Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લૉકડાઉને સરજેલી સ્થિતિમાં અપનાવવા જેવી છે, ગાંધીજીની સંયમિત આહાર પદ્ધતિ

લૉકડાઉને સરજેલી સ્થિતિમાં અપનાવવા જેવી છે, ગાંધીજીની સંયમિત આહાર પદ્ધતિ

30 March, 2020 07:56 AM IST | Mumbai Desk
Pooja Sangani

લૉકડાઉને સરજેલી સ્થિતિમાં અપનાવવા જેવી છે, ગાંધીજીની સંયમિત આહાર પદ્ધતિ

બિગ બૉસની જેમ ઘરકામમાં પ્રવૃત્ત રહેશો તો સ્વસ્થ રહેશો

બિગ બૉસની જેમ ઘરકામમાં પ્રવૃત્ત રહેશો તો સ્વસ્થ રહેશો


કેમ છો મિત્રો, સૌ મજામાં રહેજો. આ કોરોનાએ જે આફત નોતરી છે એના કારણે હવે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મુંબઈમાં તો લૉકડાઉનનું બીજું અઠવાડિયું છે જ્યારે ગુજરાતમાં તો એક સપ્તાહ પૂર્ણ થઈ ગયું છે. હજી સારું છે કે આપણને દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, કઠોળ, મસાલા અને દવાઓ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે છે અને આપણે ઘરે રહીને બે ટાઇમ ભોજન અને બે ટાઇમ નાસ્તો કરી શકીએ છીએ. મિત્રો, ગયા રવિવારે લેખ આવ્યો પછી ઘણાબધા વાચકોના ફીડબૅક મને આવ્યા હતા કે કાં તો અમુક લોકોનો ખોરાક વધી ગયો છે જ્યારે અમુકનો સાવ ઘટી ગયો છે. ઘણાનો વ્યવહાર બદલાવા લાગ્યો છે, માંદગીના અણસાર દેખાવા લાગ્યા છે. ત્યારે હવે કરવું શું? એ પ્રશ્ન ઊભો થયો છે.

ગાંધીજીની કરકસર યાદ કરવી
સૌથી પહેલાં તમને એક વિનંતી છે કે આજકાલ આપણી પાસે સમય બહુ છે અને કામ ઓછું છે. આપણે મોટા ભાગનો સમય ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા અને ટેલિવિઝન પાછળ પસાર કરીએ છીએ, પરંતુ એક વાર ગાંધીજીનું ‘સત્યના પ્રયોગો’ પુસ્તક મેળવીને વાંચી લેવું જોઈએ. ગાંધીજીએ તેમના જીવનમાં આરોગ્ય, ખાન-પાનથી લઈને જે પણ વર્ણન કર્યું છે એ આજની તારીખમાં પણ પ્રસ્તુત છે. ઑનલાઇન મળતું હોય તો વાંચી જજો. આ કહેવાનું કારણ એ કે લૉકડાઉનના શરૂઆતના દિવસો સરળતાથી પસાર થઈ ગયા, પણ પાછળના દિવસો કાઢવા ખૂબ અઘરા પડી શકે છે.



શરૂઆતમાં રજા જેવો માહોલ અને પરિવાર સાથે રહેવાની મજા લાગી હશે, પરંતુ ધીરે-ધીરે તમારું કામ, મિત્રો, ઑફિસ, દુકાન, ફૅક્ટરી, સ્ટાફ વગેરે યાદ આવવા લાગે છે. શરૂઆતમાં જાતજાતનાં પકવાન, મિષ્ટાન્ન, ફરસાણની જયાફત ઉડાવી; પરંતુ એ પણ એકનું એક લાગવા લાગ્યું હશે. તો હવે કરવું શું? તો બસ ગાંધીજીની આત્મકથામાં જે ટૂંક સાર છે એ સ્વયં પર નિયંત્રણ રાખો એ જ એક સૌથી મોટી ગુરુચાવી છે. એ કેવી રીતે કરવું એની તમામ બાબતો પુસ્તકના અંશો પરથી ખબર પડી જાય. તેમના બીજા લેખોમાં ઉપવાસ -એકટાણાનો સંયમ, વિજ્ઞાન અને શારીરિક દૃષ્ટિએ મહત્ત્વ, મન મક્કમ કેમ રાખવું, બીજા જોડે કેવો વ્યવહાર કરવો, પ્રતિકૂળ સમયમાં પણ કરકસર રાખીને કેમ જીવી શકાય વગેરે સહિતના જીવનનાં ઘણાંબધાં પાસાંઓ આવરી લેવામાં આવ્યાં છે.


પૌરાણિક પદ્ધતિ જ અકસીર
આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી મારે કહેવાનું કે હાલના સમયમાં ગ્રામ્ય જીવન પદ્ધતિ અને પૌરાણિક આહાર પદ્ધતિ જ અકસીર સાબિત થશે. અગાઉના જમાનામાં એક સુભાષિત બહુ કહેવાતું જે હાલમાં પણ કામમાં લાગે જ છે અને આ સમયમાં તો ખાસ ધ્યાન રાખજો.

રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર
બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર


નર અને નારી બન્નેને સમાન રીતે લાગતું આ સુભાષિત ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. વહેલા સૂઈ જાઓ અને વહેલા ઊઠી જાઓ એટલે બળ, બુદ્ધિ અને ધન આપોઆપ વધી જતાં નથી. એની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. વહેલા સૂઈ જાઓ એટલે તમારે વહેલું ભોજન કરી લેવું પડે. એટલે ભોજનનું પાચન યોગ્ય થાય. સવારે વહેલા ઊઠી જાઓ એટલે મન પ્રફુલ્લિત રહે. આખો દિવસ સારો જાય. જો તન અને મન બેય પ્રફુલિત હોય તો આપોઆપ બળ આવે જ અને બળ હોય એટલે ધન આવે જ. એ નાણાં હોય કે બુદ્ધિ હોય, બન્ને ધન ત્યારે જ આવે જ્યારે તન અને મન સ્વસ્થ હોય.

આથી લૉકડાઉનના સમયમાં પણ સૂર્યાસ્ત પહેલાં વાળુ કરી શકાય અને પછી વહેલા સૂઈને વહેલા જાગી જવાય. ભોજનમાં રાંધેલો ખોરાક ધીરે-ધીરે ઓછો કરીનેએ એની સાથે કાચાં શાકભાજી અને ફળ લઈ શકાય. આજકાલ બધાને સૂપ ભાવે છે તો એ પણ લઈ શકાય. આ એટલા માટે કહેવામાં આવે છે કે ચોવીસ કલાક ઘરમાં રહેવાના કારણે શારીરિક હલનચલનની પ્રવૃત્તિ લગભગ શૂન્ય થઈ ગઈ છે. બીજી એક જૂની કહેવત છે કે ‘ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે’ જેવી હાલત છે. આથી ભોજનનું પાચન ન થાય તો શરીર બગડવાનું જ છે અને કથળેલા શરીરની અસર તરત જ મન પર પડે છે. આથી અત્યારથી જ ખોરાક ઓછો કરી શકાય.

વન પૉટ મીલ
અનેક લોકોએ ભોજનમાં પણ સ્વયં કરકસર કરવાનું શરૂ કર્યું છે. દરરોજ દાળ, ભાત, શાક અને રોટલી સહિતના ફુલ ભાણાના બદલે ‘વન પૉટ મીલ’ એટલે કે એક ડિશ કે વાટકામાં જ ભરીને ખાઈ શકાય એવા ખોરાક રાંધવાનું શરૂ કર્યું છે. ધારો કે સવારે દાળઢોકળી અને સાંજે ખીચડી. બીજું ઉદાહરણ આપું તો સવારે ખીચડી-કઢી ને અને સાંજે હાંડવો એ રીતની ભોજન પદ્ધતિ અપનાવવાની શરૂ કરી છે.  આ પદ્ધતિ પણ અનુસરવા જેવી છે. એનાથી તમારા ઘરનું અનાજ, કરિયાણું અને મસાલા ઓછા વપરાશે. બહાર ખરીદવા જવાનો અને ચેપ લાગવાનો ભય રહેશે નહીં.

ભોજનમાં સંયમ
જેને અનુકૂળતા હોય તે મન મક્કમ કરીને એકટાણાં કે દિવસમાં માત્ર બે જ વાર ભોજન લેવાનો નિયમ કરી શકે. અલબત્ત જે લોકોને બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, થાઇરૉઇડ કે અન્ય કોઈ શારીરિક તકલીફ હોય અને દવા ચાલતી હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ ભોજન પદ્ધતિનો અમલ કરવો. જો લોકો સ્વસ્થ છે પરંતુ ખાવા ઉપર કન્ટ્રોલ નથી રાખી શકતા તો તેઓ એક ક્રમ ગોઠવી શકે છે. એક દિવસ બે ટાઇમ ભોજન અને બે ટાઇમ નાસ્તો કરતા હોય તો એક-એક ટાણાનો ખોરાક ઓછો કરી શકાય. આ પ્રક્રિયામાં ચાર દિવસ જાય એટલે વસમું નહીં લાગે અને તમને ખબર પણ નહીં પડે કે તમે શરીરને કેટલી રાહત આપી રહ્યા છો. સપ્તાહ કે મહિનાના અમુક દિવસો ભૂખ્યા રહેવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો નીકળે છે અને અંગોને રાહત મળે છે એવાં કેટલાંય વૈજ્ઞાનિક કારણો છે.
જો એ પણ ન ફાવતું હોય તો એવો ક્રમ બનાવી શકાય કે ભોજનમાં પચાસ-પચાસ ટકા રાંધેલું અને કાચું ખાવું. એનાથી પણ શરીરને ફાયદો જ છે, કોઈ નુકસાન નથી. આમ ધીરે-ધીરે ખોરાક ઓછો કરતા જવાથી શરીર હળવું રહી શકે. આરામદાયક અનુભૂતિ થશે. ઘણા લોકોની ફરિયાદ છે કે ખોરાક ખૂબ વધી ગયો છે. એનાં બે કારણ હશે કે એક તો એ કે ઘરે ગરમ-ગરમ અને મનગમતું ખાવાનું મળે છે અને બીજું કારણ ચિંતા હોઈ શકે. બેમાંથી જે પણ કારણ હોય એ, પરંતુ વધુપડતું ખાવાનું બંધ કરવું જોઈએ. જુવાનિયાઓને વાંધો નહીં આવે કદાચ પરંતુ ચાળીસ વર્ષથી ઉપરની વયનાં પુરુષો અને સ્ત્રીઓએ ભોજનની સાથે હલનચલન રાખવું જ જોઈએ.
એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ લૉકડાઉન જેટલો સમય પૂરો થતાં-થતાં જો તમે ધ્યાન ન રાખ્યું તો નાના-મોટા રોગનાં લક્ષણો વર્તાવા લાગશે. એ પછી ખૂબ કામ રહેવાનું છે અને એ કામ જ કરવામાં તમને સરળતા નહીં રહે. એનાથી અત્યારે જ ચેતી જેવા જેવું છે. આજકાલ તો ડૉક્ટરો પણ મળતા નથી અને મળે છે તો આપણને દવાખાને જતાં જ બીક લાગે છે તો શું કામ આપણે જ ગાંધીજીની આત્મકથાની જેમ આપણી જાત ઉપર સંયમ ન રાખીએ? ખાસ કરીને ઘરના વડીલોએ એની શરૂઆત કરવાની જરૂર છે તો એ નાનાં બાળકો સુધી પહોંચશે અને તેઓ પણ તમારું અનુસરણ કરશે.

મારા વહાલા વાચક મિત્રોને એમ લાગશે કે આ ભાષણને લેખ લખ્યો છે અને અમને તો ખાવા-પીવાનો બહુ શોખ છે. પરંતુ ભોજન અને વાનગીઓના વિષય પર લખવાની કોઈ કમી નથી. પરંતુ અત્યારે સમય પારખીને સાવધાન થવાનો વારો છે. તો મિત્રો, તમે અને તમારો પરિવાર આરોગ્યપ્રદ રહે એની કાળજી રાખજો.

બિગ બૉસની જેમ ઘરકામમાં પ્રવૃત્ત રહેશો તો સ્વસ્થ રહેશો
શરીરને શ્રમ પડે એવી પ્રવૃત્તિ એટલે કે ઘરમાં જ ચાલવું, દોરડા કૂદવા, યોગ જેવી આવડે તેવી કસરતો કરવી, નાની-મોટી રમતો રમવાથી ભોજનનું પાચન પણ થશે અને મન પણ પ્રફુલ્લિત રહેશે. જો એમ પણ ન કરવું હોય તો પછી ઘરનાં કામ કરાવવામાં સ્ત્રીઓને મદદ કરો. શાક સમારવાથી લઈને વાસણ ધોવા સુધીની પ્રવૃત્તિ કરવામાં કોઈ નાનમ નથી. સ્ત્રીઓએ પણ આ સમયે પોતાના પરિવાર માટે મક્કમ થઈને ઘરના સભ્યો પાસેથી ઘરનાં તમામ કામ કરાવવાના વારા રાખવા પડશે. જો એવું પણ ન કરતા હોય ‘બિગ બૉસ’ નામના રિયલિટી શોમાં આવે છે તેમ બધાએ પોતાનાં કામ જાતે કરવાનું જ રાખો. આથી આપોઆપ શરીર અને મન બન્ને પ્રવૃત્ત રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 07:56 AM IST | Mumbai Desk | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK