Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જગલિંગ કરો ને સ્માર્ટ બનો

જગલિંગ કરો ને સ્માર્ટ બનો

15 December, 2011 09:52 AM IST |

જગલિંગ કરો ને સ્માર્ટ બનો

જગલિંગ કરો ને સ્માર્ટ બનો




(સેજલ પટેલ)





આપણે શરીર માટે તો ઘણી કસરતોની વાતો સાંભળી છે, પરંતુ મગજને જોઈએ એટલી કસરત નથી મળતી. જેમ શરીરને લવચીક રાખવા માટે સ્ટ્રેચિંગ, સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ અને શ્વાસોચ્છ્વાસ ઝડપી બને એવી કસરતો ખૂબ જ જરૂરી છે એમ મગજને પણ પોતે નૉર્મલી જે પર્ફોર્મ કરે છે એના કરતાં વધુ ક્ષમતાઓ વિકસે અને વિકસેલી ક્ષમતાઓ જળવાઈ રહે એ માટે એની કસરત પણ જરૂરી છે.

બ્રેઇન-એક્સરસાઇઝ માટે ચેસ જેવી મગજ વાપરવું પડે એવી ગેમ્સ અથવા તો વિડિયોગેમ્સ રમાય છે. પ્રૌઢ વયના લોકોને વિડિયોગેમ્સ રમવા માટે જે એકાગ્રતા તેમ જ હાથ-પગ અને મગજના સંયોજનની જરૂર પડે છે એનાથી ઘણો જ ફાયદો થયાનું રિસર્ચરો કહે છે. જોકે એનાથી બેઠાળું જીવન થઈ જાય છે અને શરીરને કોઈ મૂવમેન્ટ નથી મળતી એ ગેરફાયદો છે. બ્રેઇન અને બૉડી બન્નેને અદ્ભુત ફાયદો મળે એવી કોઈ ગેમ-એક્સરસાઇઝ હોય તો એ છે જગલિંગ.



જગલિંગની સાદી સમજણ છે કે બે કરતાં વધુ દડા એક જ રિધમમાં હવામાં ઉછાળવા ને પાછા હાથમાં પકડીને સતત ફેરવતા રહેવા. તમે પહેલી વાર પ્રયત્ન કરતા હશો તો બે બૉલનું જગલિંગ કરવામાં પણ મુશ્કેલી પડે છે. એકસાથે મગજ અને શરીર બન્નેને રિધમમાં ચલાવવાં પડે છે એ જ એની ખાસિયત છે ને એટલે જ એ બેસ્ટ એક્સરસાઇઝ ગણાય છે. એક તરફથી દડો હવામાં ઉછાળ્યો હોય એને બીજા હાથમાં પકડવા માટે ઉછાળતી વખતના ફોર્સ પર પણ કન્ટ્રોલ રાખવો પડે છે.

ઇન્ટેલિજન્સ વધે

જર્મની અને સ્પૅનના રિસર્ચરોએ આ જગલિંગ ગેમ પર ઘણી ઊંડી રિસર્ચ કર્યું છે. તેમનું કહેવું છે કે પ્રૅક્ટિસ કરીને વધુ ને વધુ ઑબ્જેક્ટ્સ લઈને જગલિંગ કરવામાં આવે તો એનાથી બ્રેઇનની ગ્રે મેટર વધે છે. મૉડર્ન સાયન્સ મુજબ આ ગ્રે મેટર એટલે મગજનો એવો ભાગ જેમાં વૈચારિક, વિશ્લેષણ, સ્મૃતિ જેવી બૌદ્ધિક ક્ષમતાઓ સંઘરાય છે. જેટલી ગ્રે મેટર વધુ એટલી તે વ્યક્તિની ઇન્ટેલિજન્સ વધુ એવો સીધો રેશિયો મંડાય છે. રિસર્ચરોએ આ બાબત વૉલન્ટિયર્સ પર જાત-જાતના પ્રયોગો કરીને પુરવાર કરેલી છે. સ્વયંસેવકોનાં બે જૂથ પાડીને એક ગ્રુપને જગલિંગની ટ્રેઇનિંગ આપવી શરૂ કરી. આ ટ્રેઇનિંગ પહેલાં તમામના બ્રેઇનનો ઝીણવટભર્યો એમઆરઆઇ (મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) ટેસ્ટ કર્યો. એક ગ્રુપને બે મહિના સુધી જગલિંગ-પ્રૅક્ટિસ કરાવી અને બીજા ગ્રુપને જનરલ એક્સરસાઇઝ. બે મહિના પછી ફરીથી બધાનો એમઆરઆઇ કરાવ્યો. એમાં જે જોવા મળ્યું એ આશ્ચર્યજનક હતું. સાદી એક્સરસાઇઝ કરનારાઓ કરતાં જગલિંગ કરનારાઓનાં બ્રેઇનમાં ગ્રે મેટરનો ભાગ નોંધી શકાય એટલો વધુ જોવો મળ્યો. આ પ્રયોગ પછી બન્ને ગ્રુપને એકસરખી બુદ્ધિક્ષમતાની ચકાસણી કરે એવી ગાણિતિક ક્વિઝ ભરવા આપી, એમાં પણ જગલિંગ કરનારાઓ આગળ નીકળી ગયા હતા.

ગ્રે મેટર વધવાને કારણે વ્યક્તિની શીખવાની, ગ્રાસ્પ કરવાની, સમજવાની ક્ષમતા વધે છે ને એટલે વ્યક્તિ વધુ સ્માર્ટ થાય છે.

ફોકસ અને કૉન્સન્ટ્રેશન

વધુ ને વધુ બૉલ્સ લઈને જગલિંગને કૉમ્પ્લેક્સ બનાવતા જવાથી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે છે. બીજું, સતત લાંબો સમય સુધી બૉલ્સને હવામાં ઉછાળતા રહેવા હોય તો સંકુલ વિચાર કરવો પડે છે. એકસાથે એકસરખા ફોર્સથી બૉલ ઉછાળવાથી બધા તમારા હાથમાં કૅચ થઈ જ જાય એવું નથી હોતું. કેટલાક બૉલ્સને ઓછા ફોર્સથી તો કેટલાકને વધુ ઊંચા ઉછાળવા વધુ ફોર્સ આપવો પડે છે. આ બધી ટેક્નિક કોઈ પણ ટ્રેઇનર તમને સમજાવી શકતો નથી. વ્યક્તિએ ખુદ એક્સપરિમેન્ટ કરીને આ રિધમ કેળવવી પડે છે ને એટલે પ્રૉબ્લેમ-સૉલ્વિંગ અભિગમ આપમેળે વિકસે છે.

સ્ટ્રેસ રિલીફ

જગલિંગ એક એવી ક્રિયા છે જે કરતાં-કરતાં તમે બીજી કોઈ બાબતના વિચારો કરી જ ન શકો. વિચારો કે ચિંતા થતી હોય તો જગલિંગ લાંબું ચાલતું જ નથી. જગલિંગ શીખવા આવનારા લોકોને તેઓ જ્યાં સુધી એની પ્રૅક્ટિસ કરતા હોય છે ત્યાં સુધી ચિંતાઓ કે અન્ય વિચારો પજવી શકતા જ નથી ને એટલે વ્યક્તિ થોડાક સમય માટે સ્ટ્રેસમુક્ત થાય છે. બીજો મુખ્ય ફાયદો એ છે કે વ્યક્તિને એમાં તેઓ એક્સરસાઇઝ કરી રહ્યા છે એવું ફીલ નથી થતું. વ્યક્તિને એક્સરસાઇઝ કરવાનો કંટાળો આવે છે, પણ જગલિંગનો કંટાળો નથી આવતો.

બૉડી-માઇન્ડ કો-ઑર્ડિનેશન

મગજ વિચારોમાં ક્યાંય વિહરતું હોય ને તમે ટ્રેડમિલ પર કે પછી બગીચાના જૉગિંગ-ટ્રૅક પર ચાલ્યા કરતા હો એવું થવું સ્વાભાવિક છે, પરંતુ વિચારવું અને જગલિંગ કરવું એમ બે કામ સાથે શક્ય નથી. એકધ્યાનપણે તમે જે જુઓ છો એ મુજબ શરીરની સૂક્ષ્મ મૂવમેન્ટ સેટ કરવી પડે છે. ઘણા લોકો બૉડી-માઇન્ડ કો-ઑર્ડિનેશન ન હોવાને કારણે જગલિંગ સારું કરી શકતા નથી. એવા લોકો ખાસ જગલિંગની પ્રૅક્ટિસ કરે તો એનાથી કો-ઑર્ડિનેશન સુધરે છે.

ફિઝિકલ ઍક્ટિવિટી

ઘણા લોકો માને છે કે દડા ઉછાળવા એ તો એક જ જગ્યાએ ઊભા રહીને કરવાની કસરત છે એટલે એનાથી બ્રેઇનને ફાયદો થઈ શકે, બૉડીને નહીં. જર્મની અને સ્પૅનના રિસર્ચરો પાસે આ દલીલનો કોઈ સમજાવી શકાય એવો સચોટ જવાબ નથી, પરંતુ તેમનું કહેવું છે કે પાંચથી વધુ દડાનું જગલિંગ કરી શકતો હોય એવો કોઈ માણસ જાડિયો નથી હોતો. તેમણે જગલિંગ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને એવી પણ ચૅલેન્જ આપી છે કે નૉર્મલી હોવું જોઈએ એના કરતાં દસ કિલોથી વધુ વજન ધરાવનારી વ્યક્તિ જો પાંચ દડાને હવામાં રમાડી શકે તો અમને બતાવો.

ક્રેવિંગ અને સ્મોકિંગ

ભૂખ ન હોવા છતાં કંઈક ખાવાનું મન થતું હોય કે પછી સ્મોકિંગની આદત છોડવી હોય તો જગલિંગ બેસ્ટ છે. સ્મોકિંગ છોડનારા લોકોને અમુક સમયાંતરે ખૂબ જ વધારે નિકોટિનનું ક્રેવિંગ થાય છે. એવા સમયે ૧૫થી ૨૦ મિનિટ માટે જગલિંગ કરવામાં આવે તો ક્રેવિંગ ટળી જાય છે. એવું જ ખોટી ભૂખનું છે. Whatsapp-channel Whatsapp-channel

15 December, 2011 09:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK