વધતી ઉંમરમાં જોવા મળતી સાઇલન્ટ ડિસેબિલિટીને અવગણો નહીં

Published: 6th January, 2021 17:56 IST | Varsha Chitaliya | Mumbai

હાલમાં વિશ્વભરના લાખો વડીલો નબળી શ્રવણશક્તિ અથવા કાયમી બહેરાશના કારણે એકલવાયું જીવન જીવવા મજબૂર છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કાન શરીરનો એવો અવયવ છે જે અટકી પડે તો વ્યક્તિ સામાજિક પ્રવાહમાંથી ફેંકાઈ જાય છે. હાલમાં વિશ્વભરના લાખો વડીલો નબળી શ્રવણશક્તિ અથવા કાયમી બહેરાશના કારણે એકલવાયું જીવન જીવવા મજબૂર છે. શરીરના આ અત્યંત મહત્ત્વના અવયવની અવગણના ન કરતાં હિયરિંગ ડિવાઇસ વાપરી ક્વૉલિટી લાઇફ જીવી શકાય છે

 સામાન્ય રીતે કુદરત દ્વારા જ શરીરના દરેક અવયવની કાર્યપદ્ધતિ વ્યવસ્થિતપણે ચાલે છે. કાન શરીરનો એવો અવયવ છે જે અટકી પડે તો વ્યક્તિ સામાજિક પ્રવાહમાંથી ફેંકાઈ જાય છે. બધિર હોવું એટલે જાણે કે દુનિયાથી વિખૂટા પડી જવું. હાલમાં વિશ્વની પાંચ ટકા વસ્તી સાંભળવાની શક્તિ ગુમાવી ચૂકી છે, જેમાંથી ત્રીજા ભાગના વૃદ્ધો હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ભારતમાં પણ ઊંચું સાંભળતા સિનિયર સિટિઝનની સંખ્યા ઘણી છે. એકલવાયું જીવન જીવવા કરતાં કાનની તપાસ અને ઉપાય બાબતે સભાનતા કેળવી જીવનને કઈ રીતે આનંદમય બનાવી શકાય એ વિષય પર નિષ્ણાત સાથે ચર્ચા કરીએ.

સોશ્યલ આઇસોલેશન

કન્ડિક્ટિવ અને સેન્સરીન્યુરલ આ બે પ્રકારના હિયરિંગ લૉસ હોય છે એવી માહિતી આપતાં વૉકહાર્ટ હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ ઑટોરાઇનોલેરિંગોલૉજિસ્ટ ડૉ. શીતલ રાડિયા કહે છે, ‘આપણા દેશમાં ૬૫થી ઉપરની વયના પાંત્રીસ ટકા તેમ જ ૭૦થી ઉપરની વયના ચાળીસ ટકા વડીલોમાં સેન્સરીન્યુરલ હિયરિંગ લૉસ જોવા મળે છે. શ્રવણશક્તિ નબળી પડવી એ પ્રેસબાયસ્ટેટિસ છે. ઉંમરની સાથે હાલવા-ચાલવાની શક્તિ ગુમાવી દો, આંખે ઝાંખું દેખાય એવી જ રીતે કાનમાં બહેરાશ પણ આવે. આ ઉંમરમાં ખાસ પ્રકારનો સાઉન્ડ કાન સુધી પહોંચતો નથી ત્યારે તેઓ અકળાઈ જાય છે. ઘણા વડીલો કાનમાં સીટી વાગતી હોય એવી ફરિયાદ કરે છે. આ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ એને યોગ્ય રીતે ટ્રીટ કરવામાં આવે તો એકલતા અને હતાશામાંથી બહાર નીકળી સામાન્ય જીવન જીવી શકાય છે.’

સરેરાશ સાઠ વર્ષ બાદ ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરના દરદીઓમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી પરિણામે ન્યુરોલૉજિકલ સિસ્ટમને અસર થાય છે. ભાયખલાના ઑડિયોલૉજિસ્ટ અને સ્પીચ પૅથોલૉજિસ્ટ ફાતિમા ઝગમગ કહે છે, ‘ફોનમાં વાતચીત કરતી વખતે અમુક શબ્દો ન સમજાય, ગ્ર‍ુપ ડિસ્કશનમાં ધ્યાન ન આપી શકો, ટીવીનું વૉલ્યુમ વધારવાની જરૂર પડે, કોઈની સાથે વાત કરતી વખતે એકાદ શબ્દ મિસિંગ થઈ જાય ત્યારે સમજી જવું કે શ્રવણશક્તિ નબળી પડી રહી છે. બહેરાશના કારણે આસપાસના લોકો નજરઅંદાજ કરે છે અથવા તાત્કાલિક રિપ્લાય કરવાનું ટાળે છે. વ્યસ્તતાના લીધે નજીકની વ્યક્તિ વિચારે છે કે આમને સમજાવવામાં સમય બગડશે, નિરાંતે વાત કરીશ. જ્યારે વડીલો ધારી લે છે કે હવે મને કોઈ કંઈ કહેતું નથી. આ સ્થિતિ સોશ્યલ આઇસોલેશનનું કારણ બને છે. સાંભળી ન શકો એટલે બોલવાનું પણ ઓછું થઈ જાય. આપણે ઘણી વાર જોઈએ છીએ કે વડીલોને જૂની વાતો યાદ હોય છે, પરંતુ હમણાંની વાતો ભૂલી જાય છે. એનું કારણ નવા શબ્દો કાનમાં પડતા નથી. મગજમાં શબ્દો રજિસ્ટર ન થાય એટલે ઑલ્ઝાઇમર્સનો રોગ થાય. આ બધી સમસ્યાઓથી બચવા યોગ્ય સમયે કાનની તપાસ કરાવવી જરૂરી છે. જોકે મોટા ભાગના લોકો સાઇલન્ટ ડિસેબિલિટીને ઇગ્નોર કરે છે. ઘૂંટણની સર્જરી કરાવી લઉં પછી વાત, કાનમાં તો ચાલશે એવો પ્રતિભાવ આપે છે. ક્વૉલિટી લાઇફ જીવવા વડીલોએ આ પ્રકારની માનસિકતામાંથી બહાર નીકળવું જોઈએ.’

રૂટીન ચેકઅપ

કાનના મુખ્ય ત્રણ ભાગ છે, બાહ્ય કર્ણ (આઉટર ઇયર), મધ્ય કર્ણ (મિડલ ઇયર)અને અંત:કર્ણ (ઇનર ઇયર). આઉટર લેયર વાતાવરણમાંથી ધ્વનિ તરંગોને કૅચ કરી ઇયર ડ્રમ સુધી પહોંચાડવાનું કામ કરે છે. અવાજ ઇયર ડ્રમ સુધી પહોંચે એટલે મિડલ ઇયરમાં આવેલાં હાડકાં ગતિમાન થઈ ઇલેક્ટ્રિક પલ્સના રૂપમાં મગજને સંકેત મોકલે છે. આ સંકેતને અવાજના રૂપમાં સાંભળીએ છીએ. કાનના રક્ષણ માટે કુદરતે સુરક્ષા કવચ આપ્યું છે તેમ છતાં બહેરાશ આવે છે. ૨૫થી ૩૦ ટકા સુધી લૉસ હોય ત્યાં સુધી ખબર પડતી નથી અથવા અવગણના કરવામાં આવે છે. ફાતિમા કહે છે, ‘પ્રાથમિક લક્ષણોનો અનુભવ થતાં કાનની તપાસ કરાવી લેવી. વધતી વયમાં સમયાંતરે બ્લડ-ટેસ્ટ, શુગર-ટેસ્ટ કરાવો છો એવી જ રીતે કાનની તપાસને રૂટીન હેલ્થ ચેકઅપમાં સ્થાન આપવું જોઈએ. ડૉક્ટરને બહેરાશ લાગશે તો તેઓ ઑડિયોગ્રામ માટે સજેસ્ટ કરી શકે છે. ફ્રીક્વન્સીના અવાજ પરથી કાનની તકલીફનું નિદાન થાય છે. ગુમાવેલી શ્રવણશક્તિને રીજનરેટ નથી કરી શકાતી, પરંતુ ઉપાય કરવાથી સમાજમાં ભળી શકાય છે.’

લોસ કેટલો છે એની ચકાસણી કર્યા બાદ આગળની સારવાર થાય એમ જણાવતાં ડૉ. શીતલ કહે છે, ‘સેન્સરીન્યુરલ હિયરિંગ લૉસ કાનની અંદરના ભાગમાં થયેલી ક્ષતિ છે. એને સુધારી શકાતી નથી, હિયરિંગ એઇડ જ વાપરવાં પડે છે. મોટી વયના લોકોમાં સર્જરી કૉમન નથી, પરંતુ સ્પેશ્યલ કેસમાં કાનનું સેન્સ ઑર્ગન ડૅમેજ થવાથી બહેરાશ આવી હોય તો કૉક્લિઅર ઇમ્પ્લાન્ટ થઈ શકે છે. આ ઇમ્પ્લાન્ટમાં સાધન અવાજના તરંગોને ઝીલી એનો કરન્ટ ઇલેક્ટ્રિક વાયર દ્વારા કાનના અંદરના ભાગની નર્વ્સને પહોંચાડે છે. નર્વ્સના માધ્યમથી સંદેશા મગજ સુધી પહોંચે છે અને વ્યક્તિ સાંભળી શકે છે.’

હિયરિંગ એઇડ

કાનમાં મશીન પહેરવામાં સંકોચ કરવાની જરૂર નથી. આંખે ઝાંખું દેખાય ત્યારે ચશ્માં પહેરો છો એમ કાનનું ડિવાઇસ પહેરવાનું છે. જોકે ડૉક્ટર સલાહ આપે એટલે દવા બજારમાંથી મંગાવી લેવી એ ખોટી રીત છે. ફાતિમા કહે છે, ‘દરેક વ્યક્તિની ડિવાઇસની જરૂરિયાત જુદી હોય છે. કોઈકને લાઉડ સાઉન્ડ નથી ગમતો તો કોઈકને બૅકગ્રાઉન્ડમાં સંભળાતો અવાજ ડિસ્ટર્બ કરે છે. ઘણાને પંખાનો અવાજ પણ ઇરિટેટ કરે છે. વ્યક્તિની પર્સનાલિટી અને લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખી ડિવાઇસની પસંદગી થાય. કૉસ્ટ કટિંગના ચક્કરમાં કેટલાંક વડીલો એક જ કાનમાં મશીન પહેરે છે. કુદરતે આપણને બે કાન અમસ્તા નથી આપ્યા. ૩૬૦ ડિગ્રી એટલે કે બધી દિશામાંથી આવતો અવાજ સાંભળી શકીએ એ માટે બે કાન છે. મારી પાસે એક કેસ આવ્યો હતો, જેમાં ૮૦ વર્ષના અંકલને સાંભળવાની તકલીફ હતી. ફૅમિલી મેમ્બરોનું કહેવું હતું કે પપ્પા હવે કેટલું જીવવાના? જીવવાનાં વર્ષો ભલે ઓછાં રહ્યાં, પણ પત્ની શું કહે છે એ સાંભળી ન શકું તો બચી છે એ જિંદગીનો શું અર્થ એવી સમજદારી દાખવતાં આ વૃદ્ધ દંપતીએ હિયરિંગ એઇડ પહેરવાનો નિર્ણય લીધો. હવે બન્ને ખુશ છે. ડિવાઇસ પાંચ હજારથી એક લાખ સુધીનાં આવે છે. ટેક્નિશિયને સજેસ્ટ કરેલા મૉડલને ખરીદતાં પહેલાં ઑડિયોલૉજિસ્ટ પાસે ટ્રાયલ લેવું. તેઓ તમને ગમતા-અણગમતા અવાજ અને બજેટને ધ્યાનમાં લઈ તમામ ફીચર્સ મળી રહે એવું મૉડલ પ્રિસ્ક્રાઇબ કરી આપશે.’

શ્રવણશક્તિ નબળી પડે ત્યારે આસપાસના લોકો નજરઅંદાજ કરે છે અથવા તાત્કાલિક રિપ્લાય કરવાનું ટાળે છે. વન ટુ વન કૉન્વર્ઝેશન થઈ ન શકે ત્યારે વડીલો હતાશ થઈ જાય છે. આ સ્થિતિ સોશ્યલ આઇસોલેશન અને ઑલ્ઝાઇમર્સ જેવા રોગનું કારણ બને છે. આ બધી સમસ્યાઓથી બચવા યોગ્ય સમયે કાનની તપાસને તમારા રૂટીન હેલ્થ ચેકઅપમાં સ્થાન આપવું જોઈએ. ઑડિયોગ્રામમાં નિદાન થયા બાદ વ્યક્તિની પર્સનાલિટી અને લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખી ડિવાઇસ સજેસ્ટ કરવામાં આવે છે. ક્વૉલિટી લાઇફ માટે મશીનને બન્ને કાનમાં પહેરવું જોઈએ. - ફાતિમા ઝગમગ, ઑડિયોલૉજિસ્ટ

શ્રવણશક્તિ નબળી પડવી એ પ્રેસબાયસ્ટેટિસ છે. ઉંમરના કારણે કાનથી મગજ સુધી જતી નસને પૂરતા પ્રમાણમાં લોહી પહોંચતું નથી તેથી સાંભળવામાં તકલીફ થાય છે. આ કુદરતી પ્રક્રિયાને રીજનરેટ નથી કરી શકાતી, પરંતુ એને યોગ્ય રીતે ટ્રીટ કરવામાં આવે તો એકલતા અને હતાશામાંથી બહાર નીકળી સામાન્ય જીવન જીવી શકાય છે. સેન્યુરિંગ હિયરિંગ લૉસ માટે કાનમાં પહેરવામાં આવતું મશીન બેસ્ટ ચોઈસ છે. સ્પેશ્યલ કેસમાં કાનનું સેન્સ ઑર્ગન ડૅમેજ થવાથી બહેરાશ આવી હોય તો કૉક્લિઅર ઇમ્પ્લાન્ટ થઈ શકે છે. -ડૉ. શીતલ રાડિયા, ઑટોરાઇનોલેરિંગોલૉજિસ્ટ

બહેરાશ આવે પછી જાગીએ એના કરતાં પ્રિવેન્શન પર ધ્યાન આપીએ તો ઘણા પ્રશ્નો સૉલ્વ થઈ જાય. જન્મજાત બહેરાશ મોટે ભાગે ઇનર ઇયરના કારણે હોય છે. એનો સંપર્ક મગજ સાથે છે તેથી આ ખામીને સંપૂર્ણપણે નિમૂર્ળ કરી શકાતી નથી. એવી જ રીતે અમુક ઉંમરે બહેરાશ આવવી વારસાગત લક્ષણો હોઈ શકે છે. ડૉ. શીતલ કહે છે, ‘જેમના પરિવારમાં પચાસની આસપાસની વયમાં બહેરાશ આવી જતી હોય તેમણે પહેલેથી વિશેષ કાળજી લેવી જોઈએ. પ્રદૂષિત વાતાવરણમાં ઉત્પન્ન થતા ઘોંઘાટના કારણે કાન જેવા નાજુક અવયવને ક્ષતિ પહોંચે છે અને નાની ઉંમરે શ્રવણશક્તિ ગુમાવવાનો વારો આવે છે. મશીનનો અવાજ આવતો હોય એવા ફીલ્ડમાં કામ કરતા લોકોએ કાયમ ઇયર પ્લગ લગાવી રાખવા. તમારા ઘરમાં વડીલો પહેલાં કરતાં ટીવીનું વૉલ્યુમ ફાસ્ટ રાખતા થાય કે ફોનમાં મોટેથી બોલવા લાગે તો અલર્ટ થઈ જવું. આજકાલ ઇયરફોન વાપરવાનો ટ્રેન્ડ છે. એનાથી સાંભળવાની ક્ષમતા અંદાજે પચાસ ડેસિબલ સુધી ઘટી જાય છે તેથી ઇયરફોનનો અતિરેક ટાળો તેમ જ મ્યુઝિક સાંભળતી વખતે અવાજ ધીમો રાખો. નૉઇઝ એક્સપોઝરથી જેટલા દૂર રહેશો તમારી આગળની લાઇફ ખુશહાલ રહેશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK