં સાથે મને જીરા કેરીનું આપણું જે અથાણું હોય છે એ બહુ ભાવે. જીરા કેરીમાંથી થોડો મસાલો લઈને દહીંમાં મિક્સ કરી દીધો હોય તો ખાવાનો ટેસ્ટ બદલાઈ જાય

આ ઉકાળો પણ એક વાર ટ્રાય કરો - ગરમ પાણી લઈ એમાં બધું સરખા માપે ઉમેરો. હળદર, બ્લૅક પેપર, સૂંઠ, તજ, લવિંગ અને બીજાં જે કોઈ ઓસડિયાં તમારે એમાં નાખવાં હોય એ. કહ્યું એમ, બધું સરખા માપે ઉમેરવાનું છે. બધું સરખા માપે હોવાને લીધે એ ઉકાળાની જે તીખાશ છે એ તીખાશ એ સ્તર પર વધે છે કે રીતસર પેટમાં જાય ત્યાં સુધી તમને એ તીખાશનો ગરમાવો ખબર પડે છે. આ ઉકાળો મેં પહેલી વાર ભૂલથી બનાવી લીધો હતો, પણ પછી બધાને એ ભાવ્યો એટલે ભૂલમાં તૈયાર થયેલી એ રેસિપીને અમે કાયમી બનાવી દીધી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK