Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જાણો છો મા દુર્ગાને કોળું શા માટે અર્પણ કરવામાં આવે છે?

જાણો છો મા દુર્ગાને કોળું શા માટે અર્પણ કરવામાં આવે છે?

04 October, 2019 03:27 PM IST | મુંબઈ
દુર્ગાષ્ટમી સ્પેશ્યલ - સેજલ પટેલ

જાણો છો મા દુર્ગાને કોળું શા માટે અર્પણ કરવામાં આવે છે?

દુર્ગાષ્ટમી

દુર્ગાષ્ટમી


નવરાત્રિ એટલે માતાજીની ભક્તિ અને શક્તિનું પર્વ છે. હિન્દુ ધર્મ આસ્થા પર આધારિત છે અને દેવીઓનાં સ્વરૂપ પણ અનેક છે. કોઈક મા અંબાની ભક્તિ કરે તો કોઈ મા દુર્ગાની. આમ તો પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વનાં રાજ્યોમાં નવરાત્રિને મા દુર્ગાના મહાપર્વ તરીકે ઊજવવામાં આવે છે, પરંતુ હવે આપણે ત્યાં પણ દુર્ગાના નવ સ્વરૂપની આરાધના થાય છે. પશ્ચિમ બંગાળમાં તો દુર્ગાષ્ટમી અને દશેરાની ઉજવણી વર્ષના સૌથી મોટા તહેવાર તરીકે થાય છે. દુર્ગાનાં નવ સ્વરૂપો છે જે ૯ રાત્રિના ૯ અલગ-અલગ દિવસનું ખાસ મહાત્મ્ય ધરાવે છે. દુર્ગા એ શક્તિનું સ્વરૂપ છે અને એને રીઝવવા માટે એક સમયે બલિ ચડાવવાની પ્રથા હતી. પ્રાણીઓનો બલિ ચડાવવા પાછળની માન્યતા કંઈક એવી હતી કે મા દુર્ગા એ શક્તિનું પ્રતીક છે અને કોઈ જીવંત એનર્જી મા સમક્ષ અર્પણ કરવામાં આવે ત્યારે જ શક્તિને આવાહન મળે છે. ઘણાં વર્ષો પહેલાં દુર્ગાષ્ટમી દરમ્યાન બલિ ચડાવવામાં આવતી. એ પ્રથા હવે બદલાઈ ગઈ છે. પ્રાણીનો બલિ ચડાવવાને બદલે મા સમક્ષ જીવંત એનર્જી સમાન વનસ્પતિ કે ફળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બલિના સ્થાને ભારોભાર એનર્જીનું પ્રતીક એવી ચીજો તરીકે સફેદ કોળું, જાડી કાકડી કે શેરડી મૂકવામાં આવે છે. એવું કહેવાય છે કે સફેદ કોળાનો બલિ ચડાવવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને શક્તિનું આવાહન થાય છે.

મહાઅષ્ટમીના દિવસે જ્યારે સંધિપૂજન થાય ત્યારે મા દુર્ગાને સફેદ કોળું અને શેરડી અર્પણ કરવામાં આવે છે. સંધિપૂજન એટલે બે‌ તિથિઓની સંધિ સમયે થતું પૂજન. આ પૂજન અષ્ટમી તિથિ આથમવાની હોય એની ૨૪ મિનિટ પહેલાંથી શરૂ કરવામાં આવે અને નવમીની તિથિ બેસી જાય એ પછીની પહેલી ૨૪ મિનિટ સુધી એમ કુલ ૪૮ મિનિટની હોય છે. આ સંધિક્ષણે મા દુર્ગાના ચામુંડા સ્વરૂપને પૂજવામાં આવે છે, કેમ કે આ સમય દરમ્યાન દેવી દુર્ગાએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોને હણ્યા હતા અને એટલે તેમને ચામુંડા સ્વરૂપ માનવામાં આવ્યા. બીજી લોકવાયકા મુજબ મહાઅષ્ટમી અને મહાનવમીની સંધિના સમય દરમ્યાન જ રામે રાવણની નાભિમાં તીર ભોંકીને તેને હણ્યો હતો.



કોળું જ શા માટે?


આ સંધિક્ષણે જો માતાજીના સ્વરૂપને રીઝવવા માટે પ્રચંડ એનર્જી સમાન ચીજ સમર્પિત કરવામાં આવે છે અને એ માટે સિમ્બૉલ તરીકે સફેદ કોળું બહુ પવિત્ર મનાય છે. જોકે કોળું જ શા માટે? કોળાનું સંસ્કૃત નામ છે કુષ્માંડ. જે મા દુર્ગાના એક અવતારનું પણ નામ છે. કુષ્માંડની સંધિ છૂટી પાડો તો કુ + ઉષ્મા + અંડ એમ ત્રણ શબ્દો થાય. કુ એટલે નાનું. ઉષ્મા એટલે હૂંફ કે એનર્જી અને અંડ એટલે જેમાં બ્રહ્માંડ સમાય એવું બીજ. આ કોળું એવું છે જેમાં બ્રહ્માંડની એનર્જી સમાયેલી છે. આવો આ અષ્ટમીએ કોળામાં રહેલી પ્રચંડ એનર્જીનો લાભ લેવા માટે આપણા ભોજનમાં પણ એનો સમાવેશ કઈ રીતે કરી શકાય એ મુલુંડમાં રહેતા કુકિંગ એક્સપર્ટ હંસા કારિયા પાસેથી જાણીએ.

કુકિંગ એક્સપર્ટ - હંસા કારિયા


halwa

કોળાનો હલવો

સામગ્રી

એક કપ ખમણેલું કોળું, અડધો કપ સાકર, પા કપ માવો, એક ચમચી એલચી પાઉડર, ૧/૪ કપ દૂધ, બેથી ત્રણ ટેબલસ્પૂન ઘી, ડેકોરેશન માટે તળેલાં કાજુ અને બદામની કતરી.

રીત

એક કડાઈમાં ઘી ગરમ કરવું. એમાં ખમણેલું કોળું ઉમેરવું. એને પાંચથી ૬ મિનિટ સાંતળવું. સતત હલાવતાં રહેવું જેથી એ બરાબર શેકાઈ જાય. સહેજ રંગ બદલાય એટલું શેકાય એટલે એમાં દૂધ ઉમેરવું. પાંચથી ૬ મિનિટ રંધાવા દેવું. હવે એમાં સાકર તથા એલચી પાઉડર ઉમેરવાં. ફરીથી એકાદ મિનિટ રંધાવા દેવું. પાણીનો ભાગ બળી જાય એટલે ગૅસ બંધ કરવો. ‌ડિશમાં કાઢીને કાજુ-બદામની કતરણથી ગાર્નિશ કરવું.

pumpkin-kheer

કોળાની ખીર 

સામગ્રી

અડધો કપ ભોપલું, દસ નંગ બદામ અથવા કાજુ, ૧ લીટર દૂધ, ૯થી ૧૦ ટેબલસ્પૂન સાકર, અડધી ચમચી એલચી પાઉડર, પા ચમચી જાયફળ પાઉડર, બે ટેબલસ્પૂન ઘી.

રીત

એક વાસણમાં સમારેલું ભોપલું તથા બદામ મિક્સ કરવાં. કુકરમાં મૂકી ૩થી ૪ સીટી વગાડી બાફી લેવું. ઠંડું થાય એટલે મિક્સરમાં પીસવું. એની લીસી પેસ્ટ જેવી કન્સીસ્ટન્સી રાખવી. એક કડાઈમાં ઘી મૂકીને આ પેસ્ટને બેથી ૩ મિનિટ સાંતળવી. સાથે જ બીજા એક વાસણમાં દૂધ, સાકર, એલચી પાઉડર, જાયફળ પાઉડર ઉમેરી ઉકાળવું. પછી એમાં પહેલાંથી તૈયાર કરેલી ભોપલાની પેસ્ટ ઉમેરવી. પછી એકદમ ધીમા તાપ પર ૧૦થી ૧૨ મિનિટ ઉકાળવું. હલાવતા રહેવું. પછી ગૅસ બંધ કરી દેવો. બદામની કતરણ, ચારોળી કે કેસરની એક-બે પાંદડીઓથી ગાર્નિશ કરવું.

નવ દુર્ગાનાં નવ સ્વરૂપોને કેવો ભોગ ધરાવાય?

શૈલપુત્રી

નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા થાય. હાથમાં ત્રિશૂળ અને કમળ લઈને નંદી પર સવાર કરતાં આ દેવીને દેવી પાર્વતી અને હેમવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી શૈલપુત્રીને રીઝવવા ભક્તો શુદ્ધ દેશી ઘી ભોગમાં અર્પણ કરી શકે.

બ્રહ્મચારિણી

હિન્દી ધર્મગ્રંથોમાં તેમને મઠની દેવી પણ કહેવાય છે. સફેદ સાડી પહેરીને હાથમાં રુદ્રાક્ષની માળા અને કમંડળ ધારણ કરેલાં બ્રહ્મચારિણી દેવી ધર્મ અને ભક્તિનું સ્વરૂપ છે. તેમને સાકર અને ફળોનો ભોગ ધરાવવામાં આવે છે.

ચંદ્રઘટા

ત્રીજા નોરતાના દેવીનું સ્વરૂપ ચંદ્રઘટાનું છે. દસ હાથવાળાં આ દેવી ખડગ અને અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ થઈને સિંહની સવારી કરે છે. મસ્તક પર અર્ધચંદ્રાકાર હોવાથી તેમને ચંદ્રઘટા કહેવાય છે. તેમને ખીર અને દૂધની મીઠાઈનો ભોગ ધરાવવામાં આવે છે.

કુષ્માંડ

ચોથા દિવસે મા કુષ્માંડની આરાધના કરવામાં આવે છે. તેમની ઊર્જા અને ગરમીથી અલૌકિક બ્રહ્માંડની રચના કરનારાં આ દેવીને પ્રસન્ન કરવા માટે માલપૂઆનો ભોગ ધરાવાય છે.

સ્કંદમાતા

પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. તેમને ચાર હાથ છે જેમાંથી બેમાં કમળ, એક હાથમાં કમંડળ અને એકમાં ઘંટડી હોય છે. સિંહ પર સવાર દેવીની ગોદમાં કાર્તિકેય (સ્કંદ) બેઠેલા હોવાથી તેમને સ્કંદમાતા કહેવાય છે. તેમને કેળાનો ભોગ ધરાવાય છે.

કાત્યાયની

છઠ્ઠા દિવસે જેનું પૂજન થાય છે એવાં દેવી કાત્યાયનીને મહાલક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. તેમના હાથમાં ચાર હથિયાર હોય છે. સિંહ પર સવાર આ દેવીને પ્રસાદરૂપે મધ ચડાવવામાં આવે છે.

કાળરાત્રિ

સાતમા દિવસે મા કાળરાત્રિનું પૂજન થાય છે. ચાર હાથવાળાં આ દેવી ગધેડા પર સવારી કરે છે અને હાથમાં ત્રિશૂળ તથા તલવાર લઈને દૃશ્યમાન થાય છે. આ દેવીનો સૌથી ભયાવહ અવતાર છે. તેમના કપાળે ત્રીજી આંખ હોય છે. આ દેવીની ભક્તિ તમને ખરાબ શક્તિઓથી સુરક્ષા બક્ષે છે. તેમને ગોળ અથવા ગોળથી બનેલી મીઠાઈ અર્પણ કરવામાં આવે છે.

દેવી મહાગૌરી

દુર્ગાષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા થાય છે. બળદ પર સવારી કરીને હાથમાં ત્રિશૂળ અને ડમરુ લઈને બેઠેલાં મહાગૌરીને શ્રીફળનો ભોગ ધરાવવાથી તેઓ રીઝે છે.

દેવી સિદ્ધિદાત્રી

મહાનવમીના દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. કમળ પર બેઠેલાં ચાર હાથવાળાં દેવીનાં હાથમાં કમળ, ગદા, ચક્ર અને પુસ્તક જોવા મળે છે. દેવીના આ સ્વરૂપને સિદ્ધિપૂર્ણતાનું પ્રતીક કહેવાય છે. તેમને તલનો ભોગ ધરાવાય છે.

આ પણ વાંચો : નવરાત્રિમાં માત્ર પહેરવેશ જ રંગીન કેમ? ભોજન પણ રંગબેરંગી હોવું જોઈએને?

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 03:27 PM IST | મુંબઈ | દુર્ગાષ્ટમી સ્પેશ્યલ - સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK