Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > પૂરણપોળીનો આઇસક્રીમ મળે છે એ ખબર છે તમને?

પૂરણપોળીનો આઇસક્રીમ મળે છે એ ખબર છે તમને?

08 November, 2019 02:32 PM IST | Mumbai
Divyasha Doshi

પૂરણપોળીનો આઇસક્રીમ મળે છે એ ખબર છે તમને?

પૂરણપોળીનો આઇસક્રીમ

પૂરણપોળીનો આઇસક્રીમ


દાદરમાં પોર્ટુગીઝ ચર્ચ પાસે આવેલી આસ્વાદમાં આમ તો ઉડીપી, ચાટ, પીત્ઝા એમ બધું જ મળે છે, પરંતુ આ જગ્યા કોંકણના ઘરોમાં જે ઑથેન્ટિક સ્વાદ હોય એના માટે વધુ વખણાય છે. સાદાં વરણ-ભાત કે પોળા ઉસળ, ઝૂણખા-ભાકર, ડાળિંબ મિસળ જેવી મરાઠીસ્ટાઇલ વાનગીઓ અહીં અચૂક ચાખવી. આઇસક્રીમમાં પણ સીઝનલ વરાયટી એટલી ફેમસ છે કે લોકો ગુજરાતથી એ મગાવે છે.

દાદર એટલે મરાઠીઓનું હબ એમ કહી શકાય. એમાં પણ સેના ભવન એટલે શિવશાહી રાજકીય થાણું. બરાબર એની સામે આસ્વાદ નામની એક મહારાષ્ટ્રીયન રેસ્ટોરાં હતી. હતી એટલે કે હવે એણે થોડો સમય માટે જગ્યા બદલી છે. સેના ભવનની લાઇનમાં જ પોર્ટુગીઝ ચર્ચ તરફ આગળ જઈએ કે ચર્ચ આવે એ પહેલાં જ ડાબી તરફ ધ્યાનથી જોતા જવું પડે, કારણ કે નહીં તો આસ્વાદ ચુકાઈ જઈ શકે છે. જોકે હવે ગૂગલ મૅપ દ્વારા સ્થળ શોધવું સહેલું છે. એક મકાનના કમ્પાઉન્ડમાં દાખલ થઈને આસ્વાદ સુધી પહોંચાય છે. મરાઠી રેસ્ટોરાંની સાદી ઓળખથી જુદી કુશાંદે વાતાવરણ તમારું સ્વાગત કરે. કુશાંદે એટલે કે એસીવાળુ ઠંડું વાતાવરણ. પીળી લાઇટ અને નકલી પણ લીલાં પાન અને સુંદર ફૂલોની સજાવટ વાતાવરણ સુંદર બનાવે છે. લગભગ  સિત્તેરએક જણ બેસી શકે. બેઠકરચનાઓ દરેકને અનુકૂળ આવે એ રીતે બે, ચાર અને આઠની સંખ્યામાં છે. જગ્યાનો ઑપ્ટિમમ ઉપયોગ.



poli-01


હાલમાં શિવસેના રાજકીય ચર્ચામાં હોવાને કારણે નહીં, પણ મરાઠી વાનગીઓ માટે જ અમે આસ્વાદ પહોંચ્યા, પણ જાણવું જરૂરી છે કે આ રેસ્ટોરાંનું ઉદ્ઘાટન સ્વ. બાળાસાહેબ ઠાકરેએ કર્યું હતું ૧૯૮૬માં. સેના ભવનની સામે જે જગ્યાએ મૂળ આસ્વાદ હતું એ જગ્યા રિડેવલપમેન્ટમાં હોવાથી તાત્પૂરતું આ ઠેકાણું છે. રેસ્ટોરાંના કર્તાહર્તા સૂર્યકાન્ત સરજોશી કહે છે બસ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અમે મૂળ જગ્યાએ પહોંચી જઈશું. ૧૯૬૮માં શ્રીકૃષ્ણ ગણેશ સરજોશીએ મુંબઈ આવીને અન્ય હોટેલોમાં કામ કર્યા બાદ શુદ્ધ મરાઠી વાનગીઓ પીરસતી પોતાની હોટેલ આસ્વાદની શરૂઆત કરી હતી. ૧૯૯૯માં તેમના પુત્ર સૂર્યકાન્ત સરજોશીએ કારભાર સંભાળ્યો અને ધીમે-ધીમે એને આધુનિક હોટેલનું રૂપ આપ્યું. જોકે મરાઠી સંસ્કૃતિની જાળવણી કરવાનું છોડ્યું નથી.

મરાઠી ખાણાવળ હોવા છતાં અહીં ઉડિપી હોટેલમાં મળતી દરેક વાનગી મળે છે. એટલું જ નહીં; ભેલ, પાણીપુરી જેવા ચાટ પણ ખરા અને પીત્ઝા પણ મેન્યૂમાં જોઈ શકાય છે. એ છતાં આસ્વાદમાં જઈને મરાઠી વાનગીઓ જ ખાવી જોઈએ. બીજી બધી વાનગીઓ પણ સારી જ મળતી હશે, પણ અમે સ્ટ્રીકટલી મરાઠી વાનગીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. વાનગીઓની વાત કરતાં પહેલાં જણાવી દઈએ કે પોષ મહિનામાં અહીં ધુંધુર માસ ઊજવાય ત્યારે ઍડ્વાન્સમાં રિઝર્વેશન કરાવવું જરૂરી છે. એ દિવસોમાં સવારના સાતથી નવ દરમ્યાન ખાસ નાસ્તો પીરસાય જે કોંકણની સંસ્કૃતિ છે. આ પ્રથા અહીં બે વરસથી ચાલુ છે જેમાં બાજરીનું થાલીપીઠ, મેથકુટ અને સટોરી હોય એવું જણાવતાં સૂર્યકાન્ત કહે છે કે મુંબઈમાં આ ભુલાઈ ગયેલી પ્રથા મારે લોકોને યાદ દેવડાવવી છે. એમાં ખરેખર શું હોય એ જાણવા તમારે પોષ મહિનામાં આવવું રહ્યું.


poli-02

જૈનો માટે ખાસ ખબર કે અહીં ખાસ જુદું જૈન મેન્યૂ પણ છે. એમાં મરાઠી વાનગીઓ પણ જૈનોને અનુકૂળ આવે એ રીતે બનાવાય છે. થાળીપીઠ અને કોથમ્બીર વડી ખાસ જૈન મગાવ્યા તો સ્વાદ આહાહાહા. કાંદા, લસણ યાદ ન આવે. થાળીપીઠનો સ્વાદ અન્ય મહારાષ્ટ્રીયન હોટેલ કરતાં થોડો જુદો લાગ્યો. સૂર્યકાન્તભાઈ કહે છે કે ખાસ મારી દાદીની રૅસિપી છે. અમે કોંકણમાં જે રીતે ઘરમાં વાનગીઓ બનાવીએ એને વફાદાર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. જોકે એને વધુ પ્રેઝન્ટેબલ અને સ્વાદને વધુ એન્હાસ કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. સૂર્યકાન્તની વાત સાથે સહમત થવું જ પડે. મરાઠી રેસ્ટોરાં અને મિસળ ન હોય એવું તો બને જ નહીં. કાંદા અને લસણની સૂકી ચટણી સાથેનું મિસળ અહીં ઓછું તેલ અને ઓછું તીખું હોય. ડાળિંબ મિસળ એટલે કે નાના વાલનું મિસળ સ્વાદમાં ખરેખર સ્વાદિષ્ટ છે. પિઠલે ભાજી ભાકરી નામની ડિશમાં ફક્ત પિટલુ એટલે ઝૂણકા જ નહીં, પણ સાથે રીંગણનું મરાઠી સ્ટાઇલનું શાક અને સાથે માખણ, લાલ મરચાંની ઠેચા (ચટણી) સાથે એકદમ ઑથેન્ટિક કોંકણી એક વાનગી ડાંગર પીરસવામાં આવે છે. આ કંઈક નવું જ છે જે મુંબઈની કોઈ હોટેલમાં નથી મળતું.  અડદને શેકીને, પલાળીને, વાટીને કાંદા નાખીને પકાવ્યા વિના બનાવવામાં આવે. સાથે જવારની ભાકર અને ચોખાની રોટલી. જોકે એક જ ડિશમાં પેટ ભરાઈ જાય અને એક જ વસ્તુ ખાવાનો કંટાળો ન આવે. આવી જ બીજી વાનગી છે સ્પેશ્યલ પોળા ઉસળ. ચોખાની ઢોસા જેવી રોટલી, એની સાથે ચણાનું ઉસળ અને દૂધમાં ગોળ અને એલચી નાખીને સાથે પીરસાય. બે રોટલી હોય એમાંથી એક રોટલી ઉસળ સાથે અને એક રોટલી દૂધ સાથે લોકો ખાતા હોય છે. પણ એવું જરૂરી નથી કે તમે પણ એ જ રીતે ખાવ. મસાલા ભાતની સાથે રસાદાર મિક્સ શાક અને મહારાષ્ટ્રીયન સ્ટાઇલની કઢી કે જેમાં ગળપણ ન હોય. તમારે સાદું સિમ્પલ ખાવું હોય તો વરણ-ભાત જરૂર ટ્રાઇ કરજો. વરણ એટલે દાળ જેમાં ફક્ત ને ફક્ત હળદર અને મીઠું નાખેલું હોય. થાળીમાં કરંજી એટલે કે ઘૂઘરો અને ચોખાની તળેલી સેવ પણ પીરસાય. વળી નાની વાટકીઓમાં શુદ્ધ ઘી અને પંચામૃત (આમલી, ગોળ, શીંગ, કાજુ અને કોપરું નાખેલી કરી જેવું).  ઘી નાખીને દાળ-ભાતનો કોળિયો મોંમાં મૂકતાં જ અસલી સ્વાદ જરૂર દાઢમાં રહી જશે. મહારાષ્ટ્રીયન થાળી કહી શકાય આ વરણ-ભાતને. વરણ-ભાતની થાળીમાં કડબું મસાલા મીરચી હોય. તીખું ન ખાતા હોય કે મરચું ન ખાઈ શકતા હોય તેમણે પણ ડર્યા વિના ખાવું. સૂકા મસાલાઓનો સ્વાદ તળેલાં મરચાં સાથે કંઈક જુદો જ અનુભવ કરાવે.  

છેલ્લે આવે પૂરણપોળીનો આઇસક્રીમ જે તમને ક્લિન બોલ્ડ કરી મૂકશે. પૂરણપોળીના આઇસક્રીમમાં હવા ન હોવાથી મોંમાં મૂકતાં ઠંડક તમને વાગતી નથી અને સ્વાદ તમને બીજી ચમચી તરફ દોરી જશે. આઇસક્રીમની સાથે પૂરણનો સૉસ પણ પીરસાય. આઇસક્રીમમાં પૂરણપોળીને ક્રશ કરીને નાખવામાં આવે છે, પણ તમને ખાવામાં નડતી નથી, ઉપરથી સ્વાદ વધારે છે. આ આઇસક્રીમ આસ્વાદનો યુએસપી છે એવું કહી શકાય. આ સ્વાદને આસ્વાદે જ શોધ્યો છે. મુખ્ય પ્રધાન અને બીજી અનેક સેલિબ્રિટીઓ પણ આસ્વાદની વાનગીઓ ઘરે મગાવે છે, પણ આઇસક્રીમના ઑર્ડર તો ગુજરાતથી પણ આવે છે. ઉતરાણના દિવસોમાં તલસાંકળીનો આઇસક્રીમ પણ મળે છે અને ઉનાળામાં કેરીની દાળ (આંબાદાળ) અને આઇસક્રીમ, રસ તો મળે જ. એ છતાં તમે ખૂબ જ હેલ્થ કૉન્સિયન્સ હો તો તમારા માટે અહીં સાત્ત્વિક ડાયટ થાળી છે. ટેસ્ટી વેજિટેબલ સલાડ એમાં ઘી તેમ જ અન્ય મસાલા હોય, દહીં સલાડ અને ફણગાવેલાં કઠોળનું સલાડ, પપૈયા, કલિંગર સરસ રીતે કાપેલાં, બે ખાખરા અને મસાલા નાખેલું ગરમ પાણી. આ થાળી પણ સુંદર રીતે પીરસાય. આ થાળી એક ગ્રાહકની ફરમાઇશ હતી જે રોજ અહીં જમવા આવતો. રોજ આવતા ગ્રાહક માટે બનાવાતી આ થાળી બીજા લોકોને પણ આકર્ષક લાગતાં હવે કાયમી મેન્યૂમાં સ્થાન જમાવી બેસી ગઈ છે. અહીં મહારાષ્ટ્રીયન વાનગીઓમાં વીગન માટે ચૉઇસ નથી. હા, વરણ-ભાત ઘી નાખ્યા વિના ખાઈ શકાય. 

એટલું ચોક્કસ છે કે આસ્વાદમાં એક વાર જઈને બધી વાનગી નહીં  જ ખાઈ શકો એ માટે વારંવાર જવું પડશે.

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2019 02:32 PM IST | Mumbai | Divyasha Doshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK