Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સતત ફરિયાદ કરવાની ટેવ તો નથી ને તમને?

સતત ફરિયાદ કરવાની ટેવ તો નથી ને તમને?

07 November, 2019 12:53 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

સતત ફરિયાદ કરવાની ટેવ તો નથી ને તમને?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ફરિયાદ કરવી એ માનવ સ્વભાવ છે. એમાંય મહિલાઓને કમ્પ્લેઇન્ટ ન હોય એવું તો બને જ નહીં. આખા વિશ્વમાં ભાગ્યે જ એવી કોઈ મહિલા હશે, જેનો દિવસ ફરિયાદ કર્યા વગર પૂરો થતો હોય. જોકે, કેટલીક મહિલાઓ એટલી અસંતુષ્ટ હોય છે કે આજીવન બળાપો કાઢી કાઢીને જીવ ખાઈ જાય છે તો કેટલીક વળી નિરાશાવાદી હોય છે. સ્ટડી કહે છે કે ફરિયાદ કરવી સારી વાત છે. મનમાં કોઈ વાતને સંઘરી રાખવા કરતાં એમાંથી તાણમુક્ત થવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે, પરંતુ એકની એક વાતને વારંવાર કહેવાથી કંઈ વળતું નથી. આમ કરવાથી સામેવાળી વ્યક્તિ પર તમારી રજૂઆતની ધારી અસર થતી નથી. ઊલટાનું ફરિયાદ કરનારના સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. બેચેની અને હતાશા ઘેરી વળે છે.
કેલિફોર્નિયાની યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા ઉપરોક્ત અભ્યાસને સોશિયલ સાયકોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સંશોધકોનું કહેવું છે કે લાંબા ગાળે આ સ્વભાવ ડિફોલ્ટ પ્રતિક્રિયામાં પરિવર્તિત થઈ જાય છે. પરિણામે આસપાસના લોકો તેમની ફરિયાદને ગંભીરતાથી લેતા નથી. અંગત સંબંધોમાં લાગણી અને સંવેદના મરી પરવારે છે. એટલું જ નહીં, કોન્સ્ટન્ટ કમ્પ્લેઇન્ટથી મહિલાઓના માનસિક અને શારીરિક આરોગ્ય પર નકારાત્મક અસર જોવા મળે છે.
મહિલાઓના આ સ્વભાવ અને રિસર્ચ વિશે વાત કરતાં ગ્લોબલ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ સંતોષ બાંગર કહે છે, ‘કોન્સ્ટન્ટ કમ્પ્લેઇન્ટ્સનાં અનેક કારણો હોય છે અને આ રિસર્ચને જેન્ડર સાથે ખાસ લેવાદેવા નથી. ફરિયાદ કરવી એ માનસિક બીમારી છે. ૨૦થી ૩૦ ટકા કેસમાં વ્યક્તિ ડિપ્રેશનમાં હોય ત્યારે રિએક્ટ કરવાની પ્રક્રિયા ઝડપી બને છે. તબીબી ભાષામાં એને ઑબ્સેસિવ કમ્પલસિવ ડિસઑર્ડર (ઓસીડી) કહે છે. આ રોગની અસરમાં દરદી વારંવાર ગુસ્સો કરે છે, નાનીનાની વાતમાં રડે છે, સૌએ એની વાત સાંભળવી જોઈએ એવી અપેક્ષા રાખે છે. કેટલાક કેસમાં દરદી સામેવાળી વ્યક્તિ પોતાની વિચારધારાને ફોલો કરે, એવો આગ્રહ રાખે છે. આવું શક્ય ન બને ત્યારે હતાશ થઈ જાય છે અને વાંરવાર ફરિયાદ કરવા લાગે છે. ઘણા દરદીઓ તો ઘરમાં પથારો જોઈને ચીડાઈ જાય છે.’
સોશ્યલ લાઇફમાં કોન્સ્ટન્ટ કમ્પ્લેઇન્ટ્સનું મુખ્ય કારણ ફ્રસ્ટ્રેશન છે, એમ જણાવતાં તેઓ કહે છે, ‘હસબન્ડ-વાઇફ વચ્ચે અણબનાવ, સંતાનોની વર્તણૂક, નજીકના સંબંધીઓની દખલગીરી વગેરે સામાજિક ફરિયાદો છે. ઘણી વાર વ્યક્તિની પર્સનાલિટી જ એ રીતે ડેવલપ થાય છે કે રિએક્ટ કર્યા વગર રહી ન શકે. સામાજિક જીવનમાં મહિલાઓ વધુ ફરિયાદ કરતી હોય એવું શક્ય છે પણ આવું શા માટે કરે છે, એ તપાસવું પડે. નાનપણમાં જાતીય સતામણી, આર્થિક તંગી, પેરેન્ટ્સની આલ્કોહોલની લત જેવી બાબતોની ઘેરી અસર પડે છે. જે વાતાવરણમાં ઉછેર થયો હોય એને તમે અડેપ્ટ કરી લો છો. આગળ જતાં દરેક વાતમાં રિએક્ટ કરવું સ્વભાવ બની જાય છે. આવી વ્યક્તિનું સોશિયલ સર્કલ ઘટતું જાય છે. એકલતાથી ડિપ્રેશન વધે છે. સ્ટ્રેસ તમને અનેક પ્રકારની બીમારી તરફ દોરી જાય છે. રાતના ઊંઘ ન આવે, કોઈ કામમાં ચિત્ત ન ચોંટે, વર્કપ્લેસ પર લોકો તમારાથી દૂર રહેવા લાગે, સ્ટ્રેસ દૂર કરવા આલ્કોહોલ અથવા ડ્રગ્સ લેવાની ઇચ્છા થાય, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, વજન વધી જવું, આત્મહત્યાના વિચારો આવવા, હૃદય નબળું પડી જવું જેવી અનેક સમસ્યા ઊભી થાય છે.’
સૌથી પહેલાં તો ફરિયાદ કરનારને ખબર હોવી જોઈએ કે એનો સ્વભાવ ખરાબ થઈ ગયો છે. જ્યાં સુધી એ સ્વીકારશે નહીં પરિવર્તન નહીં દેખાય એવી સલાહ આપતાં ડૉ. સંતોષ બાંગર કહે છે, ‘ઘરની અંદર કોઈ વ્યક્તિ વાંરવાર રિએક્ટ કરતી હોય ત્યારે ફૅમિલીએ એને રિયલાઇઝ્ડ કરાવવું જોઈએ કે તું પહેલાં આવી નહોતી. હવે કેમ આવું કરે છે? વાત સાંભળવી એ પણ સારવારનો એક ભાગ છે. નાખુશ રહેવાના કારણ શોધવાનો પ્રયાસ કરો. વાંરવાર ગુસ્સો આવતો હોય એવી વ્યક્તિ માટે એક્સરસાઇઝ જેવી શ્રેષ્ઠ સારવાર કોઈ નથી. યોગ અને મેડિટેશનની પણ પૉઝિટિવ અસર થાય છે. આ બધા પ્રયાસો બાદ પણ સ્વભાવ ન બદલાય ત્યારે સાઇક્યાટ્રિસ્ટ થેરપી આપવી જોઈએ. જોકે, એમાં મોડું ન કરવાની સલાહ છે. ડૉક્ટરનો સંપર્ક કરવામાં જેટલું મોડું કરશો, સારવાર એટલી લંબાશે.’

મહિલાઓને કાયમ ફરિયાદ હોય એ ધારણા ખોટી છે : જયેશ માલનિકા, કાલાચોકી
ફરિયાદ તો પુરુષો પણ કરતાં હોય છે, પરંતુ આ બાબત મહિલાઓ વધુ બદનામ છે, એવો મત વ્યક્ત કરતાં કાલા ચોકીના રિટાયર્ડ બિઝનેસમૅન જયેશ માલનિકા કહે છે, ‘મહિલા એટલે કકળાટ આ મિસ કોન્સેપ્ટ છે. દસ ટકા જ મહિલાઓ એવી હશે જે ફરિયાદ કરી કરીને હસબન્ડનું માથું ખાઈ જતી હોય. મારું અંગતપણે માનવું છે કે કોન્સ્ટન્ટ કમ્પ્લેઇનિંગના જુદા જુદા પ્રકાર હોય છે. જેને હરવાફરવા, પહેરવાઓઢવા, પૈસા અને ઘરના કામને લઈને અસંતોષ છે, તેઓ કકળાટ કરવાનું બહાનું શોધી લે છે. આવી મહિલાઓની ફરિયાદ પતિના બહેરા કાને અથડાય છે. હસબન્ડ યુઝ ટુ થઈ જાય એટલે ઇગ્નોર કરે. તેઓ ક્યારેક સાચી ફરિયાદ કરે તોપણ કોઈ માને નહીં. વાઘ આવ્યો વાઘ આવ્યો જેવું થાય. બધાને એમ જ લાગે કે આ તો રોજનું છે, એનો સ્વભાવ ઝઘડાખોર છે. અસંતોષની કોઈ સીમા નથી, તેથી આવી ફરિયાદો કોઈ સાંભળે નહીં, પરિણામે તમે ધૂંધવાઈ જાઓ અને સ્ટ્રેસ પડે. સ્ટ્રેસના કારણે ઘરનું વાતાવરણ ડહોળાઈ જાય અને સંતાનોની પ્રગતિ અટકી જાય. જોકે, કેટલીક કોન્સ્ટન્ટ ફરિયાદો ખરેખર સાચી હોય છે. મારી વાઇફનો દાખલો લઈ લો. હું સિગારેટ પીવાની તક ઝડપી લઉં, એ એને પસંદ નથી. વર્ષોથી ફરિયાદ કરે છે. હું એની વાતને અવગણું તેમ છતાં એ સાચી છે. કારણ કે એની ફરિયાદ પાછળ પ્રેમ અને મારી હેલ્થની ચિંતા છુપાયેલી છે. આ બાબત હું નસીબદાર છું. મારા મતે ફરિયાદ પૉઝિટિવ હોય તો સામેવાળી વ્યક્તિ સાંભળે છે અને એની ધારી અસર પણ થાય છે.’




શરૂઆતનાં પાંચ વર્ષ સહન કરી લો તો જીવનમાં ફરિયાદ ન રહે : તેજલ કલસરિયા, ગોરેગામ
ગોરેગામના ગૃહિણી તેજલ કલસરિયા કહે છે, ‘મહિલાઓને ફરિયાદ કરવાની ટેવ હોય છે એ વાત સો ટકા સાચી છે. તેમની ફરિયાદ મુખ્યત્વે સાસુ-સસરા અને નણંદને લઈને હોય છે. શરૂઆતનાં વર્ષોમાં મને પણ આવી જ ફરિયાદો રહેતી. પતિની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જાય. આપણી વાત ન સાંભળે એટલે રડવું આવે અને એની અસર શરીર પર પડે. સંતાનો પર ગુસ્સો ઊતરે, તેઓ માર ખાય, ઘરના કામ બગડે. સ્ત્રી જ્યારે સાસુની પદવી પામે છે ત્યારે એમાં સાસુપણું આવવાનું જ છે એ વાતને સ્વીકારી લો તો જીવન સરળ બની જાય. લગ્ન પછીનાં પાંચથી સાત વર્ષ બહુ મહત્ત્વનાં હોય છે. આ સમય દરમ્યાન જો સહનશક્તિ કેળવી લો તો તમે જીતી જાઓ છો. આ મારો સ્વઅનુભવ છે. મારા લગ્નને સત્તાવીસ વર્ષ થયાં છે. હવે કદાચ હું કમ્પ્લેઇન્ટ કરું તો બધા સાંભળશે. કારણ કે તેમને ભરોસો છે કે મારી રજૂઆત ખોટી નહીં હોય. મહિલા મંડળના હોદ્દા પર બેઠી છું અને આ જ વાત દરેક સ્ત્રીને સમજાવું છું કે શરૂઆત સારી થાય એના પર ફોકસ રાખશો તો જંગ જીતી જશો. બાકી ફરિયાદો કરવાથી સરવાળે તમારું જ નુકસાન થશે. જમાના પ્રમાણે વડીલોએ ચોક્કસ પોતાનામાં બદલાવ લાવવાની જરૂર છે પણ અમુક સમયે તેઓ માનતા નથી તેથી એકની એક વાત પકડી રાખવાથી પરિવારમાં તમારી વેલ્યુ ઓછી થઈ જાય છે. બીજું દેખાદેખી ફરિયાદમાં પરિવર્તિત ન થાય તો જ સંસારની ગાડી વ્યવસ્થિત ચાલે.’



ચેન્જ એક માત્ર વિકલ્પ છે
ફરિયાદ કરવા ખાતર ન કરો, એની પાછળનો હેતુ અને રજૂઆત સ્પષ્ટ હોવી જોઈએ.
સામેવાળી વ્યક્તિનો પ્રતિસાદ કેવો હશે, એની સંભાવનાને ચકાસ્યા વગર ફરિયાદ કરવી વ્યર્થ છે.
તમારી ઇચ્છા પ્રમાણે ન થાય એટલે કમ્પ્લેઇન્ટ કરવી એવો સ્વભાવ દર વખતે કામ આવતો નથી.
યાદ રાખો, તમે કોઈથી પરેશાન છો એટલે ફરિયાદ કરવી એ આક્ષેપો કરવા બરાબર છે.
અવગુણો શોધી ફરિયાદ કરવાથી સંબંધની ગરિમા જળવાતી નથી.
તમારા મગજને નિયંત્રણમાં રાખવા અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો.
સમસ્યાની ફરિયાદ કરવા કરતાં એના નિવારણ માટેના માર્ગ શોધવાનો પ્રયાસ કરો.
એકાદ વાર તમારી ફરિયાદ સાંભળવામાં આવી હોય એનો અર્થ નથી કે તમે કાયમ સફળ થશો.
તમારા કામની કદર થવી જ જોઈએ, એવો
આગ્રહ રાખવો નકામો છે એ વાત વહેલી તકે સ્વીકારી લો.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 12:53 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK