Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમને શું લાગે છે ટીવીનો જાદુ ઓસરી રહ્યો છે કે હજી પણ એવો જ બરકરાર છે?

તમને શું લાગે છે ટીવીનો જાદુ ઓસરી રહ્યો છે કે હજી પણ એવો જ બરકરાર છે?

21 November, 2020 07:03 PM IST |
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

તમને શું લાગે છે ટીવીનો જાદુ ઓસરી રહ્યો છે કે હજી પણ એવો જ બરકરાર છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજથી થોડા દાયકા પહેલાં ટીવી પરિવારના સદસ્ય જેવું માન ધરાવતું હતું. જેમના ઘરમાં ટીવી હોય ત્યાં પાડોશી અને મિત્રોની મહેફિલ જામતી. ધીમે-ધીમે ટીવીએ ઘરે-ઘરે પોતાનું સ્થાન જમાવી દીધું. સમાચાર, ફિલ્મો, ધારાવાહિક સહિતના કાર્યક્રમો માણવા માટે પરિવારના સભ્યો વચ્ચે રિમોટ આંચકી લેવાની રમત ચાલતી તો ક્યારેક મારામારી થઈ જતી. દૂરદર્શનથી લઈ દોઢસો-બસો ચૅનલો સુધીની સફરમાં આ સાધને આપણને અઢળક મનોરંજન પીરસ્યું છે. જોકે મોબાઇલ અને ઇન્ટરનેટના જમાનામાં હવે ટીવીની જરૂરિયાત નથી રહી એવું ઘણાને લાગી રહ્યું છે. શું એન્ટરટેઇનમેન્ટ માટે હવે ટેલિવિઝનનો યુગ સમાપ્ત થયો? ઘરમાં ટીવી વગર ચાલે ખરું? મુઠ્ઠીમાં સમાઈ જતું સાધન ટીવીનું સ્થાન લઈ શકશે? આજે વર્લ્ડ ટેલિવિઝન ડેના અવસરે વાચકો સાથે વાત કરીએ ટીવીની આજ અને આવનારી કાલની

ટીવી નહીં, સ્માર્ટ ટીવી જોઈએ છે : સૌરભ સંઘવી, ઘાટકોપર



આજથી પાંચેક વર્ષ પહેલાં પપ્પા અને વાઇફ પોતપોતાની પસંદના કાર્યક્રમો જોઈ શકે એ માટે ઘરમાં બે ટીવી ઇન્સ્ટૉલ કર્યાં હતાં, પરંતુ ઇન્ટરનેટના જમાનામાં ટીવી જોવામાં કોઈને રસ નથી રહ્યો. અમારા ઘરમાં જેને તમે ટીવી કહો છો એ બે-ત્રણ દિવસે એક વાર માંડ ચાલુ થતું હશે. એ પણ પપ્પાને સવારે આસ્થા ચૅનલ જોવી હોય ત્યારે થાય. હા, સ્માર્ટ ટીવી આખો દિવસ ચાલુ હોય. ટીવી અને સ્માર્ટ ટીવી વચ્ચેના તફાવત વિશે વાત કરતાં ઘાટકોપરના બિઝનેસમૅન સૌરભ સંઘવી કહે છે, ‘મોબાઇલની નાની સ્ક્રીનમાં વેબ-સિરીઝ અને નવી રિલીઝ થયેલી મૂવી જોવાની મજા નથી આવતી એટલે ઘરમાં ટીવી જોઈએ. બધી ફિલ્મો થિયેટરમાં જોવા ન જઈ શકીએ અને ફિલ્મ મિસ ન થાય એ માટે સબસ્ક્રાઇબ કરાવી લીધું છે. ઓછા ખર્ચે ઘરે બેસીને ટીવીમાં બધી મૂવી જોઈ લેવાની. ડેઇલી સિરિયલ જોવા માટેનું સાધન એટલે ટીવી અને પોતાની અનુકૂળતા મુજબ મનપસંદ પ્રોગ્રામ જેમાં જોઈ શકો એ સ્માર્ટ ટીવી. મારી પાંચ વર્ષની દીકરી પણ ટીવીમાં ઇન્ટરનેટ ઓપન કરી સોફિયા અને પેપા પીકા જેવાં કાર્ટૂન જુએ છે, કારણ કે તેને જયારે મન થાય ત્યારે ટીવીમાં એ કાર્ટૂનનો સમય ન હોય. કેબલ કનેક્શન લઈ ટીવી જોવાનો જમાનો ખતમ થઈ ગયો છે. આવનારા સમયમાં ટીવી આઉટડેટેડ થઈ જશે અને સ્માર્ટ ટીવી રહેશે. સાધન હશે, પણ એની ઉપયોગિતા બદલાઈ જશે.’


લૉકડાઉનમાં ટીવીએ રંગ રાખ્યો : દીપ્તિ નાગડા, મુલુંડ

અમારા ઘરમાં બધા વર્કિંગ હોવાથી ટીવી જોવાનો સમય ક્યારેય મળતો નહોતો. વધીને રાતે થોડી વાર ન્યુઝ જોઈએ. મારા હસબન્ડ તરુણને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોવાથી કોઈક વાર ઊંઘ ન આવે ત્યારે થોડી વાર સ્પોર્ટ્સ ચૅનલ ચાલુ કરીને જુએ. આજકાલની ધારાવાહિક અમને ગમતી નથી તેથી ટીવી જેવું સાધન ઘરમાં હોય કે ન હોય બહુ ફરક પડતો નથી. ઘણાના ઘરમાં જમતી વખતે ટીવી ચાલુ રાખવાની ટેવ હોય છે. અમને આ વાતનો અણગમો છે. ફૅમિલી સાથે વાતો કરતાં ડિનર કરવાનું, ટીવી શું જોવાનું? જોકે લૉકડાઉનમાં ટીવીએ અમારા જીવનમાં રંગ રાખ્યો હતો. આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં એક સમયે શિક્ષક રહી ચૂકેલાં દીપ્તિ નાગડા કહે છે, ‘કામકાજની વ્યસ્તતાના લીધે ટીવી જોવાની આદત પડી નથી. દીકરી પરણીને સાસરે ચાલી ગઈ પછી તો સાવ જ ઓછું થઈ ગયું. જોકે લૉકડાઉનમાં રામાયણ અને મહાભારત ધારાવાહિકના કારણે અમારા બન્નેનો સારો સમય પસાર થઈ ગયો હતો. આ સિરિયલો જોતી વખતે જૂની યાદો તાજી થઈ ગઈ. એક સમયે દૂરદર્શન પર મહિલા ન્યુઝ રિપોર્ટરને જોવાની અલગ જ મજા હતી. સલમા નામની કોઈ રિપોર્ટર મને હજી યાદ છે. આ સિવાય ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશનમાં તબસ્સુમનો હસતો ચહેરો, છાયાગીત, શફી ઈનામદારની કૉમેડી સિરિયલો, યે જો હૈ ઝિંદગી, નુક્કડ વગેરે મનોરંજક લાગતાં હતાં. હવે શોખ નથી રહ્યો. આમેય મોબાઇલના જમાનામાં ટીવી જોવાનું ચલણ ઘટતું જાય છે.’


મોબાઇલ અને ટીવીની તુલના ન થાય : જય હરિયા, વડાલા

નાનપણમાં કાર્ટૂન જોતાં, પછી મૂવી અને સિરિયલો જોતાં થયાં અને હવે મોબાઇલમાં વેબ-સિરીઝ જોઈએ છીએ. જોકે મોબાઇલ અને ટીવીની સરખામણી ન થાય. બન્નેનો જુદો ચાર્મ છે તો નુકસાન પણ છે એવો મત વ્યક્ત કરતાં સુપર માર્કેટના મૅનેજર જય હરિયા કહે છે, ‘આજે મનોરંજન માટેનાં ઘણાંબધાં માધ્યમ ઉપલબ્ધ છે. ખાસ કરીને યુવાપેઢી પોતાની પસંદના પ્રોગ્રામો અને મૂવી મોબાઇલમાં જુએ છે. મારી ઉંમરના યંગસ્ટર્સ ઇન્ટરનેટ પર વધુ સમય વિતાવે છે, પરંતુ મારું કામકાજ એવું છે કે મોબાઇલને હાથ લગાવવાનો ટાઇમ હોતો નથી. આખા દિવસના કામકાજ પછી રાત્રે ઘરે જઈને કોઈ પણ પ્રકારનું એન્ટરટેઇનમેન્ટ જોઈએ. ટીવી અને મોબાઇલની દુનિયા જુદી છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ કે કપિલ શર્મા જેવા કૉમેડી શો જોવાની મજા ફૅમિલી સાથે આવે. આખી ફૅમિલી લિવિંગ રૂમમાં મોટી સ્ક્રીન સામે બેસીને એકસાથે ખડખડાટ હસે ત્યારે રિલૅક્સ મૂડમાં આવી જવાય. આ જ પ્રોગ્રામ તમે એકલા બેસીને મોબાઇલમાં જુઓ તો એ આનંદ નથી મળવાનો. ફૅમિલી એન્ટરટેઇનમેન્ટની દૃષ્ટિએ ટીવી બેસ્ટ છે. કૉમેડી શો ઉપરાંત લાઇવ ન્યુઝ જોવાની મજા પણ ટીવીમાં છે. ફૅમિલી ટાઇમ સ્પેન્ડ કરવા ઘરમાં ટીવી હોવું જોઈએ. એકાદ કલાકનો સમય સાથે વિતાવ્યા બાદ પોતાની રૂમમાં જઈ મોબાઇલમાં ઇન્ટરનેટની દુનિયા સાથે કનેક્ટ થવાનું ગમે. ફૅમિલી સાથે બેસીને જોઈ ન શકાય એવા પ્રોગ્રામો એકલા જોઉં. આમ મારી લાઇફમાં બન્ને પ્લૅટફૉર્મની અનિવાર્યતા છે.’

બિગ બૉસ જોવા બેડરૂમમાં ટીવી મુકાવ્યું : પ્રીતિ પરમાર, અંધેરી

ટીવી તો જોઈએ, એના વગરની દુનિયા કલ્પી ન શકાય. બિગ બૉસ જોવાનો તો એટલો ક્રેઝ છે કે ખાસ આ સિરિયલ માટે બેડરૂમમાં સેપરેટ ટીવી ગોઠવ્યું છે. અંધેરીનાં ગૃહિણી પ્રીતિ પરમાર કહે છે, ‘નાનાં બાળકોથી લઈને વડીલો બધા પોતપોતાની પસંદગીના પ્રોગ્રામો જોઈ શકે એ માટે ઘરમાં બે ટીવી રાખ્યાં છે. મને, મારા હસબન્ડ અને સાસુ ત્રણેયને બિગ બૉસ જોવાનો જબરો શોખ છે. રાત્રે દસ વાગ્યા સુધીમાં ઘરનાં તમામ કામ આટોપી ટીવી સામે ગોઠવાઈ જઈએ. કોઈક વાર કેબલનો ઇશ્યુ આવે તો સાસુ અમારા રૂમમાં આવીને પણ બિગ બૉસ તો જુએ જ. ગઈ સીઝન સુધી એકેય એપિસોડ મિસ નહોતો કર્યો, આ વખતે એકાદ સ્કિપ થઈ ગયો છે. આ સિવાય સાસુને સાંઈબાબા સિરિયલ જોવાની મજા પડે છે અને મને જૉઇન્ટ ફૅમિલી હોય એવી મોટી સ્ટારકાસ્ટવાળી સિરિયલો વધુ આકર્ષે છે. સાસુ-વહુને જ નહીં, મારી ટ્વિન ડૉટરને પણ ટીવી જોવું બહુ ગમે છે. ઘરના કામમાં બિઝી હોઉં ત્યારે ટીવી પર કાર્ટૂન ચૅનલ મૂકી દઈએ એટલે તેઓ જોયા કરે. મારું માનવું છે કે નાનાં બાળકો માટે મોબાઇલ કરતાં ટીવી બેસ્ટ ઑપ્શન છે. નજીકની સ્ક્રીન કરતાં દૂરની સ્ક્રીનથી તેમની આંખોને ઓછું નુકસાન થાય છે. બધા ભલે કહે કે મોબાઇલના જમાનામાં ટીવીનો વપરાશ ઘટી ગયો છે, પરંતુ મને એવું નથી લાગતું. ખાસ કરીને ગૃહિણીઓ અને નાનાં બાળકોની મમ્મી માટે ટીવી મનોરંજનનું હાથવગું સાધન છે.’

એપિસોડ મિસ નહોતો કર્યો, આ વખતે એકાદ સ્કિપ થઈ ગયો છે. આ સિવાય સાસુને સાંઈબાબા સિરિયલ જોવાની મજા પડે છે અને મને જૉઇન્ટ ફૅમિલી હોય એવી મોટી સ્ટારકાસ્ટવાળી સિરિયલો વધુ આકર્ષે છે. સાસુ-વહુને જ નહીં, મારી ટ્વિન ડૉટરને પણ ટીવી જોવું બહુ ગમે છે. ઘરના કામમાં બિઝી હોઉં ત્યારે ટીવી પર કાર્ટૂન ચૅનલ મૂકી દઈએ એટલે તેઓ જોયા કરે. મારું માનવું છે કે નાનાં બાળકો માટે મોબાઇલ કરતાં ટીવી બેસ્ટ ઑપ્શન છે. નજીકની સ્ક્રીન કરતાં દૂરની સ્ક્રીનથી તેમની આંખોને ઓછું નુકસાન થાય છે. બધા ભલે કહે કે મોબાઇલના જમાનામાં ટીવીનો વપરાશ ઘટી ગયો છે, પરંતુ મને એવું નથી લાગતું. ખાસ કરીને ગૃહિણીઓ અને નાનાં બાળકોની મમ્મી માટે ટીવી મનોરંજનનું હાથવગું સાધન છે.’

ત્રણ જણ વચ્ચે ચાર ટીવી અમસ્તાં થોડાં હોય? : તૃષા મહેતા, વિલે પાર્લે

વિલે પાર્લેમાં રહેતી મહેતા ફૅમિલીને ટીવી વગર જરાય ચાલે એમ નથી. ઘરમાં બધાનું માનવું છે કે ટીવી એ મનોરંજન અને માહિતીનું એવું માધ્યમ છે જેના વગર કોઈ જનરેશનને ચાલે એમ નથી. યંગ જનરેશનને મોબાઇલ પર બધું મળી રહે છે તેથી ટેલિવિઝનની જરૂર નથી. આ વાત સાથે અસહમત થતાં કૉલેજ સ્ટુડન્ટ તૃષા મહેતા કહે છે, ‘હમણાંનો જ કિસ્સો કહું તો એક ટીવી પ્રોગ્રામ જોયા બાદ મમ્મીએ કહ્યું અરે, આજે ખબર પડી કે આપણે ત્યાં લેહ-લદ્દાખમાં પોલાર બેઅર છે. પ્રાણીઓની ચિત્ર-વિચિત્ર દુનિયા, દેશ-વિદેશની નદીઓ કેટલી લાંબી છે, એનું પાણી કેવું છે અને એકસાથે બે-ત્રણ દેશોમાં વહેતી નદીઓ કઈ છે, ટ્રાવેલિંગમાં કયો ટ્રેન્ડ ચાલે છે, આ પ્રકારની ડૉક્યુમેન્ટરી ફિલ્મો જોવાનું તેમને બહુ ગમે. એક વાર કોઈ પ્રોગ્રામ મિસ થઈ જતાં તેમણે ઇન્ટરનેટ પર સર્ચ કરીને જોયું તો કંઈ મળ્યું નહીં. પપ્પાને હિસ્ટોરિકલ વધુ પસંદ છે. વાસ્તવમાં આ બધું મોબાઇલમાં શોધવા જાઓ તો ખૂબ સમય લાગે ને ઘણી વાર અધકચરી માહિતી હોય. રિયલિટી શો માટે મને પણ ટીવી તો જોઈએ. લૉકડાઉનમાં મોબાઇલ કરતાં ટીવી પર વધુ સમય વિતાવ્યો છે. ઘરમાં ત્રણ જણ વચ્ચે ચાર ટીવી અમસ્તાં થોડાં મૂક્યાં હોય. બધાની રૂમમાં પોતાનું સેપરેટ ટીવી તો ખરું જ, દાદીમા રોકાવા આવે ત્યારે તેમના માટે પણ ગોઠવણ કરી રાખી છે. ટીવી આપણી લાઇફનો હિસ્સો છે જેના વગર નહીં ચાલે.’

ટીવીનું સ્થાન કોઈ સાધન નહીં લઈ શકે : પુષ્પા ખોના, ડોમ્બિવલી

આજથી પાંત્રીસ વર્ષ પહેલાં ઘરમાં બ્લૅક ઍન્ડ વાઇટ ટીવી આવ્યું ત્યારે જેટલો હરખ થયો હતો એવો જ આનંદ ટીવી જોવામાં આજે પણ આવે છે. ટીવીએ અમારા જીવનને વ્યસ્ત અને મસ્ત રાખ્યું છે. ડોમ્બિવલીનાં સિનિયર સિટિઝન પુષ્પા ખોના કહે છે, ‘અમે બન્ને નિવૃત્ત જીવન ગાળીએ છીએ. ટીવીના કારણે ત્રણ-ચાર કલાક ક્યાં પસાર થઈ જાય ખબર ન પડે. હું જૂની ગુજરાતી ફિલ્મો જોવાની શોખીન છું તો મારા પતિદેવને સીઆઇડી અને ક્રાઇમ પૅટ્રોલ ગમે છે. દુનિયાભરની માહિતી મેળવવા સમાચાર પણ જોઈએ. મનોરંજક કાર્યક્રમો ઉપરાંત જૈન ધર્મની ચૅનલો પર મહારાજ સાહેબનાં પ્રવચન ખાસ સાંભળવાનાં. અમારી પાસે સ્માર્ટ ફોન છે અને બન્નેને ઇન્ટરનેટ વાપરતાં આવડે છે તેમ છતાં માહિતી અને મનોરંજન માટે ટીવી જ પહેલી પસંદ છે. આ ઉંમરે મોબાઇલની સ્ક્રીનમાં આંખો ખેંચાય છે. કાનમાં પડઘા પડે ને સતત મોબાઇલ પકડી રાખવાથી હાથ દુખવા લાગે. ટીવી જોવામાં આવી હેરાનગતિ ન થાય. મોટી સ્ક્રીન પર મહારાજ સાહેબનાં દર્શનનો લહાવો મળે. આમ બધી રીતે ટીવી અમારી જરૂરિયાત છે. ક્યારેક બગડી જાય તો તાત્કાલિક રિપેર કરાવી લઈએ. આજથી થોડાં વર્ષ પછી ટીવીનું અસ્તિત્વ નહીં હોય એવું મને જરાય નથી લાગતું. અત્યારની યુવા પેઢી કાલે ઉંમરલાયક થશે ત્યારે તેમને પણ આરોગ્યની દૃષ્ટિએ મોટી સ્ક્રીનની જરૂર પડવાની છે. આ સિલસિલો ચાલુ રહેશે. ટીવીનું સ્થાન કોઈ સાધન લઈ શકશે નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2020 07:03 PM IST | | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK