દિવાળીમાં બંગાળી મીઠાઈઓ છે ટ્રેન્ડમાં

Published: Oct 18, 2019, 15:34 IST | દિવાળી સ્પેશ્યલ - હંસા કારિયા | મુંબઈ

નવા વર્ષે મહેમાનોને ત્યાં જઈએ ત્યારે મોટા ભાગે ડ્રાયફ્રૂટ્સ અને માવાની મીઠાઈઓ જ ડિશમાં ધરવામાં આવતી હોય છે.

રસગુલ્લા
રસગુલ્લા

નવા વર્ષે મહેમાનોને ત્યાં જઈએ ત્યારે મોટા ભાગે ડ્રાયફ્રૂટ્સ અને માવાની મીઠાઈઓ જ ડિશમાં ધરવામાં આવતી હોય છે. મોટા ભાગે તહેવારોના સમયમાં મળતી કાજુકતરીમાં ખરેખર કેટલાં કાજુ હશે અને માવાની બરફીમાં ખરેખર સાચો માવો વપરાયો હશે કે નહીં એ મોટો સવાલ થાય. વળી દરેકના ઘરે એક જ પ્રકારની મીઠાઈઓ જોઈને આપણે પોતે જોવાથી જ ધરાઈ જઈએ છીએ તો આપણા મહેમાનોને પણ એવું જ થતું હશેને? તો આવો આજે સહેલાઈથી બની જાય એવી બંગાળી મીઠાઈઓ કેવી રીતે બનાવવી એ જોઈએ. હા, આ મીઠાઈઓ ડ્રાયફ્રૂટ્સ કે માવાની જેમ લાંબી ટકશે નહીં એટલે દિવાળીના આગલા દિવસે જ બનાવવી બહેતર રહેશે. થોડી મહેનત પડશે, પણ મહેમાનોને કંઈક હટકે સ્વીટ્સ ચખાડ્યાનો આનંદ પણ અનેરો હશે

rasgulla

રસગુલ્લા

સામગ્રી

એક લીટર ગાયનું દૂધ

અઢી કપ ખાંડ

આઠ કપ પાણી

ત્રણથી પાંચ ચમચી લીંબુનાં ફૂલનું પાણી

બનાવવાની રીત

દૂધ ગરમ કરી રાખો. ઊભરો આવે એટલે લીંબુનાં ફૂલનું પાણી ધીમે-ધીમે ઉમેરીને હલાવો. દૂધ બરાબર ફાટી જાય અને ફોદા થવા માંડે એટલે પાતળી ગળણીથી પનીર અલગ તારવી લો.

પનીરને પાણીથી ધોઈ લો અને પછી એક કપડામાં મૂકીને પાંચથી સાત મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દો.

બહાર કાઢીને એમાં એક ચમચી ખાંડ નાખીને મિક્સરમાં અટકી-અટકીને ફેરવો. એકધારું પીસવાનું નથી, બે-ચાર વાર સહેજ ફેરવીને અટકાવી દેવાનું છે. ખાંડને પનીરમાં સ્ટફ કરીને બરાબર મેળવી લો અને એના નાના બૉલ્સ બનાવો. બીજી તરફ બાકીની ખાંડમાં પાણી નાખીને ચાસણી બનાવો. ખાંડ ઓગળી જાય એટલે ચાસણીમાં કચરો હોય તો એ કાઢી લો અને પછી પનીરના બૉલ્સ એમાં નાખી દો. ઢાંકણ ઢાંકીને મીડિયમ આંચ પર દસ મિનિટ સુધી ઉકાળો. બસ આ બૉલ્સને સાતથી આઠ કલાક ચાસણીમાં રહેવા દો અને પછી સર્વ કરો.

rajbhog

રાજભોગ

સામગ્રી

એક લીટર ગાયનું દૂધ

અઢી કપ ખાંડ

આઠ કપ પાણી

ત્રણથી પાંચ ચમચી લીંબુનાં ફૂલનું પાણી

સ્ટફિંગ માટે : બે ચમચી સમારેલાં ડ્રાયફ્રૂટ્સ, બે ચમચી પનીર, ૧ ચમચી દળેલી ખાંડ

બનાવવાની રીત

સ્ટફિંગ માટેની બધી ચીજોને બરાબર મિક્સ કરીને એની નાની-નાની ગોળીઓ તૈયાર કરી લો.

એક લીટર દૂધનું પનીર બનાવો. એને બરાબર મસળીને એમાં પીળો રંગ નાખો અને નાની પૂરી જેવું બનાવો. એમાં ડ્રાયફ્રૂટ્સ-પનીરના મિશ્રણની ગોળીઓ સ્ટફ કરો.

ખાંડની ચાસણી બનાવવા મૂકો અને એમાં તૈયાર કરેલી પૂરીઓ ઉકાળીને તૈયાર કરવી.

malai-sandwich

મલાઈ સૅન્ડવિચ

સામગ્રી

એક લીટર ગાયનું દૂધ, અઢી કપ ખાંડ, આઠ કપ પાણી, ત્રણથી પાંચ ચમચી લીંબુનાં ફૂલનું પાણી

સ્ટફિંગ માટે : બે મોટી ચમચી માવો, ૧ ચમચી મલાઈ, દોઢ ચમચી દળેલી ખાંડ, બેથી ત્રણ ટીપાં એસેન્સ અથવા કલર.

બનાવવાની રીત

રસગુલ્લા બનાવવાના હોય એ જ રીતે દૂધ ફાડીને પનીર તૈયાર કરવું. રસગુલ્લાને ગોળાકાર આપીએ છીએ, જ્યારે આમાં ચોરસ શેપ આપવો અને રસગુલ્લાની જેમ જ ચાસણી બનાવીને ઉકાળી લેવા.

સ્ટફિંગની સામગ્રી મિક્સ કરીને બરાબર સ્મૂધ કરી લેવી. ચોરસ પનીરનો તૈયાર પીસ વચ્ચેથી કાપીને એમાં આ સ્ટફિંગ ભરવું. 

આ સૅન્ડવિચને રોઝ, સ્ટ્રૉબેરી કે બટરસ્કૉચ ફ્લેવર આપવા સ્ટફિંગમાં એ ફ્લેવરનું એસેન્સ ઉમેરી શકાય.

ઉપરથી વ્હિપ ક્રીમ સજાવીને સર્વ કરી શકાય.

angoor-rabdi

અંગૂર રબડી

સામગ્રી

રબડી માટે : ૧ લીટર દૂધ, ૪ મોટી ચમચી ખાંડ, બે ચમચી કૉર્નફ્લોર, ૧ ચમચી દૂધનો મસાલો

અંગૂર માટે : એક લીટર ગાયનું દૂધ, અઢી કપ ખાંડ, આઠ કપ પાણી, ત્રણથી પાંચ ચમચી લીંબુનાં ફૂલનું પાણી

બનાવવાની રીત

સૌથી પહેલાં એક લીટર દૂધને ઉકાળીને ગાઢું થવા દેવું. એ પછી એમાં ચાર મોટી ચમચી સાકર નાખીને બરાબર પીગળવા દેવી. એક કપ દૂધ કાઢીને એમાં બે ચમચી કૉર્નફ્લોર બરાબર મિક્સ કરવો. ગઠ્ઠા ન રહે અને બરાબર એકરસ થઈ જાય એટલે દૂધમાં મિક્સ કરી લેવું. ૧ ચમચી દૂધનો મસાલો નાખીને દૂધને ઠંડું પડવા દેવું.

હવે અંગૂર બનાવવા માટે રસગુલ્લા જેવી જ પદ્ધતિ અપનાવવી. ગાયનું દૂધ ફાડવા માટે દૂધ ગરમ કરીને લીંબુનાં ફૂલનું પાણી ઉમેરવું. ફાટી જાય એટલે પનીરને ધોઈને એની કાબુલી ચણાથી સહેજ મોટી ગોળીઓ વાળવી. રસગુલ્લાની જેમ જ ચાસણી બનાવવી અને એમાં પાંચથી આઠ મિનિટ ગોળીઓને ઊકળવા દેવી. આ અંગૂરને પાંચથી છ કલાક ચાસણીમાં રહેવા દેવા. ત્યાર બાદ એને નિચોવીને કાઢી લેવા અને રબડીમાં નાખીને ઠંડા કરવા મૂકવા.

ઠંડી રબડીમાં અંગૂર નાખીને ડ્રાયફ્રૂટ્સની સજાવટ સાથે ચિલ્ડ સર્વ કરવું.

rasmadhuri 

રસમાધુરી

સામગ્રી

રસગુલ્લા માટે : એક લીટર ગાયનું દૂધ, અઢી કપ ખાંડ, આઠ કપ પાણી, ત્રણથી પાંચ ચમચી લીંબુનાં ફૂલનું પાણી

સ્ટફિંગ માટે :  ત્રણ ચમચી માવો, ૧ ચમચી મલાઈ, બે ચમચી દળેલી ખાંડ, બેથી ત્રણ કળી કેસર.

બનાવવાની રીત

રસગુલ્લા માટેની સામગ્રીમાંથી રસગુલ્લાની જેમ જ પીસ તૈયાર કરવા. તમને મનગમતી સાઇઝ અથવા શેપની ગોળીઓ એમાંથી બનાવી શકો છો.

 સ્ટ‌ફિંગ માટેની તમામ સામગ્રીને બરાબર મિક્સ કરી રાખો.

ઉપરના કોટિંગ માટે બે કપ દૂધ ગરમ કરવું. એટલું ઉકાળવું કે બેમાંથી માત્ર એક જ કપ બચે. ૧ મોટી ચમચી દળેલી ખાંડ નાખવી. એમાં એક-બે તાંતણા કેસરના નાખવા. ૧ ચમચી માવો નાખીને બરાબર મિક્સ કરવું. કેળાનાં પત્તાંનાં ચોરસ બૉક્સ બનાવવાં. એમાં રસગુલ્લાને અડધું કાપીને મૂકવું. ઉપર માવાનું કોટિંગ લગાવવું અને એના પર બીજો કાપેલો પીસ મૂકવો. ફરીથી દૂધ અને માવાનું કોટિંગ કરો. બદામ-પિસ્તાની ઝીણી કતરીથી સજાવટ કરવી.

sandesh

સંદેશ

સામગ્રી

સવા કપ પનીર (ગાયના દૂધમાંથી બનાવેલું તાજું), પા કપ દળેલી ખાંડ

સજાવટ માટે ડ્રાયફ્રૂટ્સની કતરી અને કેસરના તાંતણા

બનાવવાની રીત

ગાયનું દૂધ ફાડીને ઘરે જ પનીર બનાવવું.  સવા કપ પનીરમાં પા કપ દળેલી ખાંડ મિક્સ કરીને ધીમી આંચ પર ગરમ કરો. સતત હલાવતા રહો જેથી ચોંટે નહીં. પનીરનો માવો બરાબર શેકાઈ જાય અને કડાઈની કિનારી છોડી દે એટલે ગૅસ બંધ કરી દેવો.

સહેજ નવસેકું હોય ત્યારે જ નાના બૉલ્સ બનાવી દેવા અને દરેક બૉલ્સ પર કેસરના તાંતણા અને ડ્રાયફ્રૂટ્સની સજાવટ કરીને સર્વ કરવું.

આ પણ વાંચો : ઘૂઘરા, દહીંથરા ને સુંવાળી ન બનાવ્યાં તો શાની દિવાળી!

બંગાળી મીઠાઈ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ ટિપ્સ

 ૧. બંગાળી સ્વીટ્સ બનાવવા માટે હંમેશાં ગાયનું દૂધ જ લેવું.

૨. દૂધમાંથી રસગુલ્લા કે પનીર તૈયાર કરવા માટે દૂધને પહેલાં એક વાર ગરમ કરીને ઠંડું પડવા દેવું. ઠંડા દૂધ પર જામેલી મલાઈને કાઢી નાખવી અને પછી દૂધને ફરીથી ગરમ કરીને પછી જ એનો સ્વીટ બનાવવામાં ઉપયોગ કરવો.

૩. દૂધ ફાડવા માટે ખાટું દહીં, વિનેગર, લીંબુ કે લીંબુનાં ફૂલનો ઉપયોગ કરવો.

૪. કોઈ પણ બંગાળી મીઠાઈ બનાવવી હોય ત્યારે ચાસણી માટે અઢી કપ સાકર હોય તો આઠ કપ પાણી લેવું (આ માપ એક લીટર દૂધનું પનીર બનાવ્યું હોય ત્યારે લાગુ પડે).

૫. પનીરના ગોળાને ઉકાળવા માટે હંમેશાં પહોળા વાસણનો જ ઉપયોગ કરવો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK