અત્યારે વર્કઆઉટમાં દરરોજનો એક કલાક ઑડિસી ડાન્સ કરું છું : દીપિકા સિંહ-ગોયલ

Published: Nov 06, 2014, 04:57 IST

દિયા ઔર બાતી હમની IPS ઑફિસર સંધ્યા ઉર્ફે દીપિકા સિંહ-ગોયલે પોતાના સિરિયલના કૅરૅક્ટર માટે ૧૦ કિલો જેટલું વજન ટફ વર્કઆઉટ કરીને ઉતાર્યું હતું. ખાવા-પીવાની અતિશય શોખીન દીપિકા એકના એક વર્કઆઉટથી જલદી બોર થઈ જતી હોવાને કારણે મહિને-બે મહિને એ બદલતી રહે છે
Fitness Funda


અત્યારે નંબર વન સિરિયલ તરીકે લોકપ્રિય બનેલી સ્ટાર પ્લસની ‘દિયા ઔર બાતી હમ’ સિરિયલની આદર્શ વહુ અને IPS ઑફિસર તરીકે પણ પોતાની ફરજ બજાવી રહેલી સંધ્યા ઉર્ફે દીપિકા સિંહ-ગોયલ માટે તેના કામથી લઈને ફિટનેસ માટે પણ પોતાના પતિદેવને જ પ્રેરણાસ્રોત માને છે. વજન ઘટાડવું એટલે લોઢાના ચણા ચાવવાથી પણ અઘરું કામ છે એ સ્વીકારતી દીપિકાને તેની સિરિયલના ડિરેક્ટર પ્લસ તેના પતિદેવે ચૅલેન્જ આપેલી કે તું એ કામ ન કરી શકે. એ પડકારને ઝીલી લઈને એક પોલીસ-ઑફિસરના રોલમાં ફિટ થવા માટે સંધ્યાએ કેવો-કેવો પસીનો પાડ્યો છે એ વિશે તેના જ શબ્દોમાં જાણીએ...

વર્કઆઉટમાં ખાસ

હું માનું છું કે ડાયટ અને વર્કઆઉટના કૉમ્બિનેશનથી જ ફિટનેસ મળે. બેમાંથી એક પણ ન હોય તો ફિટનેસના મામલે તમે અધૂરા રહો છો એવું હું દૃઢતાપૂર્વક માનું છું. નૉર્મલ હેલ્ધી માણસે પણ ઓછામાં ઓછા અઠવાડિયાના ત્રણ દિવસ પસીનો પાડે એવી કોઈ પણ જાતની ફિઝિકલ ઍક્ટિવિટી કરવી જોઈએ. વર્કઆઉટના ઘણા ઑપ્શન છે. સાચું પૂછો તો મને જિમમાં જવું જરાય નથી ગમતું એટલે હું મૂડ અને ઇચ્છા પ્રમાણે મારું વર્કઆઉટ બદલતી રહું છું. આજકાલ હું ઑડિસી ડાન્સ શીખી રહી છું. રોજનો એક કલાક આ ડાન્સ શીખવાનો. એમાં રોજ નવાં-નવાં સ્ટેપ્સ શીખવાને કારણે કંટાળો નથી આવતો અને સાથે જ બૉડીને ઇનફ એક્સરસાઇઝ મળી રહે છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી શીખી રહી હોવા છતાં હું બોર નથી થઈ. એ સિવાય સ્કિપિંગ, રનિંગ, પિલાટેઝ, કરાટે કરી ચૂકી છે. હું બહુ જલદી બોર થઈ જાઉં છું એટલે ચેન્જ લાવ્યા સિવાય છૂટકો નથી.

પોલીસ માટેની તૈયારી

સિરિયલમાં મારો પોલિસ-ઑફિસરનો ટ્રૅક શરૂ થવાનો હતો એના ત્રણ મહિના પહેલાં જ મને મારા ડિરેક્ટર-કમ-હસબન્ડે વજન ઘટાડીને બૉડીને ટોન કરવાનું કહી દીધું હતું. ડિરેક્ટર તરીકે તેઓ ખૂબ સ્ટ્રિક્ટ છે એ મને ખબર હતી. સાથે જ કોઈ પણ મને નીચું દેખાડવાની કોશિશ કરે કે ચૅલેન્જ કરે તો હું ડબલ જોશથી એ દિશામાં આગળ નીકળી જાઉં છું એ તેમને ખબર છે એટલે તેમણે એ જ તરકીબ અપનાવી. વેઇટ-લૉસના મામલે તેમણે મને ચૅલેન્જ કરી અને હું મચી પડી. મારે ફિટ થવાનું હતું અને સાથે લીડ ઍક્ટર હોવાને લીધે શૂટિંગમાં પણ સતત રહેવાનું હતું. એ સમયે ડાયટના નામે ખાવાનું મેં સાવ ઓછું કરી નાખ્યું હતું અને અતિશય વર્કઆઉટ કરતી હતી. ક્યારેક-ક્યારેક તો સેટ પર ચક્કર આવી જતાં અને ઢળી પડતી, કારણ કે ઊંઘ પણ પૂરી નહોતી થતી. પોલીસની ટ્રેઇનિંગવાળો ટ્રૅક હરિયાણામાં શૂટ કરવાનો હતો એ પહેલાં મેં માર્શલ આર્ટ્સ અને એવીબધી ટ્રેઇનિંગ શરૂ કરી દીધી હતી. માત્ર એક જ મહિનામાં મેં જબરદસ્ત રિઝલ્ટ મેળવ્યું હતું. જોકે ઑનગોઇંગ જૉબમાં ઓવરબર્ડન થઈને વર્કઆઉટ કરવું ખરેખર અઘરું હતું.

ડાયટમાં ઓવર નહીં

હું ખાવાની શોખીન છું. બધી જ અનહેલ્ધી વસ્તુઓ મને અતિશય ભાવે છે, પરંતુ એમાં હું કન્ટ્રોલ કરું છું. નથી ખાતી એવું નહીં, પણ માત્ર ટેસ્ટ મળે એટલી જ ક્વૉન્ટિટીમાં ખાઈ લઉં છું. સૉફ્ટ ડ્રિન્ક્સ, બ્રેડ, શુગર, પ્રિઝર્વેટિવવાળું ફૂડ વગેરે અવૉઇડ કરું છું. ભાત મારા ફેવરિટ છે, પણ રાતના સમયે એ નથી ખાતી. મને છેલ્લાં ત્રણ વર્ષમાં ફૂડનું સારુંએવું નૉલેજ મળ્યું છે એટલે સ્પ્રાઉટ્સ, વેજિટેબલ્સ, સૂપ જેવી હેલ્ધી વસ્તુ વધુ ખાઉં છું. મારું માનવું છે કે ભૂખ બે પ્રકારની હોય છે : એક ઍક્ચ્યુઅલ ભૂખ અને બીજી ટેસ્ટની ભૂખ. તમારે એમાં થોડીક ચીટિંગ કરીને થોડીક ક્વૉન્ટિટીમાં ટેસ્ટી વસ્તુ ખાઈને ફોકસ પેટની ભૂખ નિવારવા પર કરવું જોઈએ.

બહુ બહુ બહુ જ જરૂરી

ઍક્ટરથી માંડીને સામાન્યમાં સામાન્ય માણસ માટે ફિટનેસ બહુ જરૂરી છે. જો તમારે તમારાં સપનાં સાકાર કરવાં હોય તો ફિટનેસ જરૂરી છે. તમારે નીરોગી રહેવું હોય તો ફિટનેસ જરૂરી છે. જોકે એ જરૂરી છે એટલી જ મેળવવી અઘરી છે. શરીરને શ્રમ પડે એવું વર્કઆઉટ એટલા માટે કરવાનું હોય છે કે તમારી બૉડીના નાનામાં નાના ભાગ સુધી લોહી પહોંચે. પહેલાં હું બહુ બીમાર પડતી, જલદી થાકી જતી. હવે સાચે જ ખૂબ સ્ફૂર્તિમય અને ઍક્ટિવ બની છું. થોડીક ફિઝિકલ ઍક્ટિવિટી અને તમારી ભૂખને ઓળખીને ખાવામાં થોડુંક ધ્યાન ફિટ રહેવા માટે ઇનફ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK