Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મળો અહિંસક ભોજનશૈલીના સાધકોને

મળો અહિંસક ભોજનશૈલીના સાધકોને

01 November, 2019 04:08 PM IST | મુંબઈ
દિવ્યાશા દોશી અને સેજલ પટેલ

મળો અહિંસક ભોજનશૈલીના સાધકોને

વર્લ્ડ વીગન ડે

વર્લ્ડ વીગન ડે


ડેરી ગાય પર થતા અત્યાચારની ડૉક્યુમેન્ટરી જોઈને વીગન બની

વીગન એટલે શું એ મને ખબર હતી; પણ લોકો બીપી, કૉલેસ્ટરોલ કે ડાયાબિટીઝ જેવા રોગ હોય તો વીગન પદ્ધતિ અપનાવે છે એવી મારી સમજ હતી. અહિંસક બનવા માટે વીગન બનવાનો મારા મનમાં જરાપણ ખ્યાલ નહોતો. મારી દીકરી ખુશાલી ઑસ્ટ્રેલિયામાં માસ્ટર્સ કરવા ગઈ હતી અને તેણે વીગન વિષય પર સંશોધન કરવાનું નક્કી કર્યું. એ દરમિયાન તે વીગન બની અને તેણે મને શું કામ વીગન બનવું જોઈએ એ સમજાવ્યું. દૂધ મેળવવા માટે ડેરી ગાય પર કેવા અત્યાચાર કરે છે એની ડૉક્યુમેન્ટરી બતાવી. મારા પર અસર એવી થઈ કે મેં તત્ક્ષણ વીગન બનવાનું નક્કી કર્યું. મારી દીકરીએ સમજાવ્યું કે આપણે દૂધની બનાવટનો ત્યાગ કરવા સિવાય ખાસ કશું જ બદલવાનું નથી. બસ, મને પણ લાગ્યું કે મારાથી એ બની શકશે. છેલ્લા સવા વર્ષથી વીગન છું. લોકો કહે કે કૅલ્શિયમની ઊણપ લાગે તો આમ પણ પચાસ વરસ પછી મોટા ભાગે દરેક કૅલ્શિયમની ગોળીઓ ખાતા જ હોય છે. અને શાકાહારીઓ માટે બી૧૨ તો ઉપરથી જ લેવું પડે. એ હું લઉં છું. હું વીગન થઈ એટલે મારા પતિ કેતન પણ વીગન બની ગયા. ઘરમાં તો ક્યારેય અમને તકલીફ થઈ નથી. હું દરેક વાનગી વીગન બનાવતા શીખી, પણ બહાર કોઈના ઘરે જઈએ ત્યારે તકલીફ થાય. મને કોઈને તકલીફ આપવી ગમે નહીં એટલે ચમચી ખાઈ લઉં કે ઑલ્ટરનેટિવ શોધી લઉં. મારો કોઈ આગ્રહ નથી હોતો કે બીજાએ પણ વીગન બનવું જોઈએ. બહાર હોટેલમાં જમવામાં કોઈ તકલીફ ન થાય. હોટેલવાળાને કહી દેવાનું બટર કે ઘી વિનાની વાનગી બનાવે. ઇડલી, ઢોસા, ચટણી, સાંભાર તો ખાઈ જ શકાય. પ્લેન રોટી મળે જ. શાક પણ બટર, પનીર વિનાનું હોઈ શકે. કંઈ નહીં તો દાળભાત તો મળી જ રહે. પણ હવે મુંબઈ જેવા શહેરમાં જાગૃતિ આવી છે. અનેક વીગન હોટેલો છે અને સાદી હોટેલવાળા પણ કેટલીક વાનગી વીગન રાખતા થઈ ગયા છે. આઇસક્રીમ પણ વીગન મળી રહે છે મુંબઈમાં. પેલો પૉપ વીગન આઇસક્રીમ મને ગમે છે. નહીં તો ઑરેન્જ કે મૅન્ગો જેવા વૉટરબેઝડ આઇસક્રીમ ખાઈ જ શકાય છે. આહારવેદા અને અર્થલિન્ક મારી ફેવરિટ વીગન રેસ્ટોરાં છે’



જાગૃતિ ફડિયા, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બિઝનેસ વુમન અને કવયિત્રી


થેપલાં, ઉપમા અને પૌંઆએ એવરેસ્ટ સર કરવાની શક્તિ આપી

૨૦૦૧ની સાલમાં કુંતલ અમેરિકા કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કરવા ગયો ત્યારે તે ફક્ત શાકાહારી હતો, વીગન નહોતો. સાથે ભણતા સહાધ્યાયીએ મને સવાલ કર્યો કે ડેરી પ્રોડક્ટ્સ માટે જેટલી ક્રૂરતા આચરવામાં આવે છે એનો તને વાંધો ન હોય તો તારી જાતને શાકાહારી કઈ રીતે કહી શકે? વાત તો સાચી હતી એટલે મેં વીગન બનવાનું નક્કી કર્યું.


માઉન્ટેનિયરિંગ માટે લોકોએ મને ઈંડાં, માંસ ખાવાની સલાહ આપી હતી, પણ મને તો થેપલાં, ઉપમા અને પૌંઆએ એવરેસ્ટ સર કરવાની શક્તિ આપી. મેં શેરપા કુક સાથે મળીને વીગન પીત્ઝા, બર્ગર, કેક બનાવતાં શીખી લીધું હતું. અને હવે તો લોકો જાગૃત થયા હોવાથી વીગન રેસ્ટોરાં મુંબઈમાં મળી રહે છે. અર્થ કૅફે અને ચાપ કી છાપ એ બે મને ગમતી વીગન રેસ્ટોરાં છે. આજે તો મારા ઘરમાં લગભગ બધા જ વીગન છે અને ઘરે વિવિધ વીગન વાનગીઓ બને જ છે. જાતે કાજુ, શિંગ, કોપરા વગેરેના દૂધમાંથી દહીં અને અન્ય વાનગીઓ બનાવતાં શીખી લીધું છે. શરૂઆતમાં કોઈના ઘરે મહેમાન બનીને જવાનું થાય તો તકલીફ થતી, પણ બીજાને તકલીફ આપવી ન ગમતું હોવાથી હું કોઈ આગ્રહ ન રાખતો. તેમની પસંદગીનો આદર કરતો એટલે પછી ધીમે-ધીમે લોકો મારી પસંદગીનો આદર કરતા થયા.

કુંતલ જોઇશર, માઉન્ટેનિયર (નૉર્થ અને સાઉથ બન્ને સાઇડથી એવરેસ્ટ સર કરનારો વિશ્વનો સૌપ્રથમ વીગન)

વીગન આઇસક્રીમ અને કેક બધું જ વાઇફ ઘરે બનાવે છે એટલે બહાર જવું જ નથી પડતું

જૈન હોવાથી અહિંસામાં તો માનતો જ હતો, પણ ક્યારેય વિચાર્યું નહોતું કે ગાયનું કે ભેંસનું દૂધ પણ હિંસક હોઈ શકે. પાંચ વરસ પહેલાં મને એના વિશે વિગતે માહિતી મળી ત્યારથી મેં દૂધ અને એની બનાવટો ભોજનમાં લેવાનું બંધ કર્યું. મારાં પત્ની માટે એ સ્વીકારવું સહેલું નહોતું. તેમનું કામ વધી જતું હતું. આપણે વરસોથી શાકાહારી છીએ અને જૈન હોવાને કારણે કાંદા, લસણ અને બટાટા પણ નથી જ ખાતા. મારા માટે તો દૂધની બનાવટ એક વધુ નિષેધ બની. ધીમે-ધીમે મારી પત્નીએ પણ સ્વીકારી લીધું અને તે પોતે પણ વીગન બની. મારી બે દીકરીઓ અને જમાઈ પણ વીગન બની ગયાં. હા, મારાં માતાપિતાની ઉંમર વધુ છે અને હવે આ ઉંમરે તેમની જીવનપદ્ધતિ બદલાવવી શક્ય નહોતું. એટલે તેમના પૂરતું દૂધ, દહીં ઘરે આવે. અમે બહાર જમવા જતાં નથી. મારાં પત્ની વીગન બન્યા બાદ ઘરે જ વીગન આઇસક્રીમ અને કેક બનાવીએ છીએ. વીગન દહીં, છાશ પણ ઘરે બને છે. બહારગામ જઈએ કે કોઈના ઘરે જઈએ તો દાળ, ભાત, રોટલી, શાક તો મળી જ રહે. કઢી હોય તો શાક અને ભાત ખાઈએ. ટોટલી અહિંસક બન્યાનો આનંદ એટલો છે કે કોઈ તકલીફ લાગતી જ નથી.

અતુલ દોશી,  ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

મુંબઈમાં વીગન ફૂડના અઢળક ઑપ્શન છે

જૈન પરિવારમાં ઊછરી હતી અને જીવમાત્ર માટે કરુણાભાવ બાળપણથી જ હતો. ગૌશાળા અને ગાયનું દૂધ તો બહુ સારું એવું માનતી. ૧૬-૧૭ વર્ષની હતી ત્યારથી જ પ્રાણીઓ પર થતી ક્રૂરતા માટેના બચાવકાર્યમાં હું જોડાયેલી. જોકે હજી ચારેક વર્ષ પહેલાં જ મેં ડેરી ઉદ્યોગમાં ગાયો સાથે કામગીરીની ડૉક્યુમેન્ટરી જોઈ અને હલબલી ગઈ. મેં એ જ ઘડીએ વીગન થવાનું નક્કી કરી લીધું. મને એ વખતે પાચનની તકલીફો, બ્લોટિંગ, પિરિયડ્સ પેઇન અને લો-એનર્જી લેવલની સમસ્યા હતી જ. મને એમ કે વીગન જીવનશૈલીથી એ વધશે, પણ હકીકતમાં ત્રણેક મહિના પછી આ સમસ્યા આપમેળે ગાયબ થઈ ગઈ.

ચા છોડવામાં તકલીફ હતી, પણ એ તો કોપરા કે કાજુના દૂધમાં બની જાય છે. એ પણ પાંચ મિનિટમાં જાતે જ તૈયાર કરી લઈ શકાય છે. બહાર ખાવા જવામાં મને આજદિન સુધી કોઈ તકલીફ નથી પડી. કંઈ જ ન મળે તો સાઉથ ઇન્ડિયન ફૂડ બાય ડિફૉલ્ટ વીગન હોય જ. મારું ફ્રેન્ડસર્કલ પણ ફૂડી છે અને અમને કદી વીગન ફૂડ મેળવવામાં તકલીફ નથી પડી. અંધેરીનું અર્થલિંગ કૅફે અને આહારવેદા મારા મતે બેસ્ટ ઑપ્શન છે.

-શ્વેતા સાવલા, ઍનિમલ રાઇટ ઍક્ટિવિસ્ટ

વીગન બનવાથી મને નવું જીવન મળ્યું છે એવું કહી શકાય

૨૦૧૫ પહેલાં મારું વજન ૮૬ કિલો હતું અને મને કબજિયાતની સમસ્યા હતી. અનેક ડૉક્ટરોને મળ્યો, કેટલીયે દવાઓ કરી પણ મારી સમસ્યાને કોઈ સમાધાન મળતું નહોતું. એ સમયે મને એક ડૉક્ટર મળ્યા. તેમણે કહ્યું કે તને કોઈ દવાની જરૂર નથી પણ તારે જમવામાં દૂધ અને દૂધની બનાવટ બંધ કરવાની જરૂર છે. અને એ માટે તારે પ્રયત્ન કરવો પડશે. મારી પાસે ફરી વખત આવવાની જરૂર નથી, કારણ કે કોઈ દવા તને અસર કરતી નથી. મારા માટે આ છેલ્લો ઉપાય હતો. મરતા ક્યા  ન કરતા એટલે મેં વીગન થવાનું નક્કી કર્યું. એમાં સૌથી મોટી સમસ્યા હતી ઘરના લોકોને અને મિત્રોને સમજાવવા. મારાં મમ્મીને જમવામાં ઘી અને દૂધ નાખવાની ના કહી તો કહે એમાં શું, આટલાં વરસોથી ખાતો હતો એ ખાઈ લે. પણ મેં મન મક્કમ કરી લીધું હતું એટલે કહી દીધું કે દૂધ, દહીં, ઘી કે પનીરવાળું હું નહીં જ જમું. ત્યાર બાદ તેમણે પણ મને મદદ કરવા લાગી. મિત્રો સાથે બહાર જાઉં ત્યારે શરૂઆતમાં મિત્રો મજાક ઉડાવતા હતા. પછી તેમને સમજાયું કે હું મક્કમ છું તો ઇગ્નૉર કરવા લાગ્યા અને હવે કેટલાક મિત્રો તો મારી સલાહ લે છે વીગન બનવા માટે. શરૂઆતમાં ત્રણ મહિના કર્યા બાદ મારી વરસો જૂની કબજિયાતની સમસ્યા દૂર થઈ. મારું વજન પણ ઊતરી ગયું અને આજે હું ૬૫ કિલોનો જ છું. વીગન બનવાથી મને નવું જીવન મળ્યું છે એવું કહી શકાય. બહાર જાઉં તો પણ ખાસ વાંધો નથી જ આવતો અને હવે તો દસેક વીગન રેસ્ટોરાં મુંબઈમાં છે. રેર અર્થ ખારમાં આવેલી રેસ્ટોરાં મારી ફેવરિટ છે. દરરોજ હું જુદી-જુદી જાતના દૂધ અને સ્મૂધી જાતે બનાવીને પીઉં છું. હા, એ બધું જ પ્લાન્ટ બેઝ્ડ હોય. સનફ્લાવર સીડ્સ, સોયા, આમન્ડ, કોકોનટ એમ મારી પાસે દૂધની અનેક પસંદગી આજે છે. સૌથી મોટી વાત એ કે હું સ્વસ્થ છું. એનર્જી મારી આખો દિવસ જળવાઈ રહે છે.

- ધ્રુવ સોલંકી, ફાઇનૅન્શિયલ કન્સલ્ટન્ટ

આર્થિક મુશ્કેલીઓ અને ચાર કૅન્સરમાંથી વીગનિઝમે ઉગાર્યા

કોઈક હેલ્થના બેનિફિટ માટે વીગન બને, કોઈક જીવદયા માટે તો કોઈ પર્યાવરણ માટે, પણ હું ફાઇનૅન્શિયલ કારણસર વીગન બન્યો. એ પણ ૩૦ વર્ષ પહેલાં. એ વખતે હું અમેરિકામાં બિઝનેસ કરતો હતો અને જબરદસ્ત ફાઇનૅન્શિયલ ક્રન્ચમાં હતો. નાદારી નોંધાવવાના આરે હતો. એ વખતે કઝિનનાં લગ્ન માટે હું મુંબઈ આવ્યો અને એમાં અકબરઅલી જેઠા નામના એક વક્તાએ ૩૦-૩૫ જણના ફૅમિલી-ફંક્શનમાં વીગનિઝમ પર પ્રવચન આપેલું. વાત માત્ર ભોજનશૈલી કે જીવનશૈલીની નહીં, પણ કર્મના સિદ્ધાંતની હતી. માંસાહાર કરી ચૂકેલા એ મુસ્લિમ ઓલિયાએ વીગનિઝમનું હાર્દ સમજાવતાં કહેલું કે જો તમે બીજા જીવો માટે ૧ ટકો હાર્મલેસ બનશો તો તમને ૧ ટકો બેનિફિટ મળશે અને ૧૦૦ ટકા હાર્મલેસ બનશો તો ૧૦૦ ટકા બેનિફિટ મળશે. આ બેનિફિટ માનસિક, શારીરિક, આધ્યાત્મિક અને ફાઇનૅન્શિયલી પણ રિફ્લેક્ટ થાય. ડૂબતો માણસ તરણું ઝાલે. મેં અને મારી પત્ની નયનાએ વીગન બનવાનું નક્કી કરી લીધું. એ વખતે અમેરિકામાં પણ વીગનિઝમની હજી શરૂઆત જ હતી, પણ વાંધો જરાય ન આવ્યો. મેં પોતે વીગન ફૂડ વેચવાનું શરૂ કર્યું અને હું આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવ્યો. વીગન બન્યો એ પહેલાં મારી કિડની ફેલ થવાના આરે હતી જે બચી ગઈ. વાત ત્યાં અટકતી નથી. વીગન બન્યા પછી પણ મને ચાર વખત કૅન્સર થયું છે અને ચારેય વાર કૅન્સરમાંથી હું વીગનિઝમને કારણે જ ઊગર્યો છું એમ કહું તો ચાલે. હાલમાં પણ મારા એક લંગનો પા ભાગ કાપી નાખેલો છે અને છતાં ૭૫ વર્ષની ઉંમરે હું ફુલ ઍક્ટિવ જિંદગી જીવું છું.  ખાવાપીવાની વાત કરું તો હવે બધું જ બહુ સરળ બની ગયું છે. વીગન હોવાથી અમુકતમુક ચીજ નહીં ખાઈ શકાય એવું રહ્યું જ નથી. દુનિયાભરમાં ફર્યો છું અને બધે જ વીગન ફૂડનો તોડ કાઢી લેવામાં વાંધો નથી આવ્યો. મુંબઈમાં તો અઢળક ઑપ્શન્સ મળે છે. અંધેરીમાં આહારવેદા, ખારમાં રેર અર્થ, મુલુંડમાં ઇમેજિન ફૂડ વીગન માટે ફૅન્ટૅસ્ટિક છે.

સાચું કહું તો હાર્મલેસ, ટ્રુથફુલ અને ઇગોલેસ જિંદગી જીવવી એ ખરેખર વીગનિઝમનું હાર્દ છે.

- હર્ષદ પારેખ, રિટાયર્ડ બિઝનેસમૅન

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 04:08 PM IST | મુંબઈ | દિવ્યાશા દોશી અને સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK