શું તમે દર ૬ મહિને રેગ્યુલર ડેન્ટલ ચેક-અપ કરાવો છો?

Published: 3rd November, 2014 05:24 IST

તાજેતરમાં ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશનના સર્વે મુજબ ભારતમાં ૭૭ ટકા લોકો પૈસા બચાવવા માટે રેગ્યુલર ડેન્ટલ ચેક-અપ ટાળે છે. હકીકતમાં જીવો ત્યાં સુધી દાંતને સ્વસ્થ રાખવા માટે ૬ વર્ષની ઉંમરથી જ્યારથી પાકા દાંત આવવાની શરૂઆત થાય ત્યારથી જ રેગ્યુલર ચેક-અપ જરૂરી છે. દાંતના સડાથી લઈને ઓરલ કૅન્સર જેવા રોગોથી બચાવ માટે રેગ્યુલર ચેક-અપ જરૂરી છેજિગીષા જૈન

શરીર એ કુદરતે આપણને આપેલી એક એવી અમૂલ્ય ભેટ છે જેનું મૂલ્ય આપણને ત્યારે જ સમજાય છે જ્યારે શરીર આપનો સાથ આપતું બંધ થાય છે. જ્યાં સુધી શરીર વ્યવસ્થિત ચાલતું હોય ત્યાં સુધી આપણે એની કોઈ ખાસ કાળજી રાખતા નથી. ક્યારેય આપણે એને કઈ રીતે હેલ્ધી રાખવું એના વિશે વિચારતા નથી. હેલ્થ વિશેનો વિચાર આપણને ત્યારે જ આવે છે જ્યારે આપણે કોઈ રોગનો ભોગ બનીએ. શરીરનું કોઈ અંગ કોઈ પણ કારણોસર વ્યવસ્થિત કામ ન કરે ત્યારે આપણને એ અંગનું મહત્વ સમજાય છે. પરંતુ હકીકત એ છે કે શરીરમાં મોટા ભાગનાં અંગ એવાં છે કે એક વાર બગડે પછી એને વધારે બગડતાં અટકાવી શકાય છે, પરંતુ જે બગડી ચૂક્યું છે એ રિપેર કરી શકાતું નથી. અંગ્રેજીમાં એક કહાવત છે પ્રિવેન્શન ઇઝ બેટર ધૅન ક્યૉર એટલે કે ઇલાજ કરતાં બચાવ વધુ સારો છે. નિષ્ણાત ડૉક્ટરો પણ એવું જ માને છે કે કોઈ રોગ તમને થાય અને તેનો ઇલાજ કરાવી તમે સાજા થાઓ એના કરતાં પહેલેથી સાવચેત રહી બીમાર જ ન પડો તો વધુ સારું.

તાજેતરમાં ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશને કરેલા એક સર્વે મુજબ ૭૭ ટકા ભારતીયો પોતાના પૈસા બચાવવા માટે રેગ્યુલર ડેન્ટલ ચેક-અપ કરાવતા નથી. આ ઉપરાંત ૬૪ ટકા ભારતીયો એવા હોય છે જે દાંતમાં સડો થયા બાદ જ ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર પાસે જાય છે. ભારતના મુંબઈ, દિલ્હી, ભુવનેશ્વર, નાગપુર અને ચેન્નઈમાં થયેલા આ સર્વે મુજબ ૮૪ ટકા લોકોએ એ કબૂલ્યું કે રેગ્યુલર ડેન્ટલ ચેક-અપ કરાવવું જરૂરી છે એવું તેઓ પણ માને છે, પરંતુ એમ માનવા છતાં ૪૭ ટકા લોકો એવા હતા કે જેમણે આજ સુધી ક્યારેય કોઈ ડેન્ટિસ્ટની મુલાકાત લીધી ન હોય. આ સર્વેમાં એ પણ જતાવવામાં આવ્યું કે જ્યારે લોકોને દાંતનો અસહ્ય દુખાવો થાય ત્યારે જ લોકો ડેન્ટિસ્ટની મુલાકાત લે છે. આ સમય એ છે જ્યારે તેને રૂટ કૅનાલ ટ્રીટમેન્ટ કરાવવી પડે અથવા દાંત જ કાઢી નાખવો પડે જે વધુ પીડાકારક અને સરવાળે મોંઘું પડે છે. આ વાત સાથે સહમત થતાં વન્ડર સ્માઇલ, અંધેરીના ઑર્થોડોન્ટિસ્ટ ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘દાંતમાં કોઈ પ્રૉબ્લેમ હોય કે ન હોય, દરેક વ્યક્તિએ દર ૬ મહિને એક વખત ડેન્ટિસ્ટની મુલાકાત ચોક્કસ લેવી જ જોઈએ. આજકાલ રેગ્યુલર શુગર ચેક, બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલનું ધ્યાન રાખવાનું લોકોએ શરૂ કર્યું છે; પરંતુ હજી પણ દાંત માટે અને એના પ્રૉબ્લેમ્સ માટે આવી કોઈ જાગૃતિ જોવા મળતી નથી. રેગ્યુલર ડેન્ટલ ચેક-અપમાં ખર્ચાતા પૈસા એક ઇન્વેસ્ટમેન્ટ છે જે તમને મોટા લૉસથી બચાવે છે.’

શા માટે જરૂરી?

આપણે ત્યાં લોકોની માનસિકતા એવી છે કે બીમાર પડીએ તો ડૉક્ટર પાસે જવાય. ઘણા લોકો તો બીમાર પડ્યા પછી પણ ડૉક્ટર પાસે જવાનું ટાળે છે. એમ વિચારીને કે જાતે જ સાજા થઈ જશે. જેમ કે નૉર્મલ શરદી-ખાંસીથી કે પેટમાં દુખે અને વ્યક્તિ ડૉક્ટર પાસે જાય એવું દાંત સાથે થતું નથી. દાંત શરીરનો અત્યંત મજબૂત ભાગ છે. આમ એના પર કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો સરખામણીમાં એ બીજાં અંગો કરતાં વધુ સહન કરી શકે છે. એના આ ગુણધર્મને કારણે દાંતના રોગો જલદી સામે આવતા નથી. રેગ્યુલર ચેક-અપથી સામાન્ય કૅવિટીથી લઈને ઓરલ કૅન્સર સુધીના રોગોથી બચી શકાય છે. એ વિશે સમજાવતાં ડૉક્ટર રાજેશ કામદાર કહે છે, ‘નૉર્મલી જ્યારે કોઈ પણ કારણસર દાંતમાં કૅવિટી શરૂ થાય તો એ તરત જ સામે આવતી નથી. એટલે કે દાંતમાં સડો થવાની શરૂઆત થાય ત્યારથી જ દાંતમાં દુખાવો થાય કે ચાવવામાં તકલીફ થાય એવું હોતું નથી. જ્યારે સડો ખૂબ વધારે ફેલાઈ જાય ત્યારે થોડો-થોડો દાંતનો દુખાવો શરૂ થાય છે. એ સામાન્ય દુખાવાને પણ આપણે અવગણીએ ત્યારે એ વિકરાળ બની જાય છે.’

દાંતનું ધ્યાન

એક સ્વસ્થ નીરોગી જીવન જીવવા માટે વ્યક્તિને યોગ્ય ખોરાકની જરૂર પડે છે. આ ખોરાકમાંથી મળતાં પોષકતત્વોવડે જ તે પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે છે. હવે આ પોષકતત્વોશરીરને ક્યારે મળે? જ્યારે શરીર એ ખોરાકનું યોગ્ય પાચન કરી શકે અને યોગ્ય પાચન ત્યારે થાય જ્યારે તે પોતાના દાંત વડે ખોરાકને વ્યવસ્થિત ચાવીને ગળે ઉતારી શકે. ખોરાકની પાચન પ્રક્રિયામાં દાંતનું વિશેષ મહત્વ છે. એ વિશે ધ્યાન દોરતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘આજના સમયમાં પહેલાં કરતાં માણસ લાંબું જીવે છે. એટલે કે પહેલાં વ્યક્તિની ઍવરેજ ઉંમર ૬૫-૭૦ વર્ષ રહેતી, જ્યારે આજના સમયમાં એ ઉંમર લંબાઈને ૮૦-૮૫ થઈ ગઈ છે. જ્યારે દાંતની સંભાળમાં બેદરકારી રાખવામાં આવે છે ત્યારે દાંત વ્યક્તિની ઉંમર પહેલાં એનો સાથ છોડી દે છે જેની સીધી અસર તેની હેલ્થ પર દેખાય છે. જ્યારે ૮૦ વર્ષે કોઈ વ્યક્તિ એકદમ હેલ્ધી લાગતી હોય ત્યારે ખાસ જોવું કે તેના દાંત સલામત હશે ત્યારે જ તે આટલી હેલ્ધી રહી શકે છે. આમ દાંતની સલામતીને સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે.’

શરૂઆતથી સાવચેતી

જ્યારે તમે શરૂઆતથી ચેક-અપ કરાવતા હો તો કૅવિટીની શરૂઆત થાય કે એની સાથે જ આપણે એને પકડી શકીએ છીએ. વધુ કૅવિટી થતી અટકાવવાની સાથે એ કૅવિટીને દૂર કરી દાંતને સડતા અટકાવી શકીએ છીએ. જો રેગ્યુલર ચેક-અપ ન કરાવતા હોય તો એ અઘરું બને છે. કુદરતી રચના એવી છે દાંતની કે પહેલા ૬ મહિનામાં દુધિયા દાંત આવવાની શરૂઆત થાય. પછી ૬ વર્ષે પાકા દાંત આવે. પાકા દાંત આવવાની શરૂઆત થાય ત્યારથી જ બાળકને રેગ્યુલર ડેન્ટલ ચેક-અપ માટે લઈ જવું જરૂરી છે જેની પાછળનું કારણ સમજાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘જ્યારે નવા દાંત આવવા માટે જડબામાં જગ્યા બરાબર હોતી નથી ત્યારે નવા દાંત વાંકાચૂંકા આવે છે જે આગળ જતાં પ્રૉબ્લેમ કરે છે. રેગ્યુલર ચેક-અપથી દાંતમાં આવનારા ભવિષ્યના પ્રૉબ્લેમ્સને પહેલેથી સમજી એને બચાવવા માટેનાં સ્ટેપ્સ લઈ શકાય છે.’

ફાયદો

રેગ્યુલર ચેક-અપને કારણે દાંતને હેલ્ધી રાખવામાં સૌથી મોટી મદદ એ મળે છે કે વ્યક્તિમાં ઓરલ હાઇજીન પ્રત્યે જાગરૂકતા આવે છે, જે ખૂબ જ જરૂરી છે જેમ કે...

રાત્રે સૂતાં પહેલાં અને સવારે ઊઠીને બે વાર બ્રશ કરવું.

ચૉકલેટ, કૅન્ડી, આઇસક્રીમ કે કોઈ પણ ગળી વસ્તુ ખાધા પછી કોગળા કરવા વગેરે જેવી સારી આદતો વિકસે છે જે લાંબા ગાળે મદદરૂપ નીવડે છે.

મોઢામાં કોઈ પણ ખાદ્ય પદાર્થ લાંબા ગાળા સુધી ભરી ન રાખવો જેનાથી કૅવિટીનો ખતરો રહે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK