Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભાતભાતની ભાખરવડી

ભાતભાતની ભાખરવડી

23 November, 2020 02:47 PM IST | Mumbai
Pooja Sangani

ભાતભાતની ભાખરવડી

ભાતભાતની ભાખરવડી


ભાખરવડી એટલે શું એ કાંઈ પૂછવાની જરૂર છે? તમને એવો સવાલ થશે, પરંતુ મારે તમને કહેવું છે કે એની બનાવવાની પદ્ધતિ અને મસાલો અલગ-અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે બેસનના રોટલા બનાવીને અંદર સૂકો મસાલો ભરીને એને ગોળ વાળીને પછી એકસરખા કટકા કરીને તળી લેવામાં આવે છે. આથી ઉપરથી પીળી અને વચ્ચેથી મરૂન રંગ પકડે છે. એ સૂકી અને લીલી બેય પ્રકારની મળે છે. સૂકી ભાખરવડી મહિનાઓ સુધી બગડતી નથી, જ્યારે લીલી ભાખરવડી એક સપ્તાહથી વધારે રખાય નહીં. ભાખરવડી હવે તો મોટી નમકીન ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓ પણ ૧૦ રૂપિયાના પડીકામાં વેચે છે, પણ ગુજરાતમાં કેટલીક એવી ખાસ જગ્યા છે જ્યાંની ભાખરવડી એક વાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે.

જગદીશની ભાખરવડી
વડોદરાની ભાખરવડીની વાત કરીએ તો વડોદરાની ભારખવડી ખૂબ વખણાય છે અને એ લીલી ભાખરવડી હોય છે એટલે કે એની અંદર લીલા નારિયેળ, તલ, લસણનો ભૂકો, આમચૂર પાઉડર અને બીજા મસાલા હોય છે. વડોદરામાં સૂકી ભાખરવડી, બટર મિની ભાખરવડી અને ગાર્લિક ફ્લેવરની પણ મળે છે, પરંતુ કહેવાય છે કે વડોદરામાં જગદીશ ફરસાણની (અસલી) દુકાનવાળાઓ પાંચ પેઢીથી આ વેપાર કરે છે અને તેમની ભાખરવડી બહુ ટેસ્ટી હોય છે. મૂળ તો મહારાષ્ટ્રની વાનગી હોવાનું કહેવાય છે અને પુણેના ચિતળે બ્રધર્સની સૂકી ભાખરવડી ખૂબ વખણાય છે. ખૂબ જ ક્રિસ્પી હોય છે અને નવરા બેઠા હોય ત્યારે ૫૦૦ ગ્રામ ભાખરવડી ખાઈ જાઓ તોય ખબર જ ન પડે કે કેટલી ખાઈ ગયા.
વડોદરામાં લીલી અને સૂકી ભાખરવડી મળે અને એ સ્વાદમાં તીખી પણ ઘણી હોય છે. લીલી ભાખરવડીમાં ભરપૂર પ્રમાણમાં લીલાં મરચાં નાખવામાં આવે તો એ ખૂબ જ તીખી લાગે અને આવો ટેસ્ટ ધરાવતા લોકોને ટેસડો પડી જાય છે. લાંબી લગભગ બે ઇંચની બે કે ત્રણ ભાખવડી ખાઈ જાઓ એટલે નાસ્તો પૂરો થઈ જાય. ચા સાથે એનો અદ્ભુત ટેસ્ટ આવે છે. વડોદરાની જ ભાખરવડીની અસર આણંદ અને ખેડા જિલ્લાના નડિયાદમાં જોવા મળે છે.
નડિયાદમાં સુખડિયા ગરબાદાસ બાપુજી નામની પાંચ દાયકા જૂની આ પેઢીની ભાખરવડી ખૂબ પ્રખ્યાત છે. ત્યાં બીજી પણ  અલગ-અલગ દુકાનોમાં લીલી ભાખરવડી બહુ ટેસ્ટી હોય છે. બહારગામ જાઓ ત્યારે લોકો બે-ત્રણ કિલો ભાખરવડી લઈ જાય છે. પ્રવાસ દરમ્યાન આરોગવાની મોજ જ કંઈક અલગ છે, કારણ કે લીલા નારિયેળની છીણ, લીલાં મરચાં, લસણ અને તલના સ્વાદનો અદ્ભુત સંગમ થાય છે.



જૈન ફરસાણમાં ભાખરવડી
અમદાવાદમાં ભાખરવડીની કોઈ સ્પેશ્યલ ખાસિયત ધરાવતી બહુ દુકાનો નથી, પરંતુ જૈન સમુદાયના રસોઈયાઓ દ્વારા બનાવવામાં આવતી ભાખરવડી અદ્ભુત હોય છે. એમાં લસણ હોતું નથી અને એ એક રોટલી જેવી સાઇઝની એટલે કે પાંચ કે છ ઇંચ જેટલી હોય છે. વચ્ચે બે-બે ઇંચના અંતરે કાપા હોય છે અને એ તલ અને સૂકા મસાલાથી ભરપૂર હોય છે. એમાં મુખ્યત્વે લીલું નારિયેળ હોતું નથી. શહેરના ઝવેરીવાડ અને પાલડી વિસ્તારમાં આ ભાખરવડી ખૂબ મળે છે. જૈનોને જ્યારે ચોમાસાના ચાર મહિનામાં સૂકું ભોજન જ ખાવાનું હોય ત્યારે આ ભાખરવડીની ખૂબ ડિમાન્ડ હોય છે. તલથી ભરપૂર આ ભાખરવડીનું મારે વધારે વર્ણન એટલા માટે નથી કરવું, કારણ કે એ ખાઓ તો જ એની ખાસિયત વિશે ખ્યાલ આવે. સૂકી ભાખરવડી મહિના જેટલો સમય ચાલે છે. ઝવેરીવાડ ખાતે ઊંચા ઓટલાવાલી જૈન ફરસાણની દુકાનમાં તો બારેમાસ મળે છે અને રોજેરોજ ખપ પૂરતી જ બનાવવામાં આવે છે. એટલે જો સવારે વહેલા અને સાંજે મોડા જાઓ તો ભાખરવડી મળે જ નહીં. ચુસ્ત જૈનો રેફ્રિજરેટરમાં ઠંડો કરેલો દૂધપાક ખાતા નથી. તેઓ દૂધપાક ગરમ જ ખાય એટલે કે પીરસે ત્યારે હૂંફાળો હોય અને ચોખા અધકચરા વાટી લીધેલા હોય છે. આ હૂંફાળા દૂધપાકની સાથે તીખી ભાખરવડી બહુ ટેસ્ટી લાગે. બહુ સરસ કૉમ્બિનેશન હોય છે. કોઈક દિવસ પ્રયત્ન કરી જોજો, મોજ પડી જશે. બાકી તો બીજે ફરસાણની દુકાનોમાં ભાખરવડી મળે છે, પરંતુ એ ભારે તીખી હોય છે.


સૌરાષ્ટ્રમાં પણ ભાખરવડી
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનું લાઠી ગામ જે સુપ્રસિદ્ધ કવિ કલાપીનું ગામ છે ત્યાંની શ્રી ખોડિયાર ભાખરવડી હાઉસની લાઇવ ભાખરવડી ખૂબ અદ્ભુત હોય છે. બહુ ઓછી જાણીતી જગ્યા છે, પરંતુ રાજકોટના સ્થાનિક લોકો જ્યારે અમરેલી આવે છે ત્યારે અહીંની લાઇવ ભાખરવડી ખાવાનું ભૂલતા નથી. આ દુકાનના સંચાલક અશોકભાઈ જણાવે છે, ‘અમે આ ધંધામાં ૨૬ વર્ષથી છીએ અને લોકોને અમારી ભાખરવડી એટલી પ્રિય છે કે તેઓ તેમના વિદેશી સગાંઓને સિંગાપોર, ઑસ્ટ્રેલિયા વગેરે દેશમાં પાર્સલ મોકલે છે. અમારે ત્યાંની ભાખરવડી બધાથી અલગ છે એનું કારણ એ છે કે અમે તાજી અને નજર સામે લાઇવ ગરમાગરમ બનાવીએ છે અને એ એક મહિના સુધી બગડતી નથી. બીજું, અમે અહીં જે લાઇવ ભાખરવડી બનાવીએ છે એની સાથે અમે ગોળ-આમલીની ગળચટ્ટી ચટણી પીરસીએ છીએ જેનો સંગમ થતાં જ ઘરાકને અફલાતૂન સ્વાદનો અનુભવ થાય છે. અમારે ત્યાં કુલ ચાર પ્રકારની ભાખરવડી બને છે અને વધુ મિની અને લાઇવ વેચાય છે. નાની શિંગ ભજિયા જેવી મિની ભાખરવડી લોકો મુઠ્ઠી ભરીને ખાતા હોય છે અને એની મજા લેતા હોય છે. એક કિલોમાં ૨૦૦૦ જેટલા નંગ આવે છે અને ઘરમાં રાખો તો મહિના સુધી બગડતી નથી. ટેલિવિઝન જોતાં-જોતાં બાળકોથી માંડીને વૃદ્ધ વયના લોકોને ખાવાની અલગ જ મજા આવે છે.’ 
તમારે ત્યાં કોઈ લાઠી રહેતું હોય તો તમે મગાવીને ખાઈ શકો.

મહેસાણામાં
સહયોગની ભાખરવડી
અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ જઈએ તો મહેસાણા શહેરની બહાર આવેલી સહયોગ કર્મચારી સહકારી મંડળી લિમિટેડ એટલે કે મહેસાણાની દૂધ સાગર ડેરી છે અને એના કર્મચારીઓએ પોતાની સહકારી મંડળી બનાવી છે અને તેઓ મીઠાઈ અને ફરસાણ બનાવે છે, પરંતુ ભાખરવડીનો સૌથી
વધારે ઉપાડ હોય છે. એની અનોખી ભાખરવડી હોય છે જેની રેસિપી બીજાથી અલગ હોય છે. એ કડક નથી હોતી, પરંતુ નરમ હોય છે અને અદભુત સ્વાદ હોય છે. પોચી ભાખરવડી નાસ્તો અને ભોજન બન્નેની ગરજ સારે છે. નાનકડી એક-એક ઇંચની ભાખરવડી તાજી જ મળે છે. એમાં નારિયેળ સાથે આખા તેજાનાની સાથે સ્ટફિંગ શેનું બનાવેલું હોય છે એનો અંદાજ નથી આવતો, પરંતુ એના જેવો સ્વાદ કોઈ બીજાને ત્યાં મળતો નથી. જો તમે સહયોગમાં ભાખરવડી ખરીદવા જાઓ તો મોહનથાળ પણ લઈ જ લેવો. બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતેના વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં પ્રસાદમાં મોહનથાળમાં અનેરી કુદરતી મીઠાશ હોય છે, પરંતુ સહયોગનો મોહનથાળ ખાઓ તો પણ તમને એની અનેરી મીઠાશ માણવા મળશે. બે પ્રકારના મોહનથાળ મળે છે અને અંબાજી તરફ જો પ્રવાસમાં જતા હો તો આ ભાખરવડી અને મોહનથાળ ખાસ લઈ જજો, જેથી પ્રવાસ દરમ્યાન ખાવાની મજા જ મજા. સહયોગની બાજુમાં જ દૂધ સાગર ડેરી જે અમૂલ ડેરીમાં જ માલ સપ્લાય કરે છે એથી અમૂલની તમામ દૂધની વસ્તુઓ મળી રહે છે. આથી ફ્લેવર્ડ મિલ્ક, છાશ, બિસ્કિટ કે બીજી મનગમતી વસ્તુઓ મળી રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2020 02:47 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK