Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ચેટ્ટીનાડ મસાલાનો સ્વાદ ચાખવા ચાલો વર્સોવાના તાંજોર ટિફિન રૂમમાં

ચેટ્ટીનાડ મસાલાનો સ્વાદ ચાખવા ચાલો વર્સોવાના તાંજોર ટિફિન રૂમમાં

19 July, 2019 01:30 PM IST | મુંબઈ
દિવ્યાશા દોશી

ચેટ્ટીનાડ મસાલાનો સ્વાદ ચાખવા ચાલો વર્સોવાના તાંજોર ટિફિન રૂમમાં

તાંજોર ટિફિન રૂમ

તાંજોર ટિફિન રૂમ


તાંજોર ટિફિન વર્સોવામાં આવેલી ફાઇન ડાઇનિંગ કક્ષાની દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસતી રેસ્ટોરાં છે. રેસ્ટોરાંમાં તમે જાઓ અને એનો ઍટમૉસ્ફિયર તમને કોઈ જુદી જ દુનિયામાં લઈ જાય તો જ સ્વાદ અને મનના હૃદયને પહોંચે છે. ટિફિન શબ્દ આપણને છેતરામણો લાગે છે. તાંજોર ટિફિન શબ્દ સાંભળતાં ટિફિન શબ્દ માટે થોડી ઉત્સુકતા ઉદ્ભવી એટલે તાંજોર ટિફિનમાં જમવા જતાં પહેલાં થોડું રિસર્ચ કર્યું. કૅપ્ટન થોમસ વિલિયમસને ઈસ્ટ ઇન્ડિયા વડે મેકુમ નામના પુસ્તકમાં લખ્યું છે કે ટિફિન એટલે વહેલું લેવાતું ડિનર એટલે કે એક કે બે વાગ્યે ખાવામાં આવે. ભારત સ્વતંત્ર થયું અને બ્રિટિશરોના પંજામાંથી છૂટ્યું ત્યાં સુધી એ શબ્દ ટિફિંગ તરીકે ઓળખાતો જે શિપિંગમાંથી ટિફિંગ બન્યો અને કાળક્રમે ટિફિન શબ્દ‌ આપણને મળ્યો છે. 

idli-tanjor



‘ટિફિન-મેમરીઝ ઍન્ડ રેસિપીઝ ઑફ ઇન્ડિયન વેજિટેરિયન ફૂડ’ - રુક્મિણી શ્રીનિવાસનું પુસ્તક હાથ લાગ્યું, જેમાં ટિફિન શબ્દ વિશે વાંચવા મળ્યું. આપણને લાગે કે આ શબ્દ ઍન્ગ્લો-ઇન્ડિયન હોઈ શકે, પણ ૧૭૮૫ની સાલમાં કૅપ્ટન ફ્રાન્સિસ ગ્રોસે ટિફિંગ શબ્દ નોંધ્યો છે એનો અર્થ કર્યો છે ઇટિંગ ડ્રિન્કિંગ આઉટ ઑફ મીલ ટાઇમ અર્થાત્ ભોજનના સમયે ખાવું કે પીવું. મુંબઈમાં ટિફિન સર્વિસ ઘણી ફેમસ છે, પરંતુ અહીં ટિફિનનો અર્થ જમવું એવો થાય એવું કહી શકાય. ૧૮૭૮માં આર. એસ. મેર દ્વારા પ્રકાશિત મેડિકલ ગાઇડ ઓફ ઍન્ગ્લો-ઇન્ડિયનમાં બહુ ભારે નહીં, હળવું નાસ્તા જેવું ભોજનને ટિફિન કહેવાયું છે. ભારે ભોજન લેવાથી સુસ્તી આવે છે અને કામ થઈ શકતું નથી એટલે હળવું ભોજન જે ડબ્બામાં ઘરેથી લાવવામાં આવ્યું હોય. કે. ટી. આચાર્યએ એ હિસ્ટોરિકલ ડિક્શનરી ઑૅફ ઇન્ડિયન ફૂડ ૧૯૯૮માં લખ્યું છે કે બ્રિટિશ ફૅમિલી જે ભારતમાં રહેતું હતું એ રાતનું ડિનર લેતું નહીં અને બપોરે હળવું ભોજન લેતું જેને ટિફિન કહેવાતું. પહેલી વાર એ શબ્દ ૧૮૦૭ની સાલમાં ઍન્ગ્લો-ઇન્ડિયન જાહેરાતમાં વપરાયો હતો. આ શબ્દ ચેન્નઈ વિસ્તારમાં ખૂબ વપરાય છે, જેમાં બપોરનો નાસ્તો ઉપમા, ઢોસા અને વડાંનો સમાવેશ છે. દક્ષિણ ભારતમાં કેટલીક રેસ્ટોરાંનાં નામ ટિફિન હોય છે. ટિફિનરૂમ એટલે કે જ્યાં હળવો નાસ્તો કે ભોજન કરી શકાય એવું સ્થળ.


ખેર, હજી દોઢ વર્ષ પહેલાં જ શરૂ થયેલી મુંબઈની તાંજોર ટિફિન રેસ્ટોરાંમાં જમ્યા બાદ તમને ખૂબ ખાધું હોય એવું ન લાગે. સિવાય કે તમે ઓવર ઈટિંગ કરો. મુંબઈના સાત બંગલા ગાર્ડનની બાજુમાં આવેલી આ રેસ્ટોરાં જો ધ્યાનથી ન જુઓ કે મૅપમાં ન ખોળો તો ચૂકી જવાય. બાહ્ય કોઈ આડંબર નહીં. અંદર પ્રવેશો કે તમને કોઈ જુદી દુનિયામાં આવી ગયા હોઈએ એવો અનુભવ જરૂર થાય. જગ્યા ખૂબ વિશાળ નથી. નૉન-એસી અને એસી એરિયા છે. એમ્બિયન્સ આછા ડાર્ક લીલા રંગને કારણે કોલોનિયલ છતાં બોહેમિયન ચીક જેવી અસર ઊપજાવે છે. અમે વર્કિંગ દિવસે બપોરે ગયાં હતાં એટલે પ્રમાણમાં શાંતિ હતી, કારણ કે બહુ ઓછાં ટેબલ ભરેલાં હતાં. સાંભળ્યું છે કે વીક-એન્ડમાં અહીં રિઝર્વેશન કરીને આવવું પડે, નહીં તો જગ્યા ન મળે.  તાંજોર એટલે કે થાંજાવુર તામિલનાડુમાં આવ્યું. અહીંનું ચેટ્ટીનાડ ભોજન મશહૂર છે. ચેટ્ટિયાર જાતિ મૂળે તો શાકાહારી જ, પણ અન્ય એશિયાઈ દેશોમાં વ્યવસાય અંગે સ્થાયી થયા બાદ તેમના ભોજનમાં માંસાહાર પણ ભળી ગયો છે, પણ આપણે તો શાકાહારી ભોજનની જ વાત કરીશું. પહેલાં જ કહ્યું એમ, તાંજોર ટિફિન ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાં હોવાને કારણે અહીં આલ્કોહૉલ તેમ જ માંસાહારી ભોજન પણ મળે છે, પરંતુ શાકાહારીઓ માટે પણ ઘણી પસંદગી છે. ફાઇન ડાઇનિંગ હોવાને કારણે બહુ ચૉઇસ નથી, પણ તમને તમારો સ્વાદ પસંદ કરવાની છૂટ મળી રહે છે. તામિલનાડુ પ્રદેશનું ભોજન કરવાનું હોવાથી ટિપિકલ ઢોસા અને ઇડલી ન મળે. ચેટ્ટિયાર જાતિના લોકો મરી-મસાલાના વેપારી હોવાને કારણે તેમના ભોજનમાં તાજા મસાલા વાટીને નાખવામાં આવે છે.

interior


તાંજોર ટિફિનમાં પહેલી વાર જાઓ તો તમારી સામે નાની-નાની વાટકીઓમાં દરેક કરી ચાખવા માટે મૂકી દેવામાં આવે. અહીં બેઠા પછી આજુબાજુ નજર ફેરવો તો ચેટ્ટિયાર ફૅમિલીના જૂના ફોટો સરસ રીતે ફ્રેમ કરીને લગાવેલા જોવા મળશે. એવું લાગી શકે કે તમે કોઈકના ઘરે જમવા આવ્યા છો. અહીંનો સ્ટાફ પણ તમને એવો અહેસાસ કરાવી શકે. નાની-નાની પિત્તળની વાટકીઓમાં તમને કરીમાં એટલે કે રસ્સામાં શું નાખ્યું છે એ પણ સમજાવવામાં આવે. કોકોનટ કરી, કોકોનટ સ્ટ્યુ, કાજુ કરી, ટેમરિન્ડ કરી, ચેટ્ટીનાડ કરી, ટેમરિન્ડ રાઇસ, કોકોનટ રાઇસ, લેમન રાઇસ. તમે મનગમતી કરીમાં શાકભાજી કે પનીર નખાવી શકો. સાથે મલબારી પરોઠાં કે અપ્પમ કે નીર ઢોસા મગાવીને ખાઈ શકાય. સ્ટાર્ટરમાં યમ કટલેટ, જૅકફ્રૂટ કટલેટ પરુપ્પુ વડાં કે મિની ગન પાઉડર ઇડલી, પનીર ચેટ્ટીનાડ મગાવી શકો. આપણને ગુજરાતીઓને ટેમરિન્ડ એટલે કે આમલી જેમાં હોય એ કરી થોડી ખાટી લાગે, પણ જુદો સ્વાદ જીભને ચખાડી શકાય. સારું છે કે તેઓ ટેસ્ટર આપે છે. કટલરીની પસંદગી તેમની પરંપરિત છે. પિત્તળ અને સિરૅમિક્સમાં કેળના પાન પર મૂકીને વાનગીઓ પીરસાય. વચ્ચે નાની ડિશમાં થોડી મોગરાની કળીઓ આકર્ષક વાતાવરણ ઊભું કરે. ભોજન કરતી વખતે તમને આનંદ આવે એવું વાતાવરણ ઊભું કરવામાં તાંજોર ટિફિન સફળ રહ્યું છે.

મલબારી પરોઠા વિથ કોકોનટ વેજિટેબલ સ્ટ્યુ કે પછી જૅકફ્રૂટ કરી સાથે ટ્રાય કરી શકાય. ચેટ્ટીનાડ કરી થોડી વધુ સ્પાઇસી એટલે કે તીખી હોય છે એટલે જો તમે ઓછું તીખું ખાતા હો તો ધ્યાન રાખજો. એમાં તાજા તેજાના મસાલા હોવાથી તીખાશ વધુ હોય છે. જોકે અહીં દરેક મસાલા તાજા જ બનાવીને વપરાય છે એવું કહે છે. તમે જો ફૂડી હો અને કંઈક હટકે ઑથેન્ટિક ખાવું હોય તો અહીં તમને ગમશે, પણ જો તમે ટિપિકલ બમ્બૈયા સ્વાદથી ટેવાયેલા હો તો અહીં ન જતા. ડિઝર્ટમાં ફક્ત બે જ વસ્તુ મળશે, પાયસમ અને મૈસુર પાક. પાયસમ કોકોનટ મિલ્ક અને ગોળ નાખીને બનાવેલી ખીર હોય છે. તમે જો વેગન હો તો તમારે માટે અહીં ઘણી વસ્તુ છે. ઘી નાખવાની ના તમે પાડી શકો નહીં તો ઇડલી વિથ ગન પાઉડરમાં ઘી અને મલબારી પરોઠાં પણ ઘીમાં બનાવી આપવામાં આવે છે. મેન્યૂની ડિઝાઇન પણ મેંદી ગ્રીન રંગમાં સુંદર ડિઝાઇન કરવામાં આવી છે.  પાયસમ કે મૈસુર પાક પછી ફિલ્ટર કૉફી પણ વરસાદી માહોલમાં પી શકાય. પિત્તળના ટિપિકલ વાટકામાં કૉફી પીરસાય છે. તાંજોર ટિફિનની મુલાકાત પૉકેટને થોડીક મોંઘી પડી શકે કેમ કે અહીં બે જણનું ફૂડ ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા જેટલું થાય.

ફાઇન ડાઇનિંગમાં તમારે માહોલ, મિત્રો કે કુટુંબીઓ સાથે ફૂડ માણવાનું હોય છે. બૂમ પાડીને વાત કરતાં ભોજન કરવાનું નથી હોતું એટલે તમારે ફૂડ અને કંપની બન્ને એન્જૉય કરવાં હોય તો માહોલમાં શાંતિ બરકરાર રાખો. રેસ્ટોરાંમાં આછું સંગીત તમને ડિસ્ટર્બ નથી કરતું, પણ ફ્રેશ માહોલ જાળવે છે. વેલે પાર્કિંગની વ્યવસ્થા છે. સ્ટાફ સારો છે. બિલમાં જ સર્વિસ-ચાર્જ લગાવી દેવામાં આવે છે. દક્ષિણ ભારતીય ફાઇન ડાઇનિંગ માટે અહીં ચોક્કસ જઈ શકાય.

અહીં તમને પહેલાં વિવિધ પ્રકારની કરી ટેસ્ટ માટે આપવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 01:30 PM IST | મુંબઈ | દિવ્યાશા દોશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK