ડિઝાઇનર જ્વેલરી ખરીદતાં પહેલાં...

Published: 1st October, 2012 06:05 IST

સામાન્ય ઇમિટેશન ઘરેણાં કરતાં સહેજ મોંઘી પડતી આ જ્વેલરીને પસંદ કરતી વખતે થોડી કાળજી રાખવામાં આવે તો દરેક પ્રકારના ડ્રેસિંગમાં શું પહેરુંની તમારી હંમેશાંની ચિંતા પણ દૂર થઈ શકે છેસોનાના આસમાનને આંબતા ભાવ જોતાં હવે ટ્રેડિશનલ જ્વેલરી છોડીને લોકોનું ધ્યાન થોડી યુનિક પ્રકારની ડિઝાઇનર જ્વેલરી તરફ વળ્યું છે. આમ તો સોનામાં પણ આ પ્રકારની ડિઝાઇનર જ્વેલરી મળી જ રહે છે, પરંતુ સોના કરતાં સસ્તી અને એલિગન્ટ લુક આપતી અમેરિકન ડાયમન્ડની જ્વેલરીની ડિમાન્ડ વધી છે. આ જ્વેલરી જાણીતી બની છે પોતાની યુનિકનેસ માટે, પરંતુ એની એક્સક્લુઝિવનેસ તો જ જળવાશે, જો તમને પ્રૉપર પસંદગી કરતાં આવડે. ડિઝાઇનર જ્વેલરી પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું એ જોઈએ.

ડિઝાઇનરનો રેકર્ડ

જ્વેલરીની ડિઝાઇન પસંદ કરતાં પહેલાં તમે જેણે ડિઝાઇન કરેલી જ્વેલરી ખરીદવાના છો તે ડિઝાઇનર વિશે માહિતી મેળવી લો. તે ડિઝાઇનર લેટેસ્ટ ટ્રેન્ડ ફૉલો કરે છે કે નહીં, તે અત્યારના ટ્રેન્ડ સાથે કેટલો અપડેટ છે વગેરે જાણી લો. એક વાર તેના પર ભરોસો આવી જાય એટલે પછી તેને પોતાની ક્રિયેટિવિટી વાપરવા માટે મોકળું મેદાન આપી દો. માત્ર તમારી અપેક્ષા દર્શાવીને તેને જે કરવું હોય એ કરવાની પૂરી સ્વતંત્રતા આપશો તો સાવ એક્સક્લુઝિવ અને યુનિક ચીજ તમને મળી શકે છે.

ગુણવત્તાનું પ્રમાણ

તમને આપવામાં આવેલી ધાતુ કે રત્ન સાચાં છે કે નહીં એને માટે કૅરૅક્ટર સર્ટિફિકેટ મેળવી લેવું જરૂરી છે. ક્યારે પણ કોઈ ડિઝાઇનર પર આંધળો ભરોસો મૂકી દેવો નહીં. ઇમિટેશનમાં પણ ક્વૉલિટી-ફેર આવે છે. કેટલીક જ્વેલરી કાળી નહીં પડે એવી વૉરન્ટી પણ અપાતી હોય છે. સોનાના પૈસા આપી પિત્તળ ન લઈ આવો એનું ધ્યાન રાખજો.

મુખ્ય કેન્દ્ર

એક વસ્તુ મગજમાં રાખીને જ ડિઝાઇનર જ્વેલરીનું શૉપિંગ કરવા જજો કે એ તમારા આખા દેખાવમાં સેન્ટર ઑફ અટ્રૅક્શન બને એટલી આકર્ષક તો હોવી જ જોઈએ. જ્વેલરીને જોતાં જ એ લેટેસ્ટ છે એવો ખ્યાલ આવવો જોઈએ તેમ જ તમે જે ડ્રેસિંગ કરો એના પર ઊભરીને આવે. મોટા ભાગે હેવી કપડાં પર થોડી લાઇટ અને ડેલિકેટ જ્વેલરી સારી લાગશે અને તમે સિમ્પલ અને સોબર આઉટફિટ પહેરવાના હો તો થોડો રિચ લુક આપે એવી જ્વેલરી સારી લાગશે.

વધુપડતુ રંગીન નહીં


એક વાત યાદ રાખો, જ્વેલરીમાં વધુપડતા કલર સારા નથી લાગતા. આજકાલ મલ્ટિકલર જ્વેલરી ખૂબ મળે છે, પરંતુ રિચ અને ડિસન્ટ લુક ગમતો હોય તો એક સિંગલ પીસમાં વધુ પડતા કલર ઉમેરવાનું ટાળજો. એને બદલે તમારા સ્કિન-ટોન સાથે જાય એવી જ્વેલરીને પ્રેફરન્સ આપજો. ઘઉવણોર્ રંગ ધરાવતા લોકો પર ડાર્ક કલરના સ્ટોન ધરાવતી જ્વેલરી શોભશે, જ્યારે ખૂબ ગોરા લોકો પર પેસ્ટલ કલર બેસ્ટ રહેશે. ભારતીય સ્કિન-ટોન માટે મોરપિચ્છ કલરના સ્ટોન જ્વેલરીમાં સારા દેખાય છે.

ફેસકટ પર આપો ધ્યાન

તમારા પર કેવા પ્રકારના દાગીના સૂટ કરશે એનો મોટો આધાર તમારા ફેસકટ પર પણ હોય છે. ટૂંકી ગરદન ધરાવતી સ્ત્રીઓ પર ગળામાં ફિટ બેસી જાય એવા ચોકર નહીં સારા લાગે. એના કરતાં નેકલેસ પહેરો, જે ગરદનના નીચેના ભાગથી શરૂ થાય છે. જેની ગરદન સહેજ ઊંચી હોય એવા લોકો પર ચોકર એલિગન્ટ લાગશે. આખી ગરદનને કવર કરે એવા નેકલેસ લગભગ દરેક પ્રકારના ફેસ પ્રોફાઇલ પર સૂટ કરશે. થોડી ભરાવદાર ગરદન ધરાવતા લોકો પર સિંગલ સેરમાં સ્ટોન લગાવેલું મોટું નેકપીસ સારું લાગશે. પાતળો ચહેરો હોય તો ચોકરથી લઈને લાંબા નેકપીસ સારા લાગશે. બ્રૉડ ફેસ પર પણ લાંબી અને ભરાવદાર જ્વેલરી સારી લાગે છે. સહેજ લંબગોળ ચહેરો ધરાવતા લોકો પર રાઉન્ડ શેપની ઇટરિંગ સારી લાગે છે. એનાથી તેમના ફેસનું વૉલ્યુમ વધે છે. ગોળ ફેસ કટ ધરાવતા લોકોએ રાઉન્ડ શેપના સ્ટડ અવૉઇડ કરવા જોઈએ. એને બદલે બ્રૉડ અને લાંબા શેપનાં ઇયર રિંગ્સ પહેરવાં જોઈએ.

પ્રસંગને અનુરૂપ

જો કોઈ ખાસ પ્રસંગ માટે જ્વેલરી ખરીદવાના હો તો કન્ફયુઝનનો પ્રશ્ન જ નહીં આવે, પરંતુ અમસ્તા જ દાગીના ખરીદવા નીકળી પડ્યા છો તો ટ્રાય કરજો કે વર્સેટાઇલ જ્વેલરી ખરીદો, જેથી એને તમે કોઈ પણ દિવસે કોઈ પણ પ્રસંગમાં અને કોઈ પણ પ્રકારના ડ્રેસિંગ પર પહેરી શકો. ક્યારેક કંઈ જ મેળ ન ખાતું હોય ત્યારે ગળામાં પહેરેલો આ એક નેકપીસ તમારું મન બહેલાવી દેશે. મોટા ભાગે થોડી ક્લાસિક અને કન્ટેમ્પરીનું કૉમ્બિનેશન ધરાવતી જ્વેલરીમાં તેમ જ ટ્રેડિશનલ પૅટર્નથી સમય જતાં બોર થઈ જવાય છે અને દરેક પ્રકારના આઉટફિટ પર એ સારી પણ નથી લાગતી. જ્યારે કેટલીક એવરગ્રીન જ્વેલરી સમય સાથે વધુ દિલની નજીક થઈ જાય છે. પોલ્કી, કુંદન, ડાયમન્ડ નેકલેસ જેવી ઑલટાઇમ હિટ જ્વેલરીમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. દેખાવમાં ડિસન્ટ અને એલિગન્ટ લાગે છે.

એક્સપરિમેન્ટ કરો, પણ...


એવો કોઈ રૂલ નથી કે હંમેશાં એલિગન્ટ અને ડીસન્ટ લાગે એવી જ જ્વેલરી પહેરવી. ક્યારેક કોઈ હટકે પીસ પણ ટ્રાય કરી શકાય. ડિઝાઇનર જ્વેલરીમાં તો ઑપ્શન પણ ઘણા મળશે, પરંતુ એમાં તમે કમ્ફર્ટેબલ હો એ ખૂબ જરૂરી છે. વધુ પડતો ઠઠારો તમારા લુકને બગાડી શકે છે એ વાત પણ મગજમાં રાખવી. અમુક પ્રકારનાં આઉટફિટ્સ પર જ અમુક જ્વેલરી શોભે, માટે તમારા ડ્રેસ, તમારા દેખાવ, તમારી પર્સનાલિટીને અનુરૂપ ઘરેણાં પહેરશો તો તમે એનો પૂરેપૂરો લુત્ફ ઉઠાવી શકશો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK