રડવાથી બાળક સારું ઊંઘે છે

Published: 12th October, 2012 06:16 IST

એ તો કદાચ સૌ માનશે, પરંતુ ઑસ્ટ્રેલિયન રિસર્ચરોનું કહેવું છે કે તેને જાતે સૂવાની આદત પાડવા માટે રડાવવું પડે તો એનોય વાંધો નહીં. જોકે બાળનિષ્ણાતો એ વાત સાથે સહમત નથીસેજલ પટેલ

બાળકોને સુવડાવવાં એ એક જાયન્ટ ટાસ્ક છે, કેમ કે મોટા ભાગે એવું બનતું હોય છે કે બાળક ઊંઘમાં ભરાય એટલે ચીડિયું થઈ જાય અને થોડું-થોડું રડવા લાગે. બાળકોની સૂવાની પૅટર્ન માટે ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ મેલબૉર્નના સાયન્ટિસ્ટોએ એક વિચિત્ર સંશોધનપત્ર બહાર પાડ્યું છે જેમાં કહેવાયું છે કે બાળકને હંમેશાં આળપંપાળ કરીને સુવડાવવાને બદલે પોતાની મેળે સૂતાં શીખવાની ટ્રેઇનિંગ આપવી જોઈએ. એ માટે તેને રડાવવું પડે તો એય ભલે. તેમણે સૂચવેલી ટેક્નિક મુજબ તો બાળકને પહેલાં બે મિનિટ, પાંચ મિનિટ કે દસ મિનિટ સુધી રડાવવું પડે તો રડાવવું; એમાં કોઈ હાનિ નથી એવો પણ રિસર્ચરોનો દાવો છે. તેમણે સાત મહિનાથી મોટાં ૩૨૬ બાળકો પાંચ વરસની વયનાં થાય ત્યાં સુધી તેમની અને તેમની મમ્મીઓ પર પ્રયોગ કરીને એવો પણ દાવો કર્યો છે કે રડવા દેવામાં આવેલાં બાળકોને સારી ઊંઘ આવે છે અને તેમની મમ્મીઓને પણ ડિલિવરી પછી આવતા ડિપ્રેશનનું જોખમ ઘટે છે. આનાથી લાંબા ગાળે પણ બાળકને કોઈ ક્ષતિ નથી થતી એવો દાવો બ્રિટનના ‘પીડિયાટ્રિક્સ’ જર્નલમાં નોંધાયેલા આ સંશોધનમાં થયો છે.

રિસર્ચમાં કેટલું તથ્ય?

શું ઊંઘમાં આવીને બાળક રડતું હોય તો તેને ઊંઘાડવાને બદલે તેની મેળે સૂઈ જશે એની રાહ જોયા કરવી જોઈએ? એ માટે જાણીતા પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘સૌથી પહેલાં તો એક વાત સમજવી જોઈએ કે દેશ-વિદેશની યુનિવર્સિટીઓમાં આવાં અધકચરાં તારણો આએદિન નીકળતાં રહેતાં હોય છે. એ બધાં સાચાં માની લેવાનું જોખમભર્યું છે. નવજાત શિશુ કદી કોઈ કારણ વિના રડતું નથી. તેને પોતાને ડિસ્કમ્ફર્ટ થઈ રહી છે એ કમ્યુનિકેટ કરવાનું તેમની પાસે એકમાત્ર સાધન હોય છે રડવાનું. એવા સમયે તે રડીને થાકીને સૂઈ જશે એવું ન વિચારાય. બાળક રડતું હોય ત્યારે તેનાં રડવાનાં કારણો સમજવાં જરૂરી છે.’

બાળક રડે છે કેમ?

દિવસ દરમ્યાન બાળક વિવિધ કારણોસર રડતું હોય છે. ભૂખ લાગી હોય, થાક લાગ્યો હોય, તરસ લાગી હોય, કંઈક વાગ્યું હોય કે પીડા થતી હોય, ગૅસ થયો હોય કે પછી શરીરમાં કોઈક ગરબડ ચાલી રહી હોવાથી તેને વ્યાકુળતા થતી હોય અથવા ઊંઘ આવતી હોય ત્યારે તે રડતું હોય છે. રાતે સૂતી વખતે મોટા ભાગનાં બાળકો કેમ રડે છે? આપણને થાય કે બેટા, ઊંઘ આવતી હોય તો સૂઈ જા, રડીને એનર્જી શું કામ બાળે છે? પણ ના, બાળકોને સમજાતું નથી કે પોતાને ઊંઘ આવી રહી છે એટલે પથારીમાં જઈને હાલી કરી જઈએ. તે તો બસ રડે છે. ડૉ. પંકજ પારેખ કહે છે, ‘બાળકની આંખમાં ઊંઘ ભરાય એટલે તે આંખો ચોળવા લાગે અને વગર કારણે રડવા લાગે. એવા સમયે મા-બાપનું કામ છે કે તેની આંખમાં ઊંઘ ભરાઈ છે એ સમજે અને તેને સૂવડાવે.’

રડ્યા પછી સારી ઊંઘ આવે

ઑસ્ટ્રેલિયન રિસર્ચરોએ કરેલા સંશોધનમાં એક વાત એ પણ છે કે બાળકો રડીને થાકી જાય એ પછી આપમેળે સૂઈ જાય છે ને એ ગહેરી નીંદ હોય છે. મતલબ કે રડ્યા પછી સૂવાથી સારી ઊંઘ આવે છે. આ વાત કેટલે અંશે સાચી છે એ વિશે બાળનિષ્ણાત ડૉ. પંકજ પારેખને પૂછતાં તેઓ કહે છે, ‘બાળક પૂરતું ઊંઘે એ જરૂરી છે. તે રડીને સૂએ છે કે રમતાં-રમતાં એ સેકન્ડરી છે. રડીને થાકશે તો સારું સૂઈ જશે એવું વિચારીને તેને રડાવવું એ વાત યોગ્ય નથી. એકાદ-બે વરસનાં બાળકો પૂરતું રમીને થાકી જાય તો આપમેળે ગાઢ નિદ્રામાં પોઢી જાય છે ને એ ઊંઘ સૌથી શ્રેષ્ઠ હોય છે.’

વધુ રડવું હાનિકારક

જીવનના દરેક તબક્કે રડવાનું મહત્વ અનોખું હોય છે. જેમ કે જન્મ પછી તરત જ બાળક રડે નહીં તો ડિલિવરી રૂમમાં ઊભેલા તમામ ડૉક્ટરોના જીવ ઊંચાનીચા થઈ જાય. માના પેટમાં ગર્ભનાળ સાથે જોડાઈને એના દ્વારા ઑક્સિજન મેળવતું બાળક જન્મ થયા પછી પહેલો શ્વાસ પોતાના નાક અથવા મોંએથી લે છે એની નિશાની છે તેનું પહેલું રુદન. એ પછી બે-ચાર અઠવાડિયાંથી લઈને ત્રણ-ચાર મહિના સુધી નવજાત શિશુમાં સહેજે રડવાનું પ્રમાણ વધારે હોય, કેમ કે તેનું તમામ કમ્યુનિકેશન માત્ર રડીને જ થતું હોય છે. બાળક મોટું થાય અને ઇશારાથી સમજાવવા લાગે એટલે રડવાની માત્રા ઘટતી જાય. ડૉ. પંકજ પારેખ કહે છે, ‘એક વર્ષના બાળક માટે ૧૦ મિનિટથી વધુ રડવાનું હાનિકારક છે. જ્યારે તેને ખૂબ તકલીફ હોય ત્યારે જ તે આટલુંબધું રડતું હોય છે. જો બાળકને જાતે સૂવાની આદત પાડવી હોય તો મારા મતે પાંચેક મિનિટ સુધી તેને રડવા દઈ શકાય. એથી વધુ જો તે રડે તો તેને તરત અટેન્શન આપવું જોઈએ.’

પણ શું નાના બાળકને જાતે જ સૂવાની આદત પડવી જોઈએ એ આગ્રહ યોગ્ય છે? એ વિશે આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જાતે સૂવાની કે એકલા સૂવાની વાતો પશ્ચિમના દેશોની છે. બાળક મા-બાપની સાથે ગીતો સાંભળતું કે વાતો કરતું-કરતું સૂઈ જાય એ સૌથી શ્રેષ્ઠ છે. એનાથી બાળક સલામતી અનુભવે છે. વિદેશોમાં બે-ત્રણ વરસના બાળકને બીજા રૂમમાં સૂવડાવીને દંપતી પોતાના બેડરૂમમાં ચાલી જાય છે, પણ આપણે ત્યાં બાળક આઠ-દસ વરસનું થાય ત્યાં સુધી તેને એકલાને રૂમમાં સૂવાની આદત કોઈ પાડતું નથી. એ સારી જ વાત છે. દરેક વયના બાળકને સુવડાવવાની ટેક્નિક જુદી-જુદી હોય છે.’

સુવડાવવાના રસ્તા

એક-બે વરસ સુધી : હાલરડું, ભક્તિધૂન કે શ્લોક ગાઈને સૂવડાવી શકાય. ગીત સાંભળીને બાળકનું રડવાનું આપમેળે અટકી જાય છે. બાળકને પીઠ કે છાતી પર હળવેકથી થપથપાવવું કે ખોળામાં મૂકીને ઝુલાવવું. રડતા બાળકને શાંત કરવા માટે થઈને બ્રેસ્ટ-ફીડ કરાવવા લાગવું કે મોંમાં દૂધની બૉટલ મૂકી દેવી ઠીક નથી. ગૅસની તકલીફ થતી હોય તો સાંજ પછી એક ચમચી ગ્રાઇપવૉટર આપી દેવું જેથી ગૅસ નીકળી જાય.

બે વરસથી મોટાં : સુંદર વાર્તાઓ કહીને સૂવડાવી શકાય. બાળક કલ્પનાની દુનિયામાં વાતો કરતાં-કરતાં જ સરી પડે અને સાથે પૌરાણિક વાર્તાઓમાંથી શીખ પણ મળે. બીજું, સાંજના સમયે બાળક સારી રીતે રમે અને ફિઝિકલ ઍક્ટિવિટી કરીને થાકશે તો આપમેળે સૂઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK