ચાલો આસનોથી ઍટિટ્યુડને રીવૅમ્પ કરીએ

Published: Jan 09, 2020, 15:58 IST | Ruchita Shah | Mumbai

હા જી, યોગનાં વિવિધ આસનો માત્ર શરીરને નહીં પણ આપણા માઇન્ડસેટને પણ પ્રભાવિત કરે છે. જેમ કે આગળ ઝૂકવાનાં આસનો જો વ્યવસ્થિત કરવામાં આવે તો વ્યક્તિમાં નમ્રતાનો ગુણ વિકસે છે.

યોગા
યોગા

હા જી, યોગનાં વિવિધ આસનો માત્ર શરીરને નહીં પણ આપણા માઇન્ડસેટને પણ પ્રભાવિત કરે છે. જેમ કે આગળ ઝૂકવાનાં આસનો જો વ્યવસ્થિત કરવામાં આવે તો વ્યક્તિમાં નમ્રતાનો ગુણ વિકસે છે. એવી જ રીતે બૅકવર્ડ બૅન્ડિંગનાં આસનો હીનતાના ભાવને દૂર કરે છે. આજે જાણીએ કે કયાં આસનોની માનસપટ પર ચોક્કસ કેવી અસર થતી હોય છે.

યોગ વિશ્વના નિષ્ણાતો કહે છે કે મહર્ષિ પતંજલિએ સાઇકોલૉજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રદાન કર્યું છે. તેમનાં હજારો વર્ષ પહેલાં કહેવાયેલાં સૂત્રો આજે પણ એટલાં જ ઉપયુક્ત અને સાપેક્ષ છે. તેમણે જે પણ વાતો કરી એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માઇન્ડ તો આવે જ છે. આસનના સંદર્ભમાં તેમણે કહ્યું છે કે ‘સ્થિરમ્ સુખમ્ આસનમ્’ એટલે કે સુખપૂર્વક સ્થિરતા સાથે જેમાં રહી શકાય એ. આસનના લાભ વિશે તેઓ કહે છે કે જે દ્વંદ્વનો, કશ્મકશનો, મનમાં ચાલતા વિરોધાભાસી વિચારોના પ્રવાહનો ક્ષય કરે એ આસન. આસનોના ફિઝિકલ બેનિફિટ્સ પર ભરપૂર ચર્ચા થતી રહી છે, પણ આસનોના કારણે જે સાઇકોલૉજિકલ બદલાવ આપણી અંદર આવે છે એના વિશે ભાગ્યે જ વાતો થાય છે. આજે આપણે જોઈએ કે આસનો આપણા ઍટિટ્યુડને કઈ રીતે અસર કરે છે.

યોગનો પાયો સંવાદિતા એટલે કે હાર્મની છે. હાર્મનીનો અર્થ એ થાય કે જો શરીર સ્વસ્થ થતું હોય તો મન પણ સ્વસ્થ થવા માંડે. મન જો સ્વસ્થ હોય તો ઍટિટ્યુડમાં પણ સ્વસ્થતાનાં દર્શન થાય. આટલાં હજાર વર્ષો પસાર થયા પછી પણ યોગ આજે લોકોને આકર્ષિત કરે છે અથવા તો એ સર્વાઇવ થઈ રહ્યા છે એનું કારણ છે એની  સર્વવ્યાપક અકસીરતા. આ સંદર્ભે સૂર્યનમસ્કારના પ્રચારક અને યોગગુરુ અનિલ આશર કહે છે, ‘વિવિધ આસનોની આપણી સાઇકોલૉજી પર સો ટકા અસર થાય છે. મેડિકલ સાયન્સના નિષ્ણાતો પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે કે પૉશ્ચર આપણા ઍટિટ્યુડને પ્રભાવિત કરે છે. હું મારા પ્રત્યક્ષ અનુભવ પરથી કહું છું કે અમે એવા ઘણા કેસ સૉલ્વ કર્યા છે જેમાં અમુક ખાસ પ્રકારનાં આસનોને કારણે વ્યક્તિના ઍટિટ્યુડમાં પણ બદલાવ આવ્યો હોય એટલે માત્ર સેલ્યુલર લેવલ પર નહીં પરંતુ સાઇકોલૉજિકલ લેવલ પર પણ યોગની ઉપયોગિતા અકલ્પનીય છે.’

તમે કોઈથી કમ નથી એ ભાવ સ્ટ્રૉન્ગ કરશે આ આસનો

દુનિયામાં દરેક વ્યક્તિ યુનિક છે. દરેકમાં ઈશ્વરે કોઈ ને કોઈ ખૂબી મૂકી છે, પરંતુ ઘણી વાર આપણે આપણી અંદરની ખૂબીને ઓળખી નથી શકતા અને બીજાની ખૂબીઓથી અંજાઈને જાતને ઊણી માનવા માંડીએ છીએ. જાણતાં કે અજાણતાં આપણે એવું ન કરીએ એનો ઇલાજ યોગ આસનોમાં છે. અહીં યોગ નિષ્ણાત ડૉ. રક્ષા વાઢૈયા કહે છે, ‘હાથ ખોલીને એને સ્ટ્રેચ કરવા, હાથને ઉપરની તરફ ખેંચવા અને બૅકવર્ડ બેન્ડિંગ કરવું આ બધું જ સેલ્ફ-એસ્ટીમ બૂસ્ટ કરનારું છે, કારણ કે જ્યારે તમે પાછળની તરફ બેન્ડ થાઓ છો ત્યારે તમારી છાતીનો હિસ્સો ખૂલે છે, શ્વાસોચ્છવાસની ક્રિયા બહેતર બને છે. ૫૬ની છાતી હોય તો આત્મવિશ્વાસ તો બહેતર થવાનો જને. તમે જાત માટે ગૌરવ અનુભવો છો. જાણે તમે કંઈક અચીવ કર્યું છે એવો સ્ટ્રૉન્ગ ભાવ તમારામાં જન્મે છે. યોગની ભાષામાં એને ઐશ્વર્ય ભાવ ડેવલપ થયો કહેવાય. તમારામાંથી દીનતા, બિચારાપણું વગેરે નેસ્તનાબૂદ થઈ જાય છે.’

અનિલભાઈની દૃષ્ટિએ તાડાસન, વૃક્ષાસન અને પર્વતાસન પણ એમાં હેલ્પ કરશે. યોગગુરુ બી. કે. એસ. આયંગર કહેતા કે ડિપ્રેશન, સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટીના દરદીઓ માટે બૅકવર્ડ બેન્ડિંગનાં આસનો શ્રેષ્ઠ પરિણામ આપે છે. ઇમોશનલી નબળી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય અને ઇમોશનલી અસ્વસ્થ હોય એ લોકોએ માથું નીચે અને પગ ઉપર રહે એવાં સર્વાંગાસન, હલાસન, પર્વતાસન આસનો કરવાં જોઈએ.

અદેખાઈ અને ઈર્ષ્યાથી કેમ છૂટશો?

વ્યક્તિ પોતાને સર્વશ્રેષ્ઠ માને અને પોતાની મર્યાદાને સમજ્યા વિના અન્યોની સિદ્ધિ માટે અંદરખાને વ્યથિત થાય ત્યારે ઈર્ષ્યા, અહંકાર, અદેખાઈ, ક્રોધ, બદલાની ભાવના જેવા દોષો જન્મતા હોય છે. એવા સમયે શું કરવું એ વિશે અનિલભાઈ કહે છે, ‘સિમ્પલ સોલ્યુશન ઃ ઝૂકવાનું. નમે એ સૌને ગમેવાળી નીતિ અહીં કામની છે. આગળ ઝૂકવાનાં આસનો અહંકારને ઘટાડવા માટે વ્યક્તિમાં નમ્રતાનો ભાવ લાવવા માટે અને એકબીજા પ્રત્યે સહિષ્ણુતા લાવવા ખૂબ જ ઉપયોગી છે. ઓવરઑલ પણ યોગમાં તમે જોશો તો આગળ ઝૂકવાનાં આસનોનું પ્રમાણ વધારે છે એનું કારણ પણ એ જ છે કે જો નમ્રતાનો ભાવ નહીં હોય તો જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કે કોઈ પણ સાધનામાં આગળ વધવું મુશ્કેલ છે.’

ઈવન આપણે જ્યારે ભગવાન સમક્ષ જઈએ છીએ ત્યારે પણ નતમસ્તક થઈને આગળની તરફ ઝૂકીએ છીએ જે આપણી અંદરના સમર્પણભાવને ઉજાગર કરે છે. અહીં યોગ નિષ્ણાત ડૉ. રક્ષા વાઢૈયા કહે છે, ‘લુઇસ હે નામના ઑથરે લખેલી યુ કૅન હીલ નામના પુસ્તકમાં તેમણે કયા પ્રકારની સાઇકોલૉજિકલ અવસ્થામાં કેવા રોગો થાય એનું સરસ વર્ણન કર્યું છે. ફિઝિકલ, મૉનિટરી અને ઇમોશનલ ઇન્સિક્યૉરિટી હોય ત્યારે પીઠનો દુખાવો થઈ શકે એવું તેઓ લખે છે. સ્પાઇનની હેલ્થ મહત્ત્વની છે અને આગળ ઝૂકવાનાં આસનોમાં કરોડરજ્જુને સપોર્ટ મળે છે. જ્યારે કરોડરજ્જુને આધાર મળે ત્યારે જાણે આપણા આખા અસ્તિત્વને આધાર મળી ગયો હોય એવી માનસિક શાંતિ થાય છે અને સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવે છે.’

એ સિવાય આગળ ઝૂકવાનાં આસનો વ્યક્તિમાં ધીરજ, એકાગ્રતા અને જતું કરવાની માનસિકતાને પણ બૂસ્ટ કરે છે. આગળ ઝૂકવાનાં આસનો ભૂતકાળને પાછળ છોડી ભવિષ્યની દિશામાં આગળ વધવા માટે તૈયાર કરે છે. આપણા છ મુખ્ય શત્રુ - કામ, ક્રોધ, લોભ, મદ એટલે કે નશો, અભિમાન અને મત્સર એટલે કે ઈર્ષ્યાને દૂર કરવામાં આગળ ઝૂકવાનાં આસનો શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.

જડતાને દૂર કરવા કરી શકાય આ આસનો

શરીરની જેમ જ જીવનમાં પણ ફ્લેક્સિબિલિટી ખૂબ જરૂરી છે. અમુક ઉંમર પછી અથવા જીવનના કેટલાક અનુભવો પછી આપણા જીવનમાં જડતા આવી જતી હોય છે. એને દૂર કરવા માટે ટ્વિસ્ટિંગ થતું હોય એવાં આસનો કરી શકાય. આ સંદર્ભે ડૉ. રક્ષા કહે છે, ‘ટ્વિસ્ટિંગમાં કરોડરજ્જુ જાણે કપડાં નિચોવતા હોઈએ એમ વલોવાય છે. કરોડરજ્જુમાં રહેલું બધું જ સ્ટ્રેઇન અને સ્ટ્રેસ દૂર થાય છે. સ્પાઇન ફ્લેક્સિબલ થાય છે. એ જ રીતે માઇન્ડમાં પણ ફ્લેક્સિબિલિટી આવે છે. મગજમાં ઘર કરી ગયેલી જડતા ઘટે છે. નવાનો સ્વીકાર ઝડપથી કરી શકીએ છીએ અને આગળ વધવા માટેના મેન્ટલ બ્લૉક્સ પણ દૂર થાય છે. પૂર્વગ્રહોને છોડવા માટે પણ ટ્વિસ્ટિંગ આસનો શ્રેષ્ઠ પરિણામ આપે છે.’

જ્યારે તમે પાછળની તરફ બેન્ડ થાઓ છો ત્યારે તમારી છાતીનો હિસ્સો ખૂલે છે, શ્વાસોચ્છવાસની ક્રિયા બહેતર બને છે. ૫૬ની છાતી હોય તો આત્મવિશ્વાસ તો બહેતર થવાનો જને.

ડૉ. રક્ષા વાઢૈયા

આગળ ઝૂકવાનાં આસનો અહંકારને ઘટાડવા માટે વ્યક્તિમાં નમ્રતાનો ભાવ લાવવા માટે અને એકબીજા પ્રત્યે સહિષ્ણુતા લાવવા ખૂબ જ ઉપયોગી છે

- અનિલ આશર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK