લોકોની મેન્ટલ હેલ્થના રખેવાળો ખુદને સ્વસ્થ રાખવા શું કરે છે?

Published: 10th October, 2020 18:48 IST | Varsha Chitaliya | Mumbai

સાઇકિયાટ્રિસ્ટ, સાયકોલૉજિસ્ટ અને કાઉન્સેલરોના જીવનમાં પણ માનસિક અસ્વસ્થતાનો તબક્કો આવે જ છે. નૉર્મલ પેશન્ટની જેમ તેમનો રોગ શૉર્ટ ટર્મ કે લૉન્ગ ટર્મ હોઈ શકે છે એવું તેઓ પોતે સ્વીકારે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મેન્ટલ હાઇજિન અને માનસિક સમસ્યા માટે સાઇકિયાટ્રિસ્ટની મદદ લેવા વિશે હવે ઘણી સજાગતા આવી રહી છે, પણ શું સતત લોકોના દુખદર્દ, હતાશા અને સમસ્યાઓને સૉલ્વ કરતા રહેતા નિષ્ણાતોના જીવનમાં કોઈ સમસ્યા નહીં આવતી હોય? માનસિક રોગના દરદીઓની સારવાર કરનારા મનોચિકિત્સકો પોતાના મગજ અને વિચારોને કાબૂમાં રાખવા શું કરતા હશે? કદાચિત સ્ટ્રેસ વધી જાય અને ડિપ્રેશન આવે તો કઈ દવા લેવાની છે એનું જ્ઞાન હોવાથી તેમને તાણનો સામનો કરવો પડતો નથી. જો તમે એવું વિચારતા હો તો જાણી લો કે સાઇકિયાટ્રિસ્ટ, સાયકોલૉજિસ્ટ અને કાઉન્સેલરોના જીવનમાં પણ માનસિક અસ્વસ્થતાનો તબક્કો આવે જ છે. નૉર્મલ પેશન્ટની જેમ તેમનો રોગ શૉર્ટ ટર્મ કે લૉન્ગ ટર્મ હોઈ શકે છે એવું તેઓ પોતે સ્વીકારે છે. આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના નિષ્ણાતો ખૂલીને વાત કરે છે પોતે અનુભવેલા માનસિક રોગનાં લક્ષણો અને તાણમુક્ત રહેવા માટે અપનાવેલા ઉપાયોની...

વૈશ્વિક મહામારીના સમયમાં દુનિયાની ચોથા ભાગની વસ્તી માનસિક તાણનો અનુભવ કરી રહી હોવાનું અમેરિકાના સાયન્સ મૅગેઝઝિનમાં પ્રકાશિત થયું છે. વિદેશના મોટા ભાગના દેશોમાં સામાન્ય નાગરિકો તેમ જ કોવિડના દરદીઓના માનસિક આરોગ્ય માટે સાઇકિયાટ્રિક હેલ્પલાઇન નંબર્સ જનરેટ કરવામાં આવ્યા છે. ભારત સરકારના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરોસાયન્સ દ્વારા પણ આવી પહેલ શરૂ કરવામાં આવી છે. કટોકટીના સમયમાં દરદીઓને સાયકોલૉજિકલ સપોર્ટ મળી રહે એ માટે સાઇકિયાટ્રિસ્ટ, કાઉન્સેલર અને અન્ય મેડિકલ સ્ટાફને ખાસ પ્રકારની ટ્રેઇનિંગ આપવામાં આવી છે. વર્તમાન સંજોગોમાં ડૉક્ટરો સમક્ષ પડકારો વધુ હોવાથી માનસિક તાણ અનુભવતા હશે એમાં કોઈ બેમત નથી, પરંતુ શું માનસિક રોગના દરદીઓની સારવાર કરતા ડૉક્ટરો પોતે કાયમ સ્વસ્થતા જાળવી શકે છે ખરા?

અનેક પ્રકારના રોગો, ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનમાં સરી પડેલા દરદીઓની સારવાર કરનારા તબીબો અંગત જીવનમાં સામાન્ય વ્યક્તિ છે. જે રીતે આપણે ચિંતા અને તાણગ્રસ્ત રહીએ છીએ એવી જ રીતે માનસિક સ્વસ્થતા ગુમાવી દે એવો તબક્કો તેમના જીવનમાં ક્યારેક તો આવતો જ હશેને? ડૉક્ટરો તો સ્વસ્થ જ હોય એવું માની અત્યાર સુધી આપણે આ બાબત કદાચ વિચાર્યું જ નથી. અખબારો, મૅગેઝિનો, સેમિનારો કે વેબિનારોમાં દરદીઓની માનસિક સ્વસ્થતા વિશે ઘણી વાતો થઈ છે અને ભવિષ્યમાં થતી રહેશે. જોકે આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના આપણે દરદીઓની નહીં, પણ નિષ્ણાતોના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. આખો દિવસ મેન્ટલ હેલ્થના પેશન્ટ સાથે ડીલ કરતી વખતે તેમના મગજમાં કબજો જમાવતા જુદા-જુદા વિચારોને કઈ રીતે કન્ટ્રોલ કરે છે, કયા સંજોગોમાં તેમના માનસિક આરોગ્ય પર અસર થઈ, એમાંથી કઈ રીતે બહાર નીકળ્યા તેમ જ ખુદના મેન્ટલ હેલ્થની કાળજી માટે તેઓ શું કરે છે એ જાણીએ...

સ્વજનને ગુમાવ્યાની પીડા ચહેરા પર દેખાવા નથી દીધી: ડૉ. રાજીવ આનંદ, સાઇકિયાટ્રિસ્ટ

સૌથી વધુ લાગણીનો સંબંધ જેની સાથે હોય એ માતાના અવસાનથી વિચલિત થયા વગર ત્રીજા દિવસે પેશન્ટને અટેન્ડ કરવા, જીવનસાથીના મૃત્યુના થોડા જ કલાકમાં દરદીઓની સારવાર કરવી એ નબળા મનની વ્યક્તિનું કામ નથી. ૪૨ વર્ષથી માનસિક રોગના દરદીઓની સારવારમાં વ્યસ્ત તેમ જ ૩૦૦૦થી વધુ વર્કશૉપ હૅન્ડલ કરવાનો અનુભવ ધરાવતા સિનિયર સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રાજીવ આંનદે પોતાના માનસિક સ્વાસ્થ્યની જે રીતે કાળજી લીધી છે એ કાબિલેદાદ છે. તેઓ કહે છે, ‘તબીબો કંઈ જુદી માટીના નથી બનેલા. તેઓ સમાજનો જ એક ભાગ છે. સ્વજનને ગુમાવવાની પીડા, ઘરેલુ મુદ્દાઓ, આર્થિક તંગી, માંદગી, સામાજિક રુત્બો એ બધાની અસર તેમના મગજ પર થાય છે. જોકે પડકારો અને ભાવનાત્મક સંબંધોને જોવાનો તેમનો દૃષ્ટિકોણ જુદો હોવાથી વેળાસર બહાર નીકળી શકે છે. માતા અને જીવનસાથીને ગુમાવ્યા બાદ દરદીઓને અટેન્ટ કરતી વખતે મારા ચહેરા પર પીડાના ભાવ કે આંખમાં આંસુ નહોતાં આવ્યાં. સાડાત્રણ વાગ્યે પત્નીનું અવસાન થયું. ઘરમાં રોકકળ ચાલતી હતી અને સાંજે સાડાછ વાગગ્યે પેશન્ટ સાથે અપૉઇન્ટમેન્ટ હતી. એ વખતે મનને સવાલ પૂછ્યો કે શું ઘરમાં બેસી રહેવાથી પત્ની પાછી આવી જશે? જવાબ મળ્યો ના. શિક્ષણ અને સમજણશક્તિથી કોઈ પણ સંજોગોમાં મગજને સ્થિર રાખી શકાય છે. રોજબરોજની ઘટનાઓમાં પણ મેન્ટલ સ્ટ્રેસ નથી લેતો. સામેવાળાની ભૂલને કારણે અત્યાર સુધીમાં ચાર વખત મારી કાર ડૅમેજ થઈ છે. સામાન્ય રીતે આવું થાય ત્યારે આપણું રીઍક્શન શું હોય? ‘તેરી ગલતી હૈ, પૈસા નિકાલ.’ આ પ્રકારની ઘટનામાં રસ્તામાં પબ્લિક ભેગી થાય અને સામેવાળાના મોઢામાંથી કદાચ ચાર અપશબ્દો નીકળે. નુકસાની ભોગવીને જાહેર સ્થળે પોતાનું ગૌરવ જાળવી શાંતિથી કહી દઉં કે ‘અગલી બાર ધ્યાન સે ગાડી ચલાના.’ જોકે મગજને આ સ્તર સુધી લઈ જવા એની પાસે વર્ષો પ્રૅક્ટિસ કરાવવી પડે, સેલ્ફ ટ્રેઇનિંગ આપવી પડે. બૉડી-બિલ્ડિંગની જેમ માઇન્ડ-બિલ્ડિંગ પર વર્કઆઉટ કરવું પડે. જે ઘટનાને બદલવી આપણા હાથમાં નથી એના વિશે વિચાર કરવાથી માનસિક ત્રાસ પડે અન્યથા લૉજિકલ જવાબ જ મળવાનો છે. પર્સનલ કે પ્રોફેશનલ લાઇફમાં, સામાન્ય અથવા ક્રિટિકલ સમયમાં મેન્ટલ સ્ટ્રેન્ગ્થ જાળવી રાખવા ડિસિપ્લિન લાઇફ જીવવી જરૂરી છે. મારી પૉઝિટિવ મેન્ટલ હેલ્થનું કારણ ઉદ્દેશપૂર્ણ અને તંદુરસ્ત દૃષ્ટિકોણ છે.’

દરદીઓની સારવાર કરનારા ડૉક્ટરો પોતે સારા દરદી નથી બની શકતા: ડૉ. સંતોષ બાંગર, સાઇકિયાટ્રિસ્ટ

પહેલાં અમે હ્યુમન બીઇંગ છીએ, પછી ડૉક્ટર બન્યા. વર્તમાન સમયમાં ડાયાબિટીઝ, અનિદ્રા અને ડિપ્રેશનથી પીડાતા ડૉક્ટરોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે, પરંતુ તબીબી સારવાર વિશે જાણકારી હોવાથી અન્ય ડૉક્ટરની ઍડ્વાઇઝને સ્વીકારી નથી શકતા એવો મત વ્યક્ત કરતાં ગ્લોબલ હૉસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સંતોષ બાંગર કહે છે, ‘માનસિક રોગના દરદીઓ કે અન્ય કોઈ પણ રોગના દરદીઓની સારવાર કરનારા ડૉક્ટરોમાં સામાન્ય વ્યક્તિઓ જેવી જ ખામીઓ હોય છે. દિવસ-રાત દરદીઓની સેવા કરતા નિષ્ણાતો પોતે સારા દરદી નથી બની શકતા. ડૉક્ટર્સ આર વર્સ્ટ પેશન્ટ. નાઇટ ડ્યુટીને કારણે ઊંઘ પૂરી ન થાય, જમવાનાં ઠેકાણાં ન હોય, કટોકટીના સમયને પહોંચી વળવાનું પ્રેશર એ બધી સમસ્યાઓ સામે તેઓ ઝઝૂમે છે. દરેક ડૉક્ટરની મેન્ટલ હેલ્થને હૅન્ડલ કરવાની ક્ષમતા જુદી હોય છે. એક સ્તર બાદ તેઓ આલ્કોહૉલનું સેવન શરૂ કરી દે છે અથવા ડિપ્રેશનમાં આવી જાય છે. આવા કેટલાંક કારણસર ડૉક્ટરો માનસિક રોગી બની જાય છે. મોટો પ્રૉબ્લેમ એ છે કે તબીબી વિજ્ઞાનનું નૉલેજ હોવાથી બીજા ડૉક્ટર પાસે જવામાં અમને સંકોચ થાય છે. દરદીને દવા લખી આપનારા નિષ્ણાતો પોતે સમયસર દવા લેતા નથી તેમ જ ફૉલોઅપની અવગણના કરે છે એવા અનેક દાખલા મારી નજર સમક્ષ છે. અનેક કેસમાં ઇમોશન્સને કન્ટ્રોલમાં કરવું મુશ્કેલ બને છે. ભૂતકાળમાં એક કેસમાં આલ્કોહૉલનું વ્યસન ધરાવતા દરદીની લાઇફ-સ્ટોરી સાથે અટેચ થઈ ગયો હતો. કઈ રીતે તેને વ્યસનમુક્ત કરવો એ ચૅલેન્જ બની જતાં મગજમાં એના જ વિચારો આવતા. દરદી સાથે વાતો કરતી વખતે ઇન્વૉલ્વ થઈ જવાથી થોડો સમય માટે અમે માનસિક સ્વસ્થતા ગુમાવી દઈએ છીએ. રીલ લાઇફ અને રિયલ લાઇફને સેપરેટ રાખવી અઘરી છે. જોકે રિલૅક્સેશન ટેક્નિક ઘણી હેલ્પ કરે છે. હેલ્ધી ડાયટ અને પૂરતી ઊંઘ મારી પ્રાયોરિટી છે. કોઈ પણ સંજોગોમાં દરદીઓની કથા-વાર્તાને મગજ પર હાવી થવા દેતો નથી. માનસિક સ્વસ્થતા જાળવી રાખવા પેશન્ટ ગયા પછી થોડી વાર માટે મગજને સ્વિજ-ઑફ કરી દઉં છું.’

મેન્ટલ સ્ટ્રેસને કારણે ફિઝિકલ હેલ્થને ગંભીર અસર થઈ હતી: જિજ્ઞા છેડા, સાયકોલૉજિસ્ટ

નવ વર્ષ પહેલાં બે સ્લીપ ડિસ્ક્સની સાથે vertebrae wedgingની સમસ્યા ઊભી થતાં ડૉક્ટરે સ્પાઇનલ સર્જરી કરાવી લેવાની સલાહ આપી. પાંચ કલાકની આ જટિલ સર્જરીમાં સાજા થવાની શક્યતા ૫૦ ટકા હતી. જો ઑપરેશન નિષ્ફળ જાય તો શરીર પૅરૅલાઇઝ્‍ડ થઈ શકે. એ સાંભળ્યા પછી ડિપ્રેશનમાં આવી ગયેલાં સાયકોલૉજિસ્ટ ઍન્ડ ઇન્ટિગ્રેટેડ હૉલિસ્ટિક થેરપિસ્ટ જિજ્ઞા છેડા આગળની જર્ની વિશે વાત કરતાં કહે છે, ‘એ વખતે મારી ઉંમર ૩૦ની અંદર હતી. કરીઅરના પીક ટાઇમમાં શરીર અટકી જશે તો? પૅરૅલિસિસની સંભાવના હોવાથી હતાશ થઈ ગઈ. આટલી રિસ્કી સર્જરી કરાવતાં પહેલાં એક મહિનો આરામ કરી લેવા મારી જાતને માનસિક રીતે તૈયાર કરતાં સમય લાગ્યો. રેસ્ટ દરમ્યાન અમેરિકન મોટિવેશનલ સ્પીકર લુઇસ હેના પુસ્તક અને વર્કશૉપ ‘હીલ યૉર લાઇફ’માંથી ઇમોશનલ ફ્રીડમ અને રિગ્રેશન થેરપીને હૅન્ડલ કરવાની ટેક્નિક શીખવા મળી. મારી શારીરિક બીમારી વિશે ઇન્વેસ્ટિગેશન કરતાં સમજાયું કે વાસ્તવમાં મેન્ટલ સ્ટ્રેસને લીધે શરીર બગડ્યું છે. ઘર અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કરવાનું સ્ટ્રેસ લેવાથી હું બીમાર પડી હતી. મગજમાં આવતા વિચારો પર નિયંત્રણ ન રહે તો એ ઇમોશન્સમાં કન્વર્ટ થઈ જાય અને પછી એ બૉડીમાં રોગ બનીને રિફ્લેક્ટ થાય. આ અનુભવ બાદ ડિપ્રેશનમાંથી બહાર નીકળવાની ચાવી મળી ગઈ. મેન્ટલ હેલ્થની કાળજી માટે બ્રીધિંગ એક્સરસાઇઝ, સૂર્યનમસ્કાર અને થ્રી ટાઇમ હેલ્ધી મીલમાં કૉમ્પ્રોમાઇઝ નથી કરતી. જોકે ગમે એટલી કાળજી રાખો, એકાદ એવો કેસ આવી જાય જ્યાં તમે ઇમોશન્સને કન્ટ્રોલમાં ન રાખી શકો. ખાસ કરીને સુસાઇડલ ટેન્ડસી ધરાવતા ટીનેજરનું કાઉન્સેલિંગ કરતી વખતે અલર્ટ રહેવું પડે છે. કાઉન્સેલિંગ સેશન પૂરું થયા પછી મગજમાં સતત વિચારો આવ્યા કરે. આવા કેસમાં ટીનેજરને કહી રાખ્યું હોય કે અડધી રાતે ખોટા વિચાર આવે તો કોઈ પણ પગલું ભરતાં પહેલાં એક ફોન કરજે. કદાચ ફોન આવશે તો? મગજ પર આ ભાર લઈને તમે શાંતિથી સૂઈ ન શકો. એકાદ વાર ફોન આવ્યા પણ છે. અન્ય કેસમાં સાયકોલૉજિકલ કાઉન્સેલિંગ બાદ મગજમાંથી થોટ્સને કાઢી નાખીએ છીએ જેથી શાંતિથી ઊંઘ આવે.

સૉલ્યુશન પર કામ કરવાથી મેન્ટલ હેલ્થને અસર થતી નથી: ડૉ. શ્યામ મીથિયા, સાઇકિયાટ્રિસ્ટ

માનસિક રોગના દરદીઓની સારવાર કરનારા તબીબોની તુલનામાં કાર્ડિયોલૉજિસ્ટ કે અન્ય ઇમર્જન્સી અટેન્ડ કરતા ડૉક્ટરોની મેન્ટલ હેલ્થ પર વધારે અસર થાય છે. જોકે અમારા ફીલ્ડમાં ફિઝિકલ વર્કલોડ કરતાં મગજ પાસેથી વધારે કામ લેવાનું હોય છે છતાં સ્ટ્રેસ પડતો નથી, કારણ કે અમે પ્રૉબ્લેમ પર નહીં, સૉલ્યુશન પર કામ કરીએ છીએ. ઘાટકોપર અને અંધેરીમાં ક્લિનિક ધરાવતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘મગજને સ્ટ્રેસ ત્યારે પડે જ્યારે તમે સમસ્યાઓ વિશે વિચાર્યા કરો. ડૉક્ટરો સમસ્યા પર નહીં, ટ્રીટમેન્ટ પર કામ કરતા હોવાથી પેશન્ટના કેસની અસર તેમની મેન્ટલ હેલ્થ પર પડતી નથી. હા, પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બૅલૅન્સ કરવાનું મેન્ટલ પ્રેશર રહે છે. ઇચ્છું એટલો સમય ફૅમિલીને આપી શકાતો નથી. માનસિક સ્વાસ્થ્ય માટે દરદીઓને યોગ, મેડિટેશન, સાઇક્લિંગ કે વૉકિંગ જેવી એક્સરસાઇઝ, પૂરતી ઊંઘ અને હેલ્ધી ડાયટની સલાહ આપું છું, પણ હું પોતે એમાંથી ૬૦ ટકા બાબતોને માંડ ફૉલો કરી શકું છું. તબીબોએ લાઇફ-સ્ટાઇલ સાથે કૉમ્પ્રોમાઇઝ કરવું પડે છે. આ પ્રકારના મેન્ટલ પ્રેશરને હૅન્ડલ કરવા સક્ષમ છીએ, પરંતુ આજકાલ સોશ્યલ મીડિયા પર ડૉક્ટરોને રેટિંગ આપવાનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એનાથી તેમની મેન્ટલ હેલ્થ પર ગંભીર અસર થઈ છે. સામાન્ય રીતે માનસિક રોગના દરદીઓની સારવાર ત્રણ મહિનાથી લઈને પાંચ વર્ષ સુધી ચાલે છે. લૉન્ગ ટર્મ મેન્ટલ ડિસઑર્ડરના દરદીઓ ચાર-છ મહિના બાદ દવા લેવાનું બંધ કરી દે છે અને પછી સોશ્યલ મીડિયા પર લખી દે કે ડૉક્ટર કો ઇતના પૈસા દિયા, કુછ ફાયદા નહીં હુઆ, ઉધર મત જાના. અરે, પણ દરેક દરદી માટે સારવારનો ગાળો સરખો ન હોય એટલું તો સમજો. બીમારી પ્રમાણે સારવાર ચાલે એવી સમજણ તેઓ દાખવતા નથી. મારી મેન્ટલ હેલ્થની કાળજી માટે નાનપણના મિત્રો અને ફૅમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરવો તેમ જ સમય મળે ત્યારે ક્રિકેટ રમવાનું પસંદ કરું છું. આ બધા એવા લોકો છે જેમની સામે હું ડૉક્ટર નહીં, સામાન્ય વ્યક્તિ છું. બીજા દિવસે ફરીથી મગજ પાસેથી કામ લેવા બૅટરી રીચાર્જ કરવાનો આ બેસ્ટ રસ્તો છે.’

યંગ એજના પેશન્ટને ટ્રીટ કરતી વખતે મેન્ટલ પ્રેશર રહે છે: ડૉ. સોનલ આનંદ, સાઇકિયાટ્રિસ્ટ

દોઢ દાયકાથી માનસિક રોગના દરદીઓની સારવાર કરું છું એથી સ્વસ્થતા જળવાઈ રહે છે. દરદી સાથે ઇમોશનલી અટેચ થવાનું નથી એ અમારી ટ્રેઇનિંગનો ભાગ રહ્યો હોવાથી સ્ટ્રેસ પડતો નથી, પરંતુ બાળરોગી હોય તો ક્યારેક સંવેદનશીલ થઈ જવાય છે. મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલનાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સોનલ આનંદ કહે છે, ‘બે વર્ષ પહેલાં ૧૩ વર્ષના બૉયનો કેસ આવ્યો હતો. એનો ઍકૅડેમિક પર્ફોર્મન્સ ખરાબ રહેતો હતો. પેરન્ટ્સની વાતને ગણકારતો નહોતો એથી તેઓ મારી પાસે લાવ્યા હતા. શરૂઆતનાં બે સેશન તેણે ખૂલીને વાત ન કરી. પહેલાં તો સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો કેસ હશે એવું ધારી લીધું હતું. હિસ્ટરી ચેક કરતાં જણાયું કે પેરન્ટ્સ નાની-નાની વાતમાં તેની મારપીટ કરતા હતા. આ કેસમાં પેરન્ટ્સનું કાઉન્સેલિંગ જરૂરી લાગતાં તેમને અલગથી બોલાવ્યા. સારવાર હજી તો શરૂ થઈ ત્યાં એ લોકોએ આવવાનું બંધ કરી દીધું. તેમનું માનવું હતું કે માતા-પિતા તરીકે પોતાના સંતાન સાથે કેવો વ્યવહાર કરવો એ તેમની અંગત બાબત છે. પેશન્ટે અધવચ્ચે સારવાર છોડી દેતાં થોડી ડિસ્ટર્બ થઈ હતી. જોકે રોજનું કામ હોવાથી જલદી બહાર આવી ગઈ. મારી પોતાની મેન્ટલ હેલ્થ માટે દર ત્રણ પેશન્ટે દસ મિનિટનો બ્રેક લઈ નૉર્મલ વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની અથવા કૉફી પીવાનો નિયમ બનાવ્યો છે. આ ઉપરાંત રોજ સવારે ફૅમિલી યોગ કરીએ છીએ. મારા હસબન્ડ કાર્ડિયોલૉજિસ્ટ છે. તેમને પણ ઇમર્જન્સી આવે છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે બૅલૅન્સ રાખવા અમે બન્ને ઘરે આવ્યા પછી દરદીઓની વાત કરતાં નથી. આ રૂટીન લાઇફ છે. હાલમાં કોરોનાને કારણે કામનું પ્રેશર વધી જતાં ૨૦ ટકા ડૉક્ટરોની મેન્ટલ હેલ્થ પર અસર થઈ હોવાનું નિરીક્ષણ કર્યું છે. હું પણ એમાંથી બાકાત નથી. દરદીઓની સારવાર કરવી ફરજ છે, પરંતુ મગજમાં ક્યાંક ખૂણે-ખૂણે ભય રહે છે કે મારા કામના લીધે ફૅમિલીમાંથી કોઈને કોરોના તો નહીં થઈ જાયને? ઍન્ગ્ઝાયટીને હૅન્ડલ કરવું ડૉક્ટરો માટે પણ અઘરું છે. અત્યારે બધા જ વત્તાઓછા અંશે માનસિક સ્વસ્થતા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

પેશન્ટને કારણે મારી મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ થઈ છે: દિશા કડકિયા, સાયકોલૉજિસ્ટ

મેન્ટલ હેલ્થની કાળજી માટે નિષ્ણાતો હેલ્ધી અપ્રોચ, જીવનશૈલીમાં પરિવર્તન, પર્સનલ હૉબી ડેવલપ કરવી, યોગ અને મેડિટેશન તેમ જ દરદીઓ સાથે ઇમોશનલી અટેચ ન થવા જેવા જેવા જુદા-જુદા રસ્તા અપનાવે છે. સ્પેશ્યલ ચાઇલ્ડ સાયકોલૉજિસ્ટ દિશા કડકિયા એમાં અપવાદ છે. તેઓ કહે છે, ‘ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એકબીજા સાથે કો-રિલેટેડ છે. તમારું મન સ્વસ્થ હોય તો શરીર સારું રહે અને શરીર સ્વસ્થ હોય તો માનસિક સ્વસ્થતા જાળવી શકો. મારા કેસમાં દરદીઓની ભૂમિકા મહત્ત્વની રહી છે. ગયા વર્ષે સી4-સી5 લેવલનું સર્વાઇકલ કોર્ડ કમ્પ્રેશન નિદાન થતાં મારી મેન્ટલ હેલ્થ પર ગંભીર અસર થઈ હતી. સ્પાઇનની નસ દબાતી હોવાથી ગાદી બહાર આવી ગઈ હતી. પાણીનો ગ્લાસ પણ મારા હસબન્ડ બેડ પર આપતા એવી હાલત હતી. ઘણા બધા શારીરિ રોગ સામે ઝઝૂમી રહી હોવાથી દરદીઓ સાથેનું કનેક્શન તૂટી જવાનું પ્રેશર રહ્યા કરતું હતું. ચાર મહિના કમ્પ્લીટ રેસ્ટ દરમ્યાન ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અન બ્લૉગ્સના માધ્યમથી લોકો સાથે કનેક્ટ રહેવાથી ફાયદો થયો હતો. એ વખતે ઑનલાઇન કાઉન્સેલિંગ સેશનમાં દરદીઓ જોડાતાં બહુ સારું લાગ્યું હતું. વાસ્તવમાં દરદીઓની સમસ્યા પર વાતચીત કરવાથી માઇન્ડ ડાઇવર્ટ થઈ ગયું અને પોતાની સમસ્યાઓ ભુલાઈ ગઈ. ઘણી વાર તેમના ઉકેલ શોધતી વખતે પોતાના સૉલ્યુશન મળી ગયા છે. નૉર્મલ પેશન્ટ ઉપરાંત સ્પેશ્યલ ચાઇલ્ડનું કાઉન્સેલિંગ પણ લઉં છું. ઘણી વાર આપણે એવું વિચારતા હોઈએ કે જે બાળકો પહેલેથી જ મેન્ટલી રિટાર્ડેડ છે તેમને શું સમસ્યા હોય? એવું નથી હોતું. કોઈ કામ ન આવડે ત્યારે તેમના મગજ પર નકારાત્મક અસર થઈ શકે છે. મારી ઉંમરનાં બીજાં બાળકોની જેમ હું કેમ આ કામ નથી કરી શકતો એવા વિચારો તેમના મગજમાં આવે છે. આ પ્રકારના માનસિક રોગીઓની સમસ્યાઓ સાથે ડીલ કરવાથી મારી મેન્ટલ હેલ્થ સારી રહે છે. ડ્રૉઇંગ કરતાં આવડી ગયું એવી નાની બાબતમાં તેમના ચહેરા પર ખુશી દેખાય ત્યારે આપણું માઇન્ડ ઑટોમૅટિકલી પૉઝિટિવ સાઇડમાં વિચારવા લાગે છે. આ મારો અંગત અનુભવ છે. મને ડિપ્રેશનમાંથી બહાર લાવવાનું શ્રેય હું દરદીઓને આપું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK