"જ્યારે હું શૂટિંગ ન કરતી હોઉં ત્યારે શૉપિંગ કરું છું"

Published: Apr 24, 2013, 05:42 IST

ટીવી-ઍક્ટ્રેસ ડેબિના બૉનર્જી કબૂલ કરે છે કે તે શૉપોહોલિક છે. તે મિડ-ડે સાથે શૅર કરી રહી છે તેના સમર ફૅશનના ફન્ડાઅર્પણ ચોટલિયા

‘રામાયણ’માં સીતાના પાત્રથી ફેમસ બનેલી ડેબિના બૉનર્જી તાજેતરમાં સ્ટાર પ્લસ પર આવેલા ડાન્સ રિયાલિટી શો ‘શ્રીમાન વર્સસ શ્રીમતી’માં દેખાઈ હતી. આ ઉપરાંત તે સબટીવી પર આવતી ‘ચીડિયાઘર’માં મયૂરીના પાત્રમાં છે. બંગાળી બ્યુટી ડેબિનાને કલરફુલ ફૅશન ખૂબ પસંદ છે. આ સીઝનમાં તેને કઈ રીતે સ્ટાઇલિંગ કરવું પસંદ છે એ જાણીએ.

કમ્ફર્ટેબલ અને કૅઝ્યુઅલ

હું જે પણ પહેરું એ કમ્ફર્ટેબલ લાગે એનું ખાસ ધ્યાન રાખું છું. મને કૅઝ્યુઅલ પૅન્ટ્સ અને ટી-શર્ટ પહેરવાં જ વધુ પસંદ છે. હાલમાં ખૂબ ચાલી રહેલા રંગબેરંગી પૅન્ટ્સ મારા ફેવરિટ છે. મારી પાસે યલો, ગ્રીન, શૉકિંગ બ્લુ જેવા બધા જ રંગો છે. અને હું મોટા ભાગે એ પૅન્ટ્સ અને કૅઝ્યુઅલ ટી-શર્ટમાં જ જોવા મળીશ. આ સિવાય મને વન-પીસ ડ્રેસિસ પણ પહેરવા ગમે છે. ગરમીમાં હૉટ શૉર્ટ્સ વધુ સારાં રહે છે, પરંતુ આપણા દેશમાં એ પહેરીને બહાર નીકળવું થોડું મુશ્કેલ બની જાય છે એટલે હું બહાર ફરવા જાઉં ત્યારે એ પહેરું છું.

શૉપોહોલિક

હું એક કમ્પ્લીટ શૉપોહોલિક છું. એટલી હદે કે જ્યારે હું શૂટિંગમાંથી ફ્રી હોઉં ત્યારે શૉપિંગ કરવા ઊપડી પડું છું. જોકે જે જોઉં એ બધું જ નથી ઉપાડી લાવતી. પસંદ હોય એ જ ખરીદું છું. મારું ફેવરિટ શૉપિંગ ડેસ્ટિનેશન દુબઈ છે. મેં નોટિસ કર્યું છે કે જે બ્રૅન્ડેડ  ચીજો આપણે મુંબઈમાં ખરીદીએ અને એ જ બ્રૅન્ડની ચીજ આપણે દુબઈ કે બીજી કોઈ ફૉરેન કન્ટ્રીમાં ખરીદીએ તો એની ક્વૉલિટીમાં ખૂબ જ ફરક હોય છે. થોડા સમય પહેલાં હું હૉન્ગકૉન્ગ ગઈ હતી અને ત્યાંથી પણ મેં ઘણું શૉપિંગ કર્યું છે.

પર્સનો શોખ

મને બૅગ્સ અને પર્સનો ખૂબ શોખ છે અને હું એ ખરીદતી જ રહું છું. પર્સમાં મારું ફેવરિટ બ્રૅન્ડ અરમાની છે અને મને ખભામાં દુખાવો રહેતો હોવાને લીધે હું સ્લિંગ ટાઇપની બૅગ રાખવાનું પ્રિફર કરું છું. હું બૅગ્સ ખરીદું જરૂર છું, પરંતુ એને સાચવી નથી રાખતી. હું કોઈ નવી બૅગ ખરીદું એટલે જૂની મારી મમ્મીને આપી દઉં છું અને મારી મમ્મી પણ એ વાપર્યા બાદ પોતાના કબાટમાં સાચવી રાખે છે. અને આ રીતે મારા કરતાં મારી મમ્મીનું બૅગનું કલેક્શન હાલમાં મારા કરતાં પણ મોટું છે.

ઍક્સેસરીઝનું કલેક્શન

મને ઍક્સેસરીઝ પહેરવી પસંદ નથી, પરંતુ ખરીદવી ખૂબ પસંદ છે. મારી પાસે મારી દરેક ટાઇપની જ્વેલરીનું એક એક બૉક્સ છે. જેમ કે મારા નેકપીસ, ઈયર રિંગ, રિંગ્સ, બ્રેસલેટ્સ વગેરે. આ ચીજો મેં છેલ્લે ક્યારે પહેરી હશે એ પણ મને યાદ નથી. પરંતુ મને પસંદ છે એટલે હું એ ખરીદતી રહું છું અને મારું કલેક્શન વધારતી રહું છું. મને શૂઝનો પણ શોખ છે.

મારો ફેવરિટ કલર

પહેલાં મારો ફેવરિટ કલર રેડ હતો, પરંતુ ત્યાર બાદ મારી પસંદ બદલાઈ ગઈ અને છેલ્લાં બે વર્ષથી મને શૉકિંગ પિન્ક કલર ખૂબ ગમી ગયો છે. મેં આ રંગમાં શૂઝ ખરીદ્યા છે. કેટલી બધી લિપસ્ટિક ખરીદી છે અને કોઈ ડિઝાઇનર જ્યારે મારી માટે ડ્રેસ બનાવે તો તેમને પણ હું કહું છે કે શૉકિંગ પિન્ક કલરમાં જ ડિઝાઇન કરે.

ફેવરિટ શૉપિંગ એરા

મને ૭૦ના દાયકાની ફૅશન સ્ટાઇલ ખૂબ પસંદ છે. એ સમયે જે રીતે શરીર પર ટાઇટ ફિટિંગ સાડી પહેરવામાં આવતી હતી અને આંખોમાં લાંબું લાઇનર લગાવવામાં આવતું હતુ એ મને કરવું ખૂબ ગમશે. જોકે હજી એકેય વાર એ રીતની ફૅશન ટ્રાય નથી કરી, પરંતુ ચોક્કસ કરીશ.

હાય મુંબઈ કી ગરમી

મને ફૅશનની દૃષ્ટિએ મુંબઈનો ઉનાળો જરાય પસંદ નથી. જો ઓપન કપડાં પહેરો તો સ્કિન એટલી બળવા લાગે છે કે ન પૂછો વાત. વધુ શૉર્ટ ડ્રેસિસ પહેરીને બહાર નીકળી ન શકાય અને બાકીમાં ગરમી થાય. બહાર શૂટિંગ કરતા હોઈએ ત્યારે ખરેખર ત્રાસી જવાય. જોકે કલકત્તાની ગરમી પણ આવી જ છે અને આમ મને ગરમી પસંદ જ નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK