Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચારધામને શું કહેશો ધરતી પરનું સ્વર્ગ કે સ્વર્ગ પરની ધરતી

ચારધામને શું કહેશો ધરતી પરનું સ્વર્ગ કે સ્વર્ગ પરની ધરતી

02 June, 2019 10:35 AM IST |
ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

ચારધામને શું કહેશો ધરતી પરનું સ્વર્ગ કે સ્વર્ગ પરની ધરતી

બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું  છે, જેનોચારધામમાંના એક ધામમાં સમાવેશ થાય છે. 2013ની સાલમાં આવેલી કુદરતી આફતે અહીંની સિકલ બદલી નાખી હતી, પરંતુ મંદિરમાં આવેલા શિવલિંગને કોઈ પણ પ્રકારનું નુકસાન થઇ શક્યું હતું.

બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલું છે, જેનોચારધામમાંના એક ધામમાં સમાવેશ થાય છે. 2013ની સાલમાં આવેલી કુદરતી આફતે અહીંની સિકલ બદલી નાખી હતી, પરંતુ મંદિરમાં આવેલા શિવલિંગને કોઈ પણ પ્રકારનું નુકસાન થઇ શક્યું હતું.


ટ્રાવેલ-ગાઇડ

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથની ગુફામાં કરેલી સાધનાના સમાચારે ફરી એક વખત ચારધામનાં સ્થળો ચર્ચામાં આવી ગયાં છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ એમ આ ચાર સ્થળો ચારધામ તરીકે ઓળખવામાં આવે છે. પુરાણોમાં પાવન ગણાતી અને સ્વર્ગનાં દ્વાર તરફ લઈ જતી હોવાનું કહેવાતી આ ચારધામ યાત્રા હિન્દુ ધર્મનું સૌથી પ્રમુખ અને પવિત્ર સ્થળ ગણાય છે. અહીં સુધી પહોંચવાનો માર્ગ કઠિન અને મુશ્કેલ હોવા છતાં અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઊમટી પડે છે. ભારતીયો જ નહીં, પરંતુ વિદેશીઓમાં પણ અહીં આવવાનો ક્રેઝ વધી રહ્યો છે જેને લીધે આજે ચારધામ મુખ્ય ટૂરિસ્ટ હબ બની રહ્યું છે.



ભારત આસ્થા અને માન્યતાનો દેશ છે. આ આસ્થા અને માન્યતાનું પ્રતીક છે ઉત્તરાખંડમાં આવેલી દેવભૂમિની ચારધામ યાત્રા. આ સ્થળો માત્ર પૌરાણિક કે ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ પવિત્રતા અને ભક્તિભાવનો એક ઊર્જા સ્રોતો છે. થોડા દિવસ પૂર્વે જ અખાત્રીજના દિવસે ચારધામની યાત્રા શરૂ કરવામાં આવી છે અને હંમેશની જેમ આ વખતે પણ દર્શન કરવા માટે માનવમેદની ઊમટી પડી છે ત્યારે ચાલો આપણે આ ચારધામ વિશે જાણીએ.


કેદારનાથ

ચારધામનું ત્રીજું ધામ કેદારનાથ છે. આપણે જાણીએ જ છીએ તેમ ભગવાન શિવનાં બાર જ્યોતર્લિંગ છે તેમાંનુ એક કેદારનાથ છે. ઊંચા પર્વત અને હજારો ફૂટ ઊંડી ખીણની વચ્ચે ગૌરીકુંડથી કેદારનાથનું અંતર ૨૨ કિલોમીટર છે, જ્યાં સુધી જવા માટે ચઢાણ ચઢવું પડે છે. વર્ષ ૨૦૧૩ દરમ્યાન અહીં થયેલા કુદરતી કોપને લીધે કેદારનાથને મોટું નુકસાન થયું હતું. એટલું જ નહીં, પરંતુ અહીં સુધી પહોંચતા રસ્તા પણ ખરાબ રીતે અસરગ્રસ્ત થયા હતા, જેને લીધે અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ લાંબો બની ગયો છે. અગાઉ અહીં સુધી પહોંચવા માટે ૧૪ કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે આ ૨૨ કિલોમીટરનું ચઢાણ ચઢવા પડે છે, જે માટે અહીં ઘોડા અને પાલખી પણ મોજૂદ છે. આ સિવાય હેલિકૉપ્ટર સર્વિસ પણ હવે ઉપલબ્ધ છે. મહાભારતમાં આ સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ જ્યારે પાંડવો ગોત્રહત્યાનાં પાપ ધોવા માટે હિમાલય પર ભટકી રહ્યા હતા ત્યારે ભગવાન કેદારનાથે તેમને દર્શન આપીને પાપમાંથી મુક્તિ અપાવી હતી. એવી પણ માન્યતા છે કે મૂળ મંદિરનું બાંધકામ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. કેદારનાથનું મંદિર અક્ષયતૃતીયાથી લઈને કાર્તિક પૂર્ણિમા સુધી ખુલ્લું રહે છે. હિમાલયની નજીક આવેલા અને બરફથી ઘેરાયેલા પહાડની વચ્ચે આવેલું મંદિર મંદાકિની નદીનું ઉગમસ્થાન પણ છે. નજીકમાં ભૈરવનાથનું મંદિર છે, જેને અહીંના રક્ષક કહેવામાં આવે છે.


મંદિર સિવાય અહીં જોવાલાયક સ્થળોમાં ગુપ્તકાશી, ગાંધીસરોવર અને પંચકેદાર છે.

કેદારનાથની ગુફા

નરેન્દ્ર મોદીએ જ્યારથી કેદારનાથની ગુફામાં ધ્યાન ધર્યું છે ત્યારથી લઈને આ ગુફા અનેક ગણી પ્રસિદ્ધિ પામ્યું છે. આ ગુફા કેદારનાથના મંદિરની ડાબી બાજુએ આવેલી પહાડી પર છે. પાંચ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી આ ગુફા એપ્રિલ મહિનામાં જ બનાવવામાં આવી છે, જેનું નામ રુદ્રગુફા રાખવામાં આવ્યું છે. આ ગુફામાં બુકિંગ કરાવવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. સૌપ્રથમ ગઢવાલ મંડળ વિકાસ નિગમ કે જેણે આ ગુફા બનાવી છે એની પાસે બુકિંગ કરાવવું પડે છે. ત્યાર બાદ નંબર લાગ્યા પછી ગુપ્તકાશીમાં મેડિકલ ટેસ્ટ થાય છે. ત્યાર બાદ ફરીથી કેદારનાથમાં મેડિકલ ટેસ્ટ હાથ ધરાય છે અને પછી ગુફામાં જવાનો ચાન્સ મળે છે. અહીં આવી બીજી પાંચ ગુફા બનવા જઈ રહી છે.

હરિદ્વાર

હરિદ્વાર ચારધામમાં આવતું નથી તેમ છતાં અહીં આવ્યા વિના ચારધામની યાત્રા પૂરી થતી નથી. ચારધામ જવા માટે હરિદ્વારથી જ આગળ વધવું પડે છે. એટલે જ તેને કેટલાક શિવભક્તો હરદ્વાર કહે છે તો કેટલાક વિષ્ણુભક્તો હરિદ્વાર પણ કહે છે. ગંગોત્રીમાંથી નીકળતી ગંગાની ધારા અહીંથી જ મેદાની ક્ષેત્રમાં પહોંચે છે. ચારધામનું પ્રવેશદ્વાર હોવા ઉપરાંત હરિદ્વાર પોતાનું પણ એક અલગ મહત્વ ધરાવે છે. હિન્દુ સાત પવિત્ર સ્થળોમાંનું એક સ્થળ હરિદ્વાર છે તેમ જ સાત મોક્ષદાયિની નગરીમાંની એક નગરી પણ ગણાઈ છે. આજે પણ ઘણા લોકો મૃત્યુ પામેલા લોકોની ચિતાની રાખ અહીં પધરાવે છે.

યમુનોત્રી

ચારધામની યાત્રા યમુનોત્રીથી શરૂ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, યમુના નદીનું ઉગમસ્થાન એટલે યમુનોત્રી. અહીંથી યમુના નદી નીકળે છે. યમરાજની બહેન અને સૂર્યની પુત્રી યમુના કે જે યમનોત્રી તરીકે પણ ઓળખાય છે. આ સ્થળ સમુદ્રતટ થી લગભગ ૩૩૦૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જ્યાં સુધી પહોંચવા ચઢાણ ચઢવું પડે છે. જે લોકો નથી ચઢી શકતા તેઓ માટે અહીં પાલખીની વ્યવસ્થા પણ છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ યમનોત્રી આવે છે અને દર્શન કરે છે તેને મૃત્યુના સમયે યમ ક્યારેય હેરાન કરતા નથી. આ તો એક માન્યતાની વાત છે, હકીકત ખબર નથી, પણ એક હકીકત ખબર છે અને તે છે આ મંદિર. એક તો સુંદર પહાડી વિસ્તાર અને તેની વચ્ચે આવેલું અને પહાડી શૈલીમાં બનેલું યમુના મંદિર કેટલા સુંદર અને નયનરમ્ય નજારાનું નિર્માણ કરતું હશેને! મંદિર કાળા સંગેમરમરમાંથી બાંધવામાં આવ્યું છે. મંદિરની બાજુમાં વહેતી યમુના નદી એક પવિત્ર વાતાવરણ અને શાંતિનો અનુભવ કરાવી જાય છે તેમ જ અહીં સુધી આવવા માટે કરવી પડતી કઠિન મુસાફરીનો થાક પણ ઊતરી જાય છે. અહીં આવેલા સૂર્યકુંડ અને જમુનાબાઈ કુંડ ગરમ પાણીના પ્રખ્યાત કુંડ છે. સૂર્યકુંડની નજીક દિવ્યશિલા નામક સ્થાન છે. કહેવાય છે કે યમુનોત્રી મંદિરમાં આવતા પહેલાં આ દિવ્ય શિલાનું પૂજન કરવું અનિવાર્ય છે.

ગંગોત્રી

ચારધામ યાત્રાનો બીજો પડાવ ગંગોત્રી છે. હિન્દુ ધર્મમાં ગંગા નદીને સૌથી પવિત્ર અને પાપનાશિની નદી કહેવામાં આવે છે. યમુનોત્રીનાં દર્શન કરીને લોકો ગંગોત્રી આવે છે. ગંગોત્રી ધામ ઉત્તરાખંડમાં આવેલા ઉત્તરકાશીથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે છે, જ્યારે યમુનોત્રીથી ૨૧૯ કિલોમીટરના અંતરે છે. પૌરાણિક કથા મુજબ મા ગંગા અહીંથી અવતર્યાં હતાં, જેને લીધે આ સ્થાન ગંગોત્રી તરીકે ઓળખાય છે. ગંગાનું પ્રાકૃતિક ગોમુખ ગ્લેશિયર ગંગોત્રીથી ૧૮ કિલોમીટર દૂર છે. જેમ શિવની જટામાંથી ગંગાની ધારા નીચે ગોળ ગોળ ફરીને ઊતરે છે તેવી જ રીતે અહીં પણ ગંગાનું પાણી નીચે ઊતરે છે.

શરૂઆતની નદી ભગીરથી તરીકે ઓળખાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદાને મળે છે. મંદિર હારસીલ નગરથી ૨૨ કિલોમીટર દૂર છે. મંદિરની અંદર માતા ગંગાની સોનાની મૂર્તિ બનાવવામાં આવેલી છે, અને મંદિરની બહાર પીળા રંગની ધજા લગાવવામાં આવેલી છે, જે મંદિરના સૌંદર્યને વધુ નિખારે છે. લીલાં જંગલો, પહાડોને ફાડતા રસ્તા અને કુદરતી સૌંદર્યથી ઊભરતા રસ્તાની વચ્ચેથી પસાર થઈને આગળ વધવાની મજા પણ કંઈ અલગ જ છે. હા, પણ સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ પવિત્ર મંદિરનાં દર્શન કરતાં પૂર્વે હાડકાં થીજવી દે તેવા ઠંડા પાણીમાં ડૂબકી પણ મારવી પડે છે.

બદરીનાથ

કેદારનાથ બાદ ચોથું અને છેલ્લું ધામ આવે છે અને તે છે બદરીનાથ. બદરીનાથ ભગવાન વિષ્ણુનું મંદિર છે અને ચારધામનું મુખ્ય ધામ છે, જે ચમોલી જિલ્લામાં ૩૧૩૩ મીટરની ઊંચાઈ પર આવેલું છે. ગૌરીકુંડથી બદરીનાથ ૨૨૯ કિલોમીટરના અંતરે છે. અહીથી બદરીનાથ જવાના બે માર્ગ છે. એક કેદારનાથથી રુદ્રપ્રયાગ થઈને ૨૪૩ કિલોમીટર દૂર બદરીનાથ જવું અને બીજો માર્ગ છે ઉખીમઠ થઈને ૨૩૦ કિલોમીટરનું અંતર કાપી ત્યાં પહોંચવું. બદરીનાથને સ્વર્ગનું દ્વાર પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે બદરીનાથથી જ સ્વર્ગમાં જવાનો રસ્તો પસાર થાય છે. હકીકત જે હશે તે, પણ આ સ્થળ ભગવાન વિષ્ણુ બદરીનાથના રૂપમાં પૂજાય છે. નર અને નારાયણ પર્વતની વચ્ચે આવેલું બદરીનાથ સમુદ્રતટથી ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. અહીંથી પસાર થતી અલકનંદા નદી આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. બદરીનાથનું મંદિર અનેક રીતે ખાસ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના આ ધામમાં ભક્તિ અને શક્તિનો વિશેષ સંગમ જોવા મળે છે. કથા પ્રમાણે, જ્યારે વિષ્ણુ ભગવાન આ સ્થળે તપ કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મી તેમને શોધતાં શોધતાં અહીં આવે છે ત્યારે જુએ છે કે ભગવાન તપ કરવામાં લીન છે અને તેમને ખબર પણ નથી કે તેમના પર બરફ પડી રહ્યો છે. ભગવાનને બરફથી રક્ષણ આપવા માટે તેઓ તેમની બાજુમાં બદરી નામક વૃક્ષ બનીને ઊભાં રહી જાય છે અને બરફથી રક્ષણ આપે છે. જ્યારે ભગવાન વિષ્ણુ તપસ્યામાંથી જાગે છે ત્યારે જુએ છે કે લક્ષ્મી બદરી વૃક્ષરૂપે તેમનું રક્ષણ કરી રહ્યા છે ત્યારે તેમણે લક્ષ્મીજીને કહ્યું કે આજથી આ જગ્યા બદરીનાથના નામથી ઓળખાશે. બીજી એક વાર્તા પ્રમાણે, આદિ ગુરુ શંકરાચાર્યને નારદકુંડ માંથી ભગવાન વિષ્ણુની વિશાળ મૂર્તિ મળી હતી. તેમણે આ મૂર્તિને મંદિરમાં મૂકી અને ત્યારથી આ મંદિર બદરીનાથના નામથી ઓળખવામાં આવ્યું હતું. મંદિરનો ઉદ્ભવ થવાની આવી અનેક વાર્તા છે. મંદિરને ધ્યાનથી જોશો તો તે દૂરથી એક ઘરસમાન લાગે છે. ભગવાનનું ઘર કેવું હોઈ શકે છે એવો વિચાર કરીને આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બદરીનાથનો કપાટ ખૂલે છે ત્યારે પ્રથમ દિવસે અહીં અખંડ જ્યોતના દર્શન થાય છે, જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ જ્યોત શિયાળાની કડકડતી ઠંડીમાં પણ એટલી જ પ્રજ્વલિત રહે છે. પુરાણોમાં લખેલું છે કે બદરીનાથમાં છ મહિના દેવતા અને છ મહિના મનુષ્ય પૂજા કરશે. માન્યતા છે કે છ મહિના નારદજી મુખ્ય પૂજારી હોય છે, જે મા લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરે છે. મંદિરની પાસે ગરમ પાણીનો કુંડ છે. વર્ષો અગાઉ અહીં નારાયણ સ્વામી દર્શન આપતા હતા, પરંતુ પૃથ્વી પર પાપ વધતાં તેઓ અંતરધ્યાન થઈ ગયા હતા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર અનેક તીર્થ છે, પરંતુ બદરીનાથ જેવું કોઈ તીર્થ નથી. આ મંદિરનું નિર્માણ વૈદિક કાળમાં થયું હતું. આઠમી સદીમાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા મંદિરનું પુનર્નિમાર્ણ કરવામાં આવ્યું હતું. સમય જતાં દેશમાં વિદેશી આક્રમણો થતાં ગયાં, કુદરતી અને માનવસર્જિત આપત્તિ આવતી ગઈ તેમ મંદિરના બાંધકામને પણ અસર પડવા લાગી. વર્તમાનમાં જે મંદિર છે એનું નિર્માણ બે શતાબ્દી અગાઉ કરવામાં આવ્યું છે. ૧૭મી સદીથી મંદિરમાં દક્ષિણ ભારતના પૂજારી દ્વારા પૂજા કરવામાં આવે છે. મંદિરના શિખર પર વિશાળ ગુંબજ છે, જ્યારે અંદર ૧૫ મૂર્તિ છે. મંદિરની અંદર ભગવાન વિષ્ણુની સાથે નર અને નારાયણ ધ્યાન મુદ્રામાં બિરાજમાન છે. મંદિરની અંદર વિષ્ણુની શાલિગ્રામ સ્વરૂપે કાળા પથ્થરની મૂર્તિ છે. મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. સભામંડપ, ગર્ભગૃહ અને દર્શનમંડપ.

અહીં આવનારા ભક્તો વિષ્ણુને વનતુલસીની માળા અર્પણ કરે છે. મંદિરમાં પ્રવેશ કરતાં પૂર્વે તેપ્તકુંડમાં સ્નાન કરવું ફરજિયાત છે. નજીકમાં જોવા જેવાં સ્થળોમાં વ્યાસગુફા, નારદકુંડ, વસુધારા ફૉલ અને અલકાપુરીનો સમાવેશ થાય છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

- દર વર્ષે ચારધામની યાત્રા એપ્રિલ-મે મહિના દરમ્યાન શરૂ થાય છે અને ઑક્ટોબર-નવેમ્બર સુધી ચાલુ રહે છે.

- દિવાળી પછી અહીં ભારે બરફવર્ષા થાય છે તેમ જ આ જગ્યાઓ ઊંચાણવાળાં સ્થળોએ હોવાથી અહીં આવવું કઠિન બને છે, જેથી કરીને આ સમયગાળા દરમ્યાન યાત્રા બંધ રાખવામાં આવે છે.

- આ બધાં ધામ ઊંચાઈ પર આવેલાં હોવાની સાથે ચઢાણ પણ અઘરું હોવાથી શ્વાસ કે હૃદય સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારી હોય તો અહીં જતાં પૂર્વે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

- અહીં દિવસના સમયે ગરમી, સાંજે ઠંડક અને રાત્રે કડકડતી ઠંડી પડે છે, તો ક્યારેક વરસાદ પણ પડે છે, જેથી ત્રણે સીઝનનાં કપડાં સાથે રાખવાં પડે છે.

- ગંગોત્રીના ગૌમુખ સુધી જવાનો રસ્તો એક યાદગાર સંભારણું બની રહે તેવો છે, પરંતુ એ માટે જરૂરી પરવાનગી લેવી પડે છે.

- સર તાલ અને કેદાર તાલ ગંગોત્રીના મુખ્ય આકર્ષણ છે.

- ૨૦૧૩ની સાલમાં થયેલી કુદરતી હોનારત બાદ ૨૦૧૪થી ઉત્તરાખંડ સરકારે અહીં આવતા યાત્રીઓ માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બનાવ્યું છે, જેના પછી તેમને બાયોમેટ્રિક કાર્ડ ઇશ્યુ કરાય છે. આ કાર્ડથી યાત્રીઓને જીપીએસ આધારિત મોનિટરિંગ સિસ્ટમથી ટ્રૅક કરવામાં આવે છે.

- અહીં રહેવા માટે હાઈફાઈ રિર્સોટ મળશે નહીં.

- કેદારનાથ સુધી પહોંચવા માટે હેલિકૉપ્ટરની સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સર્વિસનો લાભ ફાટાથી લઈ શકાય છે.

- કેદારનાથ ઘણી ઊંચાઈ પર આવેલું હોવાથી અહીં વર્ષના છ મહિના પુષ્કળ બરફ હોય છે.

- જૂન મહિનામાં બદરીનાથમાં બદરી-કેદાર તહેવાર ઊજવાય છે, જ્યાં અહીંની સંસ્કૃતિ વિશે ઘણું જાણવા મળી શકે છે.

- બદરીનાથનો સમાવેશ ભારતનાં ચારધામ અને ઉત્તરાંચલનાં ચાર ધામમાં થાય છે.

- હરિદ્વારથી લઈને બદરીનાથ સુધીના હિમાલયના સમગ્ર વિસ્તારમાં દારૂબંધી છે.

આ પણ વાંચો : મિલાન : જાણો કેમ અહીંની ચર્ચ છે ઐતિહાસિક?

ક્યારે અને કેવી રીતે જવું?

વર્ષના છ મહિના માટે જ આ યાત્રા ચાલુ રહેતી હોવાથી તમારે આ સમયની અંદર જ જવું પડશે. ચારધામની યાત્રા દિલ્હી અથવા હરિદ્વારથી શરૂ કરવી પડે છે. જો તમે રેલમાર્ગે આવવા માગતા હોવ તો હૃષીકેશ સૌથી નજીકનું સ્ટેશન છે. જો હવાઈ માર્ગે મુસાફરી કરવી હોય તો જોલીગ્રાન્ટનું ઍરપોર્ટ નજીક છે. યમુનોત્રી સુધી પહોંચવા માટે મુખ્ય હરિદ્વાર-હૃષીકેશથી બસ, ટૅક્સી અને અન્ય પ્રાઇવેટ વાહનો મળી રહે છે. દિલ્હીના માર્ગે ચારધામની યાત્રા કરવા માટે ૧૨ દિવસનો સમય લાગે છે, જેનો ક્રમ અનુક્રમે દિલ્હી-હરિદ્વાર-બારકોટ-યમુનોત્રી-ઉત્તરકાશી-ગંગોત્રી-ગુપ્તકાશી- કેદારનાથ-રુદ્રપ્રયાગ-બદરીનાથ-જોશીમઠ-શ્રીનગર(ગઢવાલ)-હૃષીકેશ-દિલ્હી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2019 10:35 AM IST | | ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK