શું અચાનક તમને ગળ્યું ખાવાનું બહુ ક્રેવિંગ થાય છે?

Published: Feb 05, 2020, 15:58 IST | Sejal Patel | Mumbai

તો જાગો. કેમ કે બની શકે કે એ તમારા શરીરની મેટાબૉલિઝમમાં આવી રહેલી કોઈ ગરબડનું પણ લક્ષણ હોય. સામે મીઠાઈ, આઇસક્રીમ કે કંઈ પણ ગળ્યું પડ્યું હોય એટલે મોંમાં પાણી આવી જ જાય.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

તો જાગો. કેમ કે બની શકે કે એ તમારા શરીરની મેટાબૉલિઝમમાં આવી રહેલી કોઈ ગરબડનું પણ લક્ષણ હોય. સામે મીઠાઈ, આઇસક્રીમ કે કંઈ પણ ગળ્યું પડ્યું હોય એટલે મોંમાં પાણી આવી જ જાય. ઘણી વાર તો અભાનપણે ચૉકલેટ મોંમાં મુકાઈ જાય અને એક ચમચી આઇસક્રીમ ચાખવા માટે લીધેલી ચમચીથી ક્યારે આખો વાટકો ખતમ થઈ જાય એની ખબર પણ ન પડે. જો તમને પણ ગળપણ ખૂબ ભાવતું હોય તો આ લેખ તમારા માટે જ છે.

આઇ હૅવ અ સ્વીટ ટૂથ.

ગળ્યું આપો એટલે જાણે ભગવાન મળ્યા. 

શું તમે પોતાના માટે આવું કહી શકો છો? જો તમને ગળપણ બહુ જ ભાવતું હોય અને જીભના સ્વાદ માટે તમે શુગરવાળી વાનગીઓ પર તૂટી પડતા હો તો એ તમારા સ્વાસ્થ્ય માટે જરાય ઠીક નથી. ઘણા લોકો કહે છે કે હું તો ગમેએટલું ગળ્યું ખાઉં, મારા શરીર પર એ દેખાતું જ નથી. પણ હંમેશાં શુગર વજન બનીને જ દેખાતું હોય એવું નથી. લોહીમાં શુગર વધી જાય ત્યારે એ શરીરને અંદરથી કોતરી ખાવાનું કામ પણ કરતી હોય છે. આવું માત્ર ડરાવવા માટે નથી કહેવાયું, ચેતવણીરૂપે કહેવાયું છે.  શુગર અને શુગરી પ્રોડક્ટ્સ એવી છે જે ખાતી વખતે તો બહુ જ મોજ કરાવે છે, પણ એની લાંબા ગાળાની અસરો બહુ કડવી હોય છે. યાદ રહે, અહીં શુગરને વિલન કહેવાય છે, મીઠાશને નહીં. મીઠાશ અનેક ચીજોમાંથી મળતી હોય છે, પણ જ્યારે આપણે રિફાઇન્ડ ખાંડનો ઉપયોગ ભોજનમાં કરીએ છીએ ત્યારે એ શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. થોડાક સમય પહેલાં પબ્લિશ થયેલા ન્યુટ્રિશનના અભ્યાસમાં તારવાયું હતું કે જે લોકો વધુ રિફાઇન્ડ શુગર ખાય છે તેમને વધુ શુગરનું ક્રેવિંગ થાય છે. એનું કારણ રિફાઇન્ડ કરેલી સિમ્પલ શુગર છે, મીઠાશ નહીં. જોકે શુગરનું ક્રેવિંગ થવાનું આ એક માત્ર કારણ નથી. શુગર ક્રેવિંગ થવાનાં વિવિધ કારણો અને એની સાથે કઈ રીતે ડીલ કરવું એ વિશે આજે મુલુંડના ડાયટિશ્યન જિનલ સાવલા પાસેથી જાણીએ.

ક્રેવિંગ થવાનું કારણ શું?

કોઈ પણ પ્રકારના ભોજનરસનું ક્રેવિંગ થાય ત્યારે એ માત્ર જીભનું જ કમ્પલ્ઝન હોય એવું જરૂરી નથી. શરીરને ચોક્કસ સંજોગોમાં અમુક ચોક્કસ રસનું ક્રેવિંગ થાય. એની પાછળનું સાયન્સ છે જિનલ સાવલા સમજાવે છે, ‘આપણા શરીરની વ્યવસ્થા જ એવી છે કે જ્યારે જે-તે ચીજની કમી થાય ત્યારે આપમેળે બૉડીમાં એવાં સિગ્નલ્સ પેદા થાય અને આપણને એ જરૂરી ચીજ લેવાનું મન થાય. શરીરમાં જ્યારે જરૂરી માત્રા કરતાં શુગરનું પ્રમાણ ઘટી જાય ત્યારે અચાનક જ શુગર ક્રેવિંગ થાય છે. મોટા ભાગે શુગર ક્રેવિંગ ત્યારે થાય જ્યારે તમારું પેટ ખાલી હોય. તમે પેટ ભરીને ખાધેલું હોય એ પછી પણ તમને ગળ્યું ખાવાનું ક્રેવિંગ બહુ ઓછું થશે. ધારો કે જમ્યા પછી પણ શુગરની તલબ રહેતી હોય તો એનું કારણ તમારી મેટાબૉલિઝમમાં સમાયેલું છે. ડાયાબિટીઝ હોય, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ હોય, થાઇરૉઇડ ડિસ્ટર્બન્સ હોય ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોવાની સંભાવના વધી જાય છે જેને કારણે ભરેલા પેટ પછી પણ તમને ગળ્યું અને શુગર ખાવાનું તીવ્ર ક્રેવિંગ થાય.’

આપણે જરાક સમજી લઈએ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે શું. આપણે જે ખોરાક ખાઈએ એ ગ્લુકોઝમાં કન્વર્ટ થતો હોય છે. આ ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતરણ કરવા માટે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન હૉર્મોન પેદા થતો હોય છે. તમે ખાવાનું ખાઓ એટલે એમાંથી પેદા થયેલા ગ્લુકોઝ માટે આપમેળે પેન્ક્રિઆઝમાંથી ઇન્સ્યુલિન પેદા થાય. ડાયાબિટીઝ, હાઇપોથાઇરૉઇડ, પીસીઓડી જેવી હૉર્મોનલ તકલીફ હોય તો ઇન્સ્યુલિન ઓછો પેદા થાય અથવા તો પેદા થયા પછી વપરાય નહીં. એને કારણે ગ્લુકોઝમાંથી એનર્જી પેદા ન થાય અને ગ્લુકોઝ બ્લડમાં જ પડી રહે. આમ શરીરને પૂરતી એનર્જી ન મળી હોવાથી શુગરનું ક્રેવિંગ થાય. જિનલ સાવલા કહે છે, ‘એનો મતલબ એ થયો કે જો તમને અચાનક જ વારંવાર શુગર ક્રેવિંગ થતું હોય અને જો હમણાં કંઈક ગળ્યું નહીં ખાઓ તો નહીં ચાલે એવું લાગતું હોય તો એ મેટાબૉલિઝમમાં કંઈક ગરબડ થઈ હોવાની નિશાની હોઈ શકે છે. જો કવચિત જ ગળ્યું ખાવાનું મન થતું હોય તો એમાં ઇમોશનલ કારણો અથવા તો સ્ટ્રેસ કારણભૂત હોઈ શકે છે.’

અપૂરતું ન્યુટ્રિશન

હૉર્મોનલ ડિસ્ટર્બન્સ ઉપરાંત શુગર ક્રેવિંગનું બીજું કારણ અપૂરતો અને અસંતુલિત ડાયટ પણ હોઈ શકે છે. એ બાબતે જિનલ સાવલા કહે છે, ‘જો તમારું પેટ ભરેલું હોય અને તમારા બૉડીને સંતુલિત ભોજન મળ્યું હોય તો તમારી સામે ભલેને ગમેએટલું ગમતું ડિઝર્ટ પડ્યું હોય, તમે એ નહીં ખાઓ. જો તમારા ડાયટમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન અને ચરબીનું યોગ્ય સંતુલન હશે તો વાંધો નહીં આવે. બીજું, લંચ કે ડિનરની સાથે અથવા તો મોડી રાતે ઊઠીને જે લોકો ડિઝર્ટ્સ ખાય છે એ લોકોને પણ વધુ તકલીફ થાય છે. તમે રાતે ઊઠીને એક બોલ ભરીને આઇસક્રીમ લેશો તો એનાથી ધરવ નહીં થાય. તમે એ પછી અનાયાસે બીજો એક બોલ ભરવા ઉત્સુક હશો જ. એને બદલે જો તમે નૅચરલ સ્વીટનેસ ધરાવતી અને ધીમે-ધીમે પચતી ચીજ લેશો તો એમાં ઓવર ઇટિંગ નહીં થાય.’

ફળોથી ફાયદો થશે

ભોજનમાં થોડુંક ગળપણ હોય એ જરૂરી છે, પણ એ ગળપણ રિફાઇન્ડ શુગરનું નહીં, નૅચરલ મીઠાશ ધરાવતી ચીજોનું અથવા તો ગોળનું હોય એ જરૂરી છે એ માટે ફ્રૂટ્સ બેસ્ટ ઑપ્શન છે એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘ફ્રૂટ્સ પૂરતાં ખાઓ તો નૅચરલી જ સ્વીટનું ક્રેવિંગ ઘટશે. એનું કારણ એ છે કે ફ્રૂટમાં ફ્રુક્ટોઝ ટાઇપનું ગળપણ હોય છે. એ ધીમે-ધીમે પચીને ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે, જ્યારે મોટો વાટકો ભરીને આઇસક્રીમ ખાધા પછી પણ તમને એનું ક્રેવિંગ રહેશે. ફ્રૂટ્સનો ડેઇલી ડાયટમાં ઉપયોગ કરવાથી બૉડીને પૂરતું હાઇડ્રેશન પણ મળશે અને નૅચરલ એનર્જી પણ. હા, ફળોને કદી ભોજનની સાથે ન લેવાં. ફળોનો જૂસ કાઢીને પણ ન લેવો. આખાં ફળો જ બે ભોજનની વચ્ચેના ગાળામાં લેવાનું રાખવું.’

મિલ્ક નહીં, ડાર્ક ચૉકલેટ

જ્યારે બહુ જ સ્વીટ ખાવાનું ક્રેવિંગ થયું હોય ત્યારે એકાદ એવી ચીજ ખાવી જોઈએ જે કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ ધરાવતી હોય અને ધીમે-ધીમે લાંબો સમય સુધી એનર્જી આપે. ઇન્સ્ટન્ટ એનર્જી આપતાં ગળ્યાં પીણાં, ખાંડ કે દૂધમાંથી બનેલી મીઠાઈઓ લેવાને બદલે નૅચરલ સ્વીટ લેવી જોઈએ. મિલ્ક કરતાં ડાર્ક ચૉકલેટ બહેતર છે એમ જણાવતાં જિનલ સાવલા કહે છે, ‘જો તમે એક ટુકડો મિલ્ક ચૉકલેટ ખાશો તો એ પછી ફરી બીજો ટુકડો ખાવાનું મન થશે, પણ જો ડાર્ક ચૉકલેટ લેશો તો ભલે એ થોડોક સ્વાદમાં કડવી હશે, પણ એનર્જી આપવામાં સારું કામ કરશે અને વધુ ખાવાનું ક્રેવિંગ નહીં થાય.’

‘જો તમારું પેટ ભરેલું હોય અને તમારા બૉડીને સંતુલિત ભોજન મળ્યું હોય તો તમારી સામે ભલેને ગમેએટલું ગમતું ડિઝર્ટ પડ્યું હોય, તમે એ નહીં ખાઓ. જો તમારા ડાયટમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન અને ચરબીનું યોગ્ય સંતુલન હશે તો વાંધો નહીં આવે. બીજું, લંચ કે ડિનરની સાથે અથવા તો મોડી રાતે ઊઠીને જે લોકો ડિઝર્ટ્સ ખાય છે એ લોકોને પણ વધુ તકલીફ થાય છે.

- જિનલ સાવલા, ડાયટિશ્યન

જમ્યા પછી કંઈક ગળ્યું ખાવું જ હોય તો એ માટે ગોળમાંથી બનેલી ચીજોના સ્મૉલ પીસ રેડી રાખો

એક-બે અંજીર, જરદાલુ, ખજૂર જેવી ચીજો શુગર ક્રેવિંગ વખતે લઈ શકાય

ગોળમાંથી બનેલી તલની કે શિંગદાણાની ચિક્કી પણ રાખી શકાય

ગળ્યું ખાધા પછી પણ વારંવાર ગળ્યું ખાવાનું મન થયા જ કરતું હોય તો એ લક્ષણોને હળવાશથી ન લેવાં. આ મેટાબૉલિઝમની સમસ્યા દર્શાવે છે

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK