Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ રીતે આપો તમારી દિવાળીની ટ્રેડિશનલ વાનગીઓમાં ટ્વિસ્ટ

આ રીતે આપો તમારી દિવાળીની ટ્રેડિશનલ વાનગીઓમાં ટ્વિસ્ટ

22 October, 2019 02:59 PM IST | મુંબઈ
દિવાળી સ્પેશ્યલ - પિન્કી શાહ

આ રીતે આપો તમારી દિવાળીની ટ્રેડિશનલ વાનગીઓમાં ટ્વિસ્ટ

દિવાળી સ્પેશ્યલ

દિવાળી સ્પેશ્યલ


ટિપિકલ ઘૂઘરા અને બોરિંગ દહીંથરા હવેની જનરેશનને ભાવતાં નથી, જ્યારે જૂની પેઢીને એમ લાગે છે કે આપણે જો દિવાળી જેવા તહેવારોમાંય આપણી પરંપરા નહીં જાળવીએ તો પછી એ સાવ ભૂંસાઈ જ જશે. આ બન્ને વચ્ચે કંઈક તો રસ્તો કાઢવો જ રહ્યો. ટ્રેડિશન પણ જળવાય અને એમાં એવો હલકો ટ્વિસ્ટ આપ્યો હોય કે એ યંગ જનરેશનને પણ અટ્રૅક્ટ કરે તો બધા જ ખુશ! આમેય દિવાળી એ ખુશી વહેંચવાનો જ તો તહેવાર છે. તો ચાલો યંગ બ્રિગેડને ભાવે અને અટ્રૅક્ટ કરે એવી રીતે પરંપરાગત મીઠાઈઓમાં થોડુંક પરિવર્તન ઉમેરીએ

chatai



ચટાઈ ઘૂઘરા


સામગ્રી

ઘૂઘરામાં વપરાતું પૂરણ


પડ માટે રેડ, ગ્રીન, વાઇટ મેંદાની કણક

બનાવવાની રીત :

ઘૂઘરાના પડ માટે લોટ બાંધવો. થોડા ભાગમાં લીલો રંગ અને થોડામાં લાલ રંગ ભેળવવો. બેઉ રંગની કણકમાંથી પાતળી પૂરી બનાવી એની લાંબી પટ્ટી કાપવી. આ પટ્ટી ઘૂઘરાની સાઇઝમાં ક્રિસક્રૉસ ગોઠવી ચટાઈ જેવું બનાવવું. એના પર સફેદ પૂરી મૂકવી અને અંદર પૂરણનો ગોળો મૂકી ઘૂઘરો વાળવો.

મધ્યમ તાપે ઘીમાં હળવા હાથે ચટાઈ ઘૂઘરા તળવા. પીરસતી વખતે ઉપરથી કોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટની કતરીથી સજાવટ કરી શકાય.

ટિપ

આ ઘૂઘરામાં ડબલ પડ થાય છે એટલે એને તળવામાં થોડી વધુ વાર લાગે છે. ચટાઈની પટ્ટી એકબીજા સાથે અને સફેદ પૂરી સાથે બરાબર ચીટકી જવી જોઈએ, નહીંતર તળવામાં બધું ઢીલું થઈ જશે. આ ચીપકાવવા માટે દૂધનો ઉપયોગ કરી શકાય.

chocolate

ચૉકલેટ ડીપ્ડ ઘૂઘરા

સામગ્રી

પડ માટે : મેંદો, મોણ માટે ઘી, લોટ બાંધવા પૂરતું નવશેકું પાણી.

પૂરણ  ટે - દૂધનો મોળો માવો, વૅનિલા એસેન્સ, બદામ-પિસ્તાં અને કાજુનો ભૂકો, કિસમિસ, ટોપરાનું છીણ, બૂરું સાકર અને કોકો પાઉડર.

ડીપ માટે - ચૉકલેટ (બ્રાઉન) બાર, ડેકોરેશન માટે એડિબલ કલરફુલ ચૉકલેટ્સ.

તળવા માટે - ઘી.

બનાવવાની રીત

પડ માટે મેંદામાં ઘીનું મોણ નાખીને લોટ બાંધી લો અને એના પર ભીનું કપડું ઢાંકી એક સાઇડમાં મૂકી રાખો.

પૂરણ માટે દૂધના માવાને થોડા ઘીમાં ગુલાબી શેકી લેવો. શેકાઈ જાય એટલે એમાં ટોપરાનું છીણ, ડ્રાયફ્રૂટ્સનો ભૂકો ભેળવવો. ઠંડું થાય એટલે કોકો પાઉડર અને સ્વાદ અનુસાર બૂરું ખાંડ તેમ જ વૅનિલા એસેન્સ નાખવું. બધું મિક્સ કરીને નાના ગોળા વાળવા.

લોટમાંથી નાની સાઇઝની પૂરી વણવી અને પૂરીમાં પૂરણનો ગોળો નાખી એને ઘૂઘરાનો શેપ આપવો. ઘૂઘરા તૈયાર થઈ જાય એટલે મધ્યમ તાપે ઘીમાં તળી લેવા.

ચૉકલેટ ડીપ બનાવવા માટે ચૉકલેટના સ્લૅબના ટુકડા કરીને ડબલ બોઇલર સિસ્ટમથી પિગાળવી.

ઘૂઘરા અંદર અને બહારથી ઠંડા થાય એટલે એનો અડધો ભાગ ચૉકલેટ ડીપમાં બોળવો. અડધો પૉર્શન એમ જ રહેવા દેવો. ચૉકલેટ ડીપ્ડ ઘૂઘરાને ડેકોરેટ કરીને સર્વ કરવા.

ટિપ

આ ઘૂઘરાને વાઇટ ચૉકલેટમાં પણ ડીપ કરી શકાય. હાફ બ્રાઉન, હાફ વાઇટ ટેસ્ટ અને લુક્સ બન્નેમાં મસ્ત દેખાય છે. જો કોકોનટ તમને ભાવતું હોય તો એકલા ટોપરાના છીણના ઘૂઘરા પણ બનાવી શકાય અને એક બાઇટ સાઇઝના ઘૂઘરા સ્વાદમાં બાઉન્ટી ચૉકલેટ જેવા લાગે છે.

chocolate-ghari

ચૉકલેટ લાવા ઘારી

સામગ્રી

ઘારી માટે દૂધનો માવો, પિસ્તાંનો ભૂકો અને સાકર

પડ માટે મેંદો, મોણ માટે ઘી

સ્ટફિંગ માટે ચૉકલેટના પીસ

તળવા માટે ઘી

બનાવવાની રીત

મેંદામાં મુઠ્ઠીપડતું મોણ નાખીને રોટલી જેવો લોટ બાંધી સાઇડમાં મૂકી દેવો. દૂધના માવામાં ખૂબબધો પિસ્તાંનો ભૂકો અને સાકર ભેળવીને સરસ લચકા જેવું બનાવવું. માવો ઘરે પણ બનાવી શકાય. તૈયાર માવાને ઘૂઘરાની જેમ શેકવાનો નથી. માવાના ગોળા બનાવી વચ્ચે ચૉકલેટનો પીસ ભરાવવો.

મેંદાની કણકમાંથી એક નાની અને એક મોટી પૂરી વણવી. નાની પૂરી પર માવાનો ગોળો (અડદિયા જેવા શેપનો) મૂકવો અને મોટી પૂરીથી એને ઢાંકી દેવો. બેઉ પૂરીની કિનારી બરાબર ચીટકાવવી.

તળવા માટે એકદમ ધીમી આંચે ઘી ગરમ કરવા મૂકવું. ગરમ થાય એટલે કાણાવાળા ચમચામાં ઘારી મૂકી એને ઘીમાં મૂકવો અને બીજા ચમચાથી એના પર ઘી રેડવું. આ રીતે ઘારીને ઉપર અને નીચે બન્ને બાજુથી તળવી. ઘારીને ડાયરેક્ટ કડાઈમાં તળવાની નથી. ચમચામાં રાખીને જ તળવાની રહે છે અને વન બાય વન જ તળાય.

ગરમ ઘારીને વચ્ચેથી કટ કરતાં અંદર મૂકેલી ચૉકલેટ પીગળે છે અને લાવા બહાર આવે છે.

ટિપ

દૂધના માવામાં પિસ્તાંને બદલે બદામ પણ નાખી શકાય. સાદો માવો અને બદામ કરતાં ચૉકલેટ-પિસ્તાંનું કૉમ્બિનેશન વધુ સ્વાદિષ્ટ લાગે છે. જો એને ગરમ નહીં પીરસવી હોય તો એમાંથી લિક્વિડ લાવા બહાર આવશે નહીં, પણ ટેસ્ટમાં સરસ લાગશે.

ઘારી તળતી વખતે નીચેનું પડ પાકીને છૂટું પડી જવાની સંભાવના વધુ રહે છે એટલે ચમચાને વારેઘડીએ ઘીમાંથી ઉપર-નીચે કરતા રહેવું.

 farsi-puri

ફરસી પૂરી સ્ટફ્ડ કોન

સામગ્રી

પૂરી માટે મેંદો, મોણ માટે ઘી, મીઠું, મરી, શેકેલું જીરું (અધકચરું વાટેલું), ચપટીક હિંગ, ઍલ્યુમિનિયમનો કોપ શેપનો મોલ્ડ, તળવા માટે ઘી

ફીલિંગ માટે તળેલા જાડા પૌંઆનો ચેવડો, તળેલા સિંગ, દાડમના દાણા, તળેલી ચણાદાળ, સેવ, કોથમીર, સ્વીટ કૉર્ન (ઑપ્શનલ)

બનાવવાની રીત

મેંદાને ચાળીને એમાં ઘી, મીઠું, મરી, જીરું અને હિંગ નાખી પરોઠાથી થોડો નરમ લોટ બાંધવો. અડધા કલાક માટે સેટ થવા મૂકી રાખવો.

પૌંઆને ગરમ તેલમાં તળી એમાં સિંગ, ચણાદાળ, મીઠું, ખાંડ, લીલાં મરચાં, ચાટ મસાલો નાખી ચેવડો બનાવવો.

પૂરીને વણી એમાં થોડા કાપા કરી એક ઍલ્યુમિનિયમના મોલ્ડ ફરતે વીંટાળો. મધ્યમથી થોડા વધુ તાપે તેલમાં તળી લો. પૂરી તળાઈ જશે એટલે ઑટોમૅટિક એમાંથી મોલ્ડ છૂટું પડી જશે.

પીરસતી વખતે આ કોનમાં ચેવડો, બાફેલાં સ્વીટકોર્ન, દાડમ મિક્સ કરીને ભરવું અને ઉપરથી સેવ તથા કોથમીરથી સજાવવું.

ટિપ

ફરસી પૂરી પ્રમાણમાં જાડી હોય છે, જ્યારે કોન બનાવવા પૂરી મીડિયમ જાડી જોઈશે. આ આઇટમ દિવાળીમાં આવેલા મહેમાનોને ઝટપટ નાસ્તા તરીકે પીરસી શકાય. એમાં તીખી, મીઠી ચટણી અને ટમેટાં નાખીને સેવપૂરી જેવું પણ બનાવી શકાય.

aam-e-bidu

આમ-એ-બીડુ

સામગ્રી

આમ પાપડના પાતળા ચોરસ પીસ, લવિંગ, પાન મસાલા માટે વરિયાળી, ઠંડક માટે કાથો, નાગરવેલનાં પાન (બારીક સમારેલાં), ચેરી, ઇલાયચી, ગુલકંદ (ઑપ્શનલ) અથવા રેડીમેડ પાનનો મુખવાસ

બનાવવાની રીત

આમપાપડના બીડાની સાઇઝના ચોરસ ટુકડા કરવા. એના પર રેડી પાન મસાલાની બધી જ સામગ્રી મિક્સ કરીને બનાવેલું પૂરણ રાખવું. પછી આમ પાપડના સામસામેના ખૂણાને પકડીને એમાં લવિંગ પરોવીને બીડા જેવું બનાવી લેવું અને ઉપરથી ચેરી ઍડ કરવી.

lollypops

દહીંથરા લૉલીપૉપ

સામગ્રીઃ

મેંદો, મોણ માટે ઘી, લોટ બાંધવા માટે દહીં, ચીઝ પાઉડર, રેડ અને ગ્રીન ખાવાના કલર, ઑરેગાનો, ચિલી ફ્લૅક્સ, મીઠું, સ્લરી માટે કૉર્નફ્લોર અને તળવા માટે ઘી.

બનાવવાની રીત

મેંદામાં મૂઠી પડતું ઘીનું મોણ નાખી દહીં, મીઠું ઉમેરીને કઠણ લોટ બાંધવો. આ કણકના ત્રણ સરખા ભાગ કરવા. એક ભાગમાં ગ્રીન કલર અથવા ઑરેગાનો ભેળવવો. બીજા ભાગમાં રેડ કલર અથવા ચિલી ફ્લૅક્સ નાખીને મિક્સ કરવું. ત્રીજા ભાગમાં ચીઝ પાઉડર  નાખવો અને સફેદ જ રહેવા દેવો. ત્રણેય કણક સરસ કુણવવી. પછી એકસરખી જાડાઈ અને સાઇઝના રોટલા વણવા. પાટલા પર પહેલાં લાલ રંગનો રોટલો મૂકવો. એના પર ઘી અને કૉર્નફ્લોરની સ્લરી ચોપડવી. પછી વાઇટ રોટલો મૂકવો અને ઉપર સ્લરી લગાવવી. સૌથી ઉપર ગ્રીન રોટલો મૂકવો. આ ત્રણેય રોટલાને સતપડી પૂરીની જેમ અથવા તો પાતરાની જેમ ટાઇટ રોલ કરવી અને ચાકુથી રોલના પીસ કરવા. જો એ પીચ બહુ જાડા લાગતા હોય તો બે વાર વેલણ ફેરવી લેવી. બજારમાં મળતા રંગબેરંગી લૉલીપૉપ જેવા દેખાતાં દહીંથરામાં લાંબી વાંસની સળી ભેરવવી અને ઘીમાં મધ્યમ તાપે તળી લેવા.

ટિપ

આ દહીંથરાં લૉલીપૉપ કોથમીર-ફુદીનાની ગ્રીન ચટણી સાથે અથવા ચીઝી ડીપ્સ સાથે ખાઈ શકાય.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 02:59 PM IST | મુંબઈ | દિવાળી સ્પેશ્યલ - પિન્કી શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK