ચાર વરસથી ખૂબ ઍસિડિટી રહે છે; ગુસ્સો, અકળામણ અને બેચેની રહ્યા કરે છે

Published: 10th October, 2011 18:57 IST

મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને છેલ્લાં ચારેક વરસથી ખૂબ ઍસિડિટીની તકલીફ રહે છે. ઊંઘ પૂરતી નથી થતી, સતત વ્યાકુળતા અનુભવાય છે. ખાવામાં ખૂબ ધ્યાન રાખું છું. મારે ખૂબ ચિંતાવાળું કામ રહે છે. બરાબર કામ ન થાય તો ખૂબ ગુસ્સો આવી જાય છે. દિમાગ તેજ ચાલે છે. ભડકી જવાય છે. ક્યારેય બહારનું ખાતો નથી.

 

ડૉ. રવિ કોઠારી, બી.એ.એમ.એસ., એમ.ડી., બી.આર.સી.પી. (યુકે)

સવાલ: મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને છેલ્લાં ચારેક વરસથી ખૂબ ઍસિડિટીની તકલીફ રહે છે. ઊંઘ પૂરતી નથી થતી, સતત વ્યાકુળતા અનુભવાય છે. ખાવામાં ખૂબ ધ્યાન રાખું છું. મારે ખૂબ ચિંતાવાળું કામ રહે છે. બરાબર કામ ન થાય તો ખૂબ ગુસ્સો આવી જાય છે. દિમાગ તેજ ચાલે છે. ભડકી જવાય છે. ક્યારેય બહારનું ખાતો નથી. ગૅસ અને બેચેની રહ્યા કરે છે. ચા-કૉફી દિવસમાં એક કે બે જ કપ લઉં છું. પેટ સાફ આવવામાં ખૂબ તકલીફ પડે છે.

જવાબ : ઍસિડિટી લાંબી ચાલે તો તો એનાથી પેટ અને આંતરડાંમાં ચાંદાં પણ પડી શકે છે. આ સાઇકોસોમૅટિક એટલે કે શરીર અને મન બન્નેને કારણે થતો રોગ છે. ચિંતા, શોક, ક્રોધ, મનની અશાંતિ આ બધાંથી હોજરી બગડે છે. ખરી રીતે તો આહારથી જ આ રોગ મટાડવો જોઈએ. મોળું મગનું ઓસામણ, મગ-ભાત કે ખીચડી જેવો ખોરાક લેવો.

બગડેલા, ખાટા, ખારા, પિત્તને વધારનારા અને તળેલા પદાર્થો ન લેવા. એક જ વખતમાં એકસામટું વધુ પાણી ન પીવું. ઠંડું પાણી ક્યારેય ન લેવું. ખોરાક બંધ કરીને ફક્ત મગનું ઓસામણ લેવું. ખટાશ તરીકે આમળાનું ચૂર્ણ નાખવું. કોકમ અથવા આમલી ન લેવાં.) ભૂખ સિવાય કદી ન ખાવું. એક વર્ષ જૂના ચોખાના મગ-ભાત, ખીચડી-કઢી, પાલક, તાંદળજો, મેથી, લેટસની ભાજી બાફીને લેવાં. ખોરાકમાં ગાયના ઘીનો વિશેષ સમાવેશ કરવો, રોટલી-ભાખરી ઉપર લગાડવું, દાળ-ભાત-ખીચડીમાં પણ ઉપરથી રેડવું.


મોટી હરડે ચૂર્ણ, કાળી દ્રાક્ષ, ખડી સાકર અને જેઠી મધ સરખે ભાગે લઈ એમાં અડધી પ્રવાળ પિષ્ટી લઈને બરાબર પીસીને નાની બોર જેવડી ગોળી બનાવવી. આ ગોળી દિવસમાં ત્રણ વાર લેવી. સો ગ્રામ વરિયાળીમાં વીસ ગ્રામ કાળાં મરી ખાંડી લેવા. એક ચમચી ચૂર્ણ દિવસમાં ત્રણ વાર નાસ્તા પહેલાં, બપોરે જમતાં પહેલાં અને રાત્રે જમતાં પહેલાં લેવું. ચૂર્ણને ગળવું, ફાકીને જેમ ગળવું નહીં. પેટ સાફ આવે એ માટે ત્રિફળા ચૂર્ણ એક ચમચી ચૂર્ણ રાત્રે સૂતાં પહેલાં ગરમ પાણી સાથે લેવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK