"મને ખીલ નથી થતા એ ગૉડ ગિફ્ટ છે"

Published: 20th November, 2012 06:09 IST

‘સાથ નિભાના સાથિયા’ની નવી ગોપી બહૂ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જી પોતાની સુંદરતા જાળવી રાખવા માટે ઘરે રહીને મહેનત કરે છે
અર્પણા ચોટલિયા

સુંદરતા માટે ઐશ્વર્યા રાયને પોતાની રોલ મૉડલ માનતી બંગાળી બ્યુટી દેવોલિના ભટ્ટાચાર્જી પોતાના ચહેરાને હંમેશાં દમકતો રાખવા માટે ઘરગથ્થુ ઉપાયોનો સહારો લેવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે ફક્ત બહારથી ચહેરા પર મહેનત કરવાને બદલે ડાયટ પર પણ પૂરું ધ્યાન આપે છે. તે ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે તેનાં બ્યુટી સીક્રેટ્સ.

આટલું જરૂરી

હું મહિનામાં ઓછામાં ઓછું એક વાર પાર્લરમાં જઇને ફેસ ક્લીન-અપ કરાવું છું. પોતાની સ્કિન ટાઇપ પ્રમાણે જ કોઈ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ એવો મારો આગ્રહ છે. મારી સ્કિન કૉમ્બિનેશન ટાઇપની છે એટલે હું બ્યુટી પ્રોડક્ટ્સ પણ એ માટેના જ વાપરું છું. મને એક ગોડ ગિફ્ટ મળી છે કે આજ સુધી ક્યારેય મને ખીલ થયા નથી. એ સિવાય મારી મમ્મી અને નાની બન્નેની સ્કિન ખૂબ સારી છે એટલે વારસામાં મને પણ એ મળી છે.

બ્યુટી રૂટીન

હું રોજ ક્લેન્ઝિંગ, ટૉનિંગ અને મૉઇસ્ચરાઇઝરની પ્રોસીજરથી સ્કિન કૅર કરું છું. મને મારી મમ્મી અને નાની બચપણથી જ બ્યુટી ટિપ્સ આપતી આવી છે જેને પગલે હું દહીં, પપૈયું, દૂધની મલાઈ જેવી ચીજોથી સ્કિનને ગ્લોઇંગ બનાવું છું.

બ્યુટી માટે કંઈ પણ

પાણી હેલ્થ માટે જ નહીં, સ્કિન માટે પણ ખૂબ ઉપયોગી છે. હું નાની હતી ત્યારે પણ અને આજે પણ સ્કિનને ફાયદો કરે એવું કંઈ પણ કરવા તત્પર રહું છું. બચપણમાં મારી મમ્મી કહે કે આ શાક ખાઈશ તો વાળ સારા થશે કે આ ચીજ ખાવાથી સ્કિન સારી થશે તો હું એ ભાવે કે ન ભાવે, ખાઈ લેતી. મને સ્પામાં જવાનો પણ ખૂબ શોખ છે. હું નૉર્મલ થાઇ સ્પામાં જવાનું પસંદ કરુ છું અને ક્યારેક સ્પા મૅની-ક્યૉર પેડી-ક્યૉર પણ કરાવી લઉં. ફિશ સ્પા પણ ટ્રાય કર્યું છે. વાળ માટે પણ મેં કૅરાટિન સ્પા કરાવ્યું છે.

પૉઝિટિવ સુંદરતા

ચહેરો સુંદર હોય એની સાથે મનમાં અંદરથી પૉઝિટિવિટી હોય એ જરૂરી છે. ફક્ત ગોરા દેખાવાનો કોઈ અર્થ નથી. જો તમે અંદરથી પૉઝિટિવ હશો તો તમારી ઓરા જ સુંદર હશે, જે તમારી બહારની સુંદરતામાં વધારો કરશે.

આટલા વિના નહીં

મને મૅકનું કાજલ અને લિપ બામ લગાવ્યા વિના ઘરમાંથી બહાર નીકળવું પસંદ નથી. હું હંમેશાં કાજલ લગાવું છું. એ સિવાય મને બ્લશ પણ લગાવવું ગમે છે. બાકી શુટિંગ વખતે મેક-અપ લગાવેલો હોય એટલે હું બાકીના સમયે મેક-અપ કરવાનો અવૉઇડ કરું છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK